હાથમાં શસ્ત્ર ન હોય તો પણ મનમાં વેરવૃત્તિ ચાલતી રહે એવું સંભવ છે

08 April, 2021 12:03 PM IST  |  Mumbai | Morari Bapu

જ્યાં ધર્મ હશે ત્યાં શ્રદ્ધા હશે, મૈત્રી, દયા, શાંતિ હશે. જ્યાં ધર્મ હશે ત્યાં શાંતિ હશે. જે ધાર્મિક ક્રિયા અશાંતિ સર્જે છે એ અધર્મ આચરે છે

પ્રતીકાત્મક તસવીર

કેટલાક પ્રશ્નો મહત્ત્વના હોય છે. એમાં જ એક પ્રશ્ન છે, ધર્મ કેવો હોવો જોઈએ?

જે ધર્મ લોકોને ભક્તિ કરતા રોકે એ ધર્મ કાળક્રમે કટ્ટર થઈ જાય છે. ઓશોએ કોઈ વાર કહ્યું હતું કે ધર્મ છે, જેટલા હોય એટલા. પણ ધર્મમાં મનાઈ કરવામાં આવે એ ધર્મ કાળાંતરે આક્રમક રૂપ ધારણ કરે છે. હિન્દુ ધર્મે, વૈદિક પરંપરાઓએ, સનાતન સભ્યતાઓએ રસોવૈસઃની ચર્ચા કરી છે. એટલા માટે આજે પણ હિન્દુ ધર્મ ટટ્ટાર ઊભો છે, આક્રમક નથી બન્યો. એકબીજા સાથે સંવાદ થાય, ડાયલૉગ થાય. ધર્મમાં પણ આટલા વિવાદ, આટલા અપવાદ, આટલા દુર્વાદ! એકબીજા સાથે પ્રેમપૂર્વક ધર્મસંવાદ જરૂરી છે.

ધર્મ નાચતો હોવો જોઈએ, પણ આપણે એને કેટલો ગંભીર બનાવી દીધો છે!

ભાગવતકારે ધર્મની ૧૩ પત્નીઓ દર્શાવી છે. જ્યાં ધર્મ હશે ત્યાં શ્રદ્ધા હશે, મૈત્રી, દયા, શાંતિ હશે. જ્યાં ધર્મ હશે ત્યાં શાંતિ હશે. જે ધાર્મિક ક્રિયા અશાંતિ સર્જે છે એ ધર્મના ઓઠા હેઠળ અધર્મ આચરે છે. તુષ્ટિ એટલે સંતોષ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, ક્ષમા, તિતિક્ષા, લજ્જા, મૂર્તિ, સુમતિ.

જે સંસ્કૃતિ અને જે ધર્મનો પ્રચાર કરવો પડે એ દયનીય વાત છે. ધર્મ કશાનો પણ વિરોધી નહીં હોવો જોઈએ. ધર્મ જો કશાયનો વિરોધી છે તો એ ધર્મ નથી. વિનોબાજીએ બહુ સુંદર સૂત્રપાત કર્યો હતો, મેં પણ તમને ઘણીબધી કથાઓમાં કહ્યું છે કે સંસારમાં ક્યારેય લડાઈ બે ધર્મની વચ્ચે નહીં, બે અધર્મોની વચ્ચે થાય છે. જે કોઈનો પણ વિરોધ કરે એ ધર્મ જ નથી. ધર્મમાં ન હિન્દુનો વિરોધ થવો જોઈએ, ધર્મમાં ન મુસ્લિમનો વિરોધ થવો જોઈએ, ન ઈસાઈનો કે ન યહૂદીઓનો કે ન તો જૈનોનો વિરોધ થવો જોઈએ. ધર્મની આગળ વિશેષણ લગાડવાનું શરૂ કરશો તો પછી ધર્મ વિરોધ કરવાનું શીખી જશે.

દરેક ધર્મે આટલાં બધાં શાસ્ત્રો આપ્યાં છતાં પણ શસ્ત્રો હાવી થતાં રહ્યાં.

પાવન કુરાને જેટલું કામ ન કર્યું એટલી તલવારો કામ કરી ગઈ. પવિત્ર ભગવદ્ગીતા અને વેદોએ જેટલું કામ કર્યું એનાથી વધુ તો ધનુષ-બાણ ચાલ્યાં.

પવિત્ર બાઇબલે જે કર્યું એનાથી વધુ તો બંદૂકો ચાલી તો મારી વ્યક્તિગત માન્યતા એવી છે કે શસ્ત્રો નહીં હોવાં જોઈએ. તમારે કોઈ સાથે વેર હશે તો શસ્ત્ર લઈને એને મારી નાખશો ત્યારે એ વેર મરી જશે, પરંતુ વેરવૃત્તિ મરશે? મરવી જોઈતી’તી તો વેરવૃત્તિ. વેરવૃત્તિ મટી જાય એની વિશ્વને જરૂર છે. 

columnists