પવિત્ર ચૈત્ર મહિનામાં જૈનોની ત્રણ ઐતિહાસિક ઘટનાઓની તમને જાણ છે ખરી?

14 April, 2019 04:30 PM IST  |  | જૈન દર્શન - ચીમનલાલ કલાધર

પવિત્ર ચૈત્ર મહિનામાં જૈનોની ત્રણ ઐતિહાસિક ઘટનાઓની તમને જાણ છે ખરી?

આ અંક આપના હાથમાં આવશે ત્યારે આપણા ચૈત્ર મહિનાનો પ્રારંભ થઈ ગયો હતો. પવિત્ર એવા ચૈત્ર મહિનામાં જૈનોનાં ત્રણ પર્વ ખૂબ આનંદોલ્લાસથી ઊજવાય છે એની સંક્ષિપ્ત માહિતી સુજ્ઞ વાચકો માટે અહીં પ્રસ્તુત કરતાં આનંદ થાય છે. ચૈત્ર મહિનાનાં આ ત્રણ પર્વો આ પ્રમાણે છે. (૧) ચૈત્રી આયંબિલની ઓળી, (૨) ચૈત્ર સુદ તેરસ ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણક દિન અને (૩) ચૈત્રી પૂર્ણિમા-શ્રી શત્રુંજય તીર્થની મહાયાત્રા.

(૧) ચૈત્રી આયંબિલની ઓળી : ચૈત્ર મહિનાના શુક્લ પક્ષમાં નવ દિવસના શ્રી નવપદજીના આયંબિલ તપની આરાધનાના દિવસો ‘આયંબિલ પર્વ’ તરીકે જાણીતા છે. આસો મહિનાના શુક્લ પક્ષમાં પણ આ રીતે નવ દિવસની શ્રી નવપદજીની આયંબિલની ઓળી કરવાની હોય છે. આયંબિલ ઓળીના આ નવ દિવસની આરાધના અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એમ નવપદ સાથે જોડવામાં આવે છે. આ નવેય દિવસ એક-એક પદની આરાધનામાં નિશ્ચિંત ખમાસમણા, નિશ્ચિત લોગસ્સના કાઉસગ્ગ, નવપદ પૈકી એક-એક પદની નવકારવાળી ગણવાની ક્રિયા, સાથિયા વગેરે વિધિ કરવાની હોય છે. જૈન ધર્મમાં આયંબિલ તપને રસ ત્યાગનું તપ કહ્યું છે. રસ ત્યાગ એટલે લુખ્ખો આહાર. આયંબિલ કરનારે એક જ આસને બેસીને ઘી, તેલ, ખાંડ, ગોળ ઇત્યાદિ સ્નિગ્ધ પદાર્થો વગરનો લુખ્ખો આહાર લેવાનો હોય છે. જૈન શાjાકારોનું કથન છે કે રસેન્દ્રિયનો આ ત્યાગ આયંબિલ કરનાર જીવ માટે કલ્યાણકારી જ રહેવાનો છે. એટલે જ જૈન ધર્મમાં આ શ્રી નવપદજીની આયંબિલની ઓળીનો અચિંત્ય મહિમા પ્રર્વતે છે.

(૨) ચૈત્ર સુદ તેરસ : ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણક દિન : આપણા અંતિમ ર્તીથંકર શ્રી મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણકદિન ચૈત્ર સુદ-૧૩ના દિવસે પ્રતિવર્ષ સમગ્ર ભારતના જૈન સંઘોમાં ભારે ઉલ્લાસથી અને ધામધૂમપૂર્વક ઊજવાય છે. પ્રભુ મહાવીરનો જન્મ બિહારના ક્ષત્રિયકુંડ નગરમાં થયો હતો. માતા ત્રિશલા દેવી અને પિતા સિદ્ધાર્થ રાજાનો તેમના પર અપાર પ્રેમ હતો. આ મહિનાના શુક્લ પક્ષમાં ચૈત્રી તેરસના તેમણે અવતાર લીધો હતો. એ સમયે વસંત ઋતુ હતી. દિશા શાંત અને સૌમ્ય હતી. પવન ખૂબ જ આહ્લાદક હતો. નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની હતું. કાળ સુકાળ હતો. આરો ચોથો દુષમ-સુષમ હતો. ભગવાન મહાવીરને નંદીવર્ધન નામના મોટા ભાઈ હતા, જેષ્ઠા નામની ભાભી હતાં. સુદર્શના નામની બહેન હતી. સુપાશ્વર્ નામના કાકા હતા. યશોદા નામની પત્ની હતી. પ્રિયદર્શના નામની પુત્રી હતી. જમાલી નામનો જમાઈ હતો. તેમનું જન્મ નામ વર્ધમાન હતું. પરાક્રમોના કારણે પછીથી તેઓ મહાવીર તરીકે સુપ્રસિદ્ધ થયા હતા. ભગવાન મહાવીરનાં ૧૫મા વર્ષે રાજકન્યા યશોદા સાથે લગ્ન થયાં હતાં. માતા ત્રિશલા અને પિતા સિદ્ધાર્થના અવસાન પછી ૩૦ વર્ષની ઉંમરે પ્રભુએ દીક્ષા લીધી હતી. ૪૨મા વર્ષે કેવળ જ્ઞાન થયું હતું. પ્રભુ મહાવીરે સાડાબાર વર્ષમાં માત્ર ૩૪૯ દિવસ જ આહાર ગ્રહણ કર્યો હતો. પ્રભુ મહાવીર ૭૨મા વર્ષે પાવાપુરીનગરમાં હસ્તિપાલ રાજાની લેખશાળામાં મધ્યરાત્રિએ ૧૬ પ્રહર સુધી અસ્ખલિત અંતિમ દેશના આપીને આસો વદ અમાસના દિવસે નિર્વાણપદને પામ્યા હતા.

(૩) ચૈત્રી પૂર્ણિમા-શ્રી શત્રુંજય તીર્થની યાત્રા : જૈનોનું સૌથી મોટું, સૌથી શ્રેષ્ઠ અને સૌથી પવિત્ર તીર્થસ્થળ છે પાલિતાણા ગામમાં આવેલું શ્રી શત્રુંજય મહાતીર્થ. આ તીર્થમાં અનંત આત્માઓ સિદ્ધિ પદને પામ્યા છે. આ તીર્થના અણુએ અણુ અતિ પવિત્ર મનાય છે. જે તીર્થ ભૂમિની સ્પર્શના માત્રથી ગાઢ નિકાચિત કર્મો નષ્ટ થતાં હોય છે એ પવિત્ર ભૂમિનો મહિમા પ્રત્યેક દિશામાં પ્રવર્તે જ એમાં કોઈ નવાઈ નથી. શ્રી શત્રુંજય ગિરિરાજ પર ઋષભદેવ ભગવાનના પ્રથમ ગણધર પુંડરિક સ્વામી પાંચ કરોડ મુનિવરો સાથે સિદ્ધિ પદને આ દિવસે પામ્યા છે. તેથી ચૈત્રી પૂર્ણિમાના દિવસનો સમગ્ર જૈન સમાજમાં ભારે મહિમા છે. આ દિવસે હજારો ભક્તજનો આ તીર્થની યાત્રા કરવા પાલિતાણા પધારે છે. આ તીર્થની ભાવપૂર્વક યાત્રા કરે છે. આ તીર્થમાં ચૈત્રી પૂર્ણિમા સાથે કાર્તિકી પૂર્ણિમા અને ફાગણ સુદ તેરસનો પણ ભારે મહિમા ગવાયો છે. કાર્તિકી પૂર્ણિમાના દિવસે આ તીર્થમાં ઋષભદેવ પ્રભુના પૌત્ર દ્રાવિડ અને વારિખિલ્લ દશ કરોડ મુનિવરો સાથે સિદ્ધિ પદને પામ્યા છે. તેથી આ દિવસે આ તીર્થની યાત્રા કરવાનો મહિમા છે. આ તીર્થમાં ફાગણ સુદ તેરસના શ્રીકૃષ્ણજીના પુત્ર શામ્બ અને પ્રદ્યુમન સાડાઆઠ કરોડ મુનિઓ સાથે આ તીર્થમાં મોક્ષપદને પામ્યા છે. તેથી આ દિવસે આ તીર્થની છ ગાઉ યાત્રા કરવાનો પણ ભારે મહિમા છે.

columnists