સોશ્યલ મીડિયાના વપરાશમાં મર્યાદા આવે એ બહુ જરૂરી છે

02 April, 2022 12:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માણસને દેખાડા કરતાં પોતાની આવડત પર વધારે શ્રદ્ધા હોવી જોઈએ અને એને નિખારવાની ધગશ પણ. બાકી સોશ્યલ મીડિયા એક પાવરફુલ માધ્યમ છે, એનો સાચો ઉપયોગ નથી થતો એ પણ સત્ય છે

સોશ્યલ મીડિયાના વપરાશમાં મર્યાદા આવે એ બહુ જરૂરી છે

બધા કહે છે, ‘જો દિખતા હૈ વો બિકતા હૈ.’ માનું છું કે સમયને અનુરૂપ તમારે બદલાવું પડે, પણ એ ન ભુલાવું જોઈએ કે સોશ્યલ મીડિયા નહોતું ત્યારે પણ માણસનું અસ્તિત્વ તો હતું જને. માણસને દેખાડા કરતાં પોતાની આવડત પર વધારે શ્રદ્ધા હોવી જોઈએ અને એને નિખારવાની ધગશ પણ. બાકી સોશ્યલ મીડિયા એક પાવરફુલ માધ્યમ છે, એનો સાચો ઉપયોગ નથી થતો એ પણ સત્ય છે

દરેક સમયની ખૂબી, ખાસિયતો અને મર્યાદાઓ હોય જ છે એટલે પહેલાં અને આજમાં તુલના કરવા બેસશો તો ક્યારેય કોઈ અનુકૂળ નિર્ણય પર નહીં પહોંચી શકો. સમય સાથે ચાલતાં આવડે અને એમાં થોડી તમારી સત્ત્વશીલતા જળવાયેલી રહે તો દરેક સમયમાં તમે ટકી જવાના. આજના સમયમાં ટેક્નૉલૉજી જીવનનો બહુ મહત્ત્વપૂર્ણ હિસ્સો બની ગઈ છે. આજનો દોર એવો છે જ્યાં તમારી સોશ્યલ મીડિયા પ્રેઝન્સ સ્ટ્રૉન્ગ હોય એ પબ્લિક ડોમેઇન સાથે સંકળાયેલા લોકો માટે તો ખાસ મહત્ત્વપૂર્ણ બનવા માંડી છે. તમે નહીં દેખાઓ તો લોકો તમને ભૂલી જશે. શરૂઆતમાં મને આ બધું અજુગતું લાગતું હતું. તમે એને જનરેશન ગૅપ કહો તો વાંધો નહીં, પણ હા, મને નવાઈ લાગતી કે તમે જ તમારા માટે કંઈક કહી રહ્યા હો, તમે જ તમારા વેરઅબાઉટ્સ લોકોને આપી રહ્યા હો. તમારાં વખાણ તમે જાતે જ કરી રહ્યા હો. કારણ કે આ પહેલાં એવું હતું કે તમે કામ કરતા અને દુનિયા તમારા વિશે વાત કરતી. તમારું કામ બોલતું. તમારે એના વિશે બોલવાની જરૂર નહોતી પડતી. મેં આજે આ કર્યું, આજે મારો અહીં શો હતો ને ત્યાંના શો વખતે આમ થયું જેવી બીજી અનેક બાબતો. જોકે હવે એ વાત સોશ્યલ મીડિયા પર મુકાતી રહે એ બધા માટે જરૂરી બનતું જાય છે. હું એની વિરોધી નથી. થોડા અંશે સમયને અનુરૂપ આવું થાય તો વાંધો નથી, પરંતુ એમાં અતિરેક થાય, પૉપ્યુલરિટી મેળવવા લોકો મર્યાદા ભૂલીને શરમજનક સ્તરે પહોંચી જાય ત્યારે મને ખૂબ અફસોસ થાય છે. 
હું પણ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવું છું. ક્યારેક ફની રીલ્સ બનાવવામાં મજા આવે, પણ સાથે મને ખબર છે કે આ મારો શોખ છે, મારું અસ્તિત્વ એના પર નિર્ભર નથી. એક ડાન્સર અને ઍક્ટર તરીકેની મારી જર્નીમાં સોશ્યલ મીડિયાથી મદદ મળતી હોય તો ભલે, પણ એ મારા અસ્તિત્વનું કારણ તો ન જ બનવું જોઈએ. ત્રણ વર્ષની ઉંમરથી મને મારા પેરન્ટ્સે ડાન્સ શીખવવાનું શરૂ કર્યું હતું. બહુ નાની ઉંમરે ક્લાસિકલ ડાન્સના શો કરવા માંડી અને એક ઍક્સિડન્ટમાં મારા પગ ગયા, પણ હું હારી નહોતી. હું લડી, મારી જીદ પર કાયમ રહી કે કોઈ પણ ભોગે હું એ ઘટનાને મારા જીવનનો કન્ટ્રોલ લેવા નહીં દઉં. હું જયપુર ફુટ પહેરીને જ્યારે સ્ટેજ પર આવી હોઈશ ત્યારે શું મને ડર નહીં હોય મનમાં? પીડા તો થઈ જ હોયને! આજે જોઉં છું તો ઘણા લોકોના જીવનમાં સોશ્યલ મીડિયા અકસ્માતની ભૂમિકા ભજવી રહ્યું છે. એની આસપાસ તેમનું અસ્તિત્વ વીંટળાયેલું છે. ગોલ્ડન વર્ડ્સ છે, યાદ રાખજો કે જ્યારે સોશ્યલ મીડિયા તમારા માટે રિઝન ઑફ એક્ઝિસ્ટન્સ બની જશે ત્યારે વ્યક્તિગત નિખારની ઘણી સંભાવનાને બ્રેક લાગી શકે છે. આવું થાય ત્યારે ખતરો છે. હું મારા ફૅન સાથે કનેક્ટ રહેવામાં આ માધ્યમનો ઉપયોગ કરું અને હું તેમને ફર્સ્ટ હૅન્ડ મારા પ્રોજેક્ટ વિશે કે મારી વ્યસ્તતા વિશે કે મારી પસંદ-નાપસંદ વિશે વાત કરી શકું એવું એક પ્લૅટફૉર્મ મને મળ્યું હોય તો આનાથી વધારે ખુશીની વાત બીજી કઈ હોઈ શકે, પણ એમાં હું મારી કન્વીનિયન્સી જોઈશ. હું એમાં મગ્ન નહીં થઈ જાઉં. 
દિવસ-રાત હવે કઈ રીલ બનાવું કે શું પોસ્ટ કરું એના વિચારમાં મારા સમયની બરબાદી હું નહીં કરું. આજે આ જ પ્રકારનાં કામમાં લોકો પોતાના કલાકો વેડફી નાખે છે. તમને આ કામની ઇન્કમ મળે છે, પણ એ આવકની લાલચમાં જાતને નિખારવાનું તમે ભૂલી ગયા તો બહુ જલદી તમે પસ્તાવો કરતા થઈ જશો.
ત્યારે મને અફસોસ થાય જ્યારે હું જોતી હોઉં છું કે સોશ્યલ મીડિયા જેવા પાવરફુલ માધ્યમને આપણે સસ્તું બનાવી દીધું. તમે કલ્પના ન કરી શકો એવી ક્ષમતા આ માધ્યમમાં છે. ઘણી કન્સ્ટ્રક્ટિવ રીતે તમે આ મીડિયાનો ઉપયોગ કરી શકો છો. તમારી વાત સાચી કે ઑથોરિટી સુધી સમયસર પહોંચાડવા માટે આ માધ્યમનો ઉપયોગ કરવાનો છે અને મેં કર્યો પણ છે. ઍરપોર્ટ પર ફિઝિકલી ચૅલેન્જ્‍ડ લોકોને પડતી તકલીફને લગતી એક ટ્વિટ મેં કરી અને તાત્કાલિક એનું સૉલ્યુશન લાવવામાં આવ્યું. આ સોશ્યલ મીડિયાનો પાવર છે. સોશ્યલ મીડિયા આર્ટ અને કલ્ચરને આગળ વધારવાનું માધ્યમ બની શકે છે. મેં સોશ્યલ મીડિયામાં હંમેશાં સંતુલન જાળવવાના પ્રયાસ કર્યા છે. મારી દૃષ્ટિએ તમારા કેટલા ફૉલોઅર્સ છે એ તમારી ઇન્ફ્લુઅન્સર તરીકેની નિશાની નથી. તમારા સારા કામથી, તમારા પૉઝિટિવ ઇન્વેન્શનથી તમે સમાજને પ્રભાવિત કરી શકતા હો તો તમે ઇન્ફ્લુઅન્સર જ છો. ફૉલોઅર્સથી ક્યારેય કામનું પરિમાણ નક્કી નથી થતું. એક સમયે સોશ્યલ મીડિયા નહોતું ત્યારે બીજાની જિંદગી લોકોને ઇન્ફ્લુઅન્સ કરતી જ હતી. અમે ઇન્ફ્લુઅન્સર જ હતા, પણ એનો કોઈ ટૅગ નહોતો. તમે શું કરીને પ્રસિદ્ધિ મેળવો છો એ બહુ મહત્ત્વની બાબત છે. તમારાં સારાં કામ, તમારી કળા અને સંસ્કૃતિથી તમે લોકચાહના મેળવો તો સોશ્યલ મીડિયા પર ન રહીને પણ તમે ઇન્ફ્લુઅન્સર છો જ. આજે આ એક ટૅગ માટે લોકો પોતાની બધી મર્યાદા નેવે મૂકીને બેફામ દોડી રહ્યા છે. એક દાખલો આપું. 
લતા મંગેશકરને ઓળખો છોને, તેમણે પ્રસિદ્ધિ માટે કોઈ સોશ્યલ મીડિયા નેટવર્ક યુઝ કરવું પડેલું? તેમની સાડીનો પાલવ તેમના ખભાથી નીચે નથી ગયો. આખી દુનિયા તેમને જાણતી જ હતીને? શું લતા મંગેશકર ઇન્ફ્લુઅન્સર નહોતાં? આ વાત લોકોને સમજાય તો બહુ સારું. કામથી તમે મહાન બનો. જમાનો કેટલો પણ બદલાઈ જાય, ટેક્નૉલૉજી ગમે તે નવાં કમ્યુનિકેશન લાવે, પણ આ વાસ્તવિકતા ક્યારેય બદલાવાની નથી કે તમે તમારા કામથી મહાન બનો છો. તમારી ઓળખ તમારા કામને આધીન હોવી જોઈએ તો જ એનું અસ્તિત્વ લાંબું રહેશે. તમારા અસ્તિત્વનો આધાર કમસે કમ સોશ્યલ મીડિયા તો ન જ રહે એટલા કાબેલ થવાની દિશામાં તમારે કામ કરવું જોઈએ. 
તમને હું જુનવાણી લાગું તો એવું માનો, પણ આજની અમુક મહિલાઓને સોશ્યલ મીડિયા પર પૉપ્યુલર થવાની લાલચમાં જે પ્રકારની હરકતો કરતી જોઈ છે એ શરમજનક છે. આ મૅડનેસ અને આ થોટ-પ્રોસેસ સાથે હું જાતને કનેક્ટ નથી કરી શકતી. આ વિરોધ સાથે બૅકવર્ડ ગણાવામાં મને વાંધો નથી. સારો ઉપયોગ કરો સોશ્યલ મીડિયાનો. મૂકો તમારામાં રહેલી ટૅલન્ટને સોશ્યલ મીડિયા દ્વારા દુનિયા સામે. આજે ઘણી એવી મહિલાઓને હું જાણું છું જે માત્ર હાઉસવાઇફ હતી, પરંતુ પોતાના ગાવાના શોખને, પોતાના ડાન્સના શોખને સોશ્યલ મીડિયાના માધ્યમ થકી લોકો સુધી પહોંચાડી શકી. કેટલી સરસ બાબત છે આ. સમાજમાં સંવાદ સાધવામાં સોશ્યલ મીડિયાને માધ્યમ બનાવો, પણ એમાં પૉઝિટિવ મેસેજ સ્પ્રેડ થતો હોવો જોઈએ. 
એક વાત યાદ રાખજો કે સોશ્યલ મીડિયા તમારા જીવનનો એક નાનકડો હિસ્સો છે, તમારું જીવન નહીં. એ લાઇક્સ અને કમેન્ટ્સ તમારા મૂડને ઉપર-નીચે લાવવાનું કારણ ન બની જાય એટલા સભાન થઈ જાઓ. બાકી સોશ્યલ મીડિયાથી તમે મુંબઈમાં બેઠાં-બેઠાં મોદીજીને તમારી વાત પહોંચાડી શકો છો. જે પહેલાં શક્ય નહોતું. તમે ઑથોરિટી પાસે ડાયરેક્ટ પહોંચી નહોતા શકતા. ધારો કે તમારી પાસે કોઈ સૂચન કે ફરિયાદ કે પછી કોઈ અભિપ્રાય છે તો તમે સોશ્યલ મીડિયાના માધ્યમથી છેક ટોચની વ્યક્તિને વાત પહોંચાડી શકો છો, તો પછી એનાથી વધુ મોટું સુખ બીજું કયું જોઈએ?

 લતા મંગેશકરને ઓળખો છોને, તેમણે પ્રસિદ્ધિ માટે કોઈ સોશ્યલ મીડિયા નેટવર્ક યુઝ કરવું પડેલું? તેમની સાડીનો પાલવ તેમના ખભાથી નીચે નથી ગયો. આખી દુનિયા તેમને જાણતી જ હતીને? શું લતા મંગેશકર ઇન્ફ્લુઅન્સર નહોતાં? આ વાત લોકોને સમજાય તો બહુ સારું.

columnists saturday special