માત્ર બૉડી જ નહીં, માઇન્ડ પણ હેલ્ધી અને ફિટ હોય એ બહુ જરૂરી છે

21 June, 2022 12:23 PM IST  |  Mumbai | Rashmin Shah

સોનાલી કહે છે કે તમને બ્રેઇન કોઈ ખોટો કે ફાલતુ ઑર્ડર ન આપતું હોય અને તમે એવરગ્રીન મૂડમાં રહેતાં હો તો તમે ફિટ છો

માત્ર બૉડી જ નહીં, માઇન્ડ પણ હેલ્ધી અને ફિટ હોય એ બહુ જરૂરી છે

‘પ્યાર કા પંચનામા’, ‘વેડિંગ પુલાવ’, ‘સોનુ કે ટીટૂ  કી સ્વીટી’, ‘હાઇજૅક’, ‘જય મમ્મી દી’ જેવી અનેક ફિલ્મો તો ‘સૅલ્યુટ સિયાચીન’, ‘ઇલીગલ - જસ્ટ આઉટ ઑફ ઑર્ડર’ જેવી વેબસિરીઝ અને અનેક મ્યુઝિક આલબમોમાં જોવા મળેલી સોનાલી સેહગલની ફિટનેસની વ્યાખ્યા બહુ સરળ છે. સોનાલી કહે છે કે તમને બ્રેઇન કોઈ ખોટો કે ફાલતુ ઑર્ડર ન આપતું હોય અને તમે એવરગ્રીન મૂડમાં રહેતાં હો તો તમે ફિટ છો

ફિટનેસનો આપણે ત્યાં સાવ ખોટો જ અર્થ કાઢીને એવું માનવામાં આવે છે કે ફિટનેસ મીન્સ ફિઝિકલી ફિટ; પણ ના, એવું નથી. ફિટનેસનો અર્થ છે તમે ફિઝિકલ તો ફિટ હો જ, સાથોસાથ મેન્ટલી પણ પરફેક્ટ્લી ફિટ રહો. હું તો કહીશ કે મેન્ટલી ફિટ હોવું સૌથી વધારે અગત્યનું છે, કારણ કે તમારા બૉડીને ઑર્ડર આપવાનું કામ તો માઇન્ડ જ કરે છે એટલે જો માઇન્ડ ફિટ ન હોય અને જો એ પ્રૉપર વર્ક ન કરતું હોય તો એ બૉડીને ખોટા ઑર્ડર કરશે. કહો કે એ બૉડીને નકામા ઑર્ડર કરશે અને એ નકામા ઑર્ડર તમારી ફિટનેસને સીધી અસર કરશે. આપણે ઘણી વાર જોઈએ છીએ કે કંટાળો આવે, મૂડ ન હોય, નેગેટિવ માઇન્ડ-સેટ સાથે વાત થાય. એ બધું શું છે? અનહેલ્ધી બ્રેઇનનું રિઝલ્ટ. એટલે જ કહું છું કે ફિઝિકલ ફિટનેસ કરતાં પણ મેન્ટલ ફિટ હોવું બહુ જ જરૂરી છે. મેન્ટલ ફિટ રહેવા માટે યોગ, પ્રાણાયામ અને મેડિટેશન જેટલું બેસ્ટ રિઝલ્ટ કોઈ નથી આપતું. હું તો કહીશ કે દરેકે આ ત્રણ તો કરવાં જ જોઈએ.
રહો જાત સાથે સ્ટ્રિક્ટ
હા, જો તમે તમારી જાત સાથે લિબરલ રહો તો તમને જોઈએ એવું રિઝલ્ટ ક્યારેય ન મળે. હું મારી ફિટનેસ માટે જાત સાથે સ્ટ્રિક્ટ રહું છું. જ્યારે શૂટ ચાલુ હોય ત્યારે તો હું વર્કઆઉટ કરું જ છું, પણ શૂટ ન હોય કે મોટો ગૅપ હોય ત્યારે પણ કન્સિસ્ટન્સી છૂટવા નથી દેતી અને વર્કઆઉટ નિયમિત ચાલુ જ રાખું છું.
મેં મારા પર્સનલ શેડ્યુલમાં કોઈ એક પ્રકારના વર્કઆઉટને બદલે અલગ-અલગ વર્કઆઉટ રાખ્યાં છે અને એમાં હું યોગ, જિમિંગ, રનિંગ, કાર્ડિયો, કિક-બૉક્સિંગ અને વેઇટ ટ્રેઇનિંગ કરતી રહું છું તો જ્યારે પણ મને મારા આ રૂટીનની સાથે કંઈ નવું શીખવા મળે તો હું એને પણ મારી લાઇફમાં ઍડ કરું છું. આ જ શેડ્યુલ વચ્ચે હું સ્વિમિંગ, પોલ ડાન્સિંગ, એરિયલ યોગ જેવી અનેક નવી ઍક્ટિવિટી શીખી છું તો અનેક સ્પોર્ટ્સ પણ હું આ જ ઍક્ટિવિટી વચ્ચે શીખી છું. 
ઘણા લોકોને વર્કઆઉટ માટે મોટિવેશનની જરૂર પડતી હોય છે કે પછી કંપની હોય તો જ તેઓ વર્કઆઉટ કરી શકે છે, પણ મારે એવું નથી. હું સેલ્ફ-મોટિવેટેડ છું એમ કહું તો ચાલે. ફિટનેસ માટે મને કોઈ પ્રકારના મોટિવેશનની જરૂર નથી પડતી અને એનું કારણ પણ છે. ફિટ મારે રહેવું છે તો પછી મને શું કામ બીજી કોઈની કે બીજા કોઈ દ્વારા આપવામાં આવતા મોટિવેશનની જરૂર પડવી જોઈએ.
ઘણા લોકો એવું માને છે કે ફિટ હોવું એટલે માત્ર સારા દેખાવું કે ડિઝાઇનર ક્લોથ્સ પહેરવાની આઝાદી. ના, એવું નથી. ફિટ હોવાની જે ફીલિંગ્સ છે એ મહત્ત્વની છે. જ્યારે તમે હેલ્ધી હો છો, ફિઝિકલી અને મેન્ટલી ફિટ હો છો ત્યારે તમે જે હૅપીનેસ ફીલ કરો છો એ ફિટનેસ છે અને એ જ ફીલિંગ તમારા માટે મોટિવેશનનું કામ કરે છે.
ચોવીસ કલાક ફૂડ, ફૂડ, ફૂડ
હા, સાચે જ. હું ફૂડથી ઑબ્સેસ્ડ છું એમ કહું તો જરા પણ ખોટું નહીં કહેવાય અને એ જ કારણે મારા મનમાં ચોવીસે કલાક ફૂડ જ ચાલતું હોય છે. મને એમાં કશું ખોટું પણ નથી લાગતું. ઍનીવે, મારી વાત કરું તો હું બહુ ઓછું ફૂડ અવૉઇડ કરું છું અને મને ભાવતું બધું જ ખાઉં છું. ઘી પણ ખાઉં અને સ્વીટ્સ પણ ખાઉં.
હા, જન્ક-ફૂડ હું અવૉઇડ કરું છું. હું વર્કઆઉટ પ્રૉપર્લી કરું છું અને ક્યારેક એવું લાગે તો ચીટ-ડેના દિવસે જે મન થાય એ બધું જ ખાઉં છું. હું ડાયટ ફૉલો નથી કરતી, પણ જે પણ ખાઉં છું એ મૉડરેટ હોય છે. તમે માત્ર જિમમાં વર્કઆઉટ કરો, પણ ફૂડનું ધ્યાન ન રાખો તો તમને ધાર્યું પરિણામ ન મળે એટલે મૉડરેટલી ફૂડ-ઇન્ટેક પણ સેટ કરવું જરૂરી છે. 
ઓવરઈટિંગ તો બિલકુલ નહીં કરવાનું. ફૂડ પર કન્ટ્રોલ હોવો જરૂરી છે અને એ કન્ટ્રોલ માટે તમારે ધીમે-ધીમે ખાવાની આદત પાડવી પડે. મારી વાત કરું તો મેં લાઇફસ્ટાઇલ જ એ રીતે સેટ કરી છે કે હું હેલ્ધી પણ વધારે કૅલરી સાથેનું હોય એવું ફૂડ ધીમે-ધીમે ખાઉં. સ્વીટ્સ ખાવાનું મન થયું હોય તો હું નાનામાં નાની સ્વીટ્સના પણ પાંચ પીસ કરું અને એ પીસ એક પછી એક ખાઉં. બાકી જે હેલ્ધી છે એ બધું જ ખાવાનું અને મન મારીને કોઈ આઇટમ અવૉઇડ નહીં કરવાની. ભાવતું બધું જ ખાવાનું. ગુડ ફૂડ ઇઝ મસ્ટ. 
પૅકેજ્ડ ફૂડ અવૉઇડ કરવું જોઈએ, કારણ કે એમાં ખૂબબધાં પ્રિઝર્વેટિવ્સ છે જે તમારી બૉડીને બહુ ડૅમેજ કરે છે.

ગોલ્ડન વર્ડ્‍સ
વર્કઆઉટથી થાક લાગે છે એવું માનવું ભૂલભરેલું છે. વર્કઆઉટ મનમાં ભરાયેલા થાક અને ફ્રસ્ટ્રેશનને દૂર કરે છે.

columnists Rashmin Shah