ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમે અનેક જીવોનું કલ્યાણ કર્યું

22 September, 2019 05:38 PM IST  |  મુંબઈ ડેસ્ક | ચીમનલાલ કલાધાર - જૈન દર્શન

ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમે અનેક જીવોનું કલ્યાણ કર્યું

જૈન દર્શન

ગતાંકમાં પ્રભુ મહાવીર અને ઇન્દ્રભૂતિ ગૌતમની વાત કરી હતી. ઇન્દ્રભૂતિ ગૌતમની ‘જીવ છે કે નહીં?’ એ શંકાનું સુંદર સમાધાન પ્રભુ મહાવીર અને ઇન્દ્રભૂતિ ગૌતમનો આ જે સંવાદ, જે ચર્ચા થઈ એની વાત સુજ્ઞ વાચકો માટે અહીં પ્રસ્તુત છે. 

ઇન્દ્રભૂતિ ગૌતમને સતાવી રહેલી શંકાને પારખીને પ્રભુ મહાવીરે કહ્યું હતું કે હે ઇન્દ્રભૂતિ ગૌતમ! જીવ નામનું તત્ત્વ છે એ સ્વતંત્ર અને શાશ્વત છે. એમાં લેશમાત્ર શંકા કરવાની જરૂર નથી. જો તમે એમાં ઊંડા ઊતરો તો તમારું જ્ઞાન અને તમારાં શાસ્ત્રો જ તમને એનું અસ્તિત્વ સમજાવવામાં સહાયક બની શકે એમ છે. એક શાસ્ત્રવાક્યનો અર્થ તમે એમ કરો છો કે વિજ્ઞાનધન એટલે જ્ઞાન વિજ્ઞાનમય લાગતું તત્ત્વ પંચભૂતોમાંથી પ્રગટે છે. એ પંચભૂતોના વિલીન થવાની સાથે નાશ પણ પામે છે અને પરલોક જેવું કશું નથી, પણ તમારો એ અર્થ માત્ર બાહ્ય અને ઉપરછલ્લો જ છે. તમારા એ વાક્યનો ભાવાર્થ તાત્ત્વિક કે પારમાર્થિક અર્થ તમે સમજવાનો પ્રયત્ન કરશો તો એ વાક્ય તમને જરૂરથી આત્મતત્ત્વના અસ્તિત્વની ખાતરી કરાવી આપશે.
ઇન્દ્રભૂતિ પ્રભુ મહાવીરના આ ખુલાસાથી વિચારમાં પડી ગયા. તેમણે પૂછ્યું કે હે ભગવંત! એ વાક્યનો તાત્ત્વિક અર્થ શો થાય? ભગવાને કહ્યું કે પળે-પળે જ્ઞાનના પર્યાયો બદલાતા રહે છે. જ્ઞાનમય પર્યાયો પૃથ્વી, પાણી વગેરે પંચભૂતોમાંથી જન્મે છે. એટલે પૃથ્વી આદિ પંચભૂતો જ્ઞાનના વિષયો છે, નહીં કે જ્ઞાન ઉપાદાનનું કારણ. તેથી એ જ્ઞેય પદાર્થો દૂર થતાં એનો જ્ઞાન પર્યાય દૂર થાય છે અને નવો જ્ઞાન પર્યાય ઉત્પન્ન થાય છે.
ઇન્દ્રભૂતિ ગૌતમે આજે પહેલી વાર પોતાની શંકાનું યથાર્થ સમાધાન મળેલું જોયું. તેમણે પ્રભુ મહાવીર પ્રત્યેના બધા જ પૂર્વગ્રહો તજીને ફરી જિજ્ઞાસાપૂર્વક પૂછ્યું કે ભગવાન, દેહની સાથે આત્માનો વિનાશ નથી થતો, પણ મરણ પછી આત્મા ટકી રહે છે એની ખાતરી કેવી રીતે અને કયા પ્રમાણથી થઈ શકે? ભગવાને સૌમ્યભાવે એ પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું કે મારો પુત્ર એમ કહેતાં પિતા અને પુત્ર એમ બે જુદી-જુદી વ્યક્તિઓનું અસ્તિત્વ પુરવાર થાય છે. એ જ રીતે મારું શરીર એમ કહેતાં શરીર અને શરીરધારી એમ બે પદાર્થો સ્વયમેવ સિદ્ધ થઈ જાય છે. વળી ‘આ મેં કર્યું,’ ‘હું આ કરું છું,’ ‘આ મારું છે’ વગેરે વાક્યપ્રયોગો પણ કોઈક અદૃશ્ય તત્ત્વનું દેહથી ભિન્નપણું સૂચવે છે. આ તત્ત્વ એ જ આત્મા. આમ આપણી સામેના પુરાવા આત્માના અસ્તિત્વની ખાતરી કરાવી જાય છે. વિશેષમાં ભગવાન મહાવીરે ઇન્દ્રભૂતિ ગૌતમની શંકાનું નિરાસન કરતાં કહ્યું કે હે ભંતે! બીજાં ધર્મશાસ્ત્રોની વાત તો દૂર રહી, પણ તમારાં ધર્મશાસ્ત્રો જ આત્માના અસ્તિત્વનાં દર્શન કરાવે છે. પ્રિય કે અપ્રિયનો વિયોગ સાચા ત્યાગીને હોતો નથી. તેમને ‌પ્ર‌િય કે અપ્રિય એટલે કે સુખ અને દુ:ખ સ્પર્શી શકતાં નથી. શરીરને પ્રિય-અપ્રિયનો સંયોગ અને અશરીરને એનો વિયોગ એ પણ કોઈ વિશિષ્ટ તત્ત્વના અસ્તિત્વનું સૂચન કરે છે જેને આત્મ તત્ત્વ, જીવ તત્ત્વ કે ચેતન તત્ત્વ એવું ગમે તે નામ આપી શકાય. પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એ ત્રણે પ્રમાણથી શાશ્વત આત્મ તત્ત્વ સિદ્ધ થઈ શકે છે. વળી માણસનો અનુભવ અને તેનું પોતાની જાતનું અવલોકન તો આ બાબતમાં વધારે પ્રતીત‌િકર પુરાવારૂપ બની રહે છે. એટલે અમર આત્મ તત્ત્વના અસ્તિત્વ વિશેનો તમારો સંદેહ દૂર કરો અને આત્મ તત્ત્વનો સાક્ષાત્કાર કરવા ઉદ્યમશીલ બનો. ભગવાન મહાવીરે એ પછી ઇન્દ્રભૂતિ ગૌતમને આત્મકલ્યાણ, વિશ્વકલ્યાણ અને અહિંસા, સંયમ, તપનો રાજમાર્ગ વિસ્તૃત રીતે સમજાવ્યો.
ભગવાન મહાવીરની અમૃતવાણીએ ઇન્દ્રભૂતિ ગૌતમની શંકાનું પૂરું સમાધાન કરી આપ્યું. ઇન્દ્રભૂતિ ગૌતમે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરતાં ભગવાનને કહ્યું કે હે ઉપકારી! આપનું કહેવું યથાર્થ છે. આપ સાચા જ્ઞાની, મહાજ્ઞાની અને સર્વજ્ઞ છો. આપની કૃપાથી મારો સઘ‍ળો સંદેહ દૂર થયો છે. ભયંકર તાપમાં જાણે શીતલ વારિ જેવી આપની દેશનાએ મને તારી દીધો છે. હવે મારે આ સંસારમાં પાછું નથી ફરવું. આપ જેવા સર્વજ્ઞ, સર્વદર્શી ભગવંતને હવે હું સમર્પિત થઈ ગયો છું. મને દીક્ષા આપો અને આપનાં ચરણનો સેવક બનાવો. આમ પંડિત ઇન્દ્રભૂતિ ગૌતમને ભગવાને પોતાના પ્રથમ શિષ્ય તરીકે પ્રેમથી સ્વીકાર્યા. ગૌતમના પગલે-પગલે તેમના શિષ્યો પણ પ્રભુ મહાવીરને સમર્પિત થઈ ગયા.
ભગવાન મહાવીર અને ઇન્દ્રભૂતિના આ મિલનથી ન કોઈનો વિજય થયો, ન કોઈનો પરાજય. આ બધો પ્રભાવ અને પ્રતાપ ભગવાન મહાવીરની અનાગ્રહવૃત્તિ, સત્યના એક-એક અંશને શોધવા, સ્વીકારવાની અનેકાંત પદ્ધતિ અને નયવાદથી પરિપૂત થયેલી અદ્ભુત દૃષ્ટિનો હતો. સાથે-સાથે પંડિત ઇન્દ્રભૂતિ ગૌતમની ગુણગ્રાહકતા, સત્યચાહકતા અને સરળ વિદ્વત્તાએ પણ ‘સચ્ચં ખુ ભગવં!’ અર્થાત્ ‘સત્ય એ જ પરમેશ્વર’ એ સિદ્ધાંતની વાત આ ઐતિહાસિક વિરલ ઘટનાથી સાબિત થઈ. છેલ્લે આ અસાર એવા સંસારના અનેક જીવોનું કલ્યાણ કરી પોતાનું શ્રેય સાધનાર ગુરુ ગૌતમસ્વામી વિશે મુનિશ્રી ચંદે લખેલી માર્મિક પંક્તિઓથી આ લેખનું અહીં સમાપન કરું છું.
વીર વજીર, વડો અણગાર
ચૌદ હજાર મુનિ શિરદાર
જપતાં નામ હોય જયકાર
જયો જ્યો ગૌતમ ગણધાર!

columnists weekend guide