જીવનદાતા દ્વારા કોઈનો જીવ લઈ શકાય એવું સપનામાંય વિચારવું એ પાપ સમાન છે

12 January, 2021 11:05 AM IST  |  Mumbai | Manoj Joshi

જીવનદાતા દ્વારા કોઈનો જીવ લઈ શકાય એવું સપનામાંય વિચારવું એ પાપ સમાન છે

પ્રતીકાત્મક તસવીર

આપણે વાત કરી રહ્યા છીએ મેડિકલ સેક્ટર અને એ સેક્ટરના વૉરિયર્સ સામે થતા ગેરવર્તનની. ગેરવર્તન ભાવનાત્મક હોય ત્યારે એવા વર્તન પર ગુસ્સો આવવાને બદલે દયા આવે, પણ એ દયા ખાવાની જરૂર નથી. ડૉક્ટર સાથે થનારા ખરાબ વર્તનને ગંભીરતાથી લેવું પડશે. જો એ લેવામાં નહીં આવે તો ડૉક્ટર તરીકે માનવસેવાના ધર્મ સાથે જોડાયેલા તબીબો કઈ હદે નારાજ થઈ શકે એ વિચારવું જ રહ્યું. કોવિડના સમયમાં એકધારું એવું કહેવાતું રહ્યું કે કોવિડ જેવું કશું છે જ નહીં, ડૉક્ટરો બેફામ પૈસા બનાવી રહ્યા છે, ડૉક્ટરો દુનિયાને મૂરખ બનાવે છે, એવું પણ કહેવાયું અને એવું પણ કહેવાતું રહ્યું કે ડૉક્ટરો ગેરલાભ લઈ રહ્યા છે. વાત ભરોસાની હોય ત્યારે તમારે એક વાત સમજી લેવી પડે કે વિશ્વાસ અકબંધ રાખ્યા વિના છૂટકો નથી. કોઈ એકાદને થયેલો કડવો અનુભવ એ સમસ્ત જગત માટેનો કડવો અનુભવ નથી જ નથી. કોઈ એકાદને થયેલા ખરાબ અનુભવને કારણે આખી સૃષ્ટિ ખરાબ થઈ નથી જતી અને એ પણ યાદ રાખવું કે થયેલો એ એકાદ અનુભવ પણ કેવા સંજોગોમાં થયો છે એ મહત્ત્વનું છે.

તબીબ એક આદરણીય પ્રોફેશન છે અને એ પ્રોફેશન સાથે જોડાયેલા સૌકોઈ આદરણીય છે. આ આદર સમજવું પડશે, આ આદરને જીવનમાં ઉતારવું પડશે. જો તમે એવું ધારતા હો કે તમારા ગેરવર્તનથી તમારા સ્વજનનો જીવ બચી શકે છે કે પછી મૅટર ઑફ ફૅક્ટ, તમારા ગેરવર્તનથી તમારા મૃતક સ્વજનનો જીવ પાછો આવી શકે છે તો એવું કરવાનો અધિકાર તમને મળી શકે, પણ એવું થતું નથી એટલે ગેરવાજબી વર્તન પછી પણ નુકસાન તમારા જ ખાતામાં રહેતું હોય છે. બહેતર છે કે લાગણીઓ પર થોડો કાબૂ રાખીને તમે તમારા દ્વારા થઈ રહેલા કૃત્યની ગંભીરતા સમજો અને એ ગંભીરતા સમજીને તમે તમારા ભાવનાત્મક વર્તન પર કાબૂ રાખો.

કાયદામાં હવે જોગવાઈ છે કે ડૉક્ટર સાથે થયેલા ગેરવર્તન બદલ તમારી સામે પગલાં લેવામાં આવે અને તમને શિક્ષાત્મક સજા કરવામાં આવે. આ જોગવાઈ પછી પણ આજે ૧૦૦માંથી માંડ એક કે બે ડૉક્ટર એવા છે જેઓ આવા સ્વજન સામે ફરિયાદ લખાવે છે કે પછી તેની સામે આકરાં પગલાં લેવા સુધી પહોંચે છે. સમજે છે તે તમારા મનની ભાવના, આપ્તજનને ગુમાવ્યા પછી માણસ કેવી પીડા સહન કરતો હોય એ તેને સમજાય છે અને એટલે જ આજે ડૉક્ટર સામા કેસ કરવામાં સૌથી ઓછાં પગલાં ભરે છે, પણ એનો અર્થ એવો નથી કે આપણે આપણી ભલમનસાઈ ભૂલીએ અને આપણે ગેરવાજબી વર્તન દાખવીએ. એક વાત યાદ રાખવી કે માણસ ક્યારેય માણસનો જીવ લઈ ન શકે અને એ લેવા ઇચ્છતો પણ નથી, એટલે જ્યારે પણ આવી કોઈ દુખદ ઘટના ઘટે ત્યારે એ ભૂલ સિવાય બીજું કશું હોતું નથી અને ભૂલ માટે કોઈને જવાબદાર ઠેરવી ન શકાય. ડૉક્ટરો દ્વારા લેવામાં આવતા શપથને એક વખત ધ્યાનથી વાંચશો તો તમને સમજાશે કે એ શપથમાં ભગવદ્ગીતાથી પણ વધારે આકરી રીતે કર્મને પાળવા માટે કહેવામાં આવ્યું છે. સામે દુશ્મન આવી જાય અને તેનો જીવ પણ જોખમમાં હોય તો એ જીવ બચાવવો એ પહેલો ધર્મ ગણાવવામાં આવ્યો છે અને એને ધર્મ જ ગણવામાં આવે છે. એ પછી બની શકે કે મેડિકલ સાયન્સનું પોત પાતળું પડે અને બની શકે કે એ પાતળા પોત વચ્ચેથી માણસનો જીવ સરકી જાય, પણ ડૉક્ટર ક્યારેય કોઈનો જીવ લે એ વાત ગળે ઊતરતી નથી. ક્યારેય નહીં અને એટલે જ કહું છું, ડૉક્ટર જીવનદાતા છે અને જીવનદાતાની કદર કરવી એ તમારો પણ ધર્મ છે. ચૂકશો નહીં ક્યારેય એ ધર્મ.

columnists manoj joshi