કૉલમ : મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે

03 May, 2019 10:58 AM IST  |  | જમનાદાસ મજીઠિયા - જેડી કૉલિંગ

કૉલમ : મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે

સુખનો સાગર : જમણી બાજુએ નાના, તામની બાજુમાં મામા અને તેમનું આખું ફેમિલી - જમનાદાસ મજીઠિયા

જેડી કૉલિંગ

આ જે ઉક્તિ છે એનો સાહિત્યિક અર્થ મને ખબર નથી, પણ મારી સમજણ અને મારા મામા સાથેના સંબંધોએ મને એટલું સમજાયું છે કે દીવાનો પ્રકાશ બહુ દુર સુધી ફેલાયેલો ન હોય એવી જ રીતે મામાનું ઘર પણ ભાણેજો માટે બહુ દૂર ન હોય, નજીક જ હોય. ત્યાં તમે મન ફાવે ત્યારે, મન પડે ત્યારે જઈ શકો. પહેલાંના સમયે બધા લોકો વેકેશન સમયે વિદેશ કે દેશનાં બીજાં ફરવાલાયક સ્થળોએ નહોતા જતા, કદાચ પરિસ્થિતિને કારણે જઈ નહોતા શકતા. આ જ કારણ હતું, અમે પણ ફરવા નહોતા જતા. વેકેશન એટલે અમારે માટે પણ મામાનું ઘર.

મોહનલાલ ભાયાણી, મારા મામાનું નામ.

મારા મામાને લીધે મારું બાળપણ બગડતાં બચ્યું અને તેમના પ્રેમ, સ્નેહ અને મારાં વસુમામીના હાર્ડવર્ક અને શાંત-સહનશીલ સ્વભાવને લીધે મારાં એકેક વેકેશન યાદગાર રહ્યાં. મારું બાળપણ કઈ રીતે બગડતાં અટક્યું એની વાત સહેજ સમજાવી દઉં. હું ચોથા ધોરણ સુધી મ્યુનિસિપાલિટીની સ્કૂલમાં ભણતો અને ત્યાં બહુ નોટોરિયસ છોકરો હતો, પણ મામાને લીધે મને કાંદિવલીની બાલભારતી સ્કૂલમાં ઍડ્મિશન મળ્યું અને મારી લાઇફમાં એક મોટો ટર્ન આવ્યો. એ બધી જૂની વાતો વિશે પછી નિરાંતે ચર્ચા કરીશું, અત્યારે વાત કરીએ વેકેશનની.

મામાને ત્યાં રોકાવા જવાનું એટલે કાંદિવલી-વેસ્ટમાંથી નીકળીને ઈસ્ટમાં જવાનું, પણ સાચું કહું, એ દિવસો મારા આજના યુરોપના હૉલિડેઝ કરતાં પણ વધારે મજેદાર રહેતા. મામાનું ઘર અશોકનગરના છેવાડે, તેમના ઘરની પાછળ એક વાડો હતો. એ વાડો બિલકુલ જંગલ જેવો જ ઘટાટોપ. રાતના કે મોડી સાંજના સમયે ડર લાગે, પણ દિવસ દરમ્યાન આ વાડો અમારે માટે મામાના ઘરે પહોંચવાનો શૉર્ટકટ થઈ જાય. મોટા મામાના છોકરાઓ રાજેશ, અમૂલ, આશા અને રમણ અને એમાં પાછા ભળે નાના રસિકમામાના છોકરાઓ અલ્કેશ, રીટા અને વિજય. એ લોકો પોરબંદર અને ભાવનગરથી આવતા. ઘણી વાર આ મહેમાનોમાં વાલીમાસી પણ ભળતાં તો ઘણી વાર દિવાળીમાસીની રૂપા અને કિરણ પણ. એ ઉપરાંત મારા નાના પણ હોય અને મારી સાથે વેકેશન કરવામાં મારી બહેન ચંદ્રિકા પણ હોય. આ બધાં નામ વાંચીને તમને આર્ય થશે કે આટલા લોકો, એક ઘરમાં. તમને થશે કે નક્કી મામાનું ઘર બહુ મોટું હશે, પણ ના, મામાનું દિલ બહુ મોટું હતું. ઘરની વાત કરું તો મામાનું ઘર મૅક્સિમમ ૨૫૦ ફુટનું હશે. એક નાની રૂમ, એમાં જ જોડાયેલું કિચન અને બાજુમાં એવડી જ બીજી રૂમ. અમે બધા આવડી જગ્યામાં પ્રેમથી આવી જઈએ અને કોઈને સંકડામણનો અનુભવ પણ ન થાય.

મામાને ત્યાં અમે બધાં ભાઈભાંડેળાઓ ફૂલવાડી, ઝગમગ, ચાંદામામા અને ખૂબ બધી વાર્તાની ચોપડીઓ વાંચતાં. મારું મહાભારત, રામાયણ અને બીજી નવલકથાનું જે પઠન થયું એનું શ્રેય મારા નાના લીલાધર ભાયાણીને જાય. નાના વાંચે પણ અને અમારી પાસે વંચાવે પણ. પોતે વાંચે પછી એ રસપ્રદ રીતે અમને બધું સમજાવે પણ ખરા. એ સમયે અમારી વચ્ચે અંદર-અંદર કૉમ્પિટિશન પણ રહેતી કે કોને વધારે સારી રીતે યાદ છે. નાના અચાનક ક્યારેક પ્રશ્ન પણ પૂછે એટલે એ જવાબ આપવામાં જો સાચા પડીએ તો બધા વચ્ચે થોડા કૉલર પણ ટાઇટ થાય. આખો દિવસ ચોરના માથાની જેમ રખડતા. એ દિવસોમાં ટૂથપેસ્ટના બૉક્સમાંથી પ્રાણીના આકારનાં રમકડાં નીકળતાં. એનાથી રમવાનું કે પછી ગોટી, લેબલ, સિગારેટના ખાલી પાકીટથી રમવાનું. આજે બધાને વિચાર થશે કે સિગારેટનાં ખાલી બૉક્સથી કેવી રીતે નાના છોકરાઓ રમી શકે, પણ જેઓ એ રમ્યા હશે તેમને એ રમત પણ અને એની મજા પણ યાદ હશે. મગજને કસવાની રમતો પણ રમતા. ઉખાણાં પૂછવાનાં, ક્વિઝ રમવાની. પત્તાં રમવા બેસીએ તો નેપોલિયન, ગુલામચોર, દો-તીન-પાંચ જેવી રમતો રમીએ તો વ્યાપાર એટલે કે આજની મૉનૉપોલી પણ રમીએ. ત્યાં પાસે આંબાવાડી હતી, એમાં ભટકતા રહેતા. આખો દિવસ પ્રવૃત્ત રહેતા. સાંજ પડ્યે થાકી જતા પણ એ થાકનો અનોખો આનંદ હતો. આ બધું કરી શકતા એનું કારણ હતું. એ સમયે ટીવી નહોતું. કેવું સારું હતું કે ટીવી નહોતું. બોલો, ટીવીનો એક સફળ નિર્માતા આવું કહે છે, જેનું બધું ટીવી પર નિર્ભર છે એ માણસ કહે છે કે ટીવી નહોતું એ સારું હતું, પણ હા, ટીવી વિનાના એ સમયના દિવસોની વાત જ જુદી હતી.

સવારે ઊઠીને રમવાનું, પછી નાસ્તો કરવાનો, પાછું રમવાનું, પછી ભૂખ લાગે એટલે જમવાનું અને પછી પાછું રમવાનું. આ જ કામ. વેકેશન આવે એટલે મામા દરરોજ કેરીના ટોપલાં લેતા આવે. આજે આપણે વિચારીએ કે કેરી કેટલી મોંઘી છે, પણ એ તો ત્યારે પણ મોંઘી જ હતી, પણ મામા ને મામી છોકરાઓને ભાવતું બધું કરે, છોકરાઓને ગમે એ બધું કરે. મારા ઘરે ફિલ્મ જોવા માટે આસાનીથી પરમિશન ક્યારેય ન મળે, પણ મામાના ઘરે તો આપણને જલસા. અમે બધાં ભાઈભાંડેળા એકસાથે પિક્ચર્સ જોવા જતાં. શોલા ટૉકીઝમાં મેં ‘ઝંજીર’ અને ‘શોલે’ જેવી અનેક ફિલ્મો જોઈ છે. કોઈ રોકટોક નહીં, બસ જલસા જ કરવાના. આંબાના ટોપલામાંથી આંબો કાઢી બસ ઘોળીને ચૂસવા માંડો. કોઈ કંઈ ન બોલે. આંબાની આઝાદી તો અમારા ઘરે પણ હતી એ તમારી જાણ ખાતર.

દિવાળીમાસી અને જમનાદાસમાસા જુહુ બીચ સામે આવેલી સૅનેટોરિયમમાં રહેવા જાય પછી અમારી આખી ગૅન્ગ સાંતાક્રુઝ સુધી ટ્રેનમાં અને ત્યાંથી ૨૩૧ નંબરની બસમાં અને ત્યાંથી સીધા દિવાળીમાસીને ત્યાં. સાંતાક્રુઝના ગાર્ડનનું પ્લેન હજી પણ મને યાદ છે. લાખો મધ્યમવર્ગીય બાળકોની પ્લેનની પહેલી સફર આ સાંતાક્રુઝ ગાર્ડનના પ્લેનમાં જ થઈ છે. માસીને ત્યાં રોકાઈને બીજા દિવસે જુહુ બીચના દરિયામાં નાહવા પડતા. માસાને દરિયામાં નાહવાનો ખૂબ શોખ. રાજા જેવો જ હતો મારા જમનાદાસ માસાનો ઠાઠ અને રાણી જેવાં માયાળુ હતાં મારાં દિવાળીમાસી. વેકેશનમાં રિઝલ્ટ આવતું. રિઝલ્ટની તારીખ હોય એ દિવસે સ્કૂલમાં જતા અને પછી રિઝલ્ટ મુજબ એકબીજાને એકબીજાની ચોપડીઓ પાસ થતી. ફાટેલી ચોપડી હોય તો બાઇન્ડિંગ કરાવવાનું, એને પૂઠાં ચડાવવાનાં, નવાં લેબલ લગાડવાનાં. હું કહીશ કે સરખી ઉંમરનાં ભાઈ-બહેનોમાં બધાં એકમેક સાથે સપનાં વહેંચતાં હોય છે.

વેકેશનમાં સૌથી વધારે મજા આવે રાતે અગાસી પર સૂવાની.

ખુલ્લા આકાશ નીચે બધાની એક લાઇનમાં પથારી થાય અને ત્યાં સૂવાનું. ખૂબબધી વાતો થાય, ગીતો ગાઈએ, ચાદર ખેંચીને મસ્તી કરતાં-કરતાં મુંબઈ આંખું અંધારા વચ્ચે ડૂબવા માંડે અને અમારી આંખોમાં ભવિષ્યનાં સપનાં ઉમેરાતાં જાય, પણ બદલતા વર્ષ સાથે ઘણુંબધું બદલાવા માંડ્યું.

મને અમુક વાતો મારા કઝિન્સ સાથે શૅર કરવાનું ઓડ લાગવા માંડ્યું. હું મારા કઝિનને મને ગમતી છોકરીની વાતો ખુલ્લા મને નહોતો કરી શકતો. આ ખચકાટ સાથે મને રિયલાઇઝ થવાનું શરૂ થયું કે હું મોટો થઈ રહ્યો છું. વર્ષો દર વર્ષો થોડો વધુ મોટો થતો ગયો અને અમારા મામાના ઘરનાં વેકેશન બંધ થતાં ગયાં. ઘણી વાર વેકેશનોમાં જામખંભાળિયાથી મારા કઝિન ભાવેશ અને ગુલાબ મારા ઘરે રોકાવા આવતા. તેમની સાથેનાં વેકેશન જ જુદાં રહેતાં. અમે બધાએ ખૂબ જલસા કર્યા છે. આપણે હોસ્ટ હોઈએ એટલે આપણે ધ્યાન રાખીને રહેવું પડે. એ સમયે મારે ભાવેશ સાથે ખૂબ ઝઘડો થતો, પણ આજે એ જ ભાવેશ મારો જિગરી ભાઈબંધ છે. ભાવેશ બહુ મોટો ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે અને અમારી કંપનીનું બધું કામ એ જ જુએ છે.

આ પણ વાંચો : કૉલમ : દિલ દિયા હૈ, જાં ભી દેંગે અય વતન તેરે લિએ...

મને ખ્યાલ જ ન રહ્યો કે મારી લાઇફનો બેસ્ટ ટાઇમ ક્યારે પાછળ રહી ગયો. સ્કૂલથી કૉલેજ અને પછી કરીઅરના ચક્કરમાં એ વેકેશન ક્યાંય પાછળ રહી ગયાં. મામા, આજે પણ હું મામાના ઘરના વેકેશનને મિસ કરું છું. મારે તમને એક વાત કહેવી છે. મામા શબ્દમાં બે ‘મા’ એમ ને એમ નથી રાખી, ત્યાં મા કરતાં પણ વધારે લાડ અને પ્રેમ મળે છે. હવે વેકેશન પડે ત્યારે મામાના ઘરે જવાનું સાવ ઘટી ગયું છે. એનું કારણ છે કે મામાઓ (ખાસ કરીને મારા જેવા) બહુ વ્યસ્ત થઈ ગયા છે તો સાથોસાથ મુંબઈમાં હવે મહેમાન આવીને ઘરે રહે એ કલ્ચર પણ સાવ બદલાઈ ગયું છે, પણ હા, આજે પણ અમારા પરિવારમાં પન્નામામી અને અમૂલમામીએ મારા મોહનમામા જેવી પરંપરા જાળવી રાખી છે અને બધા સાથે સ્નેહભેર રહે છે. પૂરતો સમય આપે અને ઘરે મહેમાન આવે ત્યારે અડધા-અડધા થઈ જાય. મામાનું ઘર દીવાલોથી નહીં, દિલથી મોટું હોવું જોઈએ, એટલું મોટું કે તમે ગમે ત્યારે ત્યાં જઈને વેકેશન માણી શકો અને એટલે જ કહું છું કે ‘મામાનું ઘર કેટલે’ યાદ કરીને તમારા ભાણેજોને આ વેકેશનમાં જરૂર બોલાવજો અને તમે પણ તમારા મામા-મામીની ઘરે વેકેશન જરૂરથી માણજો. બહુ જ મજા આવશે, તમારું નાનપણ પાછું આવી જશે.

JD Majethia columnists