પળોજણ પાકિસ્તાનની: ઇમરાન ખાન હવે ફરી વડા પ્રધાન નહીં બને એ નક્કી છે

28 November, 2020 07:51 PM IST  |  Mumbai | Manoj Joshi

પળોજણ પાકિસ્તાનની: ઇમરાન ખાન હવે ફરી વડા પ્રધાન નહીં બને એ નક્કી છે

ઇમરાન ખાન (ફાઈલ તસવીર)

પાકિસ્તાનમાં ઇલેક્શનનો માહોલ બની ગયો છે. પાકિસ્તાનમાં છે લોકશાહી પણ એમ છતાં ત્યાં ચાલે છે લશ્કરી શાસન અને એની બધાને ખબર છે. પાકિસ્તાન માટે હંમેશાં કહેવાતું રહ્યું છે કે જો આયુષ્ય ઓછું કરવું હોય, જીવનને જોખમમાં મૂકવું હોય તો ઇલેક્શનમાં ભાગ લેવાનો. આ જ કામ કર્યું છે ઇમરાન ખાને. ઇમરાન ખાન આ વખતે વડા પ્રધાનપદ પર રિપીટ થાય એવી શક્યતા બિલકુલ નહીંવત્ છે. ઇમરાન ફરી વડા પ્રધાન નહીં બને, પણ મૂઝંવણ એ વાતની નથી, મૂંઝવણ એ વાતની છે કે નવી સરકાર આવ્યા પછી ઇમરાન ખાન પર કેવા-કેવા આક્ષેપ કરવામાં આવશે અને કૌભાંડના નામે ઇમરાન ખાન પર કેવા ચાર્જિસ લગાડવામાં આવશે. આ બનવાનું છે અને આ જ પાકિસ્તાનનો સ્વભાવ રહ્યો છે, આ જ પાકિસ્તાનની ફિતરત છે.

ગઈ કાલથી પાકિસ્તાનમાં એક નવો વિવાદ શરૂ થયો છે. ઇમરાન ખાને પાકિસ્તાની અવામના દિલ જીતવાના હેતુથી એવી માગણી કરી છે કે બળાત્કારીઓને એવી દવા આપવામાં આવે જેનાથી તેનામાં નપુંસકતા આવી જાય. બહુ ઉમદા વિચાર છે, આ પ્રકારની માનસિકતા ધરાવતી પ્રજાતિ નાશ પામે એ બહુ જરૂરી છે, પણ મુદ્દો એ છે કે ઇમરાનમિયાંને આ વાત પાંચ વર્ષ પૂરાં થાય છે એવા સમયે જ કેમ યાદ આવી. એ સમયે કેમ યાદ ન આવી જે સમયે તેના શાસનમાં ૧૪,૦૦૦થી વધારે બળાત્કાર થઈ ચૂક્યા હતા? એ સમયે કેમ યાદ ન આવ્યું જે સમયે એની માગણી કરવામાં આવી હતી?

પાકિસ્તાન અરાજકતાનો શિકાર બન્યો છે. વિકાસના નામે આજે એવી પરિસ્થ‌િત‌િ એ દેશ જીવી રહ્યો છે જે દેશમાં અનાજના પણ વાંધા પડે છે અને સરકાર ચલાવવા માટે પણ પૈસા રહ્યા નથી. ખબર હશે તમને કે પાકિસ્તાન સરકારે ઑફિશ્યલ એના બૉઇંગ પણ વેચવા મૂકી દીધાં અને એ પણ ખબર હશે તમને કે આરબ અમીરાત આ પ્લેન ખરીદી રહી છે. જ્યારે તમારી પાસે જીવવાનો હેતુ ન રહે, જ્યારે તમને સંસારમાં રહેવાનો અધિકાર ન રહે ત્યારે તમારી પાસે જીવ છોડવા કે સંસાર છોડવા સિવાય બીજો કોઈ રસ્તો બાકી બચતો નથી. ઇમરાન ખાન અત્યારે એ જ રસ્તે છે. હવે તેની પાસે સત્તા પર રહેવાનો કોઈ મકસદ બાકી બચતો નથી. પાંચ વર્ષ, સાહેબ પાંચ વર્ષના શાસનકાળમાં પાકિસ્તાનની અધોગતિ થઈ અને એ અધોગતિએ પાક‌િસ્તાનને દુનિયા સામે ભરપેટ નાલોશી આપી. આજે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ સાથે રમવા કોઈ તૈયાર નથી. આતંકવાદને નાથવા માટે જે બાહોશી જોઈએ એ બાહોશી જે વડા પ્રધાન લાવશે એ જ પાકિસ્તાનને ગંદા નરકમાંથી બહાર કાઢી શકશે. પાકિસ્તાનને નરમાંકથી બહાર કાઢવાનું કામ જેકોઈ કરવા માગતું હશે તેણે તૈયારી રાખવી પડશે શહીદીના લિસ્ટમાં ઉમેરાવા માટે પણ ક્રન્તિ હંમેશાં એ જ રીતે આવી છે. ઇતિહાસ જોઈ લો તમે, ભૂતકાળ જોઈ લો તમે. ક્રાન્તિ લાવનારાઓએ પોતાની ભૂમિ પર પથરાયેલા સ્વર્ગની અનૂભુતિ ક્યારેય કરી નથી, તેણે ભોગ જ આપ્યો છે. ઇમરાન ખાન પછી જે આવશે તેણે પણ આ વાતને સમજીને આગળ વધવાનું છે. જો વધ્યા તો જીવ આપવાનો અને ધારો કે એવી હિંમત ન થઈ શકી તો પાકિસ્તાનની અધોગતિને વધારે ઊંડે ઉતારવાની.

columnists manoj joshi imran khan