સેટ પર સૈનિકની છાવણી જેવી ડિસિપ્લિન હોય છે

14 August, 2020 07:14 PM IST  |  Mumbai | J D Majethia

સેટ પર સૈનિકની છાવણી જેવી ડિસિપ્લિન હોય છે

તમારે માટે, તમારા આનંદ માટે જેઓ પોતાને જોખમમાં મૂકીને પણ કામ કરે છે એ સૌના કામને બિરદાવવાનું ભૂલતા નહીં અને સાથોસાથ ‘ભાખરવડી’ જોવાનું પણ ચૂકતા નહીં.

ગયા અઠવાડિયે આપણે વાત કરી રક્ષાબંધનની, પણ એ પહેલાં આપણી વાત ચાલતી હતી ન્યુ નૉર્મલની. કોરોના પછીના આ ન્યુ નૉર્મલને બરાબર સમજવાની જરૂર છે અને એ મુજબ જીવવાની પણ જરૂર છે. અત્યારે અમે શૂટિંગ પર પણ એમ જ જીવી રહ્યા છીએ. બધા પરિવાર જેવા છે, એક ફૅમિલીના હોઈએ એ રીતે સાથે રહેતા અને એ પછી પણ કોવિડ-19 માટે બનાવવામાં આવેલી ગાઇડલાઇનનું ધ્યાન રાખતા હતા અને અમે બધા એકબીજાથી ચોક્કસ અંતર રાખીને રહીએ છીએ. દર્શકોને મનોરંજન આપવા માટે તમે આવ્યા છો અને એ પછી પણ તમને એવું લાગે કે તમે વૉર પર આવ્યા છો. બધાએ પોતાની આસપાસ દેખાય નહીં એવી અનવિઝિબલ વૉલ ઊભી કરીને રાખી છે, રાખવી પડી છે. તમારું મનોરંજન અટકે નહીં એવા હેતુથી, પણ હા, એક વાત કહેવી પડે કે આ ઇનવિઝિબલ વૉલને લીધે કલાકારોને એક ઍડ્વાન્ટેજ થઈ ગયો. જે કલાકારો પોતે કશુંક વાંચવા કે જોવા માગે છે તેઓ હવે સેટ પર પોતાનું કામ ન હોય એવા સમયે વાંચી કે જોઈ શકે છે તો સાથોસાથ કોરોનાના ભયને લીધે પોતાના પર્ફોર્મન્સ પર જેને અસર થઈ છે તે પોતાના કામ પર, સ્ક્રિપ્ટ પર વધારે કૉન્સન્ટ્રેટ કરે છે. આ વાત પણ સારી જ છે. અલ્ટિમેટલી દર્શકો એમાં લાભમાં રહે છે.
શૉટ આપી દીધો, પાછા પોતાની ચૅર પર આવીને બેસી ગયા. બધા એકબીજાથી દૂર છે, જેને ચા પીવી છે તે ચા પીએ છે, જેને કૉફી જોઈએ તે કૉફી પીએ છે અને પછી ફરી પાછા સેટ પર. અગાઉ તમે સાંભળ્યું હશે કે ટીવીના શૂટિંગમાં બહુ મોડું-મોડું પૅકઅપ થાય પણ અમારે ત્યાં એવું થતું નહીં, ૧૦-૧૫ મિનિટ આગળ-પાછળ ચાલે, પણ એનાથી વધારે નહીં, પણ હું કહીશ કે ફરી પાછા એવા દિવસો આવી ગયા. કોઈ વાતમાં મોડું નહીં કરવાનું. કારણ કે કલાકારોથી માંડીને ટેક્નિશ્યન એમ બધાની હેલ્થનું ધ્યાન રાખવાનું હોય છે અને એ સેટ પરથી થાય પછી બીજું કામ, સૅનિટાઇઝેશનનું કામ શરૂ કરવાનું હોય એટલે એ દિવસનું કામ પૂરું થાય કે ન થાય, પણ બધાને સમયસર છોડી દેવાના અને બધાએ નીકળી પણ જવાનું. સમયસર નીકળી જવાનું એક બીજું પણ કારણ છે. જેમ અમારે સેટ સૅનિટાઇઝ કરવાનો છે એ જ રીતે આર્ટિસ્ટ અને ટેક્નિશ્યન સ્ટાફે પણ ઘરે પાછા જઈને સૅનિટાઇઝ થવાનું.
સેટ પરથી બધા ઘરે નથી જતા. ‘ભાખરવડી’ના સેટ પર કેટલાક લોકો, વર્કર એવા પણ છે જેઓ ગીચ વસ્તીવાળા એરિયામાં રહે છે. એવા પણ છે જેમની પાસે પોતાનું વેહિકલ નથી કે પછી બીજી કોઈ પ્રકારની ઘરે જવામાં કે પછી ઘરે રહેવામાં અડચણ છે. આવા લોકોને અમે સેટ પર જ રાખીએ છીએ. જે સેટ પર રહે છે એ લોકો માટે રાતનું જમવાનું, મચ્છર ભગાડવાની અગરબત્તી અને એનાં મશીન, ગાદલાં-રજાઈ, સૂવા માટે પલંગ જેથી રાતે વ્યવસ્થિત આરામ કરી શકે. સવારે ઊઠીને તેમની ફ્રેશ થવાની તમામ વ્યવસ્થાનું પણ ધ્યાન રાખવામાં આવે. પહેલાં સેટ પર ગરમ પાણી નહોતું તો ન્યુ નૉર્મલમાં સેટ પર ગરમ પાણીનાં હીટર આવી ગયાં છે. વાતાવરણ બદલાઈ ગયું છે હવે સેટ પર. જે રોકાય છે તેઓ બધા ત્યાં જ તૈયાર થાય છે અને શૂટિંગ માટે સેટ પર આવી જાય છે. આટલા લોકો ભેગા રહેતા હોય તો આપણને એમ થાય કે સહેજેય પિકનિક જેવો માહોલ હશે, પણ ના, એવું બિલકુલ નથી.
કોરોનાકાળમાં કે પછી આ ન્યુ નૉર્મલમાં માહોલ બહુ ગંભીર છે. બધા પોતાનામાં જ વ્યસ્ત રહે છે અને એકબીજાથી ચોક્કસ અતંર જાળવીને રહે છે. સેટ પર રોકાયા હોય એટલે રાતે ફૅમિલીને ફોન-કૉલ્સ કે વિડિયો-કૉલ ચાલે. જો તમે ઇનવિઝિબલ બનીને સેટ પર ચક્કર મારો તો તમને એમ જ લાગે જાણે સૈનિકોની છાવણી છે કે પછી સૈનિક જ અહીં રહે છે. બધામાં ભારોભાર ડિસિપ્લિન, એવી ડિસિપ્લિન, એમ જ લાગે કે અ બધા સૉલ્જર છે. આમ પણ આ બધા કોવિડ સૉલ્જર જ કહેવાય. આ બધા પોતાના જોખમે સેટ પર રહીને તમને મનોરંજન પીરસે છે, હૅટ્સ ઑફ છે આ લોકોને, જે વિડિયો-કૉલ કરીને પોતાની ફૅમિલી સાથે વાતો કરીને સંતોષ માની લે છે. આ બધાને સમજાય છે કે જો એ લોકોમાંથી કોઈ એકાદ પણ બહાર જશે અને વાઇરસ લઈ આવશે તો સેટ પર એ ફેલાઈ શકે છે અને બીજા સૌ પણ હેરાન થઈ શકે છે. એવું બને નહીં એટલે જ તેઓ પોતાના પરિવાર અને બચ્ચાથી દૂર રહીને કામ કરે છે. કામ કરવું જરૂરી છે. સૌકોઈ જાણે છે કે અત્યારે ઇન્કમનું પણ કેટલું મહત્ત્વ છે. એ લોકોએ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાનું છે. ચાર મહિનાથી બધા ઘરે બેઠા હતા. પોતાના એક પરિવારનું ધ્યાન રાખવાનું છે તો સાથોસાથ તેમણે બીજા પરિવારોનું, દર્શકોનું મનોરંજન પણ કરવાનું છે. થાય પણ છે એ જ રીતે. પોતાને જોખમમાં રાખીને, પોતાની આઝાદીને બંધન આપીને એ સૌ કોવિડ સૉલ્જર ઘણું કરે છે. લાઇનસર ખાટલા પડ્યા હોય. સૌએ સૌની ચીજવસ્તુઓ સાચવીને રાખવાની. કોઈએ એકબીજાને એનો ઉપયોગ કરવા દેવાનો નહીં તો કોઈની કોઈ ચીજ વાપરવા માટે પણ લેવાની નહીં. અમારી તો તાકીદ હોય જ છે, પણ એ તાકીદનું પાલન પણ એ લોકો ચુસ્ત રીતે કરે છે. યાદ રાખજો મારી એક વાત કે કોરોનાથી ડરવાનું નથી તો સાથોસાથ કોરોનાને સહેજ પણ હળવાશથી પણ લેવાનો નથી. કોરોના કોઈને પણ થઈ શકે છે. તમે જોયું કે અમિતાભ બચ્ચનને થયો, અમિત શાહને થયો અને ગઈ કાલે અયોધ્યાના રામમંદિર સાથે સંકળાયેલા ગોવિંદરામજીને પણ થયો. ગોવિંદરામજી હજી અઠવાડિયા પહેલાં જ આપણા વડા પ્રધાનને મળ્યા હતા. વડા પ્રધાન પરથી યાદ આવ્યું કે તમને યાદ હશે કે બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટરને પણ કોરોના આવ્યો હતો. કોરોના કોઈને પણ થઈ શકે છે અને ક્યારેય થઈ શકે છે એટલે એને માટે જરા પણ બેદરકાર નથી રહેવાનું અને ધારો કે કોરોના થઈ પણ જાય તો જરાય ગભરાવાનું નથી. જો ડર ગયા, સમજો થક ગયા. કોરોનાથી જરા પણ ડરવું નથી અને કોઈ ડરે નહીં એનું પણ ધ્યાન રાખવાનું છે. કોરોના સામે એ તમામ લોકો જંગ જીત્યા છે જેઓ પૉઝિટિવ રહ્યા હતા.
ફરી વાત કરીએ આપણે ‘ભાખરવડી’ના સેટની. રાતે બધા આરામથી સૂઈ જાય અને સવારે ગરમ પાણીથી નાહીને તાજામાજા થઈને નવેસરથી કામે લાગી જાય. જાગીને પણ સૌકોઈ ફૅમિલી સાથે એક વાર વાત કરી લે, તેમના ખબરઅંતર પૂછી લે. કામ કરવાનું છે એ બધા જાણે છે અને જવાબદારી નિભાવવાની છે એની પણ બધાને ખબર છે. સૌકોઈને ખબર છે કે આ જ રીતે આપણે આગળ વધવાનું છે. આ આખા વાતાવરણમાં કોઈ વસ્તુની આતુરતાથી રાહ જોવાઈ રહી હોય તો એ છે કે વૅક્સિન, કોવિડ-19ને નાથવાની વૅક્સિન. એની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે તો સાથોસાથ રાહ જોવાય છે પોતાન કામનાં વખાણ થાય, કામની તારીફ થાય તેની પણ. તમારે માટે, તમારા આનંદ માટે જેઓ પોતાને જોખમમાં મૂકીને પણ કામ કરે છે એ સૌના કામને બિરદાવવાનું ભૂલતા નહીં અને સાથોસાથ ‘ભાખરવડી’ જોવાનું પણ ચૂકતા નહીં.
આ જોખમ અમે તમારે માટે, અમારા દર્શકો માટે લઈએ છીએ. માત્ર ને માત્ર તમારે માટે...

JD Majethia columnists