જે સતત મનમાં છે એના વિશે બોલવાની બિલકુલ મનાઈ છે

31 July, 2021 08:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દામ્પત્યજીવનમાં પણ એવું જ છે. પતિ પત્ની પાસે અને પત્ની પતિ પાસે એવી જ અપેક્ષા રાખે છે કે હું કશું કહું નહીં તો પણ તેના પાર્ટનરે બધું સમજી જવાનું

જે સતત મનમાં છે એના વિશે બોલવાની બિલકુલ મનાઈ છે

આ જ કારણ છે જેને લીધે સેક્સ માટે મહત્તમ માહિતી જાતે ગૅધર કરવામાં આવે છે અને એ જે માહિતી મળે છે એની ખરાઈ કરવા પણ ક્યાંય જઈ શકાતું નથી. દામ્પત્યજીવનમાં પણ એવું જ છે. પતિ પત્ની પાસે અને પત્ની પતિ પાસે એવી જ અપેક્ષા રાખે છે કે હું કશું કહું નહીં તો પણ તેના પાર્ટનરે બધું સમજી જવાનું

કામસૂત્ર શું છે? 
જો આ પ્રશ્ન આજના આ સમયમાં, જે સમયમાં સોશ્યલ મીડિયા આટલું આગળ વધી ગયું છે એ પછી પણ પૂછવામાં આવે તો એનો એક જ જવાબ મળે કે ‘કામસૂત્ર’ વાત્સ્યાયન દ્વારા લખાયેલું પુસ્તક છે અને એમાં સેક્સની ડિફરન્ટ પોઝિશન્સ બતાવવામાં આવી છે. આનાથી મોટી લાચારી બીજી કઈ હોય કે ‘કામસૂત્ર’ જેવું અદ્ભુત સર્જન માત્ર ને માત્ર સેક્સ પોઝિશન બતાવતું પુસ્તક બનીને રહી ગયું છે, જ્યારે હકીકત કંઈક અલગ જ છે અને ‘કામસૂત્ર’ ખરેખર એક મહાન સર્જન છે. 
આપણે ત્યાં સેક્સને આજે પણ એક ટૅબુ તરીકે જ જોવામાં આવે છે. સેક્સ એટલે એવો સબ્જેક્ટ જેની તમે ખૂલીને ચર્ચા ન કરી શકો, કોઈની સાથે જાહેરમાં વાત ન થઈ શકે. સેક્સ એટલે એવો વિષય જેના વિશે તમે ફૅમિલી સાથે બેસીને ડિસ્કસ ન કરી શકો. ફૅમિલીના બધા મેમ્બરો સાથે બેસીને ડિસક્સ ન થાય એ ચાલો માનીએ પણ ખરા, પરંતુ આ વિષય પર બંધબારણે પતિ-પત્ની પણ ક્યારેય ચર્ચા નથી કરતાં. આપણે ત્યાં એક જ માન્યતા છે કે સેક્સ એટલે પતિ-પત્ની વચ્ચે થતો સંભોગ. બસ, આટલું જ. આનાથી આગળ પણ કશું નહીં અને એનાથી વધારે પણ કશું નહીં. સેક્સ માત્ર સંભોગ સુધી સીમિત નથી જ નથી. તમે સંભોગને જ સેક્સ ન કહી શકો. ‘કામસૂત્ર’ના આરંભમાં જ વાત્સ્યાયને કહ્યું છે કે ગૃહસ્થ જીવન સ્વસ્થ હોવું જોઈએ અને આ ગૃહસ્થ જીવન સ્વસ્થ ત્યારે જ બને જ્યારે તેમની બેડરૂમ લાઇફ સ્વસ્થ હોય. તેમની એટલે કોઈ એક નહીં, બન્નેની. હસબન્ડની પણ અને વાઇફની પણ. 
યાદ રાખવું કે વાઇફ માટે સેક્સ ડ્યુટી નથી કે પછી હસબન્ડ માટે સેક્સ માત્ર ફિઝિકલ નીડ નથી. જરૂરિયાત છે તો એ બન્નેની છે અને ડ્યુટી છે તો એ પણ બન્નેની છે. જોકે એવું ધારવામાં, માનવામાં અને સ્વીકારવામાં નથી આવતું. આ અને આવા ઘણા પ્રશ્નો પર્સનલ લાઇફમાં મહત્તમ માત્રામાં જોવા મળે છે અને એને જ કારણે હું ઇન્ટિમેટ રિલેશનશિપ કોચ કે કહો કે સેક્સ કોચ બની છું.
આજની તારીખે મારી પાસે અસંખ્ય એવા કેસ આવતા હોય છે જેમાં પતિ-પત્નીના સંબંધોમાં બધું જ હોય, પણ હૅપીનેસનો અભાવ હોય. આ માટે મને ક્યાંક ને ક્યાંક પૉર્ન ફિલ્મ પણ જવાબદાર લાગે છે. પૉર્ન ફિલ્મોમાં જે બતાવવામાં આવે છે એવી જ સેક્સ-લાઇફ મોટા ભાગના લોકો ઇચ્છે છે જે શક્ય જ નથી. માત્ર પુરુષ જ નહીં, સ્ત્રીના મનમાં ક્યાંક ને ક્યાંક એક જ વાત હોય છે કે અમે કશું બોલીએ નહીં, કહીએ નહીં, વાત પણ ન કરીએ અને એ પછી અમારા મનની વાત મારો પાર્ટનર સમજી લે અને એ મુજબ તે વર્તે. 
અશક્ય. કહો કે નેક્સ્ટ ટુ ઇમ્પૉસિબલ.
તમે જો તમારા ગમા-અણગમા વિશે ક્લિયર ન હો કે પછી તમે શું ઇચ્છો છો, તમારા મનમાં શું છે એ વાતની ક્લૅરિટી જ ન હોય તો તમારી સેક્સ-લાઇફ કેવી રીતે હેલ્ધી રહેવાની? ધારો કે એવું બન્યું તો પછી તમારી મૅરેજ લાઇફ કેવી રીતે હેલ્ધી હોવાની? શક્ય જ નથી. હેલ્ધી મૅરેજ લાઇફ માટે હેલ્ધી સેક્સ લાઇફ અત્યંત મહત્ત્વની છે અને એના માટે જરૂરી છે વાત કરવી. ટ્રાન્સપરન્સી બહુ જરૂરી છે. 
ઘણા કિસ્સામાં એવું બને છે કે પત્નીને કોઈ પ્રકારની તકલીફ છે અને તે કહી નથી શકતી. આવું બને ત્યારે એ જે વાત છે એ પ્રૉબ્લેમ બની જાય અને પ્રૉબ્લેમ પણ જ્યારે મોટો થઈ જાય ત્યારે ડૉક્ટરને કન્સલ્ટ કરવામાં આવે. જો એવું હોય તો સારું કહેવાય, કારણ કે આપણે ત્યાં લોકો આજે પણ ડૉક્ટર પાસે જતા કે પછી ડૉક્ટરને વાત કરતા એટલા માટે ડરતા હોય છે કે ડૉક્ટર તેની વાત સમજવાની જગ્યાએ અને એનું સાચું સૉલ્યુશન કાઢવાને બદલે મેડિસિન આપીને રવાના કરી દે છે. પુરુષ અને સ્ત્રીને જ્યારે પણ દવા લેવાનું આવે ત્યારે ક્યાંક ને ક્યાંક તેમને એ વાત ખટકે છે. તેમને થાય છે કે મારામાં કોઈ ખામી છે અને હું એ ખામી દૂર કરવા માટે દવા લઉં છું. આ વાત આગળ જતા ઈગો પર આવી જાય અને એની અસર જુદી જ દેખાવાની શરૂ થાય. એવું ન થવા દેવું જોઈએ. હું તો કહીશ કે અમુક ડૉક્ટરો એવા પણ છે જે ઇન્ટિમેટ રિલેશનની બાબતમાં ચર્ચા કરવા માગતા હોય, પણ પેશન્ટ તેમને અવૉઇડ કરે. આવું ન થાય એ માટે પ્રૉપર એજ્યુકેશન જરૂરી છે. જોકે આપણે ત્યાં તો એની પણ મજબૂરી છે.
પ્રૉપર એજ્યુકેશન આજે પણ આપણે ત્યાં નથી અને એજ્યુકેશનની બાબતમાં હું એક વાત કહીશ કે માણસ પૂરેપૂરો એજ્યુકેટ થઈ ગયો છે એ વાત જ ખોટી છે. એજ્યુકેશન સતત ચાલતી રહેતી પ્રક્રિયા છે. આપણી સોસાયટી પાસે બધી બાબતનું નૉલેજ છે, પણ સેક્સ જેવા અગત્યના વિષયમાં નૉલેજની કમી છે. 
આપણે જ્યારે વાત કરવા કે ડિસ્કસ કરવા તૈયાર નથી ત્યારે સેક્સ એજ્યુકેશન બહુ જરૂરી બની જાય છે. હું એવું નથી કહેતી કે તમે તમારાં નાનાં બાળકોની હાજરીમાં બધું જ ડિસ્કસ કરો. બાળકોની ડિસ્કસ કરવા માટેની પણ એક ચોક્કસ ઉંમર હોવી જોઈએ. બાળકમાં એ બાબતની સમજણ આવતી જાય ત્યારથી જ તેનું હેલ્ધી ડિસ્કશન શરૂ થવું જોઈએ. બાળક બે કે ત્રણ વર્ષનું હોય ત્યારે તેના માટે બૉડી એટલે બૉડી જ છે. પ્રાઇવેટ પાર્ટ્સ કયા છે અને એ શેના માટે છે એની તેને કશી ખબર નથી. એવા સમયે બાળકને ટોકીને કે પછી તેને એ વિશે ચોક્કસ રીતે અટકાવીને તેનામાં એ પાર્ટ માટેની ક્યુરિયૉસિટી આપણે જ આપી દેતા હોઈએ છીએ. પ્રાઇવેટ પાર્ટ ગંદા છે, એને અડવું ન જોઈએ અને એવી બધી વાતો કરીને બાળકને ક્યાંક ને ક્યાંક આપણે જ એ વિશે વધારે વિચારતું કરી દઈએ છીએ. 
સેક્સને લઈને આપણે ત્યાં અઢળક ઇશ્યુ છે. હું એવું બિલકુલ નથી કહેતી કે ઇશ્યુ આપણે ત્યાં જ છે અને બીજા દેશોમાં નથી. જોકે આપણે ત્યાં એની માત્રા મોટી છે એ તો તમારે પણ સ્વીકારવું પડશે. આનું કારણ પણ એ જ છે કે આપણે એ ટૉપિક પર ખૂલીને બોલવા કે ચર્ચા કરવા રાજી નથી. સેક્સની ઓછી સમજણને લીધે થતી બીમારી કે તકલીફો વિશે પણ આપણે ડિસ્કસ કરવા રાજી નથી. સેક્સલેસ મૅરેજ, પૉર્ન ઍડિક્શન, મૅસ્ટરબેશન ઍડિક્શન જેવા ક્યાંક ને ક્યાંક પર્સનલ લાઇફના ઇશ્યુની ચર્ચા કરવા પણ આપણે રાજી નથી. એને લીધે બને છે એવું કે વ્યક્તિ અંદર ને અંદર, મનમાં રિબાયા કરે છે. તેને વાત કરવી છે, પણ પ્રશ્ન એ છે કે કોની સાથે વાત કરે? તેને કહેવું છે, પણ કોને કહે? કોને પૂછે? માતા-પિતાને કહી શકાય એમ નથી. મનમાં છે કે દોસ્તોને કહીશું તો પોતે હાંસીપાત્ર બનશે. ડૉક્ટર પાસે જવામાં મોટી બીમારી નીકળવાનો ડર છે. આ બધા પછી પોતે જાતે જ એનું સૉલ્યુશન શોધવાનો પ્રયાસ કરે છે અને એ સૉલ્યુશનમાં તેની પાસે એક પર્સન્ટ સાચી માહિતી અને નવ્વાણું પર્સન્ટ ખોટી માહિતી આવે છે. 
હું કહીશ કે દરેક વિષયની એક બાઉન્ડરી હોય અને બાઉન્ડરીમાં રહીને કરવામાં આવતી દરેક ચીજ કન્ટ્રોલમાં રહે. જોકે બાઉન્ડરીની વાત કરતાં પહેલાં જગ્યા તો નક્કી કરવી પડશેને? જગ્યા જ નહીં હોય તમારી પાસે તો પછી બાઉન્ડરી કેવી રીતે બાંધી શકાય? બાઉન્ડરી બાંધો, પણ મોકળાશ નક્કી કરીને એને બાઉન્ડરી આપો. મારું કહેવાનું માત્ર એટલું છે કે જો સેક્સને ટૅબુ બનાવીને જ આપણે આગળ વધતા રહીશું તો આજે આપણે હેરાન થઈએ છીએ, પણ ભવિષ્યમાં આપણે પસ્તાવાનો વારો આવશે. એવું ન થવા દેવું હોય તો સેક્સ શબ્દની જે શરમ છે એ ક્યાંક ને ક્યાંક દૂર કરવી પડશે, મનમાંથી કાઢવી પડશે. પિરિયડ્સથી માંડીને પ્રાઇવેટ પાર્ટના હાઇજીનેશન, STD અને પ્લેઝર સુધીની બધી વાતોની ખૂલીને ચર્ચા કરીશું તો જ શરમ છૂટશે અને શરમ છોડીશું તો ક્યાંક ને ક્યાંક પડતી તકલીફોનું, સમસ્યાઓનું નિવારણ આવશે અને સ્વસ્થ લાઇફ જીવી શકાશે. નહીં તો શારીરિક રીતે સ્વસ્થ હોઈશું, પણ મનમાં વિકાર અને વિકૃતિ જ ચાલતી રહેશે.

‘કામસૂત્ર’ના આરંભમાં જ વાત્સ્યાયને કહ્યું છે કે ગૃહસ્થ જીવન સ્વસ્થ હોવું જોઈએ અને આ ગૃહસ્થ જીવન સ્વસ્થ ત્યારે જ બને જ્યારે તેમની બેડરૂમ લાઇફ સ્વસ્થ હોય. તેમની એટલે કોઈ એક નહીં, બન્નેની.

columnists sex and relationships