પેલા ના-રંગત કરતાં આ પા-રંગત સારા તો ખરા

25 November, 2021 04:20 PM IST  |  Mumbai | Morari Bapu

પ્રેમ પ્રસ્તુત કરવા ઇચ્છો તો અશ્રુ અને આશ્રયને ભૂલતા નહીં. અમુક પ્રેમ એવો હોય છે કે જેમાં રંગત હોય છે પણ એ પા-રંગત હોય છે. 

પ્રતીકાત્મક તસવીર

આપણે વાત કરતા હતા પારંગત પ્રેમની. 
રાધેજૂ શ્યામ આશ્રિત, શ્યામ રાધેજૂ આશ્રિત. 
અશ્રુ અને આશ્રય વગર પ્રેમ સફળ ન થાય. પ્રેમમાં તો દૃઢાશ્રય હોય છે. જો 
પ્રેમ પ્રસ્તુત કરવા ઇચ્છો તો અશ્રુ અને આશ્રયને ભૂલતા નહીં. અમુક પ્રેમ એવો હોય છે કે જેમાં રંગત હોય છે પણ એ પા-રંગત હોય છે. 
સવારે બે-ત્રણ કલાક ભગવાન પર પ્રેમ હતો, પછી ઑફિસના રોજિંદા કામકાજમાં ડૂબી ગયા. ફરી સાંજ પડી તો કોઈનાં લગ્ન, પાર્ટી-બાર્ટી ને રિસેપ્શનમાં જવાની લગની લાગી. રાત પડી ત્યારે ભોજન, શયન, ભોગમાં લગની લાગી. સૂફી લોકો એને પારંગત પ્રેમ કરે છે. આ ‘પારંગત’ બહુ સુંદર શબ્દ છે. તમે જોજો એને ધ્યાનથી, ધ્યાનથી જોશો તો તમને સમજાશે અને કહેવાનું મન થશે કે કમ સે કમ પારંગત ના-રંગત કરતાં તો સારો છે.
હવે વાત કરવાની છે કારંગત પ્રેમની.
પ્રેમમાં કુશળતા, થોડી આવડત, થોડી માહિતી, થોડો ભરોસો, થોડો રસ લાગ્યો, પછી ગયો. થોડું ભજન ગયું, પણ પછી રસ ન રહ્યો. ભક્ત ત્રણ વાર રડે છે : જ્યારે ઈશ્વર દેખાય નહીં ત્યારે, ભગવાનની ઝાંખી થાય અને પછી જતા રહે ત્યારે તથા ત્રીજી વાર જ્યારે ભગવાન પૂરેપૂરા મળી જાય ત્યારે. ત્યારે તો તે ભગવાનની કરુણાને લીધે રડતા જ રહે છે. ‘કારંગત’ શબ્દ ‘કારગત’ શબ્દ ઉપરથી બન્યો છે. પ્રેમમાં કુશળતા, પ્રેમમાં થોડી પહોંચ, પ્રેમમાં થોડી-થોડી માહિતી, થોડો-થોડો ભરોસો. થોડો સૂઝકો પડી ગયો, થોડો પ્રવેશ થઈ ગયો. પ્રભુમાં થોડો રસ જાગ્યો, ફરી ગયો. ફરી જાગ્યો, ફરી ગયો.
હવે આવે છે ધારંગત પ્રેમ.
ધારા શબ્દ ગુજરાતી છે. જ્યારે માણસ દુખી હોય છે ત્યારે કહે છે : ધાર લાગી ગઈ. ચીસ પાડી ઊઠે છે, વ્યાકુળતા દર્શાવે છે ત્યારે ભગવાન હાથ પકડી લે છે. જ્યારે વ્યક્તિ આટલી ભૂમિકાએ પહોંચી જાય છે ત્યારે ભગવાન આપણને ધારણ કરી લે છે. તમે તમને પોતાને જ પૂછી જુઓ. ભગવાન માટે તમે કેટલી વાર રડ્યા છો? જ્યારે વ્યક્તિનો કોઈ હેતુ ન હોય અને તે પોકારતો હોય, જ્યારે પોકાર હૃદયનો હોય, પૂરેપૂરો હોય ત્યારે તે ધારંગત પ્રેમ છે. સૂફીઓનું કહેવું એવું છે કે પારંગત પ્રેમની અવસ્થામાં ભગવાન હાથ પકડી લે છે, તે ધારણ કરી લે છે. તે આગળ ચાલવા લાગે છે. વ્યક્તિ ભગવાનને પોકારે છે તો ધારંગત પ્રેમ છે. દેવતાઓએ પોકાર કર્યો છે, પણ એમાં હેતુ છે તેથી તે તરત જ પ્રગટ નથી થયા. તેમના પોકારમાં સ્વાર્થ ભર્યો છે. પોકાર જ્યારે હૃદયપૂર્વકનો હોય, પૂરેપૂરો હોય ત્યારે એ ધારંગત પ્રેમ છે.

columnists