કૉલમ : દિલ દિયા હૈ, જાં ભી દેંગે અય વતન તેરે લિએ...

26 April, 2019 10:49 AM IST  |  | જમનાદાસ મજીઠિયા - જેડી કૉલિંગ

કૉલમ : દિલ દિયા હૈ, જાં ભી દેંગે અય વતન તેરે લિએ...

અકલ્પનીય તસવીર : વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતુશ્રી હીરાબા રિક્ષામાં.

જેડી કૉલિંગ

આ આર્ટિકલ વાંચતાં પહેલાં અહીં મૂકેલો ફોટો જોઈ લેવાની હું તમને વિનંતી કરીશ. આ ફોટો મને વૉટ્સઍપ પર આવ્યા અને એ જોઈને હું મારી જાતને રોકી ન શક્યો. મને ઘણા વખતથી થતું હતું કે નરેન્દ્ર મોદીને ન ઓળખનારા કે પછી તેમને નહીં સમજી શકનારાઓને નજરઅંદાજ કરું અને આ વિષય પર ચૂપ રહું. બીજું એ થતું પણ ખરું કે બોલવાને બદલે તેમણે કરેલાં કામો પોતે જ બોલે છે તો પછી બોલવાની જરૂર શું છે?

મનમાં આ બધી ગડમથલ ચાલતી હતી એ દરમ્યાન મને એક લેખક મળવા આવ્યા. વાતો ચાલતી હતી અને ચાલી રહેલી એ વાતોમાં તેમણે ‘બા, બહુ ઔર બેબી’ના મારા કૅરૅક્ટર હર્ષદની વાત છેડી. આ સિરિયલની જે વાર્તા હતી એમાં બા હર્ષદને પરિવારથી જુદો કરી દે છે, પણ એવું કરવા પાછળનો આશય બહુ રસપ્રદ છે. બન્યું છે એવું કે હર્ષદ ખૂબ સારો ભાઈ, ખૂબ ડાહ્યો દીકરો છે. તે ભણીને ડૉક્ટર થયો છે. તેની પ્રૅક્ટિસ શરૂ થઈ એટલે હર્ષદ પર તેના ભાઈઓ નિર્ભર થવા માંડે છે. આ જોઈને બા ઓછાં સધ્ધર એવા બાકીના ભાઈઓને સમજાવવાને બદલે જે સધ્ધર થઈ ગયો છે એ હર્ષદને દૂર કરી દે છે. કેવી દૂરંદેશી અને કેટલું મહાન પાત્ર કહેવાય બાનું. આ પાત્રની વાતો ચાલતી હતી અને એ વાતો પરથી મને નરેન્દ્ર મોદી યાદ આવ્યા. આજે જગતઆખું જાણે છે કે નરેન્દ્ર મોદીનો પરિવાર સ્વમાનભેર પોતાની મહેનતથી અને વડા પ્રધાનપદના હોદ્દાનો કોઈ પણ જાતનો લાભ લીધા વિના જીવે છે. આને સ્વાવલંબન કહેવાય, કોઈને કોઈ વસ્તુ, સ્ટેટસનો મોહ કે લોભ નથી. ઘરનો દીકરો દેશની સેવા નિ:સ્વાર્થ ભાવે કરે અને પરિવાર પોતાની રીતે પોતાનું કામ કરે. આનાથી મોટો દાખલો આપણા દેશમાં તો ઠીક, દુનિયામાં બીજે ક્યાંય જોવા મળ્યો હોય એવું મારા ધ્યાનમાં નથી આવ્યું. આ આપણા દેશનું સૌભાગ્ય છે કે આવી સ્વમાની વ્યક્તિ દ્વારા આ દેશનું સુકાન સંભાળવામાં આવે છે. હું કહીશ કે આને માવતરના સંસ્કાર અને સાચી કેળવણી કહેવાય.

આ બધી વાતોને નજરઅંદાજ કરીને વિરોધ પક્ષો બેફામ બોલે છે. મારે એક નાનકડી સ્પષ્ટતા કરવી છે. મારો રાહુલ ગાંધી સામે કોઈ વિરોધ નથી અને મારે એ દર્શાવવો પણ નથી. આવા સમયે રાહુલ માટે કંઈ પણ કહેવું એ યોગ્ય નથી. ફક્ત એક વાત કહીશ તમને કે અમે નાના હતા અને રમતો રમતા અને હારી જઈએ ત્યારે હાર પચાવી ન શકતા અને જીતેલાને ખીજવવા તેને ઘસાતું કોઈ નામ આપી દેતા. આ નામ આપવામાં સૌથી સામાન્ય શબ્દ રહેતો ચોર. તમે પોતે યાદ કરજો કે તમારી સાથે બાળપણમાં આવું થયું હતું કે નહીં. આવું બને એ પછી તે નીચેથી પસાર થતો હોય ત્યારે આપણે ‘ચીમન ચોર’ બોલીને છુપાઈ જતા.

આવું જ અત્યારે આપણા રાહુલબાબા કરે છે, પણ તેની વાત મન પર લેવાની ન હોય, તે હજી પણ રમે છે. તેને રમવા દો. હું કહીશ કે આ દેશમાં હજી પણ બહુ ઓછા લોકોને સાચા અને ઈમાનદાર લોકોનો અનુભવ થયો છે એટલે બધાને ઈમાનદારી ગળે નથી ઊતરતી. માનવામાં જ નથી આવતું કે કોઈ આટલું સૈદ્ધાંતિક અને રાષ્ટ્રપ્રેમી હોઈ શકે. આંખ સામે સાધનસંપત્તિઓ પડી હોય અને એ પછી પણ એનો મોહ ન હોય અને માનતા હોય કે આ બધા વગર પણ શાંતિથી જીવન જીવી શકાય છે. તમને હું મારો બે મહિના પહેલાંનો એટલે કે ફેબ્રુઆરીનો જ અંગત કિસ્સો કહું. જાતે અનુભવેલી આ વાત છે, કોઈના મોઢે નથી સાંભળી.

હું છેલ્લાં ૧૦ વર્ષથી ટેલિવિઝન અસોસિએશનનો ચૅરમૅન છું એ તમારી જાણ ખાતર. ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમારે અમુક પરવાનગી મેળવવાની હોય, જેનું એક ખાતું હોય છે. હતું એવું કે એ ખાતા તરફથી સતત હેરાનગતિ થતી હતી અને પૈસા લેવાતા. હા, ભ્રષ્ટાચાર થતો, લાંચ લેવાતી. અમારા પ્રોડક્શન હાઉસ સાથે પણ આ પ્રકારની હેરાનગતિ થઈ હતી. આ બાબતમાં અમે એક સંદેશો વડા પ્રધાન ઑફિસ સુધી પહોંચાડ્યો. વાતને બે અઠવાડિયાં પણ નહીં થયાં હોય ત્યાં તો જેના દ્વારા આ પ્રૉબ્લેમ ઊભા કરવામાં આવતા એવા તમામ સિનિયરોની એ ડિપાર્ટમેન્ટમાંથી હકાલપટ્ટી કરવામાં આવી અને એ પછીનાં બીજાં બે અઠવાડિયાંમાં તો સરળ અને ચોખ્ખી કહેવાય એવી પરમિશન પ્રોસેસ લાગુ કરી દેવામાં આવી અને એ પણ અમારી સાથે મીટિંગ કરીને. જેથી અમારાં સૂચનોને, અમારા કામને, અમારી સગવડને આવરી શકાય. હું કહીશ કે અમારી ઇન્ડસ્ટ્રી ઓળઘોળ છે તેમના પર. આ કે આના જેવા એકાદ-બે કારણસર નહીં, ખૂબબધાં કારણો છે. એ સાચું કે અમારા કેટલાક દોસ્તોએ તેમની વિરુદ્ધ ઝુંબેશ ચલાવી છે, પણ મારું તેમને એ જ કહેવું છે કે તમે તમારા વિચારોની રજૂઆત કરી, જો કરી હોય તો મારો દાવો છે કે તમારા દરેક પ્રશ્નોનું નિરાકરણ થઈ જશે.

હું કહીશ કે અત્યાર સુધીના આ દેશના સૌથી સરળ વડા પ્રધાન છે જે દરેક યોગ્ય મુદ્દા માટે વ્યક્તિને શાંતિથી મુલાકાત આપે છે, સાંભળે છે અને દેશ તથા જનહિતમાં એનું નિરાકરણ કરે છે. હું કહું છું એટલે નહીં, તેમને જેકોઈ મળ્યા છે તેમને પૂછી લેશો તો પણ તમને સમજાઈ જશે. બીજું કે તમે પોતે જ તમારી જાતને પૂછી જુઓ કે આટલાં વર્ષોમાં કોઈ પણ નેતા આટલી નજીકથી તમારા વિચારોને સ્પર્શી શક્યા છે ખરા? હમણાં સુધી રાજકારણમાં માત્ર પુરુષો અને એ પણ મર્યાદિત પુરુષો જ રસ લેતા, પણ તેમના આવ્યા પછી એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે આજે દેશની મહિલાઓ પણ રાજકારણમાં રસ લેતી થઈ ગઈ છે અને યુવાનો પણ તેમની વાતો કરે છે. આવી પૉપ્યુલરિટી આ દેશમાં અન્ય કોઈ રાજકારણીની ક્યારેય નથી રહી. યુવાનોને ક્રિકેટર અને ફિલ્મસ્ટાર સિવાય કોઈ દેખાતું નહીં, પણ આજે યંગસ્ટર્સ પૉલિટિક્સમાં રસ લેવા માંડ્યા, જેનો જશ આપણે નમ્રતા સાથે આમને જ આપવો પડે.

જનજન સુધી પહોંચવાની તેમની જે ક્ષમતા છે એને આપણે સૌએ માન આપવું પડે. તેમનું દરેક વિષય પરનું વાચન, જ્ઞાન, ભાષા પરનું પ્રભુત્વ, ટેક્નૉલૉજીને પ્રોત્સાહન, ભ્રષ્ટાચાર રોકવા માટે લેવામાં આવેલાં પગલાં, આર્મીને છૂટો દોર, દેશ તમારા માટે શું કરે છે એના કરતાં તમે દેશ માટે શું કરો છો એ વિચારશૈલી અને પોતાના પદનો લાભ પોતાના પરિવાર માટે તો ઠીક, માતા માટે પણ ન લે એ જોતા રહે એવું વ્યક્તિત્વ.

તમને ક્યારેય થાક ભરેલી એક પળ તેમનામાં જોવા નથી મળતી. ફ્રેશ વિચારો છે તેમની પાસે તો સાથોસાથ તેઓ શારીરિક રીતે અને માનસિક રીતે યુવાશક્તિથી પણ સભર છે. દેશ માટે તેમનાં જે સપનાંઓ છે, તેમની જે મહત્વાકાંક્ષાઓ છે એ જરા પણ ઓછી નથી. હું એક વાત તમને કહીશ કે દેશને સુરક્ષિત રાખીને પ્રગતિ કરવાનું કામ સહેલું નથી. આસપાસમાં કોઈને ન ગમે તો એ કોઠાઓને ભેદીને અભિમન્યુની જેમ આગળ વધતા જવાનું અને સતત રસ્તા કાઢતા રહેવાના. એક વાત હું કહીશ કે ગાંધી પરિવાર, માયાવતી, લાલુપ્રસાદ યાદવ, શરદ પવાર, મમતા બૅનરજી જેવા રાજકીય ધુરંધરો સામે ઊભા રહેવું એ લોઢાના ચણા ચાવવા જેવું અઘરું કામ છે.

આ પણ વાંચો : કૉલમ : માબાપની કાળજી

આજે ફરી આપણે એ જ વાત પર આવીએ, જ્યાંથી વાતની શરૂઆત કરી છે.

નરેન્દ્રભાઈ, તમને મારે એક વિનંતી કરવાની છે. આપની ઈમાનદારી અને સ્વાભિમાન સૌકોઈ જાણે છે, પણ એની આકરી સજા આપનાં માતાને ન મેળવી જોઈએ. તેમનો અધિકાર છે તમારી સાથે અમુક સમય પસાર કરવાનો. જ્યારે માનો હાથ માથા પર ફરે ત્યારે દીકરાને માથેથી દરેક ચિંતા ચપટી વગાડતાં જતી રહે. તમને પણ એક દીકરા તરીકે એવા પ્રેમનો અધિકાર છે. દેશને ગમે છે તમને તમારી માતા સાથે જોવાનું. યુવા પેઢી માટે એક એક્ઝામ્પલ છે, એક ઇન્સ્પિરેશન છે. દેશના લોકો થોડાથી લઈને ખુબ સ્વાર્થી છે માટે દર વર્ષે થોડો વખત તેમને તમારી સાથે રાખજો અને આવનારાં પાંચ વર્ષ વડા પ્રધાન નિવાસમાં તમારાં માતાનો હાથ તમારા માથા પર વહાલ ભરેલો ફરશે અને તેમના આર્શીવાદથી તમે ખુશ રહેશો એનો આ દેશને ફાયદો જ થશે એટલે આ દેશના હિત ખાતર અને સ્વાર્થ ખાતર પણ આટલું કરજો.

JD Majethia columnists