જીવનને શ્રેષ્ઠતમ નવી દિશા આપવાની ક્ષમતા જૈનિઝમના આચાર-વિચારમાં છે

03 June, 2020 08:03 PM IST  |  Mumbai | Manoj Joshi

જીવનને શ્રેષ્ઠતમ નવી દિશા આપવાની ક્ષમતા જૈનિઝમના આચાર-વિચારમાં છે

અગાઉ આ વિષય પર આડકતરી ચર્ચા થઈ છે, પણ આડકતરી. વધારે વિગતમાં ચર્ચા કરવાનો એ દિવસ નહોતો એટલે એ બાબતમાં વધારે વાત કરી નથી, પણ આજે એનો સમય આવી ગયો છે. હવે જ્યારે કોરોના સાથે જીવન જીવવાનો સમય આવી ગયો છે, કોરોના સાથે આગળ વધવાનો સમય આવી ગયો છે ત્યારે જૈનિ ઝમના બેઝિક નિયમોને કે પછી કહો કે જૈનોની લાઇફસ્ટાઇલને અપનાવવામાં સૌકોઈનું શુભત્વ છુપાયેલું છે એવું કહીશ તો ખોટું નહીં કહેવાય. ગરમ પાણી પીવું, વાસી ખોરાક ખાવો નહીં અને સૂર્યાસ્ત પહેલાં જમી લેવાની જે વાત જૈન ધર્મમાં ધર્મ સાથે જોડીને કહેવામાં આવી છે એ જ વાતને આપણે સૌકોઈ આપણા જીવનમાં રાબેતા મુજબ અપનાવીને કોરોના સામેની ફાઇટમાં મજબૂત થઈ શકીએ છીએ.

યાદ રાખજો કે જૈનિતઝમની લાઇફસ્ટાઇલની મોટા ભાગની વાતો વિજ્ઞાન સાથે જોડાયેલી છે અને એ વાતો સત્ત્વશીલ છે. આજે કોરોના સામે લડવામાં ગરમ પાણીનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવે છે જ્યારે જૈનો તો ગરમ પાણી પીવાનું સદીઓથી કહેતા આવ્યા છે. તેમની એ વાતોમાં અહિંસાનો મુદ્દો છે જ્યારે અહીં ગરમ પાણી પીને કોરોનાનો નાશ કરવાનું ગણિત દર્શાવવામાં આવ્યું છે. એટલે ધર્મની ફિલોસૉફીને થોડી ક્ષણો માટે એક બાજુએ મૂકીને પણ આ નિયમનું પાલન કરવું અનિવાર્ય છે, તો સૂર્યાસ્ત પહેલાં જમવાની જે વાત કહેવામાં આવી છે એ વાતને પણ યોગ્ય રીતે સમજવાની જરૂર છે.

શરીરમાં ઇમ્યુનિટી ત્યારે જ વધે જ્યારે ખોરાકનું યોગ્ય રીતે પાચન થાય અને ખોરાકનું યોગ્ય સંયોજન શરીરને સાંપડે. જો સૂર્યાસ્ત પહેલાં જમી લેવામાં આવશે તો સ્વાભાવિક રીતે રાત્રિભોજન પછી તમને ચાર-છ કલાક એવા મળશે જેમાં તમારા ભોજનને યોગ્ય રીતે પચાવી શકાશે અને જો એવું થઈ શક્યું તો ખાધેલો ખોરાક એમાંથી યોગ્ય સત્ત્વો શરીરને આપવાનું કામ વાજબી રીતે કરી શકશે. જૈનિોઝમ અત્યારના સમયમાં ખૂબ ઉપયોગી નીવડવાનું છે અને જૈનિઝમ દ્વારા સૂચવવામાં આવેલી લાઇફસ્ટાઇલ પણ જગતઆખાને લાભદાયી બનવાની છે. ઓછામાં ઓછો વાહનનો ઉપયોગ કરવાનું પણ જૈનિઝમમાં કહેવામાં આવ્યું છે.

કહેવામાં આવેલી એ વાતોમાં જૈન ધર્મની ફિલોસૉફી જોડાયલી છે, પણ એ ફિલોસૉફીમાં ક્યાંક ને ક્યાંક માનવજાતિના લાભની અને હિતની વાત આવી જ જાય છે. જેટલું ઓછું પરિવહન થઈ શકે એટલું તમારા હિતમાં છે અને ધારો કે એ કરવામાં પણ આવે તો માસ્ક અને હૅન્ડ-ગ્લવ્ઝ સાથે જો ચાલીને કરવામાં આવશે તો એનો લાભ તમારા સ્વાસ્થ્યને થશે. યાદ રાખજો કે વધી ગયેલા શરીરમાં બીમારી જ્યારે પણ દાખલ થઈ છે ત્યારે તબીબી નિષ્ણાતોને સ્વાસ્થ્યને કાબૂમાં કરવાનું કામ અઘરું થયું છે. સ્વાસ્થ્ય શ્રેષ્ઠ હોવું જોઈએ અને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય હોય એ જ આપવામાં આવતા ઉપચારને પણ સરળતાથી આવકારી શકે એ પણ એટલું જ સાચું છે. જૈનિઝમ દ્વારા આપવામાં આવેલા ખાવા-પીવાની બાબતનાં બંધનો પણ વૈજ્ઞાનિક નિયમો સાથે જોડાયેલાં છે અને કાં તો વિજ્ઞાન પણ આજે એ જ વાત કરી રહ્યું છે જે જૈનિઝમમાં સદીઓ પહેલાં કહેવાઈ હતી. વધારે કશું નથી કરવાનું, કશું છોડવાનું પણ નથી, બસ માત્ર જૈનો દ્વારા આપવામાં આવેલાં સૂચનોને સ્વીકારીને લાઇફસ્ટાઇલમાં થોડો ફેરફાર કરો અને એ ફેરફાર સાથે કોરોના સામે લડવાની ક્ષમતામાં વધારો કરો. થઈ શકે એવી જ એ સલાહો છે અને અપનાવી શકાય એવી જ એ લાઇફસ્ટાઇલ છે, પ્રયાસ કરી જુઓ.

columnists manoj joshi