કૉલમ : આંબા ખાવાનું શરૂ કરી દીધું?

10 May, 2019 09:02 AM IST  |  | જમનાદાસ મજીઠિયા - જેડી કૉલિંગ

કૉલમ : આંબા ખાવાનું શરૂ કરી દીધું?

પ્રતીકાત્મક તસવીર

જેડી કૉલિંગ

માર્ચ અને એપ્રિલ મહિનો આવે એટલે ફૅમિલીમાં બે મોટાં વળગણ લેતા આવે છે. આઇપીએલ અને આંબા. બીજાં ઘણાં બધાં છે, પણ સૌથી શિરમોર આ બે છે. આઇપીએલ વરસાદ પહેલાં જ પતાવવી પડે નહીં તો પોતે જ પતી જાય, પણ આંબો થોડો પ્રેમાળ છે. ચોમાસા પછી પણ આપણને અલગ-અલગ જાતથી સ્વાદ અને આનંદ આપતો રહે છે. આઇપીએલમાં જુગાર અને સટ્ટા જેવાં દૂષણ આવ્યાં છે એવાં આંબા એટલે કેરીમાં પણ છે. કેમિકલથી પકવીને આંબા તૈયાર કરવામાં આવે અને પૈસા કમાવા આપણાં ઘરોમાં ઘુસાડવામાં આવે છે. કેમિકલથી પકવેલાં ફ્રૂટ્સ કૅન્સર જેવી મોટી બીમારી નોતરી શકે છે એવા ખૂબબધા વિડિયો વૉટ્સઍપ પર બધાને મળતા હશે, માટે વધારે એના વિશે અત્યારે લખતો નથી, પણ હા, આવો જ આંબા માટેનો એક વિડિયો મેં જોયો અને હું દંગ રહી ગયો હતો અને એને લીધે જ આ આંબા પર લેખ સૂઝ્યો છે. તમારા ઘરે આવેલી કેરી કેટલી સાચી છે એની અલગ-અલગ પરખ હોય છે. પહેલાંના સમયમાં કેરીનો વિશ્વાસુ ફ્રૂટ-સેલર, હા, હા, ફૅમિલી ડૉક્ટરની જેમ ઘણાના ફ્રૂટસેલર અને સબ્જી-સેલર હોય છે. એ ફ્રૂટ-સેલર ઘરે આપી જતો અને આપણે આંખે પાટા બાંધીને આંબાને ઘોળીને પી જતા કે પછી કાપીને ખાઈ જતા, છાલ ઉતારવાનું નામ જ નહીં. ગોટલો પણ બહુ શિફતથી છેલ્લે ચાટી જતા, પણ આજકાલ આવું શક્ય નથી રહ્યું. ભલભલા ફૅમિલી ફ્રૂટવાળાનો ભરોસો કરી શકાય એમ નથી. તેમને જ ખબર નથી હોતી ઘણી વાર.

મૂળ વાત પર આવીએ. તમારા ઘરે આવતી રસની કે પછી કોઈ પણ કેરી બાલદીમાં ધોવા નાખવી અને જોવું કે કઈ કેરી પાણીમાં તરે છે અને કઈ ડૂબે છે. જે કેરી કેમિકલથી પકવેલી હશે એ તરતી રહેશે અને જે પોતાની રીતે પાકી છે એ તળિયે બેસી જશે. આપણે હવે દરેક કેરીઓને બને તો ખોલીને જોવી અને પછી સુધારીને ખાવી. જો રસની કેરી હોય તો આખા કરંડિયામાંથી એકાદ-બેને ટેસ્ટિંગ માટે ખોલીને જોવી જ જોવી. નહીં તો આ કેરી અને કેરીનો રસ, કેરીના ભાવ કરતાં વધારે મોંઘો પડી જશે.

મને બહુ દુ:ખ થાય છે આ મિશ્રણને લીધે, બીજું બધું તો ઠીક, પણ આ કેરીમાં ભેળસેળ. ગરમીની તકલીફો સામે વેકેશનની મોટામાં મોટી હૉપ આ કેરી હોય છે. આખા વેકેશનમાં કેરીનાં અથાણાં, ખૂબ ગરમી પડે ત્યારે આમનો પન્નો, જમવામાં સુધારેલી કેરી, આમરસ-પૂરી, કેરીનો ફજેતો વગેરે વગેરે તો ગરમી સહી લેવાનાં આકર્ષણો છે. આમનો પન્નો ખાસ ઘરમાં રાખજો. ગરમીના દિવસોમાં ખાસ પીજો, સાથે લઈ જજો અને કુટુંબમાં લગભગ બધાને પિવડાવવાનો પ્રયાસ કરજો. ગુજરાતીઓ જરા ચેતજો. એ જમાના હવે નથી રહ્યા કે આપણે રોજ કેરીનો રસ ખાઈએ અને આપણને કંઈ ન થાય. બસ, મજા જ મજા આવે જમવાની. દિવસો હવે પહેલાં જેવા નથી રહ્યા. કસરત કે વૉક કે શારીરિક કામો બહુ થતાં નથી. કપડાં ધોવાથી માંડીને સૂકવવાના કે ચટણી પીસવાથી માંડીને વાસણો ધોવા જેવાં કામો પણ હવે રહ્યાં નથી. ટીવી-મોબાઇલ જેવાં સાધનોને કારણે જીવન હવે બેઠાડુ બની ગયું છે. માટે જ આંબા રોજ પચે નહીં. રસ તો ગરમ પડી શકે અને વજન-કૉલેસ્ટરોલ ખૂબ વધારી શકે. ખાસ કરીને આપણાં બાળકોનાં વજન પણ વધી જાય અને ગરમી પણ નીકળી શકે મોઢા પર એટલે એ બધાના ઇલાજ પણ સાથે-સાથે કરતા રહેવું.

કેરીનો રસ બને તો દૂધમાં બનાવવો. દૂધ એની ગરમી ઓછી કરશે અને આંબામાં રહેલો આમ તમને કબજિયાત ન કરે એની તકેદારી રાખવા માટે એમાં થોડું પાણી પણ ભેળવવું. કોઈના લગ્નપ્રસંગે ગયા હોઈએ ત્યારે એ રસ કેવી રીતે બન્યો છે એની પળોજણમાં પડ્યા વિના જેટલો ખાવો હોય એટલો ખાઈ લેવો અને પછી ઘરે આવીને બાકીની ચીજોનો ઇલાજ કરવો, કારણ કે રસની મજા એ રસની મજા છે એટલે એ તો લેવી જ લેવી, પણ તકેદારી બધા પ્રકારની રાખવી. બધાને પોતપોતાના ઘરગથ્થુ ઇલાજે ખબર જ હશે એટલે ડૉક્ટર બનવાનું છોડીને મજા કરવાનું સૂચન કરું છું. આંબાની ખૂબ મજા માણજો, કારણ કે આ એક ફળ એવું છે કે એના સ્વાદની તોલે બીજું કાંઈ ન આવે. આંબાનો સ્વાદ તો આમ ખાટો, મીઠો, સહેજઅમસ્તો ખટમીઠો. આ સ્વાદને વર્ણવી જ ન શકાય. આંબો એટલે આંબો, ફળોનો રાજા. આજકાલ ખૂબ વરાઇટી બને છે આંબાની. અમારે તો આ રવિવારે જલસો થવાનો છે.

આઇપીએલની ફાઇનલ મૅચ અને ગોરેગાંવ સ્પોટ્ર્સ ક્લબમાં મૅન્ગો ફેસ્ટિવલ. બન્ને ચીજો ભેગી. આ ગોરેગાંવ સ્પોર્ટ્સ ક્લબ ખૂબ આગળ આવી ગયું છે. ખૂબ બધી અલગ-અલગ ઍક્ટિવિટીઓ કરે. આ વખતે આઇપીએલની ફાઇનલ અને મૅન્ગો ફેસ્ટિવલમાં લોકો પોતપોતાના સ્ટૉલ રાખીને બધા નવી-નવી ચીજો બનાવીને વેચશે. તમે માની ન શકો, કલ્પી ન શકો એવી વરાઇટીઓ હોય છે. આપણે તો આઇપીએલની મૅચ જોતા જાઓ અને આંબાની ભાતભાતની વરાઇટી ખાતા જાઓ. ધારો કે તમે સ્પોર્ટ્સ ક્લબના મેમ્બર ન હો તો પણ વાંધો નહીં. તમે શોધ ચલાવશો તો તમને મુંબઈમાં પણ પુષ્કળ વરાઇટી મળી જશે. પાર્લા-ઈસ્ટમાં તોસા નામની એક રેસ્ટોરાં છે. એમાં મેં આંબાની વરાઇટીઓની ખૂબ મોજ માણી છે.

નાનપણથી બાપુજીએ ખૂબ આંબા ખવડાવ્યા છે. આફૂસ પૂરી થાય એટલે રાજાપુરી, તોતાપુરી, કેસર અને ભાતભાતના આંબા. આંબા જોઈને લેવાની પણ એક કળા છે. લોકોને આવડતું હોય છે આ ફળ લેતાં. હું તો તમને પણ કહીશ કે આ ફળ લેવાની કળા પણ તમે કેળવજો અને આ દિવસોમાં હજી જે સમય બાકી બચ્યો છે એમાં આંબા લાવજો અને બને તો મિત્રોને પણ મોકલાવજો. મહેમાનોને ઘરે બોલાવજો, રસપૂરીનું જમણ ગોઠવજો. અક્ષયકુમારે નરેન્દ્ર મોદીનો એક ઇન્ટરવ્યુ કર્યો ત્યારે તેણે મોદીસાહેબને પૂછ્યું’તું કે તમને આંબા ભાવે છે ત્યારે તેમણે કહ્યું હતું કે બહુ ભાવે છે. તેમણે કહ્યું હતું કે ગુજરાતીઓ કેરીના રસથી દૂર રહે એવું બને જ કેવી રીતે.

મેં એવું બહુ જોયું છે આપણી આસપાસ નૉન-ગુજરાતીઓ જે છે તેમને બહુ આઇડિયા નથી આપણા ગુજરાતીઓના આંબાના રસનો. જો તમારા ગ્રુપમાં નૉન-ગુજરાતીઓ હોય તો એકાદ મૅન્ગો-પાર્ટી તમારા ઘરમાં રાખીને એ બધાને પણ બોલાવજો અને તમારા આ મિત્રોને પણ મૅન્ગો ખાવાની રીત શીખવજો. આજકાલ ઘણા એવા મિત્રો છે જેઓ પોતાના ફાર્મહાઉસમાં આંબા વાવીને એ ફળ તમારા ઘરે મોકલે. આવા આંબા ઘરે આવે ત્યારે બહુ ગમે. આમાં એક નવું નીકYયું છે ઑર્ગેનિક રીતે ઉગાડેલા આંબા એટલે કે એક પણ પ્રકારનું કેમિકલ વાપર્યા વિનાના આંબા. શુદ્ધ અને સાત્વિક ખાતર સાથે બનેલા આંબા. હું મન ખોલીને, દિલ ખોલીને આવા આંબા ખાઉં છું, રસ પીઉં છું. આંબાની મજા જ જુદી છે, ખાસ કરીને શૅર કરીને ખાવાની. પહેલાં એક વ્યવહાર હતો, હજી પણ છે એટલે દીકરો અને બહેનોના ઘરે આંબા મોકલવાનો. આ લખતી વખતે મને પણ યાદ આવ્યું કે મારે મારી બહેનો કમલ અને ચંદ્રિકાના ઘરે આંબા મોકલાવવાના છે. મને યાદ આવ્યું છે એમ, તમને પણ યાદ આવી ગયું હોય તો આ વ્યવહાર તમે પણ ચૂકતા નહીં.

બીજી પણ એક સલાહ તમને આપવી છે મારે કે જો આર્થિક સધ્ધરતા હોય તો દર વખતે બહુ કસીકસીને આંબા લેતા નહીં. થોડું કમાવા દેજો આંબા વેચનારને પણ. તમને લાગે કે કેરી બહુ મોંઘી છે તો તમારી રીતે કેરી લઈને બે કેરી આસપાસ રમતાં એ આંબાવાળાનાં બાળકોને આપી દેજો. ખરેખર તમારા આંબાનો સ્વાદ વધી જશે, એની મીઠાશ પણ બેવડાઈ જશે.

આ પણ વાંચો : કૉલમ : મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે

આંબાની ખૂબ મજા માણજો, કારણ કે આ એક ફળ એવું છે કે એના સ્વાદની તોલે બીજું કાંઈ ન આવે. આંબાનો સ્વાદ તો આમ ખાટો, મીઠો, સહેજઅમસ્તો ખટમીઠો. આ સ્વાદને વર્ણવી જ ન શકાય. આંબો એટલે આંબો, ફળોનો રાજા. આજકાલ ખૂબ વરાઇટી બને છે આંબાની. અમારે તો આ રવિવારે જલસો થવાનો છે.

columnists JD Majethia