કૉલમ: કહાં ગયે વો ખત ?

28 June, 2019 01:35 PM IST  |  | જેડી કૉ​​​લિંગ - જમનાદાસ મજીઠિયા

કૉલમ: કહાં ગયે વો ખત ?

પોસ્ટમેન

ચિઠ્ઠી આઇ હૈ, આઇ હૈ ચિઠ્ઠી આઇ હૈ
બડે દિનોં કે બાદ,
હમ બેવતનોં કે નામ
વતન કી મિટ્ટી આઇ હૈ,
ચિઠ્ઠી આઇ હૈ...

આએગી જરૂર ચિઠ્ઠી
મેરે નામ કી સબ દેખના
હાલ મેરે દિલ કા હો લોગોં,
સબ દેખના

ડાકિયા ડાક લાયા, ડાક લાયા, ડાકિયા ડાક લાયા

આ અને આવાં અનેક ગીતો એક જમાનામાં હિન્દી સિનેમાનો અને આપણા જીવનનો મહત્ત્વનો હિસ્સો હતાં. કોઈ ઘર એવું નહીં હોય જ્યાં પોસ્ટમૅન નહીં આવતો હોય અને આજે, આજે સાવ વિપરીત પરિસ્થિતિ છે. ઘણાં ઘર એવાં હશે જ્યાં બાળકોને પોસ્ટમૅન શબ્દનો કે પછી પોસ્ટમૅનનો કન્સેપટ પણ ખબર નહીં હોય. આજની આ વાત શરૂ કરતાં પહેલાં હું એક વાત કહેવા માગું છું કે આજના આ લેખના ટૉપિકનો શ્રેય મારી દીકરી કેસરને જાય છે. એક સાંજે વાત કરતાં-કરતાં તેણે જ મને કહ્યું કે તેની કૉલેજમાં તેના મિત્રોએ પત્ર લખવાનું શરૂ કર્યું છે. આ પત્રોવાળી વાત આમ પણ મારા મગજમાં ઘૂમરાતી હતી. થોડા સમય પહેલાં જ સબ ટીવી પર આવતી અમારી સિરિયલ ‘ભાખરવડી’માં અમે પણ આ પત્રોને લઈને એક ટ્રૅક કર્યો, જેમાં જેઠાણીઓ પોતાની દેરાણીને કહે છે કે લગ્ન પહેલાં પતિઓ બહુ એક્સપ્રેસિવ હોય છે, બહુ રોમૅન્ટિક હોય છે અને લગ્ન પછી તેનો આ પ્રેમ, તેની આ અભિવ્યક્તિ ધીમે-ધીમે બાષ્પીભવન થઈ જાય છે. આ જ વાત દરમ્યાન આ જેઠાણીઓ કહે છે કે જ્યારે ઉત્સાહ ઓગળી જાય ત્યારે પતિઓએ લગ્ન પહેલાં લખેલાં કાગળ વાંચવાની બહુ મજા આવે છે. લગ્ન પહેલાં લખાયેલાં એ કાગળ લગ્નજીવનમાં નવો ઉત્સાહ ભરવાનું કામ કરે છે. ગાયત્રીના મગજમાં આ વાત ઘર કરી જાય છે અને તે પણ હવે જીદ પકડે છે કે હવેથી નો વૉટ્સઍપ અને નો મોબાઇલ કૉલ્સ. હવે સંવાદનું એકમાત્ર સાધન એ આ લેટર.

લેટર. લેટર્સમાં આત્મીયતા હોય છે, એમાં સંવેદના અને લાગણી નીતરતી હોય છે. હું કહીશ કે અક્ષરોમાં એક પાત્ર હોય છે. અક્ષર તમે વાંચવાનું શરૂ કરો કે તરત તમારી આંખ સામે એક ચહેરો તરી આવે. આ લેટર, એના અક્ષર અને એમાંથી તરી આવતાં પાત્રોનો ઉપયોગ હૉલીવુડથી માંડીને તમામ વુડની ફિલ્મોમાં થયો છે. જે વ્યક્ત‌િનું કાગળ હીરો કે હિરોઇન કે પછી કોઈ પણ કૅરૅક્ટર વાંચતું હોય તેનો ચહેરો કાગળની મધ્યમાં ગોળાકારમાં દેખાય. એ ચહેરા ફરતે સ્પૉટલાઇટ હોય અને એ પત્ર તેના મોઢે જ સાંભળવા મળતો હોય. એક અલગ જ મજા હતી એની. મારી પોતાની વાત કહું તો પત્રો લખવાનું મને બહુ ગમતું. મને યાદ છે કે મારા મોટા ભાઈની સગાઈ થયેલી ત્યારે મેં મારાં કનકભાભીને પત્ર લખેલો. સાવ નાનકડો હતો હું એ સમયે, સ્કૂલમાં ભણતો હતો. પત્રો લખવાની બાબતમાં મારી બહેન કમલ એક્સપર્ટ, ખૂબ સરસ પત્રો લખે, તેનાં લગ્ન નાગપુરની બાજુમાં આવેલા છીંદવાડામાં થયાં છે.

કમલ સાસરેથી ખૂબ સરસ પત્રો લખે, તેના અક્ષર પણ ખૂબ સારા છે. પહેલાં કહેતાને, મોતીના દાણા જેવા અક્ષરો બિલકુલ એવા જ, મોતીના દાણા જેવા અક્ષર. વાંચવાની ખૂબ મજા પડે. હું તો કહીશ, એ વાંચવા પણ ન પડે, આંખ સામે રાખો એટલે આપોઆપ વંચાઈ જાય. મારાં બા-બાપુજી મથુરા રહેવા ગયાં ત્યારે હું તેમને પત્રો લખીને મોકલતો. મારા પત્રોનો જવાબ મારી બા આપે. એ હું વાંચું ત્યારે મને એ પત્રના દરેકેદરેક અક્ષરમાં મારી બા અને બાપુજીનો પ્રેમ સાક્ષાત્કાર થતો. મેં એક રિયલિટી શો કર્યો હતો જેનું નામ હતું ‘સર્વાઇવર.’ કોઈ સુવિધા નહીં, કોઈ સગવડ નહીં અને તમારે એક આઇલૅન્ડ પર રહેવાનું અને ત્યાં જીવીને બતાવવાનું. સુવિધા અને સગવડની બાબતમાં એટલું કહી દઉં કે ગાદલાં કે તકિયો પણ તમને મળે નહીં. અતિશય અગવડ વચ્ચે તમારે એ શોમાં બીજા સાથી કન્ટેસ્ટન્ટને ટક્કર આપવાની. ‘સર્વાઇવર’ સમયે અમે લોકો ફિલિપીન્સના એક ટાપુ પર હતા, ત્યાં જ્યારે મારી દીકરીના પત્રો આવ્યા ત્યારે એ વાંચીને હું ધ્રુસકે-ધ્રુસકે રડ્યો હતો. એવું નથી કે આ મારાં ઇમોશન્સ છે, આ આપણાં સૌનાં ઇમોશન્સ છે. આ બધી લાગણીઓ અને આવી સંવેદનાઓનો અનુભવ તમે પણ કર્યો હશે.

મૅરેજ પહેલાં અને એ પછી પણ મેં મારી વાઇફ નિપાને લખેલા પાત્રો મારી દીકરીઓ આજે પણ કાઢે છે અને વાંચે છે. એ વાંચતી વખતે ઘરમાં હસાહસ થઈ જાય, ભારોભાર કૉમેડી થાય ઘરમાં. તમે પણ આવા લવ-લેટર્સ ખૂબ સંતાડ્યા હશે અને પછી વારંવાર કાઢીને એ વાંચ્યા પણ હશે. ત્યાં સુધી જ્યાં સુધી નવો લવ-લેટર ન આવે. આ બધું જતું રહ્યું આ ઈ-મેઇલ આવ્યા પછી. આપણો વિકાસ જ થયો છે, એની જરા પણ ના નથી અને હું કમ્યુનિકેશન રિવૉલ્યુશનની નિંદા પણ નથી કરવા માગતો, પણ આ રિવૉલ્યુશનના કારણે ઘણું એવું પાછળ છૂટી ગયું જે આપણને સૌને એક તાંતણે બાંધવાનું કામ કરતું અને એકમેક સાથે સ્નેહના બંધનથી જોડી રાખતું.

કબૂલ કે વૉટ્સઍપને કારણે આજે દેશ-વિદેશમાં એકબીજાને અડધી સેકન્ડમાં ચૅટ કરાવે છે. સામેની વ્યક્તિ ઑનલાઇન છે કે નહીં એ જોવાનું અને જો ઑનલાઇન મળી જાય તો એવી જ રીતે વાતો ચાલુ કરી દેવાની જાણે તમે બન્ને આમનેસામને છો. બહુ મન થાય તો કરી નાખવાનો વિડિયો-કૉલ, સીધી સિક્સર જ છે. હવે તો ગ્રુપ વિડ‌િયો કૉલનો ઑપ્શન પણ છે. ચાર-પાંચ જણ એકસાથે વિડ‌િયો-કૉલમાં વાતો કરી શકે અને બધા એકબીજાને જોઈ પણ શકે. એક દુનિયાના આ ખૂણામાં હોય તો બીજો પેલા ખૂણામાં હોય અને ત્રીજો ઢીંકણા ખૂણામાં, પણ આ અંતરની કોઈ વિસાત નહીં. પહેલાંના સમયના પત્રોને કમ્યુનિકેશન રિવૉલ્યુશેને છેક સ્ટેડિયમની બહાર ધકેલી દીધા છે. આપણને, ખાસ કરીને અત્યારે જે ૫૦ કે એનાથી મોટી ઉંમરના થઈ ગયા છે તેમને લાગે કે આ ક્રાન્તિને લીધે પોસ્ટ-ઑફિસમાં તો તાળાં લાગી ગયાં હશે પણ ના, એવું નથી, આજે પણ ઘણાં એવાં કામ છે જે પોસ્ટ-ઑફિસ વિના ન થઈ શકે. હા, એ સાચું કે હવે પહેલાંની જેમ રસ્તા પર પેલા લાલ અને કાળા રંગના થોડે-થોડે અંતરે દેખાતા પોસ્ટના ડબા દેખાતા બંધ થઈ ગયા છે. કેટલા મસ્ત લાગતા એ લાલ અને કાળા રંગના ડબા. આ પોસ્ટબૉક્સ આપણને આપણા સ્વજનોને પત્ર લખવાનું યાદ દેવડાવતા.

પહેલાંના સમયમાં તો ઘણી સ્કૂલો ફાઇનલ ‌રિઝલ્ટ વેકેશનમાં પોસ્ટથી મોકલતી. રિઝલ્ટનો સમય આવે એટલે રોજ રઘવાયા બનીને પોસ્ટમૅનની પાછળ રિઝલ્ટનું પૂછવા દોડવાનું અને જયારે રિઝલ્ટ આવે ત્યારે ઘરમાં પરિણામ ખૂલે અને સારા પરિણામની પહેલી મીઠાઈ પણ પોસ્ટમૅનને જ ખવરાવવાની. પોસ્ટમાં આવતી સૌથી મોટી અને અગત્યની જો કોઈ વસ્તુ હોય તો એ છે રાખડીઓ. આજે પણ આવી રાખડીઓ મોટા ભાગે સ્પીડપોસ્ટમાં જ ઘરે આવે છે. બહેનનાં મૅરેજ બીજા શહેરમાં થયાં હોય અને જો રક્ષાબંધનમાં બહેન આવી ન શકવાની હોય તો રક્ષાબંધનના થોડા દિવસો અગાઉ બહેન રાખડી પોસ્ટ કરી દેતી જેથી ભાઈ રક્ષાબંધનના દિવસે રાખડી બાંધી શકે.

આ પણ વાંચો : મહિલાઓને મજાક કરવાની મનાઈ છે!

આ રીતે ઘરે આવેલી રાખડી કાં તો નાની બહેન, ભાભી, મમ્મી અને આમાંથી પણ કોઈ ન હોય તો પછી સોસાયટીમાં રહેતી બહેનની બહેનપણી ભાઈને રાખડી બાંધી દે, શરત માત્ર એટલી કે એ ગર્લફ્રેન્ડ ન હોવી જોઈએ. આગળ કહ્યું એમ, રાખડીઓનું જોર આજે પણ પોસ્ટ-ડિપાર્ટમેન્ટ પરથી ઓછું નથી થયું. કુરિયર પણ રાખડી લઈ આવે છે, પણ પોસ્ટની વાત જુદી છે. આજે પણ પોસ્ટમાં રાખડી ઘરે આવે છે અને રાખડી આવે ત્યારે આંખોના ખૂણા ભીના થાય છે. બહેને જો નાના ભાઈને રાખડી મોકલી હોય તો એ રાખડીની સાથે ૫૦-૧૦૦ રૂપિયા પણ ભાઈ માટે મોકલી દે અને ભાઈ-બહેન બેઉ રાજી થાય. પોસ્ટ પાસે અઢળક વાતો અને વાર્તાઓ છે. વધુ વાતો અને વાર્તાઓ આવતી ટપાલમાં, આઇ મીન, આવતા આર્ટિકલમાં વાંચીશું.

વડીલોને પ્રણામ અને નાનાઓને વહાલ.

એ જ લિખિતંગ
જેડીના જેજેશ્રી.

columnists JD Majethia