જરૂરી છે લોકો સુધી સંદેશ પહોંચે, પણ વાજબી રીતે હોય એ આવશ્યક છે

24 February, 2021 12:04 PM IST  |  Mumbai | Manoj Joshi

જરૂરી છે લોકો સુધી સંદેશ પહોંચે, પણ વાજબી રીતે હોય એ આવશ્યક છે

જરૂરી છે લોકો સુધી સંદેશ પહોંચે, પણ વાજબી રીતે હોય એ આવશ્યક છે

કોવિડની મહામારી વચ્ચે ફિલ્મોની વાત કરવી કેટલી વાજબી છે એ એક પ્રશ્ન છે. ડિજિટલ પ્લૅટફૉર્મની બોલબાલા છે એવા સમયે ફિલ્મોની વાત કરવી એ પણ એક મુદ્દો છે. અત્યારે જ્યારે ડિજિટલ પ્લૅટફૉર્મની વેબ-સિરીઝના આગમને ફિલ્મોના અસ્તિત્વ સામે જોખમ આવ્યું હોય એવો ઘાટ ઊભો થયો છે ત્યારે કહેવાનું મન થાય છે કે હવે એ બન્નેનું કૉમ્બિનેશન વધારે સારી રીતે લોકો પર અસર કરશે. ફિક્શન એટલે કે કાલ્પનિક વાર્તાઓ પરથી ફિલ્મો બને એના કરતાં જરૂરી છે કે હવે રિયલ લાઇફ પરથી ફિલ્મો બને. અમેરિકામાં તો આ પ્રકારનો ટ્રેન્ડ લગભગ દોઢ-બે દસકાથી શરૂ થયો અને એ પછી નિરંતર રીતે બાયોપિકના શૉર્ટ નામથી ઓળખાતી બાયોગ્રાફિકલ ફિલ્મ બનવા માંડી. આ પ્રકારની ફિલ્મો બૉક્સ-ઑફિસ પર પણ હિટ રહી છે અને ક્લાસિક પણ ગણાતી રહી છે. આપણે ત્યાં હજી પણ બાયોગ્રાફિકલ ફિલ્મો ઓછી બને છે. મોટા ભાગની જે બાયોગ્રાફિકલ ફિલ્મો બની એ બધી ફિલ્મો હિસ્ટરીના આધારે બની, પણ આજે પણ વ્યક્તિ હયાત હોય અને એના પરથી ફિલ્મ બનાવવામાં આવી હોય એવું ઓછું બને છે. આ એક ડિફિકલ્ટ કામ છે અને એટલે જ એ કામ ઓછું થાય છે, પણ આ ડિફિકલ્ટ કામ મૅક્સિમમ કામ થાય એ જરૂરી છે.
કેટલાક હૉલીવુડના ડિરેક્ટરને મળવાનું થયું, જેમની સાથે ઘણી વાતો થઈ. આપણને સૌને જાણીને આશ્ચર્ય થાય કે આપણા દેશની કઈ-કઈ હસ્તીઓના જીવન પર આધારિત ફિલ્મ બનાવવી જોઈએ એનું અઢળક રિસર્ચ-વર્ક એ લોકોએ કર્યું છે. મજાની વાત તો એ છે કે એ વ્યક્તિઓ સાથે તે કૉન્ટૅક્ટમાં પણ છે. આચારસંહિતાના ભાગરૂપે અને કોઈનું બિઝનેસ સીક્રેટ ગણાય એટલે એના વિશે વધારે વાત તો નહીં થઈ શકે, પણ એટલું ચોક્કસ કહી શકાય કે આપણા મેકર્સ અને ડિરેક્ટરે જાગી જવાની જરૂર છે. નહીં તો જે રીતે આપણે હળદર અને મરી-મસાલા માટે અફસોસ કરીએ છીએ અને દેકારો કરતા રહીએ છીએ કે આપણી વનસ્પતિમાંથી પ્રોડક્ટ બનાવીને પૅટર્ન એ લોકો રજિસ્ટર્ડ કરી લે છે એ જ રીતે ભવિષ્યમાં આપણે આપણા જ દેશની હસ્તી માટે અફસોસ કરતા ફરીશું કે આપણી આંખ સામે એ વ્યક્તિ હોવા છતાં આપણે બદલે હૉલીવુડ કે ફૉરેનના ડિરેક્ટર એના પર ફિલ્મ બનાવી ગયા. વર્ષો પહેલાં આવો જ અફસોસ આપણે ફિલ્મ ‘ગાંધી’ માટે કરી ગયા હતા, જ્યારે રિચર્ડ ઍટનબરોએ મહાત્મા ગાંધી પર ફિલ્મ બનાવીને દુનિયાભરમાં વાહવાહી મેળવી હતી.
રિયલિટી બેઝ સબ્જેક્ટ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે હવે લોકોને કલ્પનાઓમાં રસ નથી. આંખ સામે જ મહેનત કરનારાઓ પડ્યા હોય અને કલ્પનાથી પણ ચડિયાતું જીવ્યા હોય એવી વ્યક્તિઓ હોય ત્યારે કલ્પનાના વિશ્વમાં વિહરનાર પાત્રો શું કામ જોવાં પણ જોઈએ. ભારત પાસે એવી અનેક હસ્તીઓ છે જે વિશ્વભરમાં નામના કમાયા છે અને કાં તો વિશ્વભરને રાહ દેખાડવાનું કામ કરી શક્યા છે. જો આપણે જાગીશું નહીં તો બનશે એવું કે મહારાણા પ્રતાપ અને બાળ ઠાકરેના જીવન પર આધારિત ફિલ્મોના પોસ્ટર પર યુનિવર્સલ સ્ટુડિયોઝ અને ફૉક્સ-સ્ટાર જેવી હૉલીવુડની કંપનીનું નામ પ્રોડ્યુસર તરીકે છપાયેલું વાંચવું પડશે.

columnists manoj joshi