શું લાઇફના દરરોજના ચાર કલાક લોકલ ટ્રેનમાં પસાર કરવાના?

14 June, 2019 02:05 PM IST  |  મુંબઈ | જેડી કૉલિંગ - જમનાદાસ મજીઠિયા

શું લાઇફના દરરોજના ચાર કલાક લોકલ ટ્રેનમાં પસાર કરવાના?

મુંબઈ લોકલ

(વિદ્યાવિહારની સોમૈયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટમાં એમબીએનો કોર્સ જૉઇન કર્યો એ પછી મારો પનારો સેન્ટ્રલ લાઇન સાથે પડ્યો. મલાડથી દાદર અને દાદરથી ટ્રેન બદલીને વિદ્યાવ‌િહાર જવાનું. એ સમયે હું અને મારો અત્યારનો પાર્ટનર આતિશ કાપડિયા સાથે આવતા-જતા, ટ્રેનના એ અનુભવોની વાત હવે આગળ...)

એ સમયગાળો ખૂબ સરસ હતો. ટ્રેનની એ સફરમાં હું અને આતિશ કાપડ‌િયા વાતો, વાતો ને વાતોમાં જ રત રહેતા. અમે કુલ પાંચ ફ્રેન્ડ્સ પણ આ પાંચ ફ્રેન્ડ્સમાં મેં સૌથી વધારે પ્રવાસ આતિશ સાથે કર્યો છે. દાદરની ભીડને ક્યારેય કોઈ ન પહોંચી શકે, ભીડને પણ અને સ્ટેશન પર આવતાં-જતાં પાત્રોને પણ. કાંદિવલી-મલાડથી લગભગ આપણા ગુજરાતીઓ ચડતા-ઊતરતા હોય પણ એ જ ગુજરાતી વ્યક્તિને સેન્ટ્રલ લાઇન પર ન સમજાય એવી જુદી જ અનુભૂતિ થતી, મને તો થતી જ. વેસ્ટર્ન લાઇનની એક ટ્રેનમાંથી ઊતરીને સેન્ટ્રલ લાઇનની બીજી ટ્રેન પકડવાની એ પ્રોસેસથી ટાઇમ-પ્લાનિંગ તો શીખવા મળે જ છે, પણ સાથોસાથ બીજું પણ ઘણું શીખવા મળે છે. ટ્રેનમાંથી ઊતરો કે સામે ટ્રેન ઊભી હોય એવું જરૂરી નથી. ઝનૂન, સમયસૂચકતા અને ધીરજ જેવી કંઈક ટ્રેઇનિંગ મળી છે આ બધામાંથી. સૌથી વધારે અનુભવો મળ્યા મરીનલાઇન્સ પર આવેલી મુદ્રા કમ્યુનિકેશનમાં જૉબ કરી ત્યારે.

મલાડથી શરૂ થવાનું અને પછી મારે મરીનલાઇન્સ અને આતિશે ઇન્ડિયન એક્સપ્રેસ જવા માટે ચર્ચગેટ ઊતરવાનું. અમે સવારે રિટર્ન થતા. ભીડ ખૂબ વધી ગઈ હોય એટલે હવે ફર્સ્ટ ક્લાસમાં બેસીને જવાની ઇચ્છા થતી. તે મલાડથી જે ટ્રેન પકડે એ જ ટ્રેનમાં હું કાંદિવલીથી જોડાઈ જાઉં અને અમે બન્ને બોરીવલી જઈએ, આગળ જતાં એ જ ટ્રેન ચર્ચગેટની થાય અને અમે રિટર્ન થઈએ. જેમણે ટ્રેનનો રિટર્ન પ્રવાસ નથી કર્યો તેમને અંદાજ નહીં હોય કે દરરોજ લાખો લોકો આવી રીતે ટ્રાવેલ કરે છે. આમાં લગભગ અમારો અડધો કલાક વધારે જતો.

ઑફિસ જતાં અને પાછા આવતાં સહેજેય અમને ત્રણથી ચાર કલાક ટ્રેનમાં લાગતા. ઘણા લોકો ત્યારે પણ આ સમયનો સદુપયોગ કરતા. એ સમયે બહુ ઑપ્શન નહોતા. મોબાઇલ તો હતા જ નહીં એટલે છાપાં, મૅગેઝિન કે પુસ્તકો વાંચે. કેટલાંક ભજનનાં તો કેટલાંક પાનાં રમવાનાં ગ્રુપ બનાવીને આ મુસાફરીનો આનંદ લે. કેટલાક પોતાની બ્રીફકેસ પર કાગળ રાખીને અકાઉન્ટ લખી લેતા. કંઈકેટલાય લોકોના બેસ્ટ ફ્રેન્ડ ટ્રેનની આ મુસાફરીએ બનાવ્યા છે.

સૌથી મોટી ચૅલેન્જ ત્યારે આવતી જયારે ટ્રેન રિટર્ન ન થાય કે પછી અમારામાંથી એકાદ જણ ટ્રેન ચૂકી જાય અને હવે એ જ ટ્રેન, એ જ ડબો કાંદિવલી કે મલાડથી અમારે પકડવાનો હોય. મને ચાલતી ટ્રેનમાં ચડવાની ખૂબ મજા આવતી. મારા ખભે રહેલી ટિફિનવાળી બૅગ સાથે હું ટ્રેનમાં ચડતો ત્યારે મને કશાક અચીવમેન્ટનો અહેસાસ થતો.

હા... હા... આવી ખોટી હોશિયારી બહુ કરી છે. પાટા ઓળંગીને સામેના પ્લૅટફૉર્મ પર જવા માટે પોલીસે કલાક સુધી મને લૉકઅપમાં બેસાડ્યો છે. લગભગ જીવ બચ્યો એવું કહેવાય એ રીતે પણ એકાદ વખત ટ્રેન પકડી છે. એવી ભૂલોએ ઘણો મૅચ્યોર બનાવ્યો છે. ટ્રેનમાં ખરો કે ખોટો સ્પર્શ પણ શીખવા અને સમજવા મળે. પુરુષોના ડબામાં તમને કયા પુરુષનો ટચ યોગ્ય છે કે નહીં એ ખીચોખીચ ભરેલા ડબામાં શીખવા મળે. ઇમ્પૉસિબલ લાગતી ભીડવાળી ગાડીમાં ચડીને અંદર જરાય ન દેખાય એમ ધીરે-ધીરે અંદર સરકતાં સીટ મળે ત્યાં સુધીની ઘણી જર્ની યાદ છે. જ્યારે કોઈ સારી નૉવેલ હાથમાં આવે ત્યારે ગમે તેવી ભીડ વચ્ચે સંપૂર્ણ એકાગ્રતાથી કેવી રીતે વાંચી શકાય એ પણ આ જ ટ્રેનમાં શીખ્યો છું. લોકોના તેલવાળા વાળને આપણા સરસ શર્ટથી કે મોઢાથી કેવી રીતે દૂર રાખવા એ પણ એક કલા છે.

ખૂબ વરસાદ વચ્ચે તમે પ્લૅટફૉર્મ સુધી તો પહોંચી જાઓ પણ ટ્રેન પરથી નીતરતું અને પ્લૅટફૉર્મ પરના છાપરા અને ટ્રેન વચ્ચેના ગૅપમાંથી પડતા પાણી વચ્ચે અડધી છત્રી બંધ કરીને બહુ ઓછા ભીના થઈને ચડવું એ પણ એક કળા છે. આ બધું તમને ટ્રેન શીખવે. વરસાદ પડતો હોય, દરવાજો બંધ હોય અને અંદર ભીડ હકડેઠઠ હોય. ધન્ય છે એ દરેક મુંબઈગરાને જેમણે આવી અડચણને મહત્ત્વ આપ્યા વિના પોતાના પરિવારના ગુજરાન માટે વર્ષો સુધી આવી મુસાફરી કરી છે. ખૂબ ઇન્ટરેસ્ટિંગ લોકો અને પાત્રો જોવા મળે તમને ટ્રેનમાં. ઝઘડા જોવા મળે. સેકન્ડ ક્લાસ અને ફર્સ્ટ ક્લાસના ઝઘડાની અને ગાળાગાળીની ભાષા થોડી અલગ હોય છે.

લોકલ ટ્રેનમાં થોડી લવ-સ્ટોરી પણ પાક્કી છે. લેડીઝ અને જેન્ટ્સના ડબા વચ્ચે જાળી હોય છે. એમાંથી એકબીજાને જોઈ શકાય, રોજ એક જ સમયે ટ્રાવેલ કરતાં અને એકબીજા સામે આકર્ષિત થતાં જુવાનિયાંઓ, જો એકાદ દિવસ પેલી (કે પેલો) ન દેખાય તો જીવ ઊંચાનીચા થઈ જાય અને ત્રણ-ચાર ટ્રેન જવા દઈને ઑફિસે લેટ પહોંચે. જો બીજા દિવસે દેખાય તો ત્યાંથી ઇશારા-ઇશારામાં જ વાતો શરૂ થાય અને ઇશારા-ઇશારામાં જ લાગણીઓ વહેંચી લે. મોબાઇલ વગરની એ અજીબ કનેક્શનવાળી દુનિયા. મને આજે પણ ટ્રેનનું ટ્રાવેલિંગ ગમે છે. જો ભીડ ન હોય તો મોઢું કવર કરીને છાપું વાંચતો હું ટ્રેનમાં ટ્રાવેલ કરી લઉં છું. સમય મારા માટે બહુ મહત્ત્વનો છે અને ટ્રેનમાં એ બહુ બચે છે. નોકરી છોડવા પાછળનું એક મોટામાં મોટું કારણ સમય જ હતું. થતું કે હું મારી જિંદગીના દરરોજના ચાર કલાક ટ્રેનમાં વેડફીશ? ટ્રેનમાં મળતા એકાંતે મને પુશ કર્યો કલાને પ્રાધાન્ય આપવા માટે. જો એ સમયે મોબાઇલ આવી ગયા હોત તો કદાચ હું એ કરી શક્યો ન હોત, પણ મોબાઇલ નહોતા એટલે એકાંત હતું અને એકાંત હતું એટલે

હું મારી જાતને પુશ કરીને મારી પસંદનું ફીલ્ડ ચૂઝ કરી શક્યો.

આ ટ્રેનની મુસાફરીમાં બેદરકારીથી કે કમનસીબીથી મેં મારા મિત્રો પણ ખોયા છે. લોકો લંડન અને સ્વિસની રેલવેના દાખલા આપીને મુંબઈની ટ્રેનને વખોડે છે. નસીબ એકાદ ડગલું આગળ-પાછળ હોય તો ત્યાંના અનુભવો પણ યાદગાર હોય છે. આવો જ મને એક અનુભવ થયો હતો એ મને અત્યારે યાદ આવે છે.

યુરોપનું વેકેશન કરવા ગયા ત્યારે પરિવાર સાથે સ્વિસ રેલમાં ફર્યા. આ સ્વિસ રેલ ખૂબ પ્રખ્યાત છે. દરેક સ્ટેશનની દરેક પ્રકારની એટલી માહિતી હોય કે તમને એ પ્રવાસ દરમ્યાન જ મળી જાય. કેસર અને મિસરી ખૂબ નાનાં હતાં. અમારો એ છેલ્લો પ્રવાસ જે ઍરપોર્ટ સુધીનો હતો. ટ્રેનમાં બેસીને અમે રવાના થયાં અને છેલ્લું સ્ટેશન આવ્યું. આખી ટ્રેન ખાલી થવાની હતી. અમારો એક્સ્પીરિયન્સ એવો હતો કે બધા ટ્રેનમાંથી ઊતરી જાય એટલે દરવાજો ફરી બંધ થાય અને ટ્રેન ચાલુ થઈ આગળ વધે. અમે ફટાફટ સામાન ઉતાર્યો, ગુજરાતી આમ પણ બહુબધા સામાન સાથે પ્રવાસ કરતા હોય છે. અમારી પાસે પણ ઘણો સામાન હતો. પહેલાં બધો સામાન અને કેસર-મિસરીને ઉતાર્યાં અને પછી જેવા અમે ઊતરવા ગયાં કે દરવાજો બંધ થઈ ગયો. બાજુમાં એક ગ્રીન બટન હતું એ દબાવીએ તો દરવાજો ખૂલે પણ એ દિવસે બટન દબાવીએ તો પણ દરવાજો ખૂલે જ નહીં. કેસર અને મિસરી અમારી નજર સામે સાવ નાનાં, પ્લૅટફૉર્મ પર એકલાં અને અમે ટ્રેનની અંદર અને ટ્રેન આગળ વધવા માંડી. અમે બૂમાબૂમ કરીએ એ પહેલાં તો અચાનક અંધારું થઈ ગયું. ટ્રેનની લાઇટો બંધ થઈ ગઈ અને ટ્રેન યાર્ડ તરફ આગળ વધી. અમે બૂમો પાડી અને દોડાદોડી કરી. ટ્રેન આગળ વધતી જાય. એવામાં મારું ધ્યાન ફોન પર ગયું. એ ફોનથી અમે ટ્રેનના ડ્રાઇવરને સંપર્ક કરવાની કોશિશ કરી. પાંચ મિનિટ પછી એક ગાર્ડ અમારી પાસે આવ્યો. તેણે આખી વાત સમજીને અમને કહ્યું કે ચિંતા ન કરો. એ ગાર્ડે સ્ટેશન પર સંપર્ક કર્યો અને અમે યાર્ડ પહોંચ્યાં. યાર્ડથી પછી આ જ ટ્રેનમાં પાછાં આવ્યાં, પણ સ્ટેશન પર આવીને જોયું તો ત્યાં કેસર-મિસરી નહોતાં.

આ પણ વાંચો : નરેન્દ્ર મોદી - કે. કા. શાસ્ત્રીઃ એક પ્રવાસ અને સમયનું મહત્વ

જોકે થોડી મિનિટમાં રેલવેનો એક મેમ્બર આવ્યો અને તેણે અમને કહ્યું કે એ બન્ને અત્યારે સુરક્ષ‌િત રીતે પોલીસ-સ્ટેશને છે, તમે ચિંતા ન કરો. રેલવે ઑથોરિટીએ અમારી માફી માગી, કારણ કે આ અમારી નહીં, સ્વિસ રેલવેની ભૂલ હતી. સ્વિસ જેવી આટલી પ્રખ્યાત અને સક્ષમ રેલવેથી પણ જો આવી ભૂલ થતી હોય તો આપણી ટ્રેન અને ટ્રેન ઑથોરિટીથી ભૂલ થાય એ ક્ષમ્ય છે પણ હા, મને એટલું તો કહેવું જ છે કે આપણી ટ્રેન પાસેથી અઢળક સુવિધાની અપેક્ષા છે.

mumbai local train columnists JD Majethia