જૉબ પોર્ટલની ફ્રૉડ સાઇડથી બચવું જરૂરી છે

06 January, 2023 06:28 PM IST  |  Mumbai | Bhavini Lodaya

આજના સમયમાં એક સારી નોકરી મેળવવી ખૂબ જ જરૂરી છે માટે સૌકોઈ નોકરી મેળવવાની આશાએ લાખો રૂપિયા ગુમાવે છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

‘આકર્ષક પગાર મેળવો... ઘરે બેઠા નોકરી મેળવો...’ આવી તો અનેક લિન્ક્સ સોશ્યલ મીડિયા પર જોવા મળે છે. આજે ઇન્ટરનેટ અને ટેલિકૉમના ક્ષેત્રમાં દુનિયાના અનેક દેશોએ હરણફાળ ભરી છે. કૉલ સેન્ટર, માર્કેટિંગ એન્ડ સેલ્સ, ટેક્નિકલ, ટીચર, પ્રોફેસર, ટેલિકૉમ, વર્ક ફ્રૉમ હોમ, અકાઉન્ટ-ફાઇનૅન્સ, ડેટા એન્ટ્રી ઑપરેટર જેવી અનેક જગ્યાઓમાં ઝડપથી કૉલ કરો અને વહેલા તે પહેલાની તકે નોકરી મેળવો. આવી લોભામણી છેતરપિંડીવાળી આકર્ષક ઍડ્વર્ટાઇઝમેન્ટ જોઈને લાખો લોકો ફ્રૉડનો શિકાર બને છે.

ઇન્ટરનેટ અને ટેલિકૉમના અઢળક ફાયદા છે તો બીજી બાજુ ફ્રૉડના કેસ કેટલા વધી રહ્યા છે એ બાજુ પર યુવાનોએ જોવાની-સમજવાની જરૂર છે. આજના સમયમાં એક સારી નોકરી મેળવવી ખૂબ જ જરૂરી છે માટે સૌકોઈ નોકરી મેળવવાની આશાએ લાખો રૂપિયા ગુમાવે છે.

‘ઘરે બેઠા મનગમતી નોકરી’, ‘બસ કરો આટલું જ કામ’, ‘જૉબ માટે હવે અનુભવની જરૂર નથી’, ‘ઘરે બેઠા પૈસા કમાઓ’, ‘રહેવાનું અને જમવાનું ફ્રી’ વગેરે જેવી કેટકેટલી ઍડ આપી યુવાનોને છેતરવામાં આવે છે. જેવા તેઓ લિન્ક પર લોગીન કરે છે અને પછી તેમને જૉબ માટે કૉલ આવે છે, જેમાં જુદી-જુદી કંપનીઓની વિવિધ જગ્યાઓમાં મૅનેજર, સીએ જેવી પોસ્ટ ઑફર કરવામાં આવે છે. યુવાનો લલચાઈને સારી જૉબ મળશે એમ વિચારી જૉબ સ્વીકારવા તૈયાર થાય છે. ત્યાર બાદ વેબસાઇટ વાળી કંપની યુવાનો પાસેથી ૫૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન ફી જમા 
કરાવવા કહે છે.

આ પણ વાંચો : બિનજરૂરી શૉપિંગ ક્યાંક તો અટકાવો

યુવાનો જમા કરાવે એ પછી સિક્યૉરિટી પેટે ધીરે-ધીરે થોડી-થોડી માગણી વધારી ૨-૫ હજારોથી વધારીને મોટી રકમની માગણી કરવામાં આવે છે અને આ સાથે પ્રમાણપત્રોની ફોટો કૉપી અને અલગ-અલગ ચાર્જ બતાવી યુવાનોને છેતરવામાં આવે છે. આ બાબતમાં આજના યુવાનોએ ખાસ ધ્યાન આપવાની જરૂર છે.

મારા વિચાર પ્રમાણે સોશ્યલ મીડિયાનાં જેટલાં પણ માધ્યમો છે એ દરેક માધ્યમે તપાસણી કર્યા વગર ચોક્કસ રજિસ્ટ્રેશન વગર આવી કોઈ પણ જૉબ પોર્ટલને પરમિશન આપવી ન જોઈએ અને લોકોએ પણ ખૂબ સમજવાની જરૂર છે કે કોઈ પણ લિન્ક પર ક્લિક કરતાં પહેલાં એની સંપૂર્ણ તપાસ કરી લેવી બહુ જરૂરી છે. માન્યતાપ્રાપ્ત કર્યા વગરની કોઈ પણ ઈ-મેઇલ આઇડી પર વિશ્વાસ કરીને પૈસા ખર્ચ ન કરવા જોઈએ. જૉબ પોર્ટલની ફ્રૉડ સાઇડથી સાવધાન થઈ જાઓ.

શબ્દાંકન : ભાવિની લોડાયા

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists cyber crime