વુહાન-કરાચીના શાબ્દિક બેસણાં કરતાં હિન્દુત્વની વાતો થાય એમાં ખોટું નથી

15 July, 2020 03:32 PM IST  |  Mumbai | Manoj Joshi

વુહાન-કરાચીના શાબ્દિક બેસણાં કરતાં હિન્દુત્વની વાતો થાય એમાં ખોટું નથી

પ્રતીકાત્મક તસવીર


આપણે ત્યાં હિન્દુત્વની વાતો કરવામાં આવે તો તરત જ કેટલાક લોકો એનો પ્રગાઢ વિરોધ કરીને એવું કહેવા માંડે છે કે દેશમાં સંપ્રદાયવાદ ફેલાઈ રહ્યો છે, પણ મારે અત્યારે, આજના દિવસે પૂછવું છે કે હિન્દુસ્તાનમાં હિન્દુત્વની વાતો ન થાય તો શાની વાતો થાય; ક્રિશ્ચિયન ધર્મની, બૌદ્ધ ધર્મની કે પછી તાલિબાનીઓની વાતો થાય? શું આપણે પાકિસ્તાનની ચિંતા કરવી જોઈએ કે પછી આપણે વુહાનમાં મરતા લોકોના ટોપિક પર શાબ્દિક બેસણાં માંડવાં જોઈએ? હું મારા જ દેશની વાત કરું અને મારો દેશ હિન્દુસ્તાન છે તો પછી એમાં હિન્દુત્વની વાત નીકળે કે પછી એ વાત મૂળ વિષય બને તો એમાં કશું ખોટું નથી.
બહુ સરસ અને સમજદારી સાથે આ વાતને સ્વીકારવાની છે અને એ સ્વીકારવી જ જોઈએ. જો તમે તમારા રાષ્ટ્રમાં તમારી રાષ્ટ્રીયતા વિશે ચર્ચા ન કરો, એના હિત વિશે ન વિચારો તો તમે રાષ્ટ્રદ્રોહ કર્યો કહેવાય. હું અત્યારે, આ દેશમાં રહીને પાકિસ્તાનની ચિંતા કરતો હોઉં તો પણ એ રાષ્ટ્રદ્રોહ છે અને જો હું અત્યારે, આ સ્થાન પર રહીને પાકિસ્તાનમાં ફેલાઈ રહેલા કોરોના વિશે કે પાકિસ્તાની સ્ટૉક માર્કેટમાં થનારા કૌભાંડની વાતો કરીને ચિંતા કરું તો એ પણ રાષ્ટ્રદ્રોહ છે, પણ જો હું આ દેશમાં રહીને, આ દેશના બંધારણને શિરોમાન્ય ગણીને પણ આ દેશમાં હિન્દુત્વની વાત કરું તો એનાથી કોઈને શું તકલીફ હોવી જોઈએ. સર્વ ધર્મ સમભાવ. શાસ્ત્રોમાં કહેવાયેલી આ વાતને, આ ઉપદેશને સરઆંખો પર ચડાવીને, એનું ચુસ્તપણે પાલન કરીને અને બધા જ ધર્મો એકસમાન છે એવું મનમાં વ્યવસ્થિત રીતે સેટ કરીને પણ મારા ધર્મની વાત કરું તો એમાં કોઈને શું તકલીફ હોવી જોઈએ. શું કામ કોઈના પેટમાં તેલ રેડાવું જોઈએ અને શું કામ કોઈને એવું લાગવું પણ જોઈએ કે હું જેકાંઈ કરી રહ્યો છું એ ખોટું છે, પાપ છે અને અધર્મ છે.
ના, બિલકુલ નહીં.
મારે માટે મારુ હિન્દુત્વ મહત્ત્વનું છે અને એ સદાય મહત્ત્વનું જ રહેશે. આ મારી વાણીસ્વતંત્રતા છે અને મારી વાણીસ્વતંત્રતા છીનવવાનો અધિકાર કોઈને આપવામાં આવ્યો નથી. હિન્દુ ધર્મ વિશાળ છે, એની વિચારધારામાં સૌકોઈના અસ્તિત્વને સ્વીકારવામાં આવ્યો છે, એના વ્યવહારમાં કોઈને નડવું નહીં એ વાતને પહેલાં સમજાવવામાં આવી છે. એવા સમયે જો મારા વિચારોમાંથી હિન્દુત્વ ઝરતું હોય તો મને એનો કોઈ ફરક પણ નહીં પડે. હું તો કહીશ કે મને એનો ગર્વ પણ છે કે મારા વિચારોમાં વગર કારણનું બિનસાંપ્રદાયિત્વ નથી અને હું મારા વિચારોમાં સ્પષ્ટ છું. મને લાગે છે કે આ રાષ્ટ્રમાં આતંકવાદ ન ફેલાવો જોઈએ એ ન જ ફેલાવો જોઈએ, એ ફેલાવનારાને મોતની સજા થવી જોઈએ તો થવી જ જોઈએ. પછી ભલે તેને મોતની સજા કોર્ટ આપે કે પછી આર્મીના એન્કાઉન્ટરમાં તેનું નામ ‘રામ નામ સત્ય’ થઈ જાય.
થાય તો થાય, પણ હું બહુ સ્પષ્ટ છું કે મારા દેશમાં, મારા હિન્દુસ્તાનમાં કોરોનાનું સંક્રમણ લઈને ગલીઓમાં ફરનારાઓને, આવી અશાંતિ ફેલાવનારાઓને જીવવાનો કોઈ હક નથી. આ વાત સાંભળીને પણ અનેકના પેટમાં ઍસિડ રેડાશે, પણ મને એની કોઈ ફિકર નથી, કારણ કે હું હિન્દુસ્તાનમાં રહું છું અને હિન્દુસ્તાનમાં રહીને હું મારાં ભાઈઓ-બહેનોની ફિકર કરું છું.

manoj joshi columnists