ઇમોશન્સનું ઇકૉનૉમિક્સ:યસ બૅન્કની ઘટનાનું પુનરાવર્તન ન થાય એ હવે જરૂરી

08 March, 2020 07:20 PM IST  |  Mumbai Desk | Manoj Joshi

ઇમોશન્સનું ઇકૉનૉમિક્સ:યસ બૅન્કની ઘટનાનું પુનરાવર્તન ન થાય એ હવે જરૂરી

પ્રતીકાત્મક તસવીર

ગુરુવારે યસ બૅન્ક પર અમુક બૅન લાગ્યા અને દેશઆખામાં ઊહાપોહ મચી ગયો. વધુ એક બૅન્કની હાલત કફોડી બની અને એણે લાખો લોકોની હાલત કફોડી કરી નાખી. મુદ્દો હવે આ જૂનો થઈ ગયો છે અને આ પરિસ્થિતિ હવે થોડા સમય માટે આવી જ રહેશે. દરરોજ ચૅનલ અને ન્યુઝપેપરમાં આ પ્રશ્નની ચર્ચા થશે અને સરકાર તરફથી પણ જાતજાતના ફતવા સાંભળવા મળશે. સારી વાત એ છે કે યસ બૅન્ક સાવ ફડચામાં જાય એ પહેલાં જ સેન્ટ્રલ ગવર્નમેન્ટ અને રિઝર્વ બૅન્કે એના પર કબજો લઈ લીધો અને હવે એને પીઠબળ આપવા માટે સ્ટેટ બૅન્ક અને એલઆઇસી જેવા ગવર્નમેન્ટ સેક્ટરને તૈયાર કરવામાં આવી રહ્યાં છે. જો સૂત્રોની વાત માનીએ તો યસ બૅન્કના પ્રશ્નમાંથી વહેલી તકે બહાર આવી જઈશું અને ઘીના ઠામમાં ઘી ઠલવાઈ જશે પણ મુદ્દો એ નથી. વાત એ છે કે યસ બૅન્ક જેવી અવસ્થા ઊભી ન થાય એને માટે શું કરવું, આ પ્રકારના પ્રશ્નો વારંવાર ન આવે એને માટે કેવી તકેદારી રાખવી?

આ કામ સરકારનું છે અને સરકારે જ આ દિશામાં હવે કડક થવાનું છે. દર વખતે આવી અવસ્થા ચલાવી લઈ શકાય નહીં કે બૅન્ક નબળી પડે અને લોકો પોતાની હાલત ખરાબ કરે. વિશ્વાસ તૂટતો હોય છે ત્યારે એનો અવાજ નથી આવતો, પણ એની કરચ વાગ્યા વિના રહેતી નથી. તમે ટીવી-ચૅનલો જુઓ, જે પ્રકારના મોટી ઉંમરના લોકો લાઇનમાં ઊભા છે અને જે પ્રકારની હાલાકી તેઓ ભોગવી રહ્યા છે એ સહન ન થઈ શકે એવી અવસ્થા છે. પોતાના જ પૈસા, પોતાની જ મરણમૂડી અને એમ છતાં તેમના ચહેરા પર લાચારી છે. આ જે લાચારી છે એ લાચારી હકીકતમાં બદદુઆ બનીને બહાર આવતી હોય છે. અર્થતંત્રને યસ બૅન્ક જેવી એક બૅન્ક લાત મારી શકે, પણ એ લાત સહન કર્યા પછી પણ ઊભું ન થઈ શકાય એવી અવસ્થા જો કોઈ ઊભું કરતું હોય તો એ સામાન્ય નાગરિકો છે. જરા વિચાર કરો કે યસ બૅન્કની કફોડી હાલત પછી બીજી બૅન્ક પર મૂકવામાં આવેલો વિશ્વાસ પણ ડગમગી ગયો છે. ખાસ કરીને પ્રાઇવેટ બૅન્કો માટેનો વિશ્વાસ. તેમણે નવેસરથી વિશ્વાસ કમાવા માટે દોડવું પડશે, મહેનત કરવી પડશે અને એ મહેનત પછી ફરીથી પ્રસ્થાપિત થશે ત્યાં ફરીથી કોઈ બૅન્કના એક ટાયરમાં પંક્ચર પડશે અને ફરીથી આ જ સાઇકલ ચાલુ થશે.

અનેક ઉદ્યોગગૃહોએ પોતાનું ચુકવણું કરવા યસ બૅન્કની સસ્તી, મોટી અને સહેલી લોનનો લાભ લીધો અને એ લાભ લીધા પછી બધા વતી હેરાન થવાનું યસ બૅન્કે સ્વીકારી લીધું. યાદ રહે કે બૅન્ક પાસે પડેલો પૈસો સામાન્ય નાગરિકનો છે અને નાગરિકના એ પૈસાનો વહીવટ બહુ સાવચેતી અને સાવધાની સાથે કરવાનો છે. જ્યારે એ સાવધાની સાથે બાંધછોડ કરવામાં આવે છે ત્યારે યસ બૅન્ક અને પંજાબ નૅશનલ બૅન્ક જેવી પરિસ્થિતિ સર્જાય છે. સર્જાયેલી આ પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય એવી અપેક્ષા રાખીએ અને એ અપેક્ષા ફળીભૂત કરવાનું કામ સરકાર કરે એવી આશા પણ સેવીએ.

manoj joshi columnists