અનિત્યાદિ બાર ભાવનાઓનો જૈન ધર્મમાં ભારે મહિમા છે

13 January, 2019 10:55 AM IST  |  | Chim

અનિત્યાદિ બાર ભાવનાઓનો જૈન ધર્મમાં ભારે મહિમા છે

જૈન દર્શન

જૈન ધર્મમાં ભાવનાનું ભારે મહત્વ ગવાયું છે. જૈન શાસ્ત્રોમાં ભાવનાને ભવનાશિની કહેવામાં આવી છે. ભવનો નાશ કરે, ભવનો અંત લાવે એ જ સાચી ભાવના. એવી ભાવનાને ભવનાશિની કહેવામાં આવે એ યથાર્થ છે. ભાવનાની શ્રેષ્ઠતા દર્શાવતાં કહેવાયું છે...

દરિદ્ર્યનાશનં દાનં, શીલં દુર્ગતિ નાશનમ્
અજ્ઞાનનાશિની પ્રજ્ઞા, ભાવના ભવનાશિની

અર્થાત્ દાનથી દરિદ્રતાનો નાશ થાય છે, શીલથી દુર્ગતિનો નાશ થાય છે, પ્રજ્ઞાથી અજ્ઞાનનો નાશ થાય છે; પરંતુ ભાવનાથી તો ભવનો જ નાશ થાય છે.

ભાવ અને ભાવના શબ્દ જૈનોમાં સવિશેષ પ્રચલિત છે. ર્તીથંકર પરમાત્માની સ્તુતિમાં આપણે હંમેશાં ગાતા આવ્યા છીએ...

ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન,
ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાન

ભાવના શબ્દનું મૂળ ભાવમાં છે. ભાવ શબ્દ વિચાર, સ્મરણ, રુચિ, ઇચ્છા, ઉલ્લાસ વગેરે અર્થોમાં વપરાય છે. જૈન મહર્ષિઓએ ભાવ શબ્દનો વિશેષ અર્થબોધ કર્યો છે. એ છે જે ભાવ વૈરાગ્યાદિ નિમિત્તે વારંવાર ભાવવામાં આવે એ ભાવના. વળી જેના પુન: પુન: સ્મરણ વડે આત્મા મોક્ષાભિમુખ બને એ ભાવના. જૈન શાસ્ત્રકારો ભાવના શબ્દનું વધુ સ્પષ્ટીકરણ કરતાં કહે છે કે જે મનોવૃત્તિ શુભ વિચારવાળી હોય અને આત્માને મોક્ષનો અભિલાષી બનાવવાપૂર્વક વૈરાગ્યાદિ સંયમ સાધના પ્રત્યે દોરી જતી હોય એને ભાવના જાણવી. ભાવનાની ઉત્કૃષ્ટતા દર્શાવતાં એથી જ કહેવાયું છે...

વિત્તેન દિયતે દાનં, શીલં સત્વેન પાલ્યતે
તપોઽપિ તય્યતે કષ્ટાત, સ્વાધિનોત્તમ ભાવના

દાન ધનથી અપાય છે, શીલ સત્વથી પળાય છે, તપ કષ્ટથી થાય છે; પરંતુ ઉત્તમ ભાવના તો સ્વાધીન જ છે.

જૈન શાસ્ત્રકારોએ અનિત્યાદિ બાર ભાવનાઓનો અચિંત્ય મહિમા દર્શાવ્યો છે. એ બાર ભાવના આ પ્રમાણે છે : (૧) અનિત્ય ભાવના, (૨) અશરણ ભાવના, (૩) સંસાર ભાવના, (૪) એકત્વ ભાવના, (૫) અન્યત્વ ભાવના, (૬) અશુચિ ભાવના, (૭) આશ્રવ ભાવના, (૮) સંવર ભાવના, (૯) નર્જિરા ભાવના, (૧૦) લોકસ્વભાવ ભાવના, (૧૧) બોધિદુર્લભ ભાવના અને (૧૨) ધર્મ ભાવના.

શરીર, યૌવન, સંપત્તિ, અધિકાર અને અભ્યંકર વિકલ્પોની અનિત્યતા ચિંતવવી, એના પર મમત્વભાવનો ત્યાગ કરવો એ અનિત્ય ભાવના છે. જન્મ, જરા, મૃત્યુના ભયથી ઘેરાયેલા, રોગ અને પીડાથી ગ્રસાયેલા આ જીવને અરિહંત, સિદ્ધ, સાધુ અને સર્વજ્ઞ કથિત ધર્મ સિવાય અન્ય કોઈ શરણ નથી એમ ચિંતવવું એને અશરણ ભાવના કહે છે. આ સંસારમાં માતા મરીને પત્ની થાય છે, પત્ની મરીને માતા થાય છે, પિતા મરીને પુત્ર થાય છે, પુત્ર મરીને પિતા થાય છે. આ સંસાર અસાર છે, એમાં કંઈ સાર નથી એમ ચિંતવવું એને સંસાર ભાવના કહે છે.

જીવ એકલો જ જન્મ્યો છે, એકલો જ મૃત્યુ પામે છે, એકલો જ કર્મ બાંધે છે, એકલો જ કર્મ ભોગવે છે. આમ આત્માના એકલપણાની વાત ચિંતવવા સાથે જન્મ-મરણથી કેમ છૂટી શકાય એ વાત વિચારવી એને એકત્વ ભાવના કહે છે. આત્મા શરીર થકી જુદો છે, શરીર અનિત્ય છે, હું નિત્ય છું, શરીર જડ છે, હું ચેતન છું એ પ્રમાણે આત્મરમણતામાં સ્થિર રહેવા માટે ચિંતવવું એને અન્યત્વ ભાવના કહે છે. આ શરીર માંસ, લોહી, પરુ વગેરેથી ઘણું જ અપવિત્ર છે. શહેરની ગટરની પેઠે એમાંથી અશુદ્ધિ વહ્યા કરે છે. આવું વિચારી શરીર પરની મમતાથી દૂર રહેવા ચિંતવવું એને અશુચિ ભાવના કહે છે. દયા, દાનથી શુભ કર્મ બંધાય છે અને ક્રોધાદિ કષાયોથી અશુભ કર્મ બંધાય છે એમ વિચારી આત્મા મલિન ન થાય એ માટે ચિંતવવું એને આશ્રવ ભાવના કહે છે. સમિતિ, ગુપ્તિ વગેરે પાળવાથી કર્મ રોકાઈ જાય છે એમ ચિંતવી કર્મ રોકવા માટે પ્રયત્ન કરવો એને સંવર ભાવના કહે છે.

બાર પ્રકારનાં તપ વડે કર્મનો ધીમે-ધીમે નાશ થાય છે એટલે તપ દ્વારા કર્મ ખપાવવું એને નર્જિરા ભાવના કહે છે. આ જગતનું સ્વરૂપ ઉત્પત્તિ, સ્થિતિ અને નાશના સ્વભાવવાળું છે એમ વિચારીને એમાં જાગૃત રહેવું એને લોકસ્વભાવ ભાવના કહે છે. જીવોને સઘળી સામગ્રી મïïળી શકે છે, પણ સમકિત પામવું ઘણું દુર્લભ છે એવું વિચારીને સમકિત પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરવો એને બોધિદુર્લભ ભાવના કહે છે. આ સંસારમાં વિતરાગ પ્રણિત ધર્મ અને અરિહંતાદિ ભગવંતોનો યોગ પામવો અતિ દુર્લભ છે એવું વિચારીને અરિહંતાદિ ભગવંતોની ભક્તિ કરવી એને ધર્મ ભાવના કહે છે. જીવનને ઉજમાïળ કરનારી, પ્રાંતે મોક્ષગતિમાં પહોંચાડનારી આ બાર ભાવનાઓનો પ્રકાશ સર્વ જીવો માટે સાર્થક કરનારો બની રહો.

 

columnists