ભૂલ અને ભૂલી જવું

19 February, 2021 01:03 PM IST  |  Mumbai | Jamnadas Majethia

ભૂલ અને ભૂલી જવું

રોકો અને ટોકો : માસ્ક, સૅનિટાઇ‌ઝર અને સોશ્યલ ડિસ્ટન્સિંગને ભૂલી જનારા લોકોને યાદ દેવડાવો એ જૂનો સમય. ફરી એ ભૂલ કરવી પોસાય એમ નથી.

ભૂલ એટલે શું?
લગભગ લોકોના મનમાં પહેલો જવાબ આવશે કે ભૂલ એટલે મિસ્ટેક થવી, પણ હું પૂછીશ કે મિસ્ટેક એટલે શું? આ વિચારશો તો ખબર પડશે કે કશુંક ખોટું થવું કે પછી કશુંક અયોગ્ય કે વાજબી ન હોય એવું થવું. આજકાલ સરળ થઈ ગયું છે કે મનમાં કોઈ પણ સવાલ આવે એટલે તરત જ એ સવાલ ગૂગલને પૂછી લેવાનો. જેવો સવાલ નાખો એટલે ઘણાબધા જવાબ આવી જાય, પણ આપણે એવું નથી કરવું. વર્ષોથી હું જે અર્થ સમજતો આવ્યો છું એની વાત કરું તો ભૂલ એટલે કશુંક ખોટું કરવું. ખોટું એટલે એવું જે નહોતું કરવાનું કે પછી જે કરવાનું હતું સાચું એ ન થયું અને એનાથી વિપરીત થઈ ગયું. ઘણી વાર એનાથી પણ વધારે સચોટ રીતે મેં આ શબ્દને વાપર્યો છે એ માફીની સાથે કહેવું હોય તો, ભૂલ થઈ ગઈ, માફ કરી દો. એના પછી આવે કે બીજી વાર નહીં કરું કે નહીં થાય. નહીં કરું એટલે ખબર હતી કે ખોટું છે છતાં કર્યું અને નહીં થાય એ ધ્યાન બહાર રહી ગયું અને હવે ખબર પડી ગઈ છે એટલે ધ્યાન બહાર નહીં જાય એટલે ભૂલ નહીં થાય. મેં જીવનમાં કેટકેટલી વાર આવી ભૂલો કરી છે અને તમે પણ કરી હશે. એમાંથી કેટલી પકડાઈ અને કેટલી સમજાઈ અને કેટલી નહીં એ મહત્ત્વનું છે. હું ઘણી વાર બચી ગયો, પણ સાચું વિચારું તો આપણે ક્યારેય આપણી થયેલી ભૂલથી બચતા નથી. એનું પરિણામ ક્યાંક ને ક્યાંક જુદી જ રીતે નીકળે છે અને એની તમારા જીવનમાં છાપ પડે જ છે.

ભૂલની માફી કે સજા થઈ હોય કે ન થઈ હોય. એમાંથી સારાં પરિણામ પણ આવી શકે છે. એક વાર ભૂલ કરી દો અને ખબર પડી જાય તો પછી એ વાત મનમાં બહુ પાક્કી રીતે જડાઈ જાય અને આપણે જે વિષય કે વાત કે કામમાં ભૂલ કરી હોય એમાં ચોકસાઈ આવી જાય. મારા જેવાને છાવરવા માટે એક કહેવત પણ બની છે. માણસ માત્ર ભૂલને પાત્ર. એટલે આ માત્ર મારા માટે નથી બની, પણ હું મારા પર એટલા માટે લઈ રહ્યો છું કે તમને ખરાબ ન લાગે. બાકી હું એટલો ખરાબ માણસ નથી કે આટલી બધી ભૂલો નથી કરતો. મૂળ વાત પર આવીએ. આપણે એમ માનીને આગળ વધીએ કે તમે બધાએ પણ ભૂલો કરી હશે અને એમાંથી ઘણીબધી રીતે તમારા જીવનમાં પરિસ્થિતિ બદલાઈ હશે.

ભૂલ ઘણીબધી જીવન અને પરિસ્થિતિઓ બદલી નાખે છે. નાનપણમાં અજાણતાં કે ઉતાવળમાં સ્કૂલની પરીક્ષાઓમાં કરેલી ભૂલોથી માર્ક કપાઈ જાય અને પરિણામ ધાર્યા કરતાં ઓછું આવે. આગળનાં વર્ષોમાંથી ન શીખો અને દસમા ધોરણ વખતે ભૂલો કરો તો સારી કૉલેજમાં કે જોઈતી કૉલેજમાં ઍડ‍્‌મિશન ન મળે અને જીવનમાં ઘણું બધું બદલાઈ જાય. નોકરીની ઍપ્લિકેશનમાં કે બિઝનેસ ડીલમાં ભૂલ કરો તો કરીઅર અને આર્થિક પરિસ્થિતિ બદલાઈ જાય અને એ જીવનભર ભોગવવું પડે. લગ્ન વખતે જો જીવનસાથી પસંદ કરવામાં ભૂલ કરો તો ....... આ જગ્યા ખાલી જ રહેવા દઉં છું, કારણ કે મોટા ભાગના લોકો આ ભૂલનો પસ્તાવો જ કરતા હોય છે અને મોટા ભાગનાં લગ્નોમાં બન્ને પક્ષ પસ્તાવો કરતા હોય છે એટલે આપણે આ ભૂલને ક્વ‍ૉલિફાય નથી કરતા.

હા, હા, હા...

જીવનમાં નાનપણથી શીખવાડવામાં આવે છે તો પણ જાણતાં-અજાણતાં આપણે ભૂલ કરતા જ હોઈએ છીએ અને એનાં પરિણામ ભોગવતા હોઈએ છીએ. આ વિષયને થોડી વાર માટે પોઝ કરી દઉં છું અને બીજી વાત એટલે કે ભૂલી જવા પર આવું છું. પછી એ બન્નેને ભેગાં કરીને મૂળ વાત પર આવીશ કે મૂળમાં તમને કહેવા શું માગું છું.

‘ભૂલી જવું’ એટલે શું? એના ફાયદા પણ છે અને નુકસાન પણ. બીમારીને લીધે કે ઉંમરને લીધે કે વ્યસ્તતાને લીધે ભૂલી જવું એ વાત જુદી છે, પણ ઘણી વાર ‘ભૂલી જઈ’ અને આગળ વધવું. નવેસરથી જીવન શરૂ કરવું એ વાત બહુ મહત્ત્વની છે. ઘણી વાર એવા વળાંક આવે ત્યારે ભૂલી જઈને આગળ વધવું બહુ મહત્ત્વનું હોય અને ઘણી એવી પરિસ્થિતિ આવે જેને જીવનમાં ક્યારેય ભૂલવી ન જોઈએ. એવી વ્યક્તિઓ પણ હોય. ખાસ કરીને પોતાના પહેલા પ્રેમને. પહેલાં અને જેમણે તમારા જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હોય એવા મિત્રો, શિક્ષકો અને અનેક એવી વ્યક્તિ જે તમારા પડખે ઊભી રહી હોય. તેમને ક્યારેય ન ભૂલવા અને એવા લોકોને તરત જ ભૂલી જવા જેમણે તમારા જીવનમાં બહુ નકારાત્મકતા ભેળવી હોય. નકારાત્મકતાઓનું વેરનું ઝેર તમને અંદરથી કોરી ખા‍ય છે. ઈશ્વરમાં માનતા હો અને પૂરી શ્રદ્ધા હોય તો તેમની ઇચ્છાને જીવનમાં ઊંચી-નીચી થતી પરિસ્થિતિઓને બહુ ખેલદિલીથી સ્વીકારીને આગળ વધવું અને વધતા જ રહેવું, પણ અમુક વાતો અને અનુભવો ક્યારેય ન ભૂલવાં. નહીં તો મોટી ભૂલ કરી બેસશો. જો કર્યાને બે શબ્દોને ભેગા.

હવે મૂળ વાત પર આવું. આ સરકાર પાછું લૉકડાઉન જાહેર કરવાની વાત વિચારી રહી છે. મહારાષ્ટ્ર અને મુંબઈમાં કેસ વધી રહ્યા છે અને એનાં કારણો છે લોકો બહુ બધું ભૂલી ગયા છે. ખૂબ લોકો તમને ઠેર-ઠેર ફરતા દેખાશે. તમે પોતે પણ કદાચ માસ્કને સિરિયસલી નહીં લેતા હો. સોશ્યલ ડિસ્ટન્સિંગને ભૂલીને પાર્ટી ને પ્રસંગો ઊજવાય છે. એકાદ-બેમાં તો હું પણ જઈ આવ્યો હતો. મેં થોડી સાવચેતી રાખી હતી, પણ ત્યાં ઘણાને જોઈને હું આશ્ચર્ય થયો, દંગ રહી ગયો. સૅનિટાઇઝરનાં સ્ટૅન્ડ લગભગ ગુમ થઈ ગયાં છે અને માર્કેટમાં ‍ઑક્સિમીટર ૫૦ જાતનાં ફરે છે જે લગભગ તો ફિક્સ જ ઑક્સિજન-લેવલ દેખાડ્યા કરે છે. થર્મોસેટની બૅટરીઓ લો થઈને માંડ સાચાં ટેમ્પરેચર માપી શકે છે પણ આ મશીન ભૂલો કરે ત્યાં સુધી ઠીક છે, માણસોએ ન કરવી જોઈએ. મશીન બીજાં આવી જશે, પણ આપણે? આપણાં શરીર?

આ બધામાં એક ભૂલ એટલે એક હી ભૂલ જેવું થશે. માર્ચ ૨૦૨૦થી લઈને ડિસેમ્બર ૨૦૨૦ લગભગ બધા પ્રસંગો ઘરે જ ઊજવવા પડ્યા હતા. કામકાજ ઠપ હતાં. આસપાસ ડર અને બીમારીનું વાતાવરણ. મૃત્યુના સમાચારો. આવી ગંભીર વાતોને ભૂલી ન જતા. નમસ્તે કરવાનું પાછું શરૂ કરી દો. સોશ્યલ ડિસ્ટન્સને અમલમાં મૂકો, ભેટવાની જરૂર નથી હમણાં લોકોને. કાઢા બંધ કરી દીધા હોય તો હળદર-સૂંઠ જેવી ખરીદી પર નીકળી પડો અને થોડી ભેગી કરી રાખો. તમને બધાને અનુભવ થયા છે એટલે વધારે નથી કહેતો, પણ આ વખતે વાઇરસ વધારે ખતરનાક છે અને એ જો ફેલાયો તો આપણે સૌ લાંબા ગાળા માટે ફેલાઈ જઈશું એટલે તમે કેવી રીતે અને કેવી-કેવી પરિસ્થિતિમાંથી પસાર થયા છે એ ભૂલી ન જતા અને કોઈ પણ એવી ભૂલ ન કરતા કે ઉપર બેઠેલા ઈશ્વરરૂપી શિક્ષકે તમારા માર્ક કાપવા પડે અને તમે ફેલ થઈ જાઓ. આ વાતનું ધ્યાન રાખો અને તમારી આસપાસના લોકોને પણ કહો કે ધ્યાન રાખે. દિલથી ભાષણ આપો લોકોને. ઝઘડા કરો, વઢો, કારણ કે તેમની ભૂલનું પણ તમારે ભોગ બનવું પડી શકે છે એટલે સાવચેત રહેવાની વાતને વાઇરસની જેમ ફેલાવો, જેથી આવનારા વાઇરસને પોતાની જાતને ફેલાવાનો મોકો જ ન મળે અને ફક્ત ભૂલી જઈને ભૂલ કરનારાઓ લોકો સુધી જ પહોંચે. હું તો એવી જ ઇચ્છા રાખું છું કે એ લોકો સુધી પણ આ વાઇરસ ન પહોંચી શકે એટલે તમારા જીવનની દરેક પરિસ્થિતિઓને તમે કાબૂમાં રાખી શકો એવી તૈયારી અત્યારથી કરવાની શરૂ કરી દો. બહુ સિરિયસ થવાની જરૂર નથી, પણ સાવચેત થવાની જરૂર છે અને હા, આની સાથેસાથે ‘વાગ્લે કી દુનિયા’ જોવાનું ન ભૂલતા. સોમથી શુક્રવાર રાતે ૯ વાગ્યે, સોની સબ ટીવી. પરિવારની ફેવરિટ બની રહી છે, જેટલી જલદી શરૂ કરશો એટલી તમારા જીવનમાં મજા વધશે અને તમે નિશ્ચિંતપણે, સારી રીતે, બહુ હેલ્ધી જીવન જીવી શકશો. આ શુક્રવારે બસ, આટલું જ. ફરી મળીએ આવતા શુક્રવારે.

JD Majethia columnists