કૉલમ : યાદગાર પ્રવાસ : આજે વાત ગુમાવેલી બૅગની

22 March, 2019 10:28 AM IST  |  | જમનાદાસ મજીઠિયા

કૉલમ : યાદગાર પ્રવાસ : આજે વાત ગુમાવેલી બૅગની

બાઅદબ, બામુલાયજા હોશિયાર : ઇસ્તંબુલના પરંપરાગત પોશાકમાં હું અને મારી આખી ફૅમિલી. આજે તમને મારી ફૅમિલીના સભ્યોની ઓળખાણ પણ કરાવું. તસવીરમાં છે (ડાબેથી) કેસર, જેડી, નીપા અને મિશ્રી.

જેડી કૉલિંગ

ટિપ-નંબર ચાર સાથે આપણી વાત ગયા વીકમાં અટકી હતી. આ ટિપ-નંબર ચાર હતી, ક્યારેય પોતાની કે પોતાના વહાલાઓની મનપસંદ ચીજોને આસાનથી જવા ન દેવી. અથાગ પ્રયાસો કરવા, મનમાં વિશ્વાસ હોય તો એ મળે જ છે, એનાં મૂલ્યો પર ન જવું એ અમૂલ્ય જ હોય છે.

ઇસ્તંબુલ અને ટર્કીની અમારી એ ટૂર પણ ચીજો ભુલાઈ જવાની સીઝન હતી. એક હૅન્ડબૅગ ઍરપોર્ટ પર શૉપિંગ કરતાં-કરતાં ક્યાંક ભુલાઈ ગઈ તો મિશ્રીનો મોબાઇલ ક્યાંક રહી ગયો. રેકૉર્ડ બ્રેક કરવો હોય એ રીતે અમારી ચીજવસ્તુઓ ભુલાતી અને નવો રેકૉર્ડ બનાવવો હોય એ રીતે અમારી ખોવાયેલી ચીજો પાછી પણ મળી જતી. ચીજો મળી જાય એટલે અમે ખુશ થતા, હસતા, ગુસ્સે થતા, ચર્ચા કરતા અને પાછા નક્કી કરતા કે કોણે કેવી રીતે ધ્યાન આપવું અને મોજમજામાં બધું ભૂલી જતા. મજા કરતાં-કરતાં પ્રવાસ પૂરો થવાનો સમય આવ્યો અને હવે અમારે ઇસ્તંબુલથી ગ્રીસ જવાનું હતું. અમે ગ્રીસ ગયા અને ગ્રીસમાં ઍથેન્સ સેનેટરોની મિકોનોઝ ફર્યા, લોકલ ફૂડ ટેસ્ટ કર્યું અને ખૂબ મોજ કરી. શૉપિંગ કર્યું. ગ્રીસમાં અમારે સ્કૂબા ડાઇવિંગ કરવું હતું, પણ એ કરતાં પહેલાં તમારે એનો કોર્સ કરવો પડે છે. અમે ત્યાં સ્કૂબા ડાઇવિંગનો કોર્સ કર્યો અને પાછા ફરતા હતા. આપણે ફરવા નીકળીએ અને એમાં પણ જો ફૉરેન જઈએ તો સામાનનું ખાસ ધ્યાન રાખતા હોઈએ છીએ. અમારી સાથે જે પ્રકારના પ્રસંગો બનતા હતા એ જોઈને અમે આ બાબતમાં વધારે કાળજી રાખતા હતા. બધા પોતપોતાની બૅગ પકડીને રાખતા. આ સફરમાં અમે એક નવી બૅગ પણ લીધી હતી, જેમાં અમારો કૅમેરા હતો.

અમારા આ કૅમેરાની પણ અલગ સ્ટોરી છે. અમારા કૅમેરાનો લેન્સ છેલ્લે દિવસે ન આવ્યો એટલે મેં મારા કઝિન હિતેન પાબારીનો કૅમેરા અને લેન્સ સાથે લીધા હતા. જ્યારે આપણે બીજા કોઈની ચીજ અને ખાસ કરીને કૅમેરા જેવી વસ્તુ સાથે લઈને જતા હોઈએ ત્યારે આપણું ધર્મસંકટ થોડું વધારે જ મોટું હોય. એ બૅગમાં અમારા બધા જ પેપરની ફાઇલ પણ હતી તો ઇસ્તંબુલમાં ત્યાંના રાજારજવાડાના પૌરાણિક કૉસ્ચ્યુમમાં પડાવેલો ફોટો પણ હતો. આ સિવાયનું પણ ઘણું શૉપિંગ એ બૅગમાં હતું. અમે બધા પોતપોતાનો સમાન લઈને સમયસર ઍરપોર્ટ પર આવી ગયા. ઍરપોર્ટની બહાર ફોટો પાડ્યા અને એ પછી ચેક-ઇન કર્યું. ગુજરાતીઓ વિદેશથી પાછા આવે ત્યારે સામાનનું ઓછું વજન હોય.

કેમ, નથી માનવામાં આવતું? ભાઈ, સાથે લીધા હોય એ નાસ્તાઓ ખૂટી ગયા હોયને. હાહાહા...

અમે સરસ રીતે બધું ગોઠવીને જરાપણ વજન વધારે ન થાય એનું ધ્યાન રાખીને ઇમ્પોર્ટન્ટ સામાન હૅન્ડબૅગમાં સાચવીને પૅક કર્યો અને પછી બધા પોતપોતાની હૅન્ડબૅગ સાચવતાં-સાચવતાં ફ્લાઇટના ગેટ પર આવ્યા. ગેટ પર આવીને ડાહ્યા લોકોની જેમ સામેના સોફા પર ઊંધી બાજુ ફેસ કરીને બેસી ગયા. છોકરીઓ પાસે પર્સિસ હતાં તો બધા પાસે એકેક હૅન્ડબૅગ પણ હતી. મારી પાસે ખભે નાખેલી રકશેક અને એક નવી બૅગ હતી જેમાં અમારા બધાનો સમાન હતો અને તો પણ અમે બધા એ બૅગનું ધ્યાન રાખતા હતા. ઍરપોર્ટ વહેલા પહોંચી ગયા હતા એટલે બેઠા હતા, પણ વિદેશના ઍરપોર્ટની શૉપિંગ લૉબી એટલી આકર્ષે તમને કે બેઠા હો તો પણ તમને સખ ન વળે. અમારી સાથે પણ એવું જ બન્યું અને ત્રણ જણ ‘હું સામેની દુકાનમાં આંટો મારી આવું’ એવું કહીને સરકી ગયા અને સામાન સાચવી લેવાની જવાબદારી વહેંચી લીધી. અમારાં મિશ્રી મૅડમ ત્યાં જ હતાં. આપણને એમ જ લાગે કે પછી આપણે એવું ધારી જ લેતા હોઈએ છીએ કે વિદેશના ઍરપોર્ટ સેફ જ છે એટલે આપણે ઘણી વાર ગાફેલ રહેતા હોઈએ છીએ. અહીં આવે છે ટિપ-નંબર પાંચ.

વિદેશનાં ઍરપોર્ટ સેફ છે એવી માન્યતાને કાયમ માટે જીવનમાંથી કાઢી નાખવી અને વિદેશમાં ખાસ કરીને પાસપોર્ટ અને પૈસાવાળી બૅગ અને બાળકોને જીવની જેમ સાચવવાં. અમે બધા સામાન પાસે પાછા આવ્યા. ગેટ ખૂલ્યો એટલે બધાએ લાઇન કરી અને ત્યારે જ મિશ્રી મૅડમને ભૂખ લાગી અને ફ્લાઇટમાં બરાબર ફૂડ નહીં મળે એવી દલીલ સાથે તેણે કહ્યું કે આપણે કંઈક અહીંથી લઈ લઈએ. આ છેલ્લી ઘડીની ડિમાન્ડ મને ન ગમે અને જ્યારે પપ્પા ના પડે ત્યારે મમ્મીઓ વિરુદ્ધ દિશામાં જાય. એ લોકો વેજિટેરિયન ખાવાનું લેવા ગયા.

હવે અહીં આવે છે ટિપ-નંબર સિક્સ. છેલ્લી ઘડીએ કંઈ લેવા દોડવું નહીં, બાળકોને પહેલેથી જ કંઈક અપાવી દેવું, બધી તૈયારીઓ પહેલેથી કરી લેવી. પપ્પા હોય કે મા, કચકચ ન કરવી અને કોઈને ના પાડવી નહીં અને કોઈએ ના પાડવી નહીં, બાળકો માટે હેલ્થી ખાવાની જીદ કરવાની નહીં કારણ કે ઍરપોર્ટ પર ભાગ્યે જ હેલ્ધી ફૂડ મળતું હોય છે. હવે બધા અંદર ફ્લાઇટમાં આવી ગયા હતા ને અમારું ફૅમિલી જે ગેટ પર સૌથી પહેલાં આવીને ઊભું હતું એ વિમાનમાં દાખલ થવામાં છેલ્લા નંબર પર હતું.

હવે અહીંથી વાત બરાબર જામે છે.

વાઇફ નીપા અને મિશ્રી પોતપોતાનો સમાન લઈને અંદર જતાં રહ્યાં. બાકી રહ્યા હું અને કેસર. અમે અમારી બૅગ લેતા હતા ત્યાં મારી નજર પડી ત્યાં પડેલા ફૂડના કચરા પર. એ કચરો અમારો જ હતો. કૉફી અને જે નાસ્તો કર્યો હતો એ બધો કચરો ત્યાં જ હતો. આ કચરો જોઈને સ્વચ્છ ભારતના મોદીસાહેબના અભિયાનમાં ભારોભાર શ્રદ્ધા ધરાવતો માણસ એટલે કે હું એ બધું ઉપાડીને ડસ્ટબીનમાં નાખવા ગયો. હવે અહીં કેસરને એમ થયું કે પપ્પાએ લીધું અને પપ્પાએ એમ માની લીધું કે બધું કેસરે લીધું. બધું બરાબર ચેક કરવા લાગ્યા અને બધી બૅગો ચેક કરી. બૅગ ચેક કરી ને ત્યાં મારો ઉદ્ગાર નીકળી ગયો : આપણી નવી હૅન્ડબૅગ ક્યાં છે?

તરત જ સમજાઈ ગયું કે નવી બૅગ જે આમ બધાની હતી, પણ આમ કોઈ એકના નામ પર નહોતી એ અમે જ્યાં બેઠા હતા ત્યાં જ રહી ગઈ છે. અમે તરત જ ઍરહોસ્ટેસને કહ્યું કે અમારી બૅગ બહાર રહી ગઈ છે, અમને લેવા જવા દો. પણ કરમની કઠણાઈ કહો કે પછી વિધિની વક્રતા ગણો, અમને ખબર પડી અને અમે ઍરહોસ્ટેસને કહ્યું ત્યાં સુધીમાં તો ફ્લાઇટના ગેટ બંધ થઈ ગયા હતા. ઍરહોસ્ટેસને રિક્વેસ્ટ કરી એટલે તેણે તરત જ કહ્યું કે ગેટ બંધ થયા પછી એ ઓપન કરવાની પરવાનગી માત્ર કૅપ્ટન આપી શકે. અમે તરત જ કૉકપિટ તરફ આગળ વધ્યા. ત્યાં જઈને પ્રયત્ન કર્યો, પણ કૉકપિટનો દરવાજો બંધ હતો. ફ્લાઇટ ઊપડવાનો સમય પણ થઈ જ ગયો હતો એટલે ઍરહોસ્ટેસે અમને કહ્યું કે તમે તમારી જગ્યાએ બેસો, હું પાઇલટ સાથે વાત કરીને તમને કહું છું.

આ પણ વાંચો : યાદગાર પ્રવાસ

અમારી પાસે બેસવા સિવાય તો કોઈ છૂટકો જ નહોતો. અમે જઈને અમારી સીટ પર શાંતિથી બેસી ગયા. થોડી વાર પછી ઍરહોસ્ટેસ બહેન આવ્યાં અને આવીને તેમણે કહ્યું કે પાઇલટે હા તો પાડી છે, પણ તેમનું કહેવું છે કે પ્લેન સાથે જે એરો બ્રિજ લગાડ્યો હતો એ ખસેડી લેવામાં આવ્યો છે એટલે હવે પ્લેનનો દરવાજો ખૂલે તો પણ તમે નીચે ઊતરી નહીં શકો. અમારો ચહેરો સાવ ઊતરી ગયો.

બૅગ હતી નહીં અને બૅગ વિના હવે અમારે હવામાં ઊડવાનું હતું. હવે શું કરીશું અને શું થશે એના ટેન્શન વચ્ચે જ અમે ઍરહોસ્ટેસની જે રેગ્યુલર ઇન્સ્ટ્રક્શન હોય છે એ સાંભળવાનું ચાલુ કરી દીધું. મન અમારું ક્યાંય પોરવાતું નહોતું અને એમાં કશું છુપાવવા જેવું પણ નથી. તમારો આખેઆખો સામાન રહી જાય તો તમને ટેન્શન તો થાય જ અને એ સ્વાભાવિક પણ છે. (બૅગના એ ટેન્શન અને વેકેશન દરમ્યાનની બીજી મહત્વની કેટલીક ટિપ્સ સાથે મળીશું ફરી આવતા વીકમાં)

JD Majethia columnists