ધી પૅન્ડેમિક પિરિયડ : વહેણની વિરુદ્ધ ક્યારે તરવું એની જાણકારી હોવી ખૂબ અગત્યની છે

11 January, 2022 12:15 PM IST  |  Mumbai | Manoj Joshi

તમને યાદ હોય તો ત્રણ દિવસ પહેલાં મોસ્ટ અવેઇટેડ કહેવાય એવી ફિલ્મ ‘RRR’ રિલીઝ થવાની હતી, ૪૦૦ કરોડ રૂપિયાની એ ફિલ્મની બાબતમાં એક સામાન્ય હિસાબ તમે જુઓ

પ્રતીકાત્મક તસવીર

જો તમને યાદ હોય તો આજથી ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ શરૂ થવાની હતી, જેની તૈયારીમાં કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા, પણ તમને ખબર જ છે, આજથી એ શરૂ નથી થવાની. કારણ છે કોવિડ. તમને યાદ હોય તો ત્રણ દિવસ પહેલાં મોસ્ટ અવેઇટેડ કહેવાય એવી ફિલ્મ ‘RRR’ રિલીઝ થવાની હતી. ૪૦૦ કરોડ રૂપિયાની એ ફિલ્મની બાબતમાં એક સામાન્ય હિસાબ તમે જુઓ. ફિલ્મ પાછળ ઇન્વેસ્ટમેન્ટ થયું હોય એ બધી રકમ ઘરમાં તો ન જ પડી હોય એ સ્વાભાવિક છે. બહારથી ફન્ડ આવ્યું હોય, લોનથી ફન્ડ લાવવામાં આવ્યું હોય કે પછી પર્સનલ ઇન્ટરેસ્ટ પર ફન્ડ આવ્યું હોય. મોટા ભાગની ફિલ્મો એમ જ બનતી હોય છે. એવા સમયે જલદી ફિલ્મ બને અને જલદી એ રિલીઝ થાય એવું સૌકોઈ ઇચ્છતું હોય. ઍક્ટરને ઇચ્છા હોય કે લોકોની સમક્ષ તેનું કામ જલદી સામે આવે અને પ્રોડ્યુસર પણ એવું ઇચ્છતો હોય કે જલદી એ આખું ચૅપ્ટર ક્લોઝ થાય. હવે વાત કરીએ આપણા વિષયની. ‘RRR’ની રિલીઝ અટકાવી દેવામાં આવી છે.
તમને ખબર હશે કે ડિરેક્ટર રાજામૌલીએ એવી અનાઉન્સમેન્ટ કરી હતી કે ગમે તે થાય પણ આ ફિલ્મની રિલીઝ અટકવાની નથી અને એ પછી પણ રિલીઝ અટકાવવામાં આવી. કારણ, કોવિડ. જ્યારે અનાઉન્સમેન્ટ કરી ત્યારે કોવિડનો કેર શરૂ થયો હતો, પણ એ કેરમાં ક્યાંય એવું નહોતું કે બેફામ બનશે, પણ કોવિડ બેફામ બન્યો અને બેફામ બન્યો એટલે જ ‘RRR’ની રિલીઝ પણ અટકાવી દેવામાં આવી. એવું જ ‘રાધે-શ્યામ’ સાથે બન્યું છે અને એવું જ બીજી ફિલ્મો સાથે પણ બનવાનું છે. એ બધા પાછળ કારણ છે કોવિડ.
જ્યારે વહેણની વિરુદ્ધ તરવાનું હોય ત્યારે એ પણ જાણવું જરૂરી છે કે કેવા સમયે અને કેવા સંજોગોમાં એ વહેણની સામે મંડાણ કરવું. જો એની આવડત કે પછી એની ખબર ન હોય તો વાત દુખી થવાની આવે અને જ્યારે પણ માણસ દુખી થવાની દિશામાં આગળ વધે છે ત્યારે એ પીડાકારક જીવનની શરૂઆત કરે છે. આ ફિલોસૉફી નથી, વાસ્તવિકતા છે અને આપણે સૌએ આ વાસ્તવિકતાને આગોતરી સમજી લેવાની છે.
કોવિડ હવે બેફામ બની ચૂક્યો છે ત્યારે બહેતર છે કે ચીવટને જ પહેલા ક્રમ પર રાખવામાં આવે અને પહેલા ક્રમે ચીવટ અકબંધ રહેશે એ જ આ આખી મહામારીને પાર કરવામાં સક્ષમ પુરવાર થશે. બે દિવસ પહેલાં જ કહ્યું કે આ વખતે ફરી એક વાર અપર-ક્લાસમાંથી કોવિડનું સંક્રમણ આગળ વધ્યું છે અને હવે તમામ જગ્યાએ એનો ફેલાવો પહોંચવા માંડ્યો છે. કશું જ બંધ નહીં થાય અને કોઈ જ એની આગેવાની નહીં લે. આ કામ આપણે જાતે જ કરવાનું છે અને ખુદ્દારી સાથે કરવાનું છે. થોડો વધુ સમય ઘરમાં 
રહેવું પડે એવું બને, તો પણ એને સ્વીકારવું પડશે અને થોડો સમય તમારા કામધંધા ધીમા પડે તો પણ તમારે એને સ્વીકારવું પડશે, કારણ કે ‘જાન હૈ તો જહાન હૈ’ અને કોવિડ સામેના આ અંતિમ જંગમાં જાનને ક્યાંય દાવ પર લગાડવામાં માલ નથી, સાર નથી.

columnists