કૃષ્ણ છે મારા પ્રિય સખા

19 August, 2022 03:49 PM IST  |  Mumbai | Jigisha Jain

નવી યંગ પેઢીને પણ કૃષ્ણમાં મિત્ર દેખાય છે. બાળકો કૃષ્ણ સાથે કેવો નાતો ધરાવે છે એ તેમની પાસેથી જ જાણીએ 

પ્રતીકાત્મક તસવીર

બાળકૃષ્ણની લીલાઓ અને તેમનો નટખટ સ્વભાવ બાળકોને પોતીકાં લાગે છે. તેમનો સંદેશ યુવાનો માટે કૉમ્પ્લિકેટેડ જીવનને સરળ બનાવવાનો માર્ગ છે અને તેમનું જીવન અનેકો માટે પ્રેરણા. કૃષ્ણ દ્રૌપદીના, સુદામાના કે ગોવાળોના જ પરમ મિત્ર છે એવું નથી. નવી યંગ પેઢીને પણ કૃષ્ણમાં મિત્ર દેખાય છે. બાળકો કૃષ્ણ સાથે કેવો નાતો ધરાવે છે એ તેમની પાસેથી જ જાણીએ

કૃષ્ણના જીવનમાં એવા-એવા રંગો છે કે બાળકોને એમાં સખા દેખાય, યુવાનોને રોલ મૉડલ અને વડીલો એને મોક્ષના દ્વાર સુધી દોરી જનાર માર્ગદર્શક તરીકે જોવા લાગે

તોફાન કરતા, મમ્મીને પોતાની પાછળ ભગાવતા, ભાવતી વસ્તુઓ ચોરીને છુપાઈને ખાઈ લેતા, મિત્રો માટે કોઈ પણ પ્રકારની મુસીબતો સામે લડતા, મિત્રો માટે બધું જ કરી છૂટતા કૃષ્ણમાં દરેક બાળકને પોતાની છબિ દેખાતી હોય છે. તેમને લાગે છે કે આ તો કોઈ અલગ નથી, અમારા જેવા જ છે અને છતાં કેટલા સારા અને વહાલા છે. બાળસ્વરૂપ પૂજાતું હોય એવા ભગવાનોમાં કૃષ્ણ જ અગ્રેસર છે. તેમની બાળલીલાઓની વાર્તાઓ લગભગ દરેક બાળકે સાંભળી જ હોય છે. આ વાર્તાઓ જ છે જે બાળકોને કૃષ્ણ સાથે જોડે છે. કૃષ્ણની લીલાઓ અને તેમના નટખટ સ્વભાવને કારણે બાળકો અને યુવાનો માટે તે તેમના પ્રિય સખા બની જતા હોય છે. જ્યારે ભગવાન બની જાય છે મિત્ર ત્યારે તેમની સાથે આત્મીયતા ખૂબ વધી જાય એ તો સહજ છે. જેની સાથે દરેક વાત કરી શકાય, જેની સાથે સુખ-દુખ વહેંચી શકાય, જે તમને હંમેશાં સાચો માર્ગ બતાવે અને કોઈ પણ પરિસ્થિતિમાં તમારો સાથ આપે એવા મિત્રની તલાશ જો બાળકોની કૃષ્ણ પાસે આવીને પૂરી થતી હોય તો એનાથી રૂડું શું હોઈ શકે?

કૃષ્ણ કેવા? મારા જેવા...

સ્વામી વિવેકાનંદ ઇન્ટરનૅશનલ સ્કૂલમાં ભણતો ૧૧ વર્ષનો અનય સમીર ગાંધી નાનપણથી તેની મમ્મી પાસેથી કૃષ્ણની બાળલીલાઓની જુદી-જુદી વાર્તાઓ સાંભળતો આવ્યો છે. એમાં કાલિયા નાગની વાર્તા તેની ફેવરિટ છે. એ વિશે વાત કરતાં અનય કહે છે, ‘મને કાલિયા નાગવાળી વાર્તા ખૂબ જ ગમે છે. જે બહાદુરીથી તે પોતાના મિત્રો માટે કાલિયા નાગ સામે લડ્યો એ સાંભળવાની ખૂબ મજા પડે. તે કેટલો નીડર છે અને બધાની મદદ કરે એવો. નાગ સાથેની તેની ફાઇટ કેટલી સુપર છે. આ વાર્તા હું ઘણીબધી વાર સાંભળી ચૂક્યો છું. છતાં મારે વધુ ને વધુ વખત સાંભળવી હોય છે.’

ઘરમાં કૃષ્ણની સમયે-સમયે ભગવાન તરીકે પૂજા થાય એમાં અનય જોડાય. જોકે અનય માટે કૃષ્ણ ફક્ત ભગવાન નહીં, તેના ખાસ મિત્ર છે. પણ કૃષ્ણ તેના મિત્ર કેમ છે? આ પ્રશ્નનો જવાબ આપતાં અનય ભોળપણ સાથે સ્પષ્ટ વાત કરતાં કહે છે, ‘કૃષ્ણ એકદમ મારા જેવો જ છે. તે નટખટ છે, તોફાનો કરે છે, પોતાના મિત્રોની મદદ કરવા ગમે ત્યારે રેડી રહે છે. બીજા ભગવાનને પણ હું વંદન કરું છું, પરંતુ તેમનાં બાળસ્વરૂપ મેં જોયાં નથી અને તે અમારા જેવા તો નથી. મારો નાનો ભાઈ પણ એકદમ કૃષ્ણ જેવો જ છે. એટલે કૃષ્ણને અમે મિત્ર જ માનીએ છીએ.’

કૃષ્ણ સાથે અઢળક વાતો

વાશીમાં રહેતી ૧૩ વર્ષની કાવ્યા શાહ પોતાને કૃષ્ણની સખી કહે છે. ઘરમાં મોટા લોકો પાસેથી કૃષ્ણની વાર્તાઓ નાનપણમાં તેણે સાંભળી છે, પરંતુ છેલ્લાં ત્રણ વર્ષથી તે ટીવી પર આવતી ‘રાધાકૃષ્ણ’ સિરિયલ જુએ છે અને એને કારણે કૃષ્ણ તેના ફેવરિટ બની ગયા છે. તે કહે છે કે તેની અને કૃષ્ણની ચૉઇસ એકદમ સરખી છે. તેમને બંનેને સફેદ માખણ અઢળક પ્રિય છે. જેમ યશોદામૈયા કાન્હા માટે પ્રેમથી માખણ બનાવતાં એમ મારી મમ્મી પણ એટલા જ પ્રેમથી મારા માટે માખણ બનાવે છે. કાવ્યાની મનગમતી વાર્તા એટલે કૃષ્ણજન્મની વાર્તા. કૃષ્ણ જન્મ્યા ત્યારે મથુરાની જેલમાંથી તે ગોકુળ જે રીતે પહોંચ્યા, વરસતા વરસાદમાં નંદબાબા તેમને જે રીતે શેષનાગની મદદથી સુરક્ષિત લઈને આવી શક્યા અને એ પછી ગોકુળમાં જે ઉત્સવ થયો કૃષ્ણજન્મનો એ વાર્તા તેને આજે પણ ફેસિનેટિંગ લાગે છે.

કાવ્યા કૃષ્ણથી એટલી નજીક છે કે તે તેને પોતાની બધી વાતો ખુલ્લા મને કરી શકે છે. કૃષ્ણ તેના એવા પરમ મિત્ર છે કે તેની દરેક વાત તેણે કૃષ્ણ સાથે જ શૅર કરવી હોય છે. એ વિશે વાત કરતાં તે કહે છે, ‘હું ખૂબ ખુશ હોઉં કે દુખી, મને કૃષ્ણ સૌથી પહેલાં યાદ આવે. મને તેમને બધું જ કહેવા જોઈએ. એક્ઝામમાં માર્ક્સ ઓછા આવે ત્યારે જે દુખ થાય ત્યારે હું તેમની પાસે રડી લઉં. મમ્મી પણ જ્યારે ગુસ્સો કરે ત્યારે દુખી થઈને હું કૃષ્ણ પાસે જ જઉં અને તેમને બધી ફરિયાદ કરી દઉં. તે બધું જાણતા હોવા છતાં મને ક્યારેય ગુસ્સો નથી કરતા. તે મારી વાત સાંભળે છે, મને સમજે છે અને મને ખૂબ પ્રેમ કરે છે. મને તે પૂરી હેલ્પ પણ કરે છે. આમ તે મારા બેસ્ટ ફ્રેન્ડ છે.’

કૃષ્ણ છે મારી બેસ્ટ કંપની

નરસી મોનજી કૉલેજમાં બારમામાં ભણતા ૧૭ વર્ષના હિતાર્થ દેસાઈના ઘરમાં લડ્ડુ ગોપાલ છે. નાનપણથી ઘરમાં કૃષ્ણની પૂજા દાદી કરે છે એ હિતાર્થ જોતો આવ્યો છે. જ્યારે તે મોટો થયો અને ઘરનું રિનોવેશન કરીને તેને પોતાનો એક રૂમ મળ્યો ત્યારે તેણે પોતાના રૂમમાં અલગથી કૃષ્ણની મૂર્તિ હોવી જોઈએ એવો આગ્રહ રાખ્યો. ઘરના મુખ્ય મંદિરમાં જે લાલો છે એનું જ બીજું સ્વરૂપ હિતાર્થના રૂમમાં રમતા લાલા તરીકે આવ્યું અને એ લાલાનું સંપૂર્ણ ધ્યાન, સેવા-પૂજા હિતાર્થ કરે છે. છેલ્લા એક વર્ષથી તેણે આ જવાબદારી પોતે સ્વીકારી છે. તેને ઘરમાંથી કોઈએ આવું કરવાનું કહ્યું નહોતું. આવું કરવાનું મન એકદમ શા માટે થયું? આ પ્રશ્નનો જવાબ આપતા હિતાર્થ કહે છે, ‘મારા રૂમમાં આવેલી તેમની મૂર્તિની જે આંખો છે એ એટલી જીવંત છે કે તે સતત મને જુએ છે, મારી સાથે વાતો કરે છે અને મને એ અનુભૂતિ આપે છે કે હું એકલો નથી. કૃષ્ણ નાનપણથી જ મારા પરમ મિત્ર રહ્યા છે. જ્યારે પણ મુસીબતમાં હોઉં ત્યારે તે તેમનો ઉકેલ મને આપે જ છે. હું જ્યારે જ્યાં પણ અટવાઉં ત્યાં તેમના શીખવેલા સંદેશ મને એ પરિસ્થિતિમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. ઘણી વખત મિત્રો સાથે અનબન થાય ત્યારે કૃષ્ણ મને સમજાવે છે કે મિત્રનો સાથ ક્યારેય ન છોડવો.’

હિતાર્થની ફેવરિટ કૃષ્ણ-સ્ટોરી છે અર્જુન અને દુર્યોધન જ્યારે મહાભારતના યુદ્ધ વખતે તેમની મદદ લેવા જાય છે એ પ્રસંગ. એમાં સમસ્ત નારાયણી સેના દુર્યોધન માગે છે અને અર્જુન કેવળ નિ:શસ્ત્ર કૃષ્ણને. એ વિશે વાત કરતાં હિતાર્થ કહે છે, ‘આ પ્રસંગ સમજાવે છે કે બળ શસ્ત્રો કે શારીરિક તાકાતમાં નથી. બળ માનસિક તાકાતમાં છે. નિ:શસ્ત્ર હોવા છતાં આખું મહાભારતનું યુદ્ધ કૃષ્ણએ પોતાના હસ્તક સંભાળ્યું. કોઈ પણ પરિસ્થિતિને પોતાના કન્ટ્રોલમાં કઈ રીતે રાખી શકાય એની તેમની સ્માર્ટનેસ અને ઇન્ટેલિજન્સથી હું ખૂબ પ્રભાવિત છું. તેમની પાસેથી ઘણું-ઘણું શીખવાનું છે. તેમનું મૅનેજમેન્ટ, તેમનું લૉજિક, તેમનો ન્યાય બધું જ આપણને ઘણું શીખવી જાય છે. અમારી ઉંમરમાં એવું કહેવાય કે તમારા મિત્રો હંમેશાં સમજીને પસંદ કરવા, કારણ કે મિત્રોનું ઇન્ફ્લુઅન્સ ઘણું હોય છે. તો આ બાબતે હું ખુશ છું કે કૃષ્ણ મારા મિત્ર છે અને હું તેમની સાથે રહેતાં-રહેતાં કોશિશ કરું છું કે તેમના બધા ગુણોને હું અપનાવી શકું.’

columnists Jigisha Jain janmashtami