કિસી કો ભૂલ કર સો જાના ઇતના આસાન નહીં હોતા!

06 January, 2020 06:02 PM IST  |  Mumbai Desk | pravin solanki

કિસી કો ભૂલ કર સો જાના ઇતના આસાન નહીં હોતા!

પ્રવીણ સોલંકી

નીંદ ભી નિલામ હો જાતી હૈ દિલોં કી મહેફિલ મેં જનાબ,
કિસી કો ભૂલ કર સો જાના ઇતના આસાન નહીં હોતા!

વૉટ્સઍપ પર એક મેસેજ વાંચ્યો, ‘નવા વર્ષની શુભકામના મને નહીં મોકલો તોય તમારી કાયમી શુભેચ્છા મને હોય જ છે. અને આમેય હું તમને કોઈ પણ શુભેચ્છા મોકલવાનો નથી, તો તમારી શુભેચ્છા વેડફશો નહીં.’ આટલું લખ્યા પછી પાછી અંગ્રેજીમાં ટિપ્પણી લખી, ‘પ્લીઝ, ડુ નૉટ સૅન્ડ ટુ મી. હૅપી ન્યુ યર મેસેજ ટુ મી આઇધર ઑન વૉટ્સઍપ ઑર ઈ-મેઇલ.’

આજકાલ દિલોં કી મહેફિલ ક્યાંય થતી નથી, જામતી નથી. આજકાલ મહેફિલ દિમાગની જામે છે, મહેફિલ મનોરંજનની હોય છે. મહેફિલ મતલબની યોજાય છે. દિલના સંબંધ રહ્યા નથી, સંબંધો ફક્ત નામના, કામના રહ્યા છે. સંબંધો જામ અન દામના થઈ ગયા છે. જમાનો બદલાઈ ગયો છે. ભલે આપણે વાર-તહેવારે છાજિયાં લેતાં હોઈએ, પણ હકીકતમાં આપણું માનસ બદલાઈ ગયું છે.
એક જમાનો હતો જ્યારે આપણે આપણા ‘ગામ’ નિયમિત જતા. ગામને આપણે ‘દેશ’ તરીકે ઓળખતા. કોઈ પૂછે ત્યારે આપણે કહેતા, ‘આવતા અઠવાડિયે હું એક મહિના માટે દેશમાં જવાનો છું.’ કેવી ઉત્કૃષ્ટ ભાવના. આપણું ગામ એ આપણો દેશ. દેશમાં ગયા પછી જ્યારે મુંબઈ પાછા ફરતા ત્યારે ૧૦-૧૫ સગાંસંબંધીઓ ગામના પાદર સુધી વળાવવા આવતાં, હૃદયમાં ઊભરા અને આંખમાં પાણી સાથે. ભીની-ભીની લાગણીઓનું એક અભૂતપૂર્વ દૃશ્ય સર્જાતું. હવે તો સ્મશાનમાં વળાવવા આવે છે ત્યારેય કોઈની આંખ ભીની થતી નથી. બધું ઔપચારિક, બધું વ્યાવહારિક! લાગણી મોંઘી થઈ ગઈ છે, વ્યવહાર સસ્તો; જન્મ અને મૃત્યુ પણ મોંઘાં થઈ ગયાં છે. સિઝેરિયન સિવાય કોઈ જન્મતું નથી અને વેન્ટિલેટર પર રાખ્યા સિવાય કોઈ મરતું નથી.
કોઈને થશે કે નવા વર્ષના પહેલા જ સપ્તાહમાં આવું અવળું-અળવીતરું લખાણ શું કામ? ક્ષોભ તો મને પણ થાય છે, પરંતુ સંજોગોએ વિચલિત કરી દીધો. વિચાર કરતો હતો કે વાચકોને નવા વર્ષની શુભકામના-શુભસંદેશ કઈ રીતે આપું? ત્યાં વૉટ્સઍપ પર એક મેસેજ વાંચ્યો, ‘નવા વર્ષની શુભકામના મને નહીં મોકલો તોય તમારી કાયમી શુભેચ્છા મને હોય જ છે. અને આમેય હું તમને કોઈ પણ શુભેચ્છા મોકલવાનો નથી, તો તમારી શુભેચ્છા વેડફશો નહીં.’ આટલું લખ્યા પછી પાછી અંગ્રેજીમાં ટિપ્પણી લખી, ‘પ્લીઝ, ડુ નૉટ સૅન્ડ ટુ મી. હૅપી ન્યુ યર મેસેજ ટુ મી આઇધર ઑન વૉટ્સઍપ ઑર ઈ-મેઇલ.’
એક ક્ષણ હું થંભી ગયો, વાંચીને અવાક્ થઈ ગયો. થોડું વસમું, વરવું, ઉદ્ધત, ઘમંડી, ઉદ્ધત લાગ્યું. વૉટ્સઍપ મોકલનારની મજબૂરી, વ્યસ્તતા, માનસિકતા, રોજબરોજના ‘ગુડ મૉર્નિંગ’થી માંડીને ‘ગુડ નાઇટ’ના મેસેજથી માત્ર વૉટ્સઍપ મોકલનાર જ નહીં, અનેક લોકો ત્રાસ્યા-કંટાળ્યા છે એ હકીકત છે, પણ મારો આઘાત લખાણના શબ્દો પ્રત્યેનો છે. ‘મિત્રો, આપણી વચ્ચે હંમેશાં એકબીજા પ્રત્યે શુભભાવના-શુભકામનાનો વ્યવહાર રહ્યો છે અને રહેશે. એટલે નવા વર્ષે શુભકામના નહીં મોકલો તો ચાલશે અને આ જ કારણસર હું નહીં મોકલું. આભાર.’ વાત એકની એક જ છે. શૂન્ય અને વર્તુળ આમ તો એક જ છે; પણ શૂન્યમાં એકલતા છે, વર્તુળમાં વિસ્તાર છે. મીંડું અને શૂન્ય એક જ છે, ‘મીંડું’ શબ્દમાં તોછડાઈ છે, શૂન્યમાં વિવેક છે.
વર્ષો પહેલાં નવા વર્ષે આપણે શુભેચ્છા માટે ગ્રીટિંગ્સ કાર્ડ મોકલતા. કાર્ડમાં લખેલા શુભ સંદેશાઓનું ચયન કરતા. કેટલાક તો પોસ્ટકાર્ડ પર સુંદર ડિઝાઇન કરી, સ્વહસ્તે સરસ શબ્દોમાં શુભેચ્છા પાઠવતા તો કેટલાક ‘ઇનલૅન્ડ લેટર’ પર પ્રિન્ટ કરાવીને શુભકામના મોકલતા. સંદેશા સાથે અવનવી ભેટ આવતી. મીઠાઈનાં બૉક્સ, ડાયરી, કૅલેન્ડર. ડાયરી અને કૅલેન્ડર ડિમાન્ડમાં રહેતાં. ખાસ કરીને વિક્રમ સંવતનાં ગુજરાતી તારીખિયાં માટે તો પડાપડી થતી. દરેક ગુજરાતી ઘરની ભીંત પર તારીખિયું અવશ્ય દેખાતું. તારીખ-વારના દટ્ટાના દરેક પાને સુંદર સુવાક્યો લખાતાં. એ સુવાક્યોને ડાયરીમાં ઉતારતા લોકોને પણ મેં જોયા છે. ‘તેહીના દિવસો ગતા:’
વિધિની વક્રતા જુઓ. આજે સંદેશા ન મોકલવા માટે સંદેશા મોકલાય છે. એ વર્ષોમાં કોણે સંદેશો નથી મોકલ્યો, કોનું કાર્ડ નથી આવ્યું એની ઘરમાં ચર્ચા થતી. શું કામ નથી આવ્યું એનાં કારણો શોધાતાં. જેણે આ વર્ષે નથી મોકલ્યાં‍ તેનું નામ આવતા વર્ષની યાદીમાંથી રદ થતું. આનો અર્થ શું? એ જમાનામાં પણ સંદેશા ફક્ત એક વ્યવહાર જ હતો?
કોઈ પણ જમાનામાં માણસની માનસિકતા લગભગ એકસરખી જ રહી છે. સાધનો, સગવડો બદલાયાં છે, વધ્યાં છે. વૃત્તિ અને વહેવાર એનાં એ જ રહ્યાં છે. સાધનો અને સગવડો વધવાથી વહેવારનો અતિરેક થઈ ગયો અને એ અતિરેક જ કંટાળાજનક-ત્રાસદાયક બની ગયો. પ્રસંગોપાત્ત આવતા સંદેશાઓ હવે વૉટ્સઍપ પર દિવસના ઢગલાબંધ આવે છે. આપણે વાંચીએ છીએ કે નહીં એ જાણવાની દરકાર કોઈ નથી કરતું. મોટા ભાગના લોકો વાંચ્યા વગર જ ‘અંગૂઠો’ દેખાડીને પ્રસન્નતાનું નાટક કરતા હોય છે. આપણે વાંચવામાં ટાઇમ બગાડીએ કે ન બગાડીએ, પણ એને ડિલીટ કરવામાં ટાઇમ બગાડવો જ પડે, નહીં તો મોબાઇલમાં ટ્રાફિક જૅમ થઈ જાય.
એક વિચાર એ પણ આવે છે કે વૉટ્સઍપ પર શુભેચ્છા-સંદેશા ન મોકલવાની તાકીદ કરનારા ‘મેસેજ’થી થાકી ગયા છે કે મોબાઇલના ઉપયોગથી? મેસેજ વાંચવો ફરજિયાત નથી, મોબાઇલનો ઉપયોગ ફરજિયાત થઈ ગયો છે. મોબાઇલધારકની સ્થિતિ ઘંટીનાં બે પડ વચ્ચે ભીંસાવા જેવી થઈ ગઈ છે. જેમ લગ્ન એ લાકડાના લાડુ જેવા છે, ખાનાર પણ પસ્તાય અને ન ખાનારા પણ પસ્તાય છે. પતિ-પત્ની એકબીજા વગર રહી શકતાં નથી અને એકબીજા સાથે પણ રહી શકતાં નથી. એવી જ સ્થિતિ મોબાઇલ માટેની પણ છે.
મૂળ વાત શુભેચ્છાની છે. શુભેચ્છા સસ્તી થઈ ગઈ છે. જેટલો પાણીનો બગાડ થઈ રહ્યો છે એટલો શુભેચ્છાનો બગાડ થઈ રહ્યો છે. દિવાળીની શુભેચ્છા, દશેરાની શુભેચ્છા, ગુરુપૂર્ણિમાની શુભેચ્છા, જન્મદિનની શુભેચ્છા, લગ્નતિથિની શુભેચ્છા, હોળીની શુભેચ્છા, પરીક્ષામાં પાસ થયાની શુભેચ્છા. આખું વર્ષ શુભેચ્છાઓનાં વાદળોથી ઘેરાયેલું રહે છે. કેટલીક વાર તો વિચાર આવે કે આટઆટલી શુભેચ્છાઓ છતાં સાલું કંઈ ‘શુભ’ કેમ નથી થતું?
વળી શુભેચ્છા મોકલનારાઓ એવું પણ ઇચ્છે કે આપણે પણ એનો પ્રતિસાદ આપીએ. ન આપીએ તો ખોટું લાગે. આપણે તેની લાગણીની અવગણના કરીએ છીએ, કદર નથી કરતા એવું લાગે. મારા ભાઈ, લાગણી દિલમાં હોય, શબ્દોમાં નહીં. શબ્દોએ એનું વજન ગુમાવી દીધું છે. ‘જય શ્રીકૃષ્ણ’, ‘જય જિનેન્દ્ર,’ ‘જય સ્વામીનારાયણ’ જેવા ઉદ્ગારો આદતને આધીન થઈ ગયા છે. જાણે નિત્યક્રમનો એક ભાગ. એમાં ભાવના કે ભક્તિનો ભાગ્યે જ અંશ હોય છે.
ચાણક્યને કોઈકે પૂછેલું કે ઝેર એટલે શું? ચાણક્યએ બહુ માર્મિક જવાબ આપ્યો હતો. કોઈ પણ વસ્તુનો અતિરેક એટલે ઝેર. શુભેચ્છાના અતિરેકે એને ઝેર બનાવી દીધી. ઉત્સવને અતિરેકમાં ફેરવવાની આપણી રાષ્ટ્રીય આદત થઈ ગઈ છે. આપણે સૌ જાણીએ છીએ કે દિવાળી, હોળી, રક્ષાબંધન જેવા તહેવારો આવે કે ટીવીની દરેક ચૅનલમાં, દરેક સિરિયલમાં એ તહેવાર ઊજવવાનો, ઉજવણી બતાવવાનો એક વણલખ્યો નિયમ થઈ ગયો છે. વાર્તાની ઐસીતૈસી કરીને મારીમચડીને જે-તે તહેવારને આવરી લેવાય. જેટલી કૃત્રિમતા આવાં દૃશ્ય જોવામાં લાગે છે એટલી જ કૃત્રિમતા વૉટ્સઍપ પર આવતા શુભેચ્છાના સંદેશાઓ વાંચતાં લાગે છે.
શુભેચ્છાઓ માગીને ન મેળવાય એમ આપીને છૂટી પણ ન જવાય. શુભેચ્છા અંતરથી હોવી જોઈએ અને અંદરથી હોવી જોઈએ. શબ્દોનો શણગાર કે આડંબર નહીં, શુભ ભાવનાની અભિવ્યક્તિ હોવી જોઈએ. ટૂંકી ને ટચ હોવી જોઈએ. ‘ભગવાન સૌનું કલ્યાણ કરે ને શરૂઆત તમારાથી કરે’
આ વાક્ય અંતરથી ભલે ન લખાયું કે બોલાયું હોય, પણ વાંચવું-સાંભળવું ગમે અને છેલ્લે...
વિવિધ ગૅજેટ્સ-મોબાઇલનો ઉપયોગ લોકોના જીવનનું અનિવાર્ય અંગ બની ગયું છે. એમાં કોઈ બેમત નથી. ગૅજેટ-સોશ્યલ મીડિયાના ગાંડપણ વિશેની વૉટ્સઍપ પર એક કટાક્ષકથા વાંચવા મળી. લોકો ભવિષ્યમાં શોકસભામાં મરનારને કઈ રીતે શ્રદ્ધાંજલિ આપશે?
‘સદ્ગત ખૂબ જ ઉમદા અને અદના જીવ હતા. હંમેશાં ‘ઑનલાઇન’ રહેતા. ફેસબુક પર તેઓ દરેકની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતા. કોઈનાય માટે ક્યારેય ખરાબ ‘કમેન્ટ’ કરતા નહીં. તેમની દરેક પોસ્ટ ખૂબ જાનદાર રહેતી. તેમણે ક્યારેય કોઈને ‘બ્લૉક’ કર્યા નહીં, એટલું જ નહીં, દોસ્તોની ‘સેલ્ફીઝ’ને પણ દિલ ખોલીને ‘લાઇક્સ’ આપતા. અમીરો સાથે ‘શૅર’ અને ગરીબીને ‘ટૅગ’ કરતા.
વૉટ્સઍપ પર પણ તેમનું યોગદાન અમૂલ્ય હતું. દરેકના મોબાઇલ પર ૨૫-૫૦ એમબી વિડિયો ન મોકલે ત્યાં સુધી તેઓ અન્ન-જળ ગ્રહણ ન કરતા. અંતિમ પળ સુધી તેઓ ફેસબુક પર જ હતા. પ્રભુને એટલી જ પ્રાર્થના કે સદ્ગત જ્યાં હોય, જે પણ હાલતમાં હોય ત્યાં તેમને 4G-5G ઇન્ટરનેટ મળે, ફેસબુકનું અકાઉન્ટ મળે, સૌની ખૂબ લાઇક્સ મળે. પ્રભુ તેમના દિવ્ય આત્માને સદૈવ ઑનલાઇન રાખે. હે નાથ, જે જીવ આવ્યો આપ પાસે તેને ચરણમાં રાખજો. પરમાત્મા એ આત્માને 5G, 4G, 3Gની સ્પીડ સામી આપજો. તેમની ખોટ તેમના કુટુંબીજનોને તો પડી જ છે પણ માર્ક ઝકરબર્ગને પણ પડી છે. ઈશ્વર બન્નેને ખોટ સહન કરવાની શક્તિ આપે.

columnists Pravin Solanki