વૉટ્સઍપની મદદથી આ ભાઈએ કચ્છી સાહિત્ય સર્જન માટે શું કર્યું એ જાણવા જેવું છે

02 August, 2021 12:23 PM IST  |  Mumbai | Bhavini Lodaya

પોતાની માતૃભાષાને જીવંત રાખવા માટે ગોરેગામના વિજ્ઞેશ ભેદાએ એવો નુસખો અજમાવ્યો કે કદી કચ્છી લખી ન હોય એવા લોકોએ પણ કચ્છી ભાષામાં કવિતાઓ અને નિબંધો લખતા થઈ ગયા અને એમાંથી કેટલાક સર્જકોનાં તો પુસ્તક પણ પ્રકાશિત થયાં છે

વૉટ્સઍપની મદદથી આ ભાઈએ કચ્છી સાહિત્ય સર્જન માટે શું કર્યું એ જાણવા જેવું છે

અંગ્રેજી માધ્યમનું વર્ચસ્વ વધી રહ્યું છે અને જેને અંગ્રેજી બોલતાં આવડે એ ભણેલોગણેલો ને હોશિયાર કહેવાય એવી માનસિકતાએ જન્મ લીધો, જેને કારણે સ્કૂલો પણ અંગ્રેજી માધ્યમની જ  અને ઘરે-ઘરે પણ એ જ ભાષામાં બોલવાનું શરૂ થયું. આપણી ઘરમાં બોલાતી માતૃભાષાથી આપણે ધીરે-ધીરે દૂર થતા જઈ રહ્યા છીએ અને જો આમ જ થતું ગયું તો ભાષા, બોલી અને સાહિત્યનો ખજાનો વ્યર્થ જશે અને કોઈએ કહ્યું છે કે જો સમાજ ખતમ કરવો હોય તો પહેલાં ભાષા ખતમ કરવાની. એટલે સમાજ જીવતો રાખવો છે તો આપણી સાહિત્યસંસ્કૃતિ જીવતી રાખવી જ પડશે એવા ઉદ્દેશથી ગોરેગામના ૫૭ વર્ષના વિજ્ઞેશ શિવજી ભેદાએ કચ્છી સાહિત્ય અને  ભાષાને જીવતી રાખવા માટે વૉટ્સઍપનો ઉપયોગ કર્યો અને એમાં ભાષા શીખવા માગતા લોકોને પોતે જે ફીલ કરે છે એને કચ્છીમાં લખવા પ્રોત્સાહિત કર્યા. સાહિત્ય સર્જન ગ્રુપને જબરદસ્ત સફળતા મળી. 
પાંચ વર્ષની ઉંમરે પિતાના અવસાન બાદ ૧૨ વર્ષ સમાજની હૉસ્ટેલમાં રહીને ભણેલા વિજ્ઞેશભાઈને સતત થતું કે એક પણ પૈસો ભર્યા વગર જે સમાજે મને ભણતર, ગણતર અને પ્રેમ આપીને મારા જીવનને શ્રેષ્ઠ બનાવ્યું એ સમાજ માટે મારે પણ કંઈક કરવું જ જોઈએ. તેમણે જોયું કે સમાજ પ્રગતિશીલ બને એવા પ્રયત્નો થઈ રહ્યા છે પણ સાહિત્ય અને ભાષાની સંસ્કૃતિ જાળવવા માટે શું? અનહદ પામ્યો છું તો અંશ તો આપીશ જ એ વિચારે તેમણે ‌વિસરાતી જતી ભાષા માટે કંઈક કરવા ઇચ્છુક લોકોનું એક વૉટ્સઍપ ગ્રુપ બનાવ્યું. સાહિત્ય સર્જન એનો મુખ્ય હેતુ હતો. વિજ્ઞેશભાઈ કહે છે, ‘ભાષા નીકળી જશે તો સમાજનું અસ્તિત્વ જ નહીં રહે. આથી નવી પેઢીમાં કચ્છી ભાષા અને સાહિત્યને જીવતાં રાખવા કંઈક કરવું પડશે. કચ્છી લોકોને તેમના કચ્છી હોવાનો ગર્વ છે. વતનપ્રેમ તો ભરપૂર હોય જ. આ પૉઝિટિવિટી સાથે હું મારા વિચારને લઈને ડૉક્ટર વિશન નાગડા અને લક્ષ્મીચંદ ઘોઘરી પાસે ગયો અને એક કચ્છી સાહિત્ય સર્જન વૉટ્સઍપ ગ્રુપ બનાવ્યું. શરૂઆતમાં ઘણા લોકોએ કહ્યું કે આવું ગ્રુપ લાંબું નહીં ટકે, આનો કાંઈ ફાયદો નથી. ધીરે-ધીરે બંધ થઈ જશે. સફળ થવું મુશ્કેલ છે. આવા કંઈક નેગેટિવ વિચારો લોકોએ કર્યા. આ ગ્રુપને ઍક્ટિવ રાખવા વિવિધ સાહિત્યકારો, લેખકો, કવિઓને જોડ્યા જેમાં કચ્છ માંડવીના કવિ શ્રી નારાયણ જોશી, વિશ્રામ ગઢવી, ડૉક્ટર ગુલાબ દેઢિયા આ બધા સાહિત્ય શીખવે છે. ગ્રુપમાં માત્ર કચ્છી સાહિત્યની જ પોસ્ટ કરવાની એવો સખત નિયમ હતો. કચ્છી શબ્દો કચ્છી ભાષામાં જ પોસ્ટ કરવાના અને પછી વિવિધ ઍક્ટિવિટી શરૂ કરી. શરૂઆતમાં લોકો જોડાતા અને નીકળતા હતા. ખબર ન પડે એટલે ગ્રુપ લેફ્ટ કરતા હતા. આવું થતું હતું. સાહિત્યકારો પણ આપસી મતભેદ, મનદુઃખને કારણે નીકળી જતા. સંબંધો પણ બગડ્યા પણ એમ છતાં હિંમત ન હારી અને વિશ્વાસ અવિરત રાખ્યો.’
કેવી-કેવી ઍક્ટિવિટી?
કચ્છી સાહિત્ય સર્જન ગ્રુપને ઍક્ટિવ કરવા વિવિધ ઍક્ટિવિટી શરૂ કરી એમ જણાવતાં તેઓ કહે છે, ‘કવિ શ્રી ‘કાંત’ દ્વારા ‘ગોતેજી મજા ગનો’ શરૂ થયું, જેમાં કચ્છી ભાષામાં ઉખાણાં પૂછવામાં આવે. સાથે તળપદી ભાષાના શબ્દો હતા. બે કલાકનો ટાઇમ રાખીએ. સાંજે ૬ વાગ્યે ચોક્કસ ટાઇમ પર ઉખાણું વૉટ્સઍપ પર પોસ્ટ કરે અને આઠ વાગ્યા સુધી જવાબ આવી જવો જોઈએ. આમ રમેશ ભટ્ટ રોજ ગુજરાતીમાં એક નાનકડો પૅરેગ્રાફ આપે જે બીજા દિવસે કચ્છી ટ્રાન્સલેશન કરીને પોસ્ટ કરવાનો. દેવ આનંદ ગઢવી કચ્છી કહેવત પૂછે છે એને અર્થ સાથે કચ્છીમાં વાક્ય લખવાનાં. ગઝલ છંદમાં (કચ્છીમાં) કેવી રીતે લખવું એ શીખવાડે. કોરોના શરૂ થયો એટલે આ ગ્રુપે ખૂબ ઝડપ પકડી અને ઍક્ટિવ થયું. લોકો પાસે એ સમયે ભાગ લેવાનો ભરપૂર સમય હતો. આમ કદી કચ્છી ન લખનારાઓને પણ પ્રેરણા મળી અને તેઓ કચ્છીમાં લખતા થયા. નાની-નાની રચનાઓ કરી ગ્રુપમાં પોસ્ટ કરતા અને એમાં સુધારા-વધારા કરાવતા. આ ગ્રુપ દ્વારા કોરોનાના વર્ષમાં બે કવિયત્રીઓ, જેમાં એક મનીષા વીરાની ‘મન મેળા’ અને કોકિલા ગડાની ‘ગડખી’ એમ બે પુસ્તકો પ્રકાશિત થયાં, જે આ સાહિત્ય ગ્રુપનું અચીવમેન્ટ છે. અને ખૂબ જલદી પાંચ જણની બુક્સ પ્રકાશિત થવાની તૈયારીમાં છે. આમ હાલમાં ૨૫૦ જણનું વૉટ્સઍપ ગ્રુપ છે અને ફેસબુક પર અઢી હજાર લોકો જોડાયા છે. નામાંકિત સાહિત્યકારો અને લેખકોનાં પુસ્તક પ્રકાશનના કાર્યક્રમો પણ થયા છે. આવું જ એક ગુજરાતી સાહિત્ય ગ્રુપ પણ તૈયાર કર્યું છે. લોકો વધુમાં વધુ જોડાય એ જ મારી ઇચ્છા છે અને ભાષા જીવતી રહે.’

કચ્છી ભાષા સાહિત્ય સંસ્કૃતિ સમિતિ દ્વારા કચ્છીમાં વાતચીત કરવાની ‘કચ્છી ગાલ બોલ’ સ્પર્ધાનું  આયોજન કર્યું છે જેમાં બે પાત્ર એટલે કે બે પેઢી આપસમાં સંવાદ કરશે. 

columnists bhavini lodaya