સેન્ટ પીટર્સબર્ગ : વેનિસને પણ શરમાવે એવું છે રશિયાનું આ શહેર

20 September, 2019 01:40 PM IST  |  | જેડી કૉલિંગ - જમનાદાસ મજીઠિયા

સેન્ટ પીટર્સબર્ગ : વેનિસને પણ શરમાવે એવું છે રશિયાનું આ શહેર

ઘડવૈયાઃ આ છે પીટર ધી ગ્રેટ. સેન્ટ પીટર્સબર્ગની જેકોઈ બ્યુટી છે, જાહોજલાલી અને ઐશ્વર્ય છે એ બધાની પાછળ પીટર ધી ગ્રેટનો બહુ મોટો ફાળો છે.

(સેન્ટ પીટર્સબર્ગનું નામ રાજા પીટર ધ ગ્રેટના નામ પરથી પડ્યું છે એ વાત આપણે ગયા વીકમાં કરી. સેન્ટ પીટર્સબર્ગમાં અમારું પહેલું કામ હતું પીટર હોફ પૅલેસ જોવાનું. શું અદ્ભુત પૅલેસ છે. ફોટો તમે લાસ્ટ આર્ટિકલમાં જોયો જ છે, પણ આ પૅલેસ અમે મિસ કરીએ એવી સિચુએશન ઊભી થઈ હતી. તમને હવે ખબર જ છે કે અમારી આ ટૂર ઑલમોસ્ટ ૩૬ કલાક મોડી ચાલતી હતી અને અમારું પાછા ફરવાનું પણ નક્કી હતું, જેને લીધે અમે ફરીથી પૅલેસ જોવા આવી શકીએ એવી કોઈ શક્યતા જ નહોતી, પણ અમારે એ મિસ કરવો ન પડ્યો. લાસ્ટ આર્ટિકલમાં મેં તમને કહ્યું હતું એમ, ત્યાં હાજર રહેલા ટૂરિસ્ટ અને પૅલેસના ગાઇડને કારણે એવી પરિસ્થિતિ ઊભી ન થઈ કે અમારે એ પૅલેસ મિસ કરવો પડે. અમને એ પૅલેસ જોવા મળ્યો અને ખરેખર અમારી મહેનત, ધક્કો, દોડધામ અને બધી તકલીફો વસૂલ થઈ ગઈ.)

અદ્ભુત. અકલ્પનીય. અવિસ્મરણીય.

આમ તો આ શબ્દો પણ ટૂંકા પડે એટલો ખૂબસૂરત એ પૅલેસ છે. અદ્ભુત અનુભૂતિનો સાક્ષાત્કાર કરાવે એવો આ પૅલેસ છે. એટલો વિશાળ અને સુંદર છે કે કોઈ પણ જગ્યાએ ઊભા રહીને ફોટો પડાવો તો એ ફોટો અદ્ભુત જ આવે, ગૅરન્ટી. આખો મહેલ, એનું સ્થાપત્ય, મહેલમાં ગોઠવવામાં આવેલા ફુવારા, દૂર-દૂર જોજનો દૂર સુધી ફેલાયેલો એનો બગીચો, પૅલેસનાં પગથિયાં, પૅલેસની પરસાળ, પૅલેસની રૂમ, પૅલેસની બહાર ગોઠવવામાં આવેલા સ્ટૅચ્યુ, એ બધા પાછળની વાતો અને એ આખો અનેરો ઇતિહાસ. બધું જ અદ્ભુત છે. મહેલની અંદર અદ્ભુતથી પણ ચાર ચાસણી ચડે એવાં એકથી એક ચડિયાતાં પેઇન્ટિંગ્સ, એ પેઇટિંગ્સ પાછળની વાતો, એ સમયના રાજા-રજવાડાના દાગીનાઓ અને એ રજૂ કરવાની રીત. બધું અવ્વલ દરજ્જાનું. હું કહીશ કે પીટર હોફ પૅલેસ એ યુરોપનું વન ઑફ ધી બેસ્ટ મ્યુઝિયમ છે. પીટર ધ ગ્રેટના મિત્રએ ફ્રાન્સના રાજા લુઈ સોળમાએ બનાવેલા પૅલેસની પ્રતિકૃતિ સમા આ પૅલેસ બનાવવાનું શરૂ કર્યું પણ એ પછી એ સ્તરે એનું કામ પહોંચી ગયું કે એણે પોતાના દેશનો ખજાનો ખાલી કરી નાખ્યો. મહેલ આલીશાન અને ભવ્યાતિભવ્ય બનાવ્યો, પણ આખા તંત્રને ખાલી કરી નાખ્યું. જે પૈસા કૅનલ બનાવવા આપ્યા હતા એ પૈસાનો ઉપયોગ આ ભવ્ય અને અદ્ભુત કહેવાય એવા મહેલ બનાવવામાં વાપરી  નાખ્યા એટલે પીટર ધ ગ્રેટે તેના મિત્રને પાણીચું પકડાવી દીધું અને આખા તંત્રનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો. તાજમહાલ કે પછી પીટર હોફ પૅલેસ જેવા શ્રેષ્ઠ દરજ્જાના મહેલ બનાવતા ખુવાર થઈ જતા લોકોનું જિગર કેવું હશે એ આજે સમજાય, પણ સાથોસાથ એ પણ સમજાય કે વિશ્વની આવી શ્રેષ્ઠ કૃતિઓનું નિર્માણ આમ જ થતું હશે. આ મહેલ જોવા આવતા ટૂરિસ્ટના અટ્રૅક્શનને કારણે જ આજે સૌથી વધારે ઇન્કમ પણ સેન્ટ પીટર્સબર્ગને થાય છે. જે કૅનલ્સ પીટર ધ ગ્રેટ બનાવવા માગતા હતા એ કૅનલ્સ આ સેન્ટ પીટર્સબર્ગ શહેરની જીવાદોરી છે. આ શહેરની કૅનલ્સની રચના એટલી સુંદર રીતે કરવામાં આવી છે કે શહેરની બધી જગ્યા રોડથી તો કનેક્ટેડ છે જ, પણ સાથોસાથ એ પાણીથી પણ કનેક્ટેડ છે. તમે અહીં હો ત્યારે સિટી ઑન વૉટર તરીકે ઓળખાતા વેનિસની યાદ આવ્યા વિના રહે નહીં, પણ હું કહીશ કે આ શહેર વેનિસથી મોટું, વિશાળ અને ઑર્ગેનાઇઝ્‍ડ તથા વેલપ્લાન્ડ સિટી છે, જેની બધી ક્રેડિટ પીટર ધ ગ્રેટને જાય છે.

બોટ-રાઇડ લઈને અમે આ શહેરની સુંદર સ્કાયલાઇન અને દરેક ફેમસ સ્ટ્રક્ચર બહારથી જોયાં. મારે આમ પણ બોટ-રાઇડ સાથે બહુ લેણાદેણી છે. છેલ્લે હું છું તો દરિયાછોરુને. આ બધી કૅનલ્સ અને બધી કૅનલ પરના બ્રિજ અને કિનારે આવેલું શહેર ખૂબ સુંદરતા ઊભી કરે છે અને આ સુંદરતા ટૂરિસ્ટોને અહીં સુધી ખેંચી લાવે છે. બીજી એક વાત કહી દઉં તમને. સેન્ટ પીટર્સબર્ગમાં પણ લંડન બ્રિજની જેમ રાત્રે બ્રિજ બે ભાગમાં વહેંચાઈને ઉપરની તરફ ખેંચાઈ જાય, ડિટ્ટો લંડન બ્રિજની જેમ.

અમે પણ જવા માગતા હતા એ બ્રિજ જોવા માટે, કારણ કે એ રાતે દોઢથી ચાર વચ્ચે જ ખૂલતો હતો. અમે સાડાબાર વાગ્યે ટૅક્સીવાળાને બોલાવ્યો, પણ તે આવ્યો જ નહીં. એનું કારણ, અમારા વચ્ચેની કોઈક ગેરસમજ હતી. આ ગેરસમજણને લીધે અમારો જુસ્સો પણ ઓસરી ગયો. જુસ્સો ઓસરવાનું એક કારણ એ પણ હતું કે સવારે અમારે નીકળવાનું હતું અને આ વેકેશનમાં અમે લોકો ચૂકી જવાની બાબતના બધા રેકૉર્ડ બનાવી લીધા હતા એટલે અમે પણ બ્રિજનું એ ‘લિવ પર્ફોર્મન્સ’ જવાનું માંડી વાળ્યું.

આ બ્રિજ વચ્ચેથી ઊંચકી લેવાનું કે પછી કહો કે એને બંધ કરવાનું કારણ એ છે કે ત્યાંથી મોટી બોટ અને શિપિંગ કાર્ગો સરળતાથી પસાર થઈ શકે. જે કાર્ગો અને બોટ છેક ફિનલૅન્ડ અને સ્કેન્ડિનેવિયા સુધી જાય છે. આ માર્ગ વેપારનો માર્ગ છે અને રશિયાની સમૃદ્ધિનો પણ.

સમૃદ્ધ અને પૈસાવાળો દેશ તો રશિયા ખરો, પણ પ્રજા બહુ ગરીબ, કારણ કે ધન બધું રાજા પાસે રહેતું. પીટર ધ ગ્રેટની જેમ કેથરિન ધ ગ્રેટ બહુ સારાં રાણી હતાં, જેમણે રશિયાના વિકાસમાં બહુ મોટો ભાગ ભજવ્યો છે. પોતાના જ કામચોર અને નકામા કહેવાય એવા પતિને હટાવીને કેથરિન રાણી બન્યાં અને પોતાના રાજમાં રશિયાની મિલિટરીને ખૂબ શક્તિશાળી બનાવી. અત્યારે રશિયન મિલિટરીની જે તાકાત છે એના પાયા કેથરિન ધ ગ્રેટે નાખ્યા હતા. આવા જ બીજા એક ગ્રેટ રાજા હતા, ઍલેક્ઝેન્ડર ધ ગ્રેટ. ઍલેક્ઝેન્ડરે પોતાના શાસનકાળમાં ગુલામી પ્રથા હટાવી અને જેકોઈ ગુલામ હતા એ બધાને મુક્ત કર્યા. પીટર ધ ગ્રેટની રૂમમાં અમે એક નાનકડો પલંગ જોયો હતો, જે તેમની હાઇટ કરતા ટૂંકો હતો. પીટર એના પર બેઠાં-બેઠાં જ સૂઈ જતા. તેમનું માનવું હતું કે આ રીતે ઊંઘ સારી થાય, સ્વસ્થ સારું રહે અને જગ્યા પણ બચે.

રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં દરેક પ્રકારનું સૌંદર્ય છે. આ એક સમયે કમ્યુનિસ્ટ દેશ હતો અને પછી એમાંથી છૂટા પડ્યા. આ યુએસએસઆર જૉઇન્ટ ફૅમિલી જેવું હતું. અમુક દેશો કમાય વધારે અને અમુક ઓછા, પણ વપરાશ બધાનો એકસરખો. એને કારણે અમુક આળસુ થયા અને તેમનો વિકાસનો બોજો બીજા મહેનતુ અને સમૃદ્ધ દેશો પર પડતો એટલે તેમનો પણ થવો જોઈએ એવો વિકાસ થતો નહોતો. મૉસ્કો અને સેન્ટ પીટર્સબર્ગ થોડાં વર્ષો અગાઉ છૂટા પડીને વિકાસના રસ્તા પર આગળ વધ્યા અને એવી જ રીતે અમે પણ અમારા નિયોજિત પ્રોજેક્ટમાં આગળ વધતા ગયા.

શૉપિંગમાં ખાસ મજા નથી રશિયામાં, પણ સાઇટ-સીન અઢળક છે. એક રેસ્ટોરાંમાં ડિનર માટે અમે આવ્યા, જે રેસ્ટોરાંનું નામ હતું ઇડિયટ્સ. અમને જોઈતી હતી એ વાનગી એ દિવસે મળી શકે એમ નહોતી એટલે અમે ચાર ઇડિયટ્સ ત્યાંથી નીકળીને ફરી પેલી કાશ્મીર નામની રેસ્ટોરાંમાં આવ્યા. ફૂડનો ઑર્ડર આપીને વાતે વળગ્યા કે મારી પીઠની પાછળથી ગુજરાતીમાં થતી વાતચીતનો અવાજ મારા કાને અથડાયો. બીજી તરફ મારી પત્ની નિપાએ પણ તેમની સાથે વાર્તાલાપ શરૂ કર્યો. એ આપણા પાર્લા અને માટુંગાના ગુજરાતી મહેમાનો હતા. તેમણે નિપાને કહ્યું કે ‘આ તમારી બાજુમાં બેઠાં છે એ જેડી મજેઠિયા છેને?’

મેં પાછળ ફરીને સ્મિત સાથે હા પાડી અને તેમણે ખુશી સાથે કહ્યું કે અમે તમારી ‘મિડ-ડે’ની કૉલમ રેગ્યુલરલી વાંચીએ છીએ. જો તેઓ આ વાર્તા વાંચતા હશે તો એમાં તેમને મારી નજરે વર્ણવેલું રશિયા જોવા મળશે. આપણા એ ગુજરાતી મિત્રોએ મને ત્યાંની રેસ્ટોરાંના મુખવાસમાં મળતી કુકીમાંથી નીકળતો એક સારો સંદેશ ગિફ્ટ આપ્યો.

આ પણ વાંચો : કુછ રૌનકે ખુદ સે ભી હુઆ કરતી હૈ

મિત્રો, હું હવે ક્યાંય પણ પ્રવાસે જાઉં કે કોઈ ઘટના ઘટે તો મને સૌથી પહેલાં તમે યાદ આવો છો. ક્યારેક આ પ્રવાસ મોંઘો લાગે ખરો, પણ હું એ પ્રવાસને ‘મિડ-ડે’ના મારા વાચકો સાથે શૅર કરું ત્યારે સમજાય કે આના જેટલો સસ્તો પ્રવાસ અહીંની બસમાં પણ નથી થતો અને પછી તરત જ મોઢા પર સ્મિત ફરી વળે છે. આશા છે કે તમને આ રશિયાની ટૂરના વર્ણને રશિયાની ઝાંખી કરાવી હશે. આ સાથે આપણો રશિયાનો પ્રવાસ અહીં પૂરો કરીએ છીએ. આવતું વીક શરૂ કરીશું ફરી નવી વાતો સાથે.

JD Majethia columnists