બાબુલ કી દુઆએં લેતી જા...

21 December, 2018 12:18 PM IST  |  | J D Majethia

બાબુલ કી દુઆએં લેતી જા...

ઈશા અંબાણીના લગ્નની તસવીર

જેડી કૉલિંગ – જમનાદાસ મજીઠિયા

આજકાલ લગ્નની મોસમ ચાલી છે અને એમાં પણ ખાસ તો સેલિબ્રિટીઝનાં લગ્નોએ માઝા મૂકી છે. મીડિયાવાળાઓએ તો એનાથી મોટી માઝા મૂકી છે. દીપિકા-રણવીર, પ્રિયંકા-નિક, અંબાણી-પિરામલ અને જે-જે બીજી સેલિબ્રિટીઝે મૅરેજ કયાર઼્ તેમના ફોટો, તેમનું પ્લાનિંગ, તેમના હનીમૂનનું પ્લાનિંગ; અરે, એ સેલિબ્રિટીઝને પોતાને ખબર ન હોય એવી-એવી વિગતો પણ એ લોકો લઈને આવ્યા અને પોતાની ચૅનલ પર દેખાડી તથા પેપરમાં છાપી છે. યુટuુબ પર એવી અમુક ચૅનલો છે જે સેલિબ્રિટીઝના જૂના ફોટો લઈ આવીને એના વિડિયો બનાવે, એમાં જાતજાતની અને ભાતભાતની ઇફેક્ટ્સ આપે અને સાવ અજીબ કહેવાય એવી કૉમેન્ટરી પણ આપે. ગજબ કહેવાયને, પરંતુ સાલું લગ્ન પણ અજબ રીતે થાય છે. હવે બૅચલર પાર્ટીઓ આવી ગઈ છે જેમાં છોકરો હોય કે છોકરી, ખાસ મિત્રો સાથે હૉલિંડે પર રખડવા જાય અને બેફામપણે, બેફિકરિઈથી વાઇલ્ડ પાર્ટી માણે. આ જ વિચારો દેખાડે છે કે લગ્ન પછી આઝાદી પર થોડી તો બ્રેક લાગવાની જ છે એટલે ગમે એવા મિત્રો હોય, ગમે એવા ગળાડૂબ પ્રેમમાં હો તમે અત્યારે જ આ બધું મન ભરીને માણી લો.

સાચું કહું તો મને તો આ બૅચલર પાર્ટીની મકસદ જ નથી સમજાતી. તમારી જ પાર્ટીમાં, તમારી સાથે આખી જિંદગી જોડાઈને રહેવાની હોય એવી વ્યક્તિ જ ગેરહાજર હોય એ કેમ ચાલે? જોકે લોકો ચલાવે છે અને લોકો એ પાર્ટીને પણ જિંદગીની યાદગાર પાર્ટી બનાવીને રહે છે. મને તો ક્યારેય એનું મહkવ જ નથી સમજાયું. તમને આ બૅચલર પાર્ટીનું ઇમ્ર્પોટન્સ સમજાય તો મને સમજાવજો, ખબર તો પડે કે આ બૅચલર પાર્ટીમાં શું બાળ્યું હશે. બૅચલર પાર્ટી ઉપરાંત અત્યારે મેંદીનું પણ ખૂબ ચાલ્યું છે.

પહેલાં પણ મેંદી હતી, પણ એ લગાડનારાઓ ચાર-છ કે આઠ જણ જ હતા. આજકાલ તો વાત જ આખી બદલાઈ ગઈ છે. છોકરાઓ અને વરરાજાઓ પણ હવે મેંદી લગાડતા થયા છે. છોકરાઓ તો સામેના પક્ષની છોકરીઓને ઇમ્પþેસ કરવા માટે અને વરરાજા પોતાના પ્રેમનો દેખાડો કરવા માટે મેંદી લગાવે છે, પરંતુ મને તો આ પણ નથી સમજાતું. આવું તે કેવું હોય? મને તો લાગે છે કે આવતાં વર્ષોમાં ક્યાંક છોકરાઓ પણ સેંથા પૂરીને ફરતા થઈ જશે.

હવે આવે છે સંગીત-પાર્ટી. મારી ફેવરિટ છે આ. આખું કુટુંબ ભેગું મળે, ડાન્સ શીખે, કોરિયોગ્રાફર પણ બિચારી શીખવતી જાય અને શીખ્યા પછી થોડીક જ વારમાં ભૂલી પણ જાય. આ રિહર્સલ્સ ચાલતાં હોય ત્યારે જે આનંદ અને જલસો કરવામાં આવે એ ગજબનાક હોય છે. ઘણા ખૂબ સરસ નાચે અને ઘણા નાચે. ખોટું નથી હોં એમાં. પ્રસંગે બધા સાથે ઊભા રહેવાની માનસિકતા હોવી એ સારી વાત છે. આપણે ત્યાં તો ઘણા ભાઈઓ આખી જિંદગી એવું મોઢું લઈને ફરતા રહે કે આપણને એમ જ થાય કે આ ભાઈને દરરોજ દિવેલ પીવાની ફરજ પાડવામાં આવી હશે. જોકે આવા સમયે એ ભાઈ નાચવા માટે તૈયાર થાય તોય ઘણું કહેવાય. ડાન્સ-પાર્ટીનો દિવસ આવે એટલે બધાને ભારોભાર ટેન્શન લાગવા માંડે. બધાનું મોઢું એવું હોય જાણે કે ડાન્સ સારો નહીં થાય અને છોકરી કે છોકરાવાળા લગ્ન કરવાની ના પાડી દેશે.

સંગીત-પાર્ટીમાં વન્સ મોર પણ આવે એટલે ઑર મસ્તી જામે અને કૉમ્પિટિશન પણ રમાતી રહે. આ બધા વચ્ચે છોકરાવાળાના અને છોકરીવાળાના નૃત્યકારોમાં ફટાણાંઓની જેમ જ સ્પર્ધા જાગે. ફટાણાં. પહેલાં થતાં એવી રીતે. પહેલાંની વાતો જુદી હતી. સરળ અને બહુ સાદાઈથી લગ્ન થતાં અને લગ્ન સાચી રીતે લગ્ન લાગતાં. સવારે લગ્ન હોય અને સાંજે રિસેપ્શન. જો જાન દૂર ગઈ હોય તો બીજા દિવસે રિસેપ્શન. આ બીજા દિવસે રિસેપ્શનની પ્રથા ચાલુ થઈ એ સમયથી બધું નવું-નવું ઉમેરાવાનું શરૂ થયું. પહેલાં સંગીત-પાર્ટીનું ઍડિશન થયું અને એ પછી આ મેંદી-પાર્ટી આવી. હવે તો ઘણા કૉકટેલ-પાર્ટી પણ રાખે છે. આમ તો બધા એવું બોલતા રહે કે વડીલની હાજરીમાં દારૂ ન પીવાય, પણ હવે એવું નથી રહ્યું. હું એમ નહીં કહું કે હવે બધી મર્યાદા ઓળંગાઈ ગઈ છે, પણ એવું કહીશ કે પહેલાં કરતાં હવે બાઉન્ડરી મોટી કરી નાખવામાં આવી છે અને હવે બધા છૂટછાટો લેતા થઈ ગયા છે. જોકે પહેલાં આવું નહોતું. મેં નાનપણથી ખૂબ લગ્નો જોયાં છે. મને બે પ્રસંગમાં ખૂબ મજા આવે. એક ખાવા-પીવામાં અને બીજી વિદાય સમયે. ખાવા-પીવાના તો મારા કિસ્સાઓ છે અને એમાં પણ એવા-એવા કિસ્સાઓ છે જે તમે સાંભળશો તો હસી-હસીને લોટપોટ થઈ જશે.

હું નાનપણથી ક્યારેય લગ્નમાં ખાવામાં થાકું નહીં. ક્યારેય નહીં. લગ્નમાં પીરસાતી ગુજરાતી દાળ અને કેરીનો રસ હંમેશાં મારાં ફેવરિટ રહ્યાં છે. મીઠાઈની જો કોઈ શરત મારીને મારી સામે બેસે તો પછી પતી ગયું. કોઈના બાપની સાડીબારી રાખ્યા વિના ગપાગપ ખાવામાં ઊતરી પડું. હા, પૂછે ત્યારે પહેલી વાર ના પાડું ખરો, પણ એ ના પાડવામાં પણ સંકોચ હોય કે હમણાં સામેવાળો બીજે ચાલ્યો જશે તો. જોકે સાચું કહું તો એવું બનતું નહીં. ઘણી વાર આગ્રહ કરવા આવે તો ખવડાવવાવાળો થાકી જાય, પણ હું ન થાકું. મીઠાઈ પીરસવાવાળો જો નીકળ્યો હોય અને મારી આગળ એ મીઠાઈ ખાલી થઈ જાય તો મને આગળવાળા પર ખીજ ચડતી કે શું આવું અંકરાતિયાની જેમ ખાય છે, જોયું નથી ક્યારેય?

લગ્નમાં જાઉં એટલે હું પેટ ભરીને જમું. પેટ ભરીને એટલે રીતસર પેટ ભરીને. તમને કહીશ તો તમે હસી પડશો. રીતસર ઘરેથી ત્રણ જણને જમવા મોકલ્યા હોય એ રીતે જમીને હું આવું. કલ્પના જ ન કરી હોય કોઈએ એટલું મારી સાથે જમવાનું ઘરે આવે અને પછી હું પંખો ચાલુ કરીને ઘસઘસાટ ઊંઘી જાઉં. જો રાતે રિસેપ્શન હોય તો બધાનું ધ્યાન વર-વધૂ પર અને ડિનર પર હોય, પણ આપણું ધ્યાન ખાલી ને ખાલી આઇસક્રીમ પર. તમને યાદ છે કે નહીં ખબર નહીં, પણ બહુ વખત પહેલાં રિસેપ્શનમાં ડિનરની પ્રથા નહોતી. એ સમયે આઇસક્રીમ, પાઇનૅપલ જૂસ કે શરબતની જ પ્રથા હતી અને ફૅમિલી જો આર્થિક રીતે સક્ષમ હોય તો આઇસક્રીમ હોય. સફેદ પ્લેટમાં કસાટા, રોઝ અને પિસ્તા. બહુ વરાઇટી પણ ન હોય. વેઇટર પ્લેટ લઈને નીકળે અને એક પછી એકને આપતો જાય. આપણે પહેલી લાઇનમાં બેસીને પ્લેટ ઝાપટવાની અને એ પછી ત્યાંથી નીકળીને બીજી લાઇનમાં ચાલ્યા જવાનું. પકડાયા વગર પાંચ-સાત પ્લેટ આઇસક્રીમ ખાઈ લેવાના અનહદ રેકૉર્ડ મારા નામે બોલે છે અને એનો મને કોઈ રંજ પણ નથી. બીજો દિવસ પડે અને નાકમાંથી આંસુ જતાં હોય, પણ મારા મનમાં તો વરરાજા કરતાં પણ વધારે હર્ષ હોય.

આંસુ. આંસુ પરથી યાદ આવ્યું કે મારી બહેનનાં લગ્નમાં હું ખૂબ રડ્યો છું. આ વિદાય-પ્રસંગ આમ ખૂબ ગમે પણ, ન પણ ગમે એવું કહી શકાય. નાનો હતો ત્યારે જુદી જ સમજણ હતી. મારું લાડકું નામ બાબુલ. ઘરે અને આજે પણ જૂની ચાલવાળા મને બાબુલ કહીને જ બોલાવે. નાનો હતો ત્યારે લગ્નપ્રસંગ અને ખાસ તો વિદાય સમયે એક ગીત ખૂબ વાગે, ‘ઓ બાબુલ પ્યારે...’ બીજું ગીત હતું, ‘બાબુલ કી દુઆએં લેતી જા...’ આ બન્ને ગીત માટે મને વષોર્ સુધી એવો ભ્રમ હતો કે આ ગીતો મારા નામ પરથી જ બન્યાં છે. બહેનનાં મૅરેજમાં મેં આ ગીત ખૂબ વગાડ્યું છે. એ દિવસોમાં મોટી-કાળી રેકૉર્ડ્સ આવતી. એ વગાડવા માટે ખાસ બોલાવવામાં આવે. એ લોકો ગીતો વગાડે, તમારે ત્યાં જઈને ફરમાઇશ મૂકી દેવાની. ઘણી વખત તો ફરમાઇશ સાથે ચાર આના કે આઠ આના આપીને એ ગીત જલદી મૂકવાની લાંચ પણ અપાતી. એ ગીતો વાગે અને બધા મજા કરે, પણ વિદાય આવે કે તરત જ ગીત બદલાઈ જાય અને માઇકમાં ચાલુ થઈ જતું : બાબુલ કી દુઆએં લેતી જા, જા તુઝ કો સુખી સંસાર મળે...

ગીત શરૂ થાય અને લોકોની આંખો પણ એની સાથે જ ચાલુ થાય અને મને નવાઈ લાગ્યા કરે. મારા નામના ગીતમાં બધા રડે છે શું કામ?

columnists Isha Ambani mukesh ambani nita ambani