જેમના જીવનમાં ધર્મ ચરિતાર્થ થયો છે.....

24 February, 2019 12:53 PM IST  |  | ચીમનલાલ કલાધર

જેમના જીવનમાં ધર્મ ચરિતાર્થ થયો છે.....

જૈન દર્શન

આપણા દેરાસરો, ઉપાશ્રયોમાં વ્યાખ્યાનાદિ પ્રસંગે પ્રભાવના વહેંચવામાં આવે છે. જિનમંદિરમાં સ્નાત્ર પૂજા કે મોટી પૂજા કે કોઈ ધર્મઅનુષ્ઠાન હોય ત્યારે ઉપસ્થિત સમુદાયને સાકર, શ્રીફળ, લાડું, રોકડ નાણું જેવી વસ્તુઓ પ્રભાવના રૂપે ભેટ આપવામાં આવે છે. પ્રતિક્રમણ કે સામાયિકમાં પણ કોઈ ચીજવસ્તુની ભેટ અપાય છે. કોઈ ભાગ્યશાળીને ત્યાં તપર્યા હોય, ગુરુ ભગવંતો પધાર્યા હોય કે કોઈ માંગલિક પ્રસંગ હોય ત્યારે પણ પ્રભાવના આપવાની પ્રથા છે. આમ ધર્મના પ્રસંગોએ અપાતી ભેટને જૈનોમાં પ્રભાવના શબ્દ તરીકે ઓળખવામાં આવે છે. પ્રભાવનાનો હેતુ ધર્મનો પ્રભાવ વધે, જિનશાસન તરફ સૌની રસ-રુચિ અને શ્રદ્ધા જળવાય રહે એટલે જ આવી પ્રભાવનાની પ્રથા પ્રચલિત થયેલી છે. પ્રભાવનાનો આ તો માત્ર સ્થૂળ અર્થ જ છે. એનો સૂક્ષ્મ અર્થ તો આથી પણ વધુ મહત્વનો છે. જૈન શાસ્ત્રકારો કહે છે કે જે ક્રિયાથી આત્માનું તેજ વધે એ ક્રિયાને પ્રભાવના કહી શકાય. મોહરૂપી શત્રુનો નાશ કરતાં જઈ શુદ્ધમાંથી શુદ્ધત્તર ભૂમિકામાં પહોંચવાનો પુરુષાર્થ એને પ્રભાવના કહેવામાં આવે છે. આમ પ્રભાવના એટલે પ્રગટ કરવું, પ્રકાશિત કરવું, ઉદ્યોત કરવું એવો અર્થ પણ થાય છે. પોતાના જ્ઞાનને નિરંતર વધારતા જવું એને નિય પ્રભાવના કહેવામાં આવે છે. પ્રભાવના એટલે એવી ધર્મક્રિયા કે જેનાથી ધર્મનો પ્રભાવ વધે. એટલે કે મોટી સંખ્યામાં લોકો ધર્મમાર્ગે વળે, ધર્મ તરફ આકર્ષાય.

જે જીવો પોતાનું કલ્યાણ સાધવાની સાથે અન્ય અનેક જીવોને ધર્મમાર્ગે વાળી શકે તેઓ ધર્મની પ્રભાવના સવિશેષપણે કરી શકે, જે વ્યક્તિને ધર્મતત્વમાં રુચિ હોય, ધર્મશાસ્ત્રોનો ઊંડો અભ્યાસ હોય, ધર્મ પ્રત્યે પૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા હોય તે જ વ્યક્તિ અન્ય લોકો પાસે ધર્મની વાતોને વધુ અસરકારક રીતે રજૂ કરી શકે. જેને પોતાને જ ધર્મમાં શ્રદ્ધા ન હોય તેવી વ્યક્તિની ધર્મ બાબતની કોઈ વાતોની અસર અન્યો પર જરાપણ પડતી નથી. આમ ધર્મની પ્રભાવના કરવા માટે ધર્મની સાચી સમજણ અને ઊંડી શ્રદ્ધા જરૂરી છે. સમ્યગ્ દૃષ્ટિ જીવ જ ધર્મની સારી રીતે પ્રભાવના કરી શકે. એથી જ પ્રભાવનાને સમ્યગ્ દર્શન સાથે ગાઢ સંબંધ છે. એટલા માટે જ પ્રભાવનાને દર્શનાચારનો વિષય પણ ગણી શકાય.

જૈન ધર્મ આચારપ્રધાન ધર્મ છે. જીવનમાં શું કરવા જેવું છે અને શું ન કરવા જેવું છે એની વિશદ છણાવટ જૈન શાસ્ત્રકારોએ વખતોવખત કરી છે. મોક્ષમાર્ગના સહાયરૂપ મુખ્ય ત્રણ તત્વ છે. (૧) સમ્યગ્ દર્શન, (૨) સામ્યગ્ જ્ઞાન અને (૩) સમ્યગ્ ચારિત્ર. આ ત્રણેના આલંબન માટે જૈન દર્શનમાં તપ અને ર્વીય પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને ર્વીયાચાર એ પંચાચારની નિરતિચાર શુદ્ધિ-વૃદ્ધિ માટે કેટલાક આચારો દર્શાવવામાં આવ્યા છે. (૧) વિધિપૂર્વક દોષરહિત થઈને જ્ઞાન ગ્રહણ કરવું એ જ્ઞાનાચાર છે. (૨) શંકા વગેરે દોષોનો ત્યાગ કરીને શુદ્ધ સમ્યક્ત્વની સાચી આરાધના કરવી એ દર્શનાચાર છે. (૩) પાંચ પ્રકારની સમિતિ અને ત્રણ પ્રકારની ગુપ્તિનું શુદ્ધ પાલન કરવું એ ચારિત્રાચાર છે. (૪) આત્મકલ્યાણને માટે બાર પ્રકારનું તપ યથાશક્ય કરતા રહીને કર્મની નર્જિરા કરવી એ તપાચાર છે અને (૫) ધર્મકરણીમાં શક્ય એટલી શક્તિ સ્ફુરાવવી એ વર્યિાચાર છે.

જૈન ધર્મમાં પોતપોતાની વિશિષ્ટ શક્તિ વડે ધર્મનો પ્રભાવ વધારનારી મહાન વ્યક્તિઓના જુદા- જુદા આઠ પ્રકારો બતાવવામાં આવ્યા છે એ છે : (૧) પ્રવચન પ્રભાવક, (૨) ધર્મકથક પ્રભાવક, (૩) વાદી પ્રભાવક, (૪) નિમિત્તવ્ોત્તા પ્રભાવક, (૫) તપસ્વી પ્રભાવક, (૬) વિદ્યા પ્રભાવક, (૭) સિદ્ધ પ્રભાવક અને (૮) કવિ પ્રભાવક. આ બધા પ્રભાવકોમાં પ્રવચન પ્રભાવકનું મહત્વ ઘણું મોટું છે, કારણ કે અન્ય કેટલાક પ્રભાવકોથી બાલ જીવો આકર્ષાય છે, પરંતુ બાલ જીવો સહિત બુદ્ધિશાળી જીવો તો પ્રવચન પ્રભાવથી જ સવિશેષ આકર્ષાય છે. હળુકર્મી જીવોના અંતરમાં વિસ્મય કે ચમત્કારથી નહીં, પરંતુ બુદ્ધિપૂર્વકની તર્કસંગત આંતરપ્રતિતી દ્વારા પ્રવચન પ્રભાવકો ધર્મનાં ઊંડાં મૂળ રોપી શકે. જેમ પ્રવચન પ્રભાવકોની સંખ્યા મોટી એમ ધર્મનો પ્રચાર અને પ્રભાવ વધુ થઈ શકે, પરંતુ પ્રવચન પ્રભાવક બનવા માટે દેશ વિરતિમય કે સર્વ વિરતિમય નિરતિચાર સંયમી જીવન અને દર્શન વિશુદ્ધિની સાથે-સાથે પ્રવચનના મર્મ જાણવાની વિશિષ્ટ શક્તિ પણ હોવી જોઈએ. ધર્મ પ્રભાવના સર્વોત્તમ રીતે તો ર્તીથંકર પરમાત્મા જ કરતા હોય છે. તેમની ગેરહાજરીમાં પ્રભાવક આચાર્ય ભગવંતો, પ્રભાવક ઉપાધ્યાય ભગવંતો, પ્રભાવક સાધુ ભગવંતો ધર્મનો સારો પ્રચાર કરતા હોય છે. સ્વ-પર ઉપકાર એવી પ્રભાવનાનું મૂલ્ય જરાપણ ઓછું આંકી શકાય નહીં. આથી જ પ્રભાવનાને ર્તીથંકર નામકર્મના કારણરૂપ માનવામાં આવે છે. જીવોની ભાવદયા વડે ર્તીથંકર નામકર્મની નિકાસના થાય છે, જે ધર્મ પ્રભાવનાના મૂળમાં રહેલી છે.

columnists