સાધનાની સફળતા માટે સાધકે પોતાની યોગ્યતા કેળવવી આવશ્યક

21 April, 2019 12:33 PM IST  |  | જૈન દર્શન - ચીમનલાલ કલાધર

સાધનાની સફળતા માટે સાધકે પોતાની યોગ્યતા કેળવવી આવશ્યક

નવકાર મંત્રના સાધક થતાં પહેલાં તે વ્યક્તિએ પોતાની યોગ્યતા કેળવવી જરૂરી છે. સાધના-ઉપાસનાની નિપુણતા મેળવ્યા વિના શરૂ કરાયેલી સાધના ક્યારેય સફળ થઈ શકતી નથી. આપણા સૌની નવકાર મંત્ર તરફની શ્રદ્ધા અને ભક્તિ ઘણીબધી છે, પરંતુ આ મહામંત્રના વિજ્ઞાનથી આપણે જ્ઞાત નથી. એટલે જ આ મહામંત્રની સાધના યથાર્થ રીતે સિદ્ધ થઈ શકતી નથી અને એ જ કારણે આ મહામંત્રનો જે પ્રભાવ અને પ્રતાપ દૃષ્ટિગોચર થવો જોઈએ એ થઈ શકતો નથી. જે મહામંત્ર ત્રિકાલ મહિમાવંત છે, અચિંત્ય પ્રભાવશાળી છે એના પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા, પૂર્ણ ભક્તિ હોય તો જ સાધક તેની સાધનામાં આગળ વધી શકે છે. નવકાર મંત્રની સાધના કરનાર સાધકમાં કેવા-કેવા ગુણો હોવા જોઈએ એનું વર્ણન કવિવર્ય શ્રી નમિદાસે તેમની ‘પંચ પરમેષ્ઠી ધ્યાનમાલા’ પદ કાવ્યમાં સુંદર રીતે આલેખ્યું છે. તેમની એ ઉપકારી રચના સુજ્ઞ વાચકો માટે અહીં પ્રસ્તુત છે.

શાંત, દાંત, ગુણવંત, સંતન સેવાકારી
વારિત, વિષય, કષાય, જ્ઞાન, દર્શન, સુવિચારી
સ્યાદ્વાદરસરંગ, હંસપરિ શમરસ ઝીલે,
શુભ પરિણામ નિમિત્ત, અશુભ સવિકર્મને છીલે
તાદૃશ નર પરમેષ્ઠી પદ, સાધનના કારણ લહે
શાહ શામજી સુતરત્ન, નમિદાસ ઇણ પરે કહે

કવિવર્ય નમિદાસે તેમના આ લઘુકાવ્યમાં સાધકના નવ ગુણ દર્શાવ્યા છે. એ છે : (૧) શાંત, (૨) દાંત, (૩) ગુણવંત, (૪) સંતન સેવાકારી, (૫) વારિત વિષય-કષાય, (૬) જ્ઞાન-દર્શન સુવિચારી, (૭) સ્યાદ્વાદ રસરંગ, (૮) હંસપરિશમરસ ઝીલે અને (૯) શુભ પરિણામ નિમિત્ત, અશુભ સવિકર્મને ઝીલે.

(૧) શાંત : શાંતનો અર્થ છે શાંત મનવાળો, સ્વસ્થ મનવાળો. જેના અંતરમાં ક્રોધ, રોષ હોય એવા સ્વભાવવાળો, વાત-વાતમાં રિસાઈ જનારો, વાત-વાતમાં ગુસ્સો કરનારો પોતાની સાધના યથાર્થ રીતે કરી શકતો નથી. એટલે સાધકની સાધનાનું પ્રથમ પગથિયું છે ક્રોધ, રોષ પર લગામ.

(૨) દાંત : દાંત એટલે ઈન્દ્રિયોને જીતનારો. આપણાં શાસ્ત્રોમાં ૨૩ પ્રકારના વિષયો કહ્યા છે. એ બધા પર કાબૂ ધરાવનારા સાધક જ સાધનાની નૈયા પાર ઉતારી શકે.

(૩) ગુણવંત : ગુણવંત એટલે દયા, દાન, પરોપકાર કરવાનો ગુણવાળો. જો સાધકમાં દયા, દાન, પરોપકાર ન હોય તો તેમની સાધના સફળ બની શકે નહીં. આ ત્રણે ગુણો મનુષ્ય જીવનના પાયાના ગુણો છે. નવકાર મંત્રના સાધકે આ ત્રણે ગુણો પોતાના જીવનમાં પૂર્ણપણે ખીલવવા જોઈએ.

(૪) સંતન સેવાકારી : સાધક સંત પુરુષોની સેવા કરનારો હોવો જોઈએ. સંત પુરુષોને જોતાં જ તેને આનંદ થાય. તેમના ચરણસ્પર્શ કરવાનું મન થાય, તેમની ભક્તિ કરવાની ભાવના પ્રગટે ત્યારે સમજવું કે તેનામાં સંતસેવાનો ગુણ સાર્થક થયો છે. સંતસેવાથી ધર્મ માર્ગે આગળ વધાય, પાપ કરવાની વૃત્તિનો વિલય થાય અને સાધના માટેનો ઉત્સાહ પ્રગટે છે.

(૫) વારિત વિષય-કષાય : આનો અર્થ એ છે કે જેણે વિષય-કષાયને વાર્યા છે, એના પર કાબૂ ધરાવે છે તેવો સાધક. સર્વ પ્રથમ તો ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાયો અને સંસારનાં સુખ ભોગવવાની લાલસા સ્પષ્ટ સમજવાની છે. આ ચારેય કષાયો અને ભોગવૃત્તિ પર જો કાબૂ ન હોય તો એ સાધકની સાધનાને ક્યારેય સફળતા અપાવી શકે નહીં.

(૬) જ્ઞાન-દર્શન સુવિચારી : જે જ્ઞાન-દર્શનનો આરાધક છે, પોતાનું કાર્ય નિષ્ઠાથી કરનારો છે, શાસ્ત્રનું અધ્યયન વિનયથી કરનારો છે, ગુરુ પ્રત્યે સમર્પિત ભાવ રાખનારો છે, કોઈની નિંદા નહીં કરનારો છે, જિનવચનમાં શ્રદ્ધા ધરાવનારો છે તે સાધક જ સાચો સાધક છે.

(૭) સ્યાદ્વાદ રસરંગ : જે સાધકને સ્યાદ્વાદરૂપી રસનો રંગ લાગેલો હોય તે સાધકની સાધના યથાર્થ ચાહવાની છે. સ્યાદ્વાદ જૈન ધર્મનું એક વિશિષ્ટ અંગ છે, જેને અપેક્ષાવાદ કે અનેકાંતવાદથી પણ ઓળખવામાં આવે છે. સ્યાદ્વાદનું કહેવું એમ છે કે આ સંસારની પ્રત્યેક વસ્તુ અનંત ધર્માત્મક છે. એ જુદી-જુદી દૃષ્ટિએ જુદા-જુદા પ્રકારની લાગે છે. સ્યાદ્વાદને સમજનારો શ્રાવક કોઈ પણ વસ્તુના એકાંત પ્રતિપાદનમાં આગ્રહવાળો બનતો નથી. એથી તે મધ્યસ્થ દૃષ્ટિવાળો બની વ્યર્થ વાદવિવાદથી મુક્ત રહે છે.

(૮) હંસપરિ શમરસ ઝીલે : શમરસ એટલે શાંતિનો, સમતાનો રસ. એમાં હંસની માફક ઝીલવું કે તરવું એવો અર્થ થાય છે. આપણા અંતરમાં ચાલી રહેલું મોહનું તાંડવ નષ્ટ થાય છે ત્યારે આત્માનો સ્વાભાવિક પ્રકાશ પ્રગટે છે અને ત્યારે જ આવો શમરસ ઉત્પન્ન થાય છે. જે સાધકમાં શમરસ પરિણમ્યો હોય તે તેની સાધનામાં તેજ ગતિથી આગળ વધી શકે છે.

(૯) શુભ પરિણામ નિમિત્ત, અશુભ સવિ કર્મને છીલે : આનો અર્થ એ છે કે શુભ પરિણામનું નિમિત્ત મેળવીને સર્વ અશુભ કર્મને નષ્ટ કરી નાખવું. આપણા આત્મામાં શુભ અને અશુભ એવાં બે પ્રકારનાં પરિણામો જાગે છે. એમાં શુભ પરિણામના નિમિત્તથી કર્મોને નષ્ટ કરી શકાય છે અને અશુભ પરિણામના નિમિત્તથી આપણા કર્મબંધમાં વૃદ્ધિ થઈ શકે છે.

કવિવર્ય નેમિદાસના આ લઘુકાવ્યનો હેતુ છે સંસારને સાર્થક કરવાનો, ભવાટવીની રખડપટ્ટી અટકાવવાનો અને જન્મ-મરણની બેડી તોડવાનો. નવકાર મંત્રના સાધકે પોતાની સાધના સિદ્ધ કરવી હોય તો સાત્વિક ભોજન લેવું જોઈએ, નિદ્રાનું પ્રમાણ ઘટાડવું જોઈએ, ધર્મમાં પૂરી સ્થિરતા પ્રાપ્ત કરવી જોઈએ, ગ્રહણ કરેલાં વ્રતોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ અને સદ્ગુરુ ગ્રહણ કરી તેમના માર્ગદર્શન હેઠળ પોતાની સાધનામાં આગળ વધવું જોઈએ. આટલું કરશે તે સાધક નિશ્ચિત પોતાની સાધનામાં વિજયી બની પોતાનું શ્રેય સાધી શકશે.

columnists