બહોત ડરાવના નાટક થા, પર બહોત મઝા આયા

18 July, 2022 03:27 PM IST  |  Mumbai | Sanjay Goradia

હિન્દી નાટક ‘જંતરમંતર’ જોયા પછી બિરલા ગ્રુપના ચૅરમૅન બી. કે. બિરલાના આ શબ્દો હતા અને હું ખુશ થઈ ગયો

બિરલા ગ્રુપના ચૅરમૅન બી. કે. બિરલાએ ‘જંતરમંતર’ જોયું, તેમને ખૂબ ગમ્યું અને તેઓ અમારી ટીમને મળવા માટે ખાસ બૅકસ્ટેજ પર પણ આવ્યા.

૨૦૦૮ની ૨૩ નવેમ્બર, તેજપાલ ઑડિટોરિયમ અને પોણાઆઠ કલાક.
અમારું ૪૬મું નાટક ‘બાને ઘેર બાબો આવ્યો’ અમે ઓપન કર્યું. નાટક બૉક્સ-ઑફિસ પર ઍવરેજ રહ્યું, પણ ચૅરિટી શોની પાર્ટીઓએ નાટક વધાવી લીધું. વાત આગળ વધારતાં પહેલાં તમને એક વાત કહેવાની. સોલ્ડ આઉટ શો અને જૈન સોશ્યલ ગ્રુપની જે પાર્ટીઓ છે એમણે થોડાં વર્ષોથી નિયમ બનાવી લીધો છે કે નાટક જોયા વિના ફાઇનલ કરવું નહીં. પાછળથી નાટક ખરાબ નીકળે તો તેમને ખૂબબધું સાંભળવું પડતું હોવાથી તેમણે આ નિયમ બનાવ્યો છે. જોકે કૌસ્તુભની શાખ ચૅરિટી શોના ગ્રુપમાં સારી એટલે દરેક પાર્ટી નાટક સારું હશે એમ સમજીને જોવા આવે અને અમે ઑલમોસ્ટ રોજેરોજ શો કરીએ. આ નાટકના અમે કુલ ૧૪૩ શો કર્યા અને એ પછી એને થ્રી-કૅમેરા સેટઅપ સાથે શૂટ કર્યું. જોજો તમે, આ નાટક જેટલું બૉક્સ-ઑફિસ પર નથી ચાલ્યું એટલું ડિજિટલ પ્લૅટફૉર્મ પર ચાલ્યું છે અને લોકોએ એનાં ખૂબ વખાણ કર્યાં છે. મારો પેલો સોશ્યલ મીડિયા પર બહુ વાઇરલ થયેલો ત્રણ રૉકેટવાળો ડાયલૉગ પણ આ જ નાટકનો છે અને મને કહેવા દો કે ડાયલૉગ સ્ક્રિપ્ટમાં હતો જ નહીં, મેં ઇમ્પ્રોવાઇઝ્ડ કર્યો છે.
‘બાને ઘેર બાબો આવ્યો’ નાટક ઓપન કર્યું ત્યારે ૨૦૦૮નું વર્ષ પૂરું થવામાં હતું અને અમે આ એક વર્ષમાં ચાર નાટક કરી લીધાં હતાં. ‘પરણેલાં છો તો હિંમત રાખો’, ‘એક મૂરખને એવી ટેવ’, ‘પ્રેમ કરતાં પંક્ચર પડ્યું’ અને પછી નવેમ્બરમાં ‘બાને ઘેર બાબો આવ્યો’. 
ચાર નાટક સાથે ૨૦૦૮નું વર્ષ અહીં પૂરું થયું?
ના, પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત. આ જ વર્ષમાં અમારું પાંચમું નાટક આવ્યું અને એ નાટક હિન્દીમાં આવ્યું.
આપણે અગાઉ એક નાટકની વાત કરી છે - ‘જંતરમંતર’. ગુજરાતી રંગભૂમિ પર વર્ષો પછી આવેલું હૉરર નાટક, જેની વાત મેં તમને ડીટેલમાં અગાઉ કરી જ છે. અમેરિકાની એમિલી રોઝની સત્ય ઘટના પર આધારિત એવા આ નાટકની પ્રેરણા અમે હૉલીવુડની ફિલ્મ ‘ધી એક્સોર્ઝિમ ઑફ એમિલી રોઝ’ પરથી લીધી હતી.
ગુજરાતી નાટક ‘જંતરમંતર’ને હિન્દીમાં કરવાની ઑફર અમને કલકત્તાથી આવી. નાટક વિશે વાત કરતાં પહેલાં હું તમને થોડી કલકત્તાની વાત કરું.
કલકત્તા આપણા દેશના સિદ્ધહસ્ત ઇન્ડસ્ટ્રિયલિસ્ટ બિરલા ફૅમિલીનો ગઢ કહેવાય. બિરલા ફૅમિલીના હેડ એવા બી. કે. બિરલાનો કલકત્તામાં બહુ મોટો બંગલો છે. તેમણે કલકત્તામાં એક ઑડિટોરિયમ પણ બનાવ્યું છે, જેનું નામ છે સંગીત કલા મંદિર. કલકત્તામાં નવરાત્રિના દિવસોને પૂજા ફેસ્ટિવલ કહેવામાં આવે છે. બિરલાના સંગીત કલા મંદિરમાં પૂજા ફેસ્ટિવલ દરમ્યાન ગુજરાતી સમાજ (કલકત્તા) દર વર્ષે મુંબઈથી ત્રણથી ચાર નાટકોને બોલાવે. વર્ષોનો આ નિયમ છે. જો હું ભૂલતો ન હોઉં તો ચાલીસ-પિસ્તાલીસ વર્ષથી આ શિરસ્તો ચાલે છે. 
બિરલા ઑડિટોરિયમ તરીકે પૉપ્યુલર થયેલા સંગીત કલા મંદિરમાં અમને હિન્દીમાં ‘જંતરમંતર’ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું. મિત્રો, બિરલા ફૅમિલી મારવાડી છે. મારવાડી હિન્દી બહુ સારું બોલે. મુંબઈ અને ગુજરાતના મારવાડીની વાત કરું તો એ લોકો ગુજરાતી પણ બહુ સારું બોલે છે. મારવાડીની પોતાની પણ બોલી છે, પણ મુંબઈ અને ગુજરાત સાથે ઘરોબો હોવાને લીધે મોટા ભાગના મારવાડીઓનું ગુજરાતી અને હિન્દી પર પણ બહુ સારું પ્રભુત્વ. જોકે કલકત્તામાં મારવાડીઓને ગુજરાતી સાથે કંઈ લાગેવળગે નહીં એટલે મોટા ભાગના મારવાડીઓ હિન્દી જ બોલે. કલકત્તામાં બિરલાવાળાઓએ આ મારવાડીઓનું ત્યાં મોટું ગ્રુપ બનાવ્યું છે. વર્ષ દરમ્યાન તે લોકો નાટકો કરતા રહે છે.
કલકત્તાથી આવેલા એ ઇન્વિટેશન પાછળ પણ એક નાનકડી સ્ટોરી છે.
બિરલા ગ્રુપની મુંબઈમાં બહુબધી ઑફિસો છે. એ ઑફિસમાં એક ડાગાસાહેબ છે. ડાગાસાહેબને ગુજરાતી બહુ સહજ રીતે સમજાય અને તેઓ નિયમિત અમારાં ગુજરાતી નાટકો જોવા આવે. જો નાટક તેમને ગમે તો તે એ જ નાટક હિન્દીમાં કરી આપવા રિક્વેસ્ટ કરે. અમને કહેવામાં આવ્યું એટલે અમે ગંભીરતા સાથે એ દિશામાં વિચાર્યું.
તમને યાદ હોય તો મેં તમને કહ્યું હતું કે ‘જંતરમંતર’ ડબલ રિવૉલ્વિંગ સેટનું નાટક અને એ સેટ અમારી પાસે રેડી પડ્યો હતો. અમને થયું કે સેટ તૈયાર જ છે તો પછી શું કામ આપણે એ નાટક હિન્દીમાં ન કરવું. અહીં માત્ર ભાષાની જ વાત નહોતી. નાટકની કથાવસ્તુ પણ એવી હતી જેની સાથે હિન્દીભાષીઓ પણ રિલેટ થઈ શકે.
અમે નક્કી કર્યું કે બિરલાના શો માટે જ નહીં, પણ આપણે આ નાટકને હિન્દીમાં ચલાવવા માટે અને બીજા શો કરવાના હેતુથી એને હિન્દીમાં તૈયાર કરીએ. જોકે ખાટલે મોટી ખોડ કે અમારી લીડ ઍક્ટ્રેસ પલ્લવી પ્રધાન એ સમયે અમારા જ નાટક ‘બાને ઘેર બાબો આવ્યો’માં લીડ રોલ કરતી હતી અને તમને કહ્યું એમ એ નાટક ચૅરિટી શોમાં એવું તે ચાલ્યું હતું કે ઑલમોસ્ટ એના દરરોજ શો હતા. અમારી પાસે પલ્લવીનો ઑપ્શન શોધવા સિવાય બીજો કોઈ છૂટકો જ નહોતો.
અમે નજર દોડાવવાની શરૂ કરી અને એમાં મને યાદ આવી કૃતિકા દેસાઈ. કૃતિકાબહેન સાથે અગાઉ અમે નાટક ‘પલ્લવી બની પાર્વતી’ કર્યું હતું, જેની વાત તમને મેં કરી છે. કૃતિકા દેસાઈની તમને બીજી વાત કરું. ખૂબ જ વિખ્યાત ઍક્ટર ગિરેશ દેસાઈ કૃતિકા દેસાઈના પપ્પા. કૃતિકાની બીજી પણ એક ઓળખ આપું, જે સામાન્ય લોકોને ખબર નહીં હોય. કાંતિ મડિયાનાં વાઇફ ગિરેશ દેસાઈની સગી બહેન થાય એટલે એ રીતે જોઈએ તો આપણા કાન્તિ મડિયા કૃતિકા દેસાઈના ફુઆ થાય. કૃતિકાબહેન એટલાં સારાં ઍક્ટ્રેસ કે તેમને આવી ઓળખાણની જરૂર ન પડે. અમે નક્કી કર્યું કે જો કૃતિકાબહેન અવેલેબલ હોય તો તેમને લઈને હિન્દી નાટક કરીએ. કૃતિકાબહેને બહુબધી હિન્દી સિરિયલો કરી છે એટલે હિન્દી બેલ્ટમાં તેમનું નામ ખાસ્સું મોટું.
અમે કૃતિકા દેસાઈને મળ્યા અને તેમને વાત કરી. તેઓ રાજી થયાં એટલે કૃતિકાબહેન સાથે અમે હિન્દી ‘જંતરમંતર’ની શરૂઆત કરી. પલ્લવી પ્રધાનના સ્થાને કૃતિકા દેસાઈ એ એક ચેન્જ અને જે રોલ સૌનિલ દરૂ કરતો હતો એ રોલમાં ડિરેક્ટર વિપુલ મહેતા. મને અત્યારે યાદ નથી કે સૌનિલ ક્યાં અટવાયેલો હતો, પણ મને એ પાક્કું યાદ છે કે ‘જંતરમંતર’નો બિરલા ગ્રુપનો શો કરવા માટે વિપુલ કલકત્તા ગયો હતો. એ પહેલા શોમાં બિરલા ગ્રુપના સર્વેસર્વા કહેવાય એ બી. કે. બાબુ પણ આવ્યા હતા, જેમનો ફોટો હું અહીં શૅર કરું છું. 
હિન્દી ‘જંતરમંતર’ સરસ ગયું, બધાને બહુ મજા આવી અને આમ એક વર્ષમાં પાંચ નાટક કરવાનો શિરસ્તો આ વર્ષથી શરૂ થયો. એ પછી આવ્યું ૨૦૦૯નું વર્ષ, પણ એની વાત કરતાં પહેલાં મારે ડિસેમ્બર મહિનાની ૩૧ તારીખની વાત કરવી છે. હું દર વર્ષના આ છેલ્લા દિવસે પાર્ટી કરું છું, જેમાં ગુજરાતી રંગભૂમિ સાથે સંકળાયેલા સૌકોઈને બોલાવું અને અમે બધા બહુ મજા કરીએ. અમારી આ પાર્ટીમાં ૬૦થી ૭૦ લોકો હોય. અમે બધા ડાન્સ કરીએ, જમીએ અને ખૂબબધા જલસા કરીએ. મને એ પાર્ટીમાં ધાર્યો ન હોય એવો આનંદ આવે. બધા માટે એક જ નિયમ. તમારે હાથ હલાવતા આવવાનું, પાર્ટીમાં મજા કરવાની અને નવા વર્ષનાં વધામણાં સાથે ઘરે જવાનું. હા, છેલ્લાં બે વર્ષથી પેન્ડેમિકને લીધે પાર્ટી થઈ શકી નથી એનો મને અફસોસ છે.
મારી આ પાર્ટીમાં ૨૦૦૮થી બીજી બે વ્યક્તિ પણ જોડાઈ - વિપુલ મહેતા અને જગેશ મુકાતી. આ વર્ષે અમે ત્રણેએ સાથે મળીને મારા ઘરે પાર્ટી રાખવાનું નક્કી કર્યું અને એ પાર્ટી થકી અમે અમારા નવા વર્ષ ૨૦૦૯ની શરૂઆત કરી. આ નવા વર્ષનો આરંભ અમે કયા નાટક સાથે કર્યો એની વાતો હવે આપણે કરીશું આવતા સોમવારે.

મારવાડીઓ હિન્દી બહુ સારું બોલે. મુંબઈ અને ગુજરાતના મારવાડીઓની વાત કરું તો એ લોકો ગુજરાતી પણ બહુ સારું બોલે. મારવાડીઓની પોતાની બોલી છે, પણ મુંબઈ અને ગુજરાત સાથે ઘરોબો હોવાને લીધે મોટા ભાગના મારવાડીઓનું ગુજરાતી અને હિન્દી પર બહુ સારું પ્રભુત્વ. 

columnists Sanjay Goradia