સમય આવી ગયો છે જાતને ઊંધી દિશામાં લઈ જઈ ઑર્થોડોક્સ થવાનો

04 September, 2020 04:27 PM IST  |  Mumbai | Manoj Joshi

સમય આવી ગયો છે જાતને ઊંધી દિશામાં લઈ જઈ ઑર્થોડોક્સ થવાનો

પ્રતીકાત્મક તસવીર

અનુશાસન લગામ જેવું કામ કરતી હોય છે અને યાદ રહે કે લગામ વિનાનો ઘોડો ક્યારેય રેસ જીતી નથી શકતો. મનોરંજન-જગત માટે સેન્સર-બોર્ડ એક લગામ છે અને એ લગામ જરૂરી છે, કારણ કે એ લગામને કારણે અંકુશ રહેવાનો છે, જે અંકુશ મહદંશે લાભદાયી બનતો હોય છે. ગઈ કાલે કહ્યું એમ, આપણા ઘરમાં પણ અંકુશ છે જ અને એ અંકુશને આપણે સ્વીકારીએ જ છીએ. એ જ રીતે ફિલ્મ બનાવતી વખતે એમાં શું દેખાડવું, શું ન દેખાડવું એ નિર્ણય કરવા માટે કોઈ એક નિયંત્રણ આપણા પર હોય તો એમાં ખોટું શું છે. અંકુશ વિનાની વ્યક્તિ છાકટી થઈ જાય છે. આ પ્રકારની વ્યક્તિનો પોતાની જાત પર જ કાબૂ નથી રહેતો. ઇતિહાસમાં એવી અનેક ઘટનાઓ છે જેમાં રાજાધિરાજ પર કોઈનો અંકુશ ન રહ્યો હોય અને તે પતનની દિશામાં આગળ વધી ગયો હોય. જો ઇતિહાસનું લાંબું જ્ઞાન ન હોય તો ચિંતા નહીં કરો, રામાયણ જ યાદ કરી લો. રાવણ અંકુશવિહીન રાજવી હતો, તેનો અંતકાળ કેવો રહ્યો એ સૌકોઈને ખબર છે. કંસ અંકુશહીન હતો, તેનો અંત પણ સૌકોઈ
જાણે છે. ફિલ્મ-મેકિંગ પર અંકુશ જરૂરી છે અને એ માટે એક નહીં, અઢળક કારણો છે. સ્વાભાવિક રીતે જેને સેન્સર-બોર્ડ નથી જોઈતું તેની પાસે આ કારણોની વિરુદ્ધમાં પણ જવાબો હશે જ પણ જવાબ હોવાનો અર્થ એ નથી કે જવાબ સાચા છે.
સેન્સર-બોર્ડ આવશ્યક છે. સેન્સર-બોર્ડની જે કામગીરી છે એ પણ જરૂરી છે અને આ બોર્ડે જ સેન્સર-સર્ટિફિકેટ આપવાનું હોય એ પણ અકબંધ રાખવાની જરૂર છે. જો તમારે નગ્નતા દેખાડવી હોય તો વાંધો નહીં. જો તમે અસભ્યતા વચ્ચે જીવવા માગતા હો તો તમારી મરજી. કોઈ તમને રોકી ન શકે, પણ એનો અર્થ એવો પણ નથી કે નગ્નતા સાથે તમે બહાર પગલાં માંડો. ના, જરા પણ નહીં. એવો હક તમને કોઈએ આપ્યો નથી. વેબ-સિરીઝના નામે જેકંઈ હવે ડિજિટલ પ્લૅટફૉર્મ પર પીરસવાનું શરૂ થયું છે એ સ્તર ભારતીયતાનું છે જ નહીં. થોડા સમય પહેલાં જ મારે મારા એક મિત્ર સાથે વાત ચાલતી હતી ત્યારે બહુ સરસ વાત તેણે કહી.
હવે સમય આવી ગયો છે ઑર્થોડોક્સ બનવાનો. ઑર્થોડોક્સ થવું એ ફૅશન બનશે.
વાત સાચી છે અને સાથોસાથ વાત પીડા આપનારી પણ છે. સભ્ય રહેવું, જુનવાણી હોવું એ જો ફૅશન બનવાની હોય તો સમાજ બહુ ખોટી દિશામાં જઈ રહ્યો છે એ સમજવું જોઈએ. એક સમય હતો કે તમે પાર્ટીઓમાં જઈને દારૂ ન પીઓ એ બહુ મોટી વાત કહેવાતી. હવે તમે પાર્ટીઓમાં જઈને ડ્રગ્સ નહીં લેતા હો એ મોટી વાત કહેવાશે અને એમ જ, તમે વેબ-સિરીઝ નથી જોતા એવું કહેશો તો એ પણ મોટી વાત કહેવાશે. કહેવાનો ભાવાર્થ એટલો જ કે સ્વચ્છંદતા સામે સંયમતા આપણે લાવવી પડશે, કારણ કે આસપાસના સૌકોઈ નગ્ન થવાની હોડમાં છે. આ નગ્નતા ખોટી છે. જો ઘરમાં પિતાજીનું અનુશાસન જરૂરી હોય, જો ઑફિસમાં બૉસના નિયમોની આવશ્યકતા હોય તો એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી માટે પણ સ્વંયસંચાલિત સેન્સર-બોર્ડ આવશ્યક છે.

manoj joshi columnists