સંબંધોને વધુ મજબૂત બનાવવાનો તહેવાર છે દિવાળી

25 October, 2019 04:03 PM IST  |  મુંબઈ | જેડી કૉ​​​લિંગ - જમનાદાસ મજીઠિયા

સંબંધોને વધુ મજબૂત બનાવવાનો તહેવાર છે દિવાળી

દિવાળી

જ્યારે તમે આ લેખ વાંચતા હશો ત્યારે તમારે ત્યાં ધનવર્ષા થઈ ગઈ હશે અને એમાંથી જે લોકો સોનું લેવામાં માનતા હશે તેમણે લઈ લીધું હશે કે પછી તેમનું સોનું લેવા જવાનું પ્લાનિંગ ચાલતું હશે. ધનતેરસના દિવસે ધાતુ લેવાનું હિન્દુઓમાં બહુ શુભ ગણાતું હોય છે. કેટલું શુભ છે એનો મને ખ્યાલ નથી, કારણ કે અમે આ પરંપરામાં માનતા જ નથી અને આજના દિવસે સોનું લેવાનો ક્રેઝ ક્યારેય રાખ્યો નથી. વર્ષોથી દર ધનતેરસે સોનું ખરીદનાર માટે એ બહુ શુભ સાબિત થયું છે. આજે સોનાના ભાવ જોતાં એવું લાગે ખરું કે મનમાં થાય ખરું કે આ વર્ષે ત્રણ-ચાર વાર સોનું કેમ ન ખરીદી લીધું?

જો એવું કરી લીધું હોત તો ભેગું થયેલું એ સોનું આજના આ દિવસે વેચી શકાયું હોત અને જે ભાવવધારો થયો એનો લાભ મળ્યો હોત અને દિવાળી ખૂબ ધામધૂમથી ઊજવાઈ હોત. ધારણા નહોતી એવો ભાવ સોનાનો થઈ ગયો છે. ગયા વર્ષે ધનતેરસના દિવસે ખરીદેલા સોના પર અત્યારે વીસેક ટકાનો વધારો મળી રહ્યો છે તો સામે આ વર્ષે એટલું જ મોંઘું સોનું ખરીદવાનું બનશે. સોનું જ મોંઘું બની ગયું છે એટલું જ નહીં, મોંઘવારી પણ ખૂબ વધી ગઈ છે એટલે મોટા પાયે દિવાળી ઊજવવાની વાત તો જવા દો, લોકોએ નાના પાયે અને શુકન પૂરતી દિવાળી ઊજવવી પડે એવી હાલત છે, પણ વાંધો નહીં, એવી અવસ્થા વચ્ચે પણ ઉત્સાહ પૂરેપૂરો અને અકબંધ રાખવો. મોંઘવારીને આપણા ઉત્સાહથી મિટાવી દેવી.

ફટાકડા ખૂબ ઓછા થઈ ગયા છે. ઉત્તરોતર આમ બની રહ્યું છે. જોકે આમ તો સારું જ છે. અકસ્માતની બીક ઘટી ગઈ અને અવાજ તથા વાતાવરણનું પ્રદૂષણ પણ ઓછું થઈ ગયું છે. આવતી કાલે રૂપચૌદશ છે. અમારા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માટે રૂપાબાઈજીનો ઉત્સવ એટલે રૂપપચૌદશ. લોકો એને કાળી ચૌદશ તરીકે જોતા હોય છે, જેને માટે એ કાળી ચૌદશ છે તેમને માટે તેમનો અને તેમના પરિવારની આસપાસ રહેતો કકળાટ આ વર્ષ પૂરતો જ નહીં, કાયમ માટે જતો રહે એવી આશા અને તમારે પણ એટલાં જ મજબૂત વડાં ફેંકવાનાં છે. મારે એક બીજી વાત પણ તમને સૌને કહેવાની છે. ચાઇનીઝ દીવડાની જગ્યાએ આપણા પરંપરાગત માટીના દીવડા ઘરે પ્રગટાવવાની કોશિશ કરજો. જો એવું કરશો તો કોઈકની દિવાળી પણ સુધરી જશે.

દિવાળીના દિવસોમાં હવે ચોપડા (લક્ષ્મી) પૂજન બહુ ઓછાં થઈ ગયાં છે. ડિજિટાઇઝેશનના જમાનામાં હવે પૂજનો માટેનાં ચોપડાં જ ઘટી ગયાં છે તો ધંધા પણ ઓછા થઈ ગયા છે અને ઑનલાઇન બિઝનેસ વધી ગયો છે. આશા રાખીએ કે લોકોનાં ચોપડાંઓનું પૂજન થાય કે નહીં, પણ સમય સાથે તેમના ઘરે લક્ષ્મીજી જરૂર વધે. દિવાળી પછીના દિવસે આવતું બેસતું વર્ષ. બેસતું વર્ષ હજી પણ મારું ફેવરિટ છે.

સાલ મુબારક, નૂતન વર્ષાભિનંદન, હૅપી ન્યુ યર.

બેસતું વર્ષ તમારી આસપાસ ઉમંગ સાથેનું ઉત્સાહભર્યું વાતાવરણ ઊભું કરી દે છે.  દિવાળી અને બેસતું વર્ષ એટલે બધાને રજા. મને, તમને અને આપણને બધાને રજા. આ વખતે બધાને એક વસ્તુ ખટકતી હશે કે દિવાળી રવિવારે આવી એટલે દિવાળીની જે રજા મળતી હોય એ રજા પણ ગઈ, એવું તો ચાલ્યા કરે. દિવાળી અને બેસતા વર્ષને ધ્યાનમાં રાખીને અમારી સિરિયલ ‘ભાખરવડી’ના એપિસોડ ઍડ્વાન્સમાં શૂટ કરી રાખ્યા છે એટલે શૂટિંગમાં પણ રજા રાખી છે. બધાને બે દિવસની રજા. ભાઈબીજમાં હવે બહેન ભાઈના ઘરે કે ભાઈ બહેનના ઘરે જમવા જાય એવા વ્યવહાર સાવ ઘટી ગયા છે, પણ સંબંધો માટે, એકબીજાના પ્રેમ ખાતર મળવાની અને સાથે રહેવાની કોશિશ કરજો. દિવાળીના પાંચ દિવસમાં ઘણુંબધું ખૂટતું અને ઓછું થતું હોય એવું લાગે છે. અંગત રીતે ખાસ. દિવાળીનો સૌથી મોટો ઉત્સાહ મારા મને હોય તો એ છે મારી દીકરી કેસર, ત્રણ દિવસની રજા લઈને તે મુંબઈ આવશે.

આજકાલનું ભણવાનું એવું થઈ ગયું છે કે બાળકોને સમય નથી મળતો. કેસર જેટલા દિવસે વેકેશન પર આવે ત્યારે એવું લાગે કે દીકરી હવે સાસરે જતી રહી છે અને દિવાળી માટે ઘરે થોડા દિવસ ઘરે આવી રહી છે અને બેસતા વર્ષના દિવસે પાછી જતી રહેવાની છે. મુંબઈ ઘરે આવી શકે છે એ માટે ખુશ થાઉં કે પછી આવીને ત્રણ દિવસમાં જતી રહેવાની છે એને માટે દુખી થાઉં એ સમજાતું નથી. ઍની વે, પચીસમીએ એટલે કે આજે પત્ની નીપાના પરિવાર સાથે અમારા ઘરે ડિનર છે તો છવ્વીસમીની રાતે એટલે કે આવતી કાલે મારા ફ્રેન્ડ અને ડિરેક્ટર વિપુલ શાહ શેફાલીના ઘરે અમારા ફ્રેન્ડ્સની ડિનર પાર્ટી. રવિવારે સત્યાવીસમીએ દિવાળીના દિવસે અમારા સયુંક્ત કુટુંબનું મારા ઘરે ડિનર છે. નીપાના પરિવારમાંથી ભાણેજ વિનીત નથી, ચાર વર્ષથી તે કૅનેડા છે અને તેને બધા મિસ કરીએ છીએ. આ વખતે મારો પરમમિત્ર આતિશ કાપડિયા તેની વાઇફ એલિસનના પરિવાર સાથે ગોવા જવાનો છે એટલે મિત્રોની પાર્ટીમાં એ લોકોને મિસ કરીશું. મારો મોટો ભાઈ રસિક, રંજનભાભી, ઉર્વી, શ્યામુ અને સુરભિ એમ પાંચ લોકોનું મોટું ગાબડું પડશે, કારણ કે રસિકભાઈ હવે અમદાવાદ શિફ્ટ થઈ ગયા છે. રસિકની કવિતા પણ બહુ મિસ કરીશું. અમારા પરિવારમાં સૌથી વધારે રસિક હસાવે અને તેમની વહુ ઉર્વી હસે. આ બન્નેનું હાસ્ય અમને બધાને બહુ હસાવે. એ હાસ્ય હવે મિસ થશે. વર્ષોથી કમલ અને તેનો પરિવાર ભેગો નથી થઈ શકતો, એને પણ મિસ કરીએ છીએ. મિત્રો, એના પરથી એક વાત સમજાય છે કે જે ઘડી પરિવાર સાથે મળે એ ઊજવી લેવાની, જીવી લેવાની. દરેક વખતે પૈસો મહત્વનો નથી હોતો, માણસ માટે પૈસા કરતાં પણ વધારે જરૂરી જો કંઈ હોય તો એ ઉત્સાહ, ઉમંગ અને લાગણી છે.

દરેક સવારે જાગો ત્યારે સારો મૂડ રાખવાનો અને જોવાનું કે ઘરમાં અને બહાર ક્યાંય ક્લેશ ન થાય. દરરોજનો આ નિયમ બનાવી લો. ઘરમાં અને આસપાસ સતત ગમતું અને બીજાને ગમી જાય એવું વાતાવરણ ઊભું થશે તો જીવન સુખમય પસાર થશે. ખાવાની બાબતમાં હું કોઈને કંઈ સલાહ નહીં આપું, મારું ડાયેટિંગ ચાલે છે તો શું થયું. તમારે જલસા કરવાના, મીઠાઈ ખાજો અને ભાખરવડી તો ખાસ ખાજો. અમે આ વખતે અમારી આ સિરિયલમાં બહુ હોશિયાર છીએ એવું દેખાડ્યું છે. ‘ભાખરવાડી’ના સેટ પર અને ‘ભાખરવાડી’ સાથે જોડાયેલા-સંકળાયેલા સૌકોઈને વડોદરાની ફેમસ જગદીશની ભાખરવડી ખાસ મગાવીને ગિફ્ટ આપી છે. લોકો બહુ ઇનોવેટિવ થતા જાય છે, પોતાના કામકાજ રિલેટેડ ગિફ્ટ આપીને સંબંધોને વધુ મજબૂત બનાવવાનો પર્વ હોય છે દિવાળી. ગુજરાતી કરતાં બીજા લોકોની દિવાળી બહુ અલગ હોય છે. પત્તાં રમવાનો ક્રેઝ હોય છે. હું અંગત રીતે એનો વિરોધી છું. વધારે હારી જઈએ તો મૂડ બગડી શકે છે અને કોઈ પણ પ્રકારના ઉત્સવ પર મૂડ બગડે એવું ન થવું જોઈએ એટલે જ પોતાના અંગત લોકો સાથે સમય ગાળીને તહેવારની મજા માણવી જોઈએ. આગળ કહ્યું એમ બધું ધીરે-ધીરે ખૂટતું જાય છે. કરીઅરને લીધે, બીજે સેટલ થવાને લીધે, ટ્રાફિકથી માંડીને ઘણાંબધાં કારણસર આપણા પોતાના લોકો દૂર થતા જાય છે. સોશ્યલ મીડિયા એકબીજાને જોડતી એક કડી છે એ સારી વાત છે, પણ અંગત રીતે મળી નથી શકાતું એ ખરાબ છે. વૉટ્સઍપ-મેસેજના ઢગલા થશે, થોડા ફોન આવશે, ભીડ અને ટ્રાફિક રસ્તામાં મળે તો પણ ગમતા લોકોને મળીને આનંદ વ્યક્ત કરવાની તક ન જવા દેતા. આજકાલ સમય એવો બદલાઈ રહ્યો છે કે કોઈક કારણસર ક્યારેક તમારા સ્વજનોથી દૂર થઈ જાઓ એની ખબર નહીં પડે. માટે મનમાં આનંદ, ઉત્સાહ ઉમંગ સાથે કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વિના આ બધા પર્વ આનંદથી માણજો. તમે મારા માટે એવો પરિવાર બની ગયા છો કે સૌથી પહેલી વિશ તમારાથી થઈ રહી છે. શુભ શરૂઆત મારા ‘મિડ-ડે’ના પરિવારથી. સૌને ધનતેરસ, રૂપચૌદશ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજનાં ખૂબ ખૂબ અભિનંદન.

આ પણ વાંચો : ધનતેરસ: યાદ રાખજો કે ધનનું મૂલ્ય નહીં સમજો તો ધન ક્યારેય તમારું મહત્વ નહીં સમજે

પહેલાં જ કહ્યું છે કે મોંઘવારીને નડવા નહીં દેતા અને કોઈ પણ ન ગમતી જાહેરાતને તમારા મન પર હાવી નહીં થવા દેતા. હમણાં જ ટીવી પર એક ઍડ આવી કે કુર્તા વગર તહેવાર નથી. મેં લીધા છે, પણ સાથોસાથ ત્રણ જૂના કુર્તા પણ કાઢ્યા છે એટલે એવું જરાય જરૂરી નથી કે નવા જ કુર્તા હોય તો દિવાળી આવે. હકીકત તો એ છે કે મનમાં ઉત્સાહ અને લાગણી વગર તહેવાર નથી. મિત્રો અને પરિવાર સાથે દિવાળી ઊજવવાનો છું. તમે પણ પ્રયાસ કરજો, સૌ સાથે રહી શકાય.

સાલ મુબારક.

JD Majethia columnists