અનલૉક-2.0ઃ છૂટ આપવી એ સરકારની આવશ્યકતા છે, એને અવગણવી તમારી સમજ છે

26 June, 2020 02:51 PM IST  |  Mumbai | Manoj Joshi

અનલૉક-2.0ઃ છૂટ આપવી એ સરકારની આવશ્યકતા છે, એને અવગણવી તમારી સમજ છે

પ્રતીકાત્મક તસવીર

અનલૉકના નવા ચૅપ્ટરની રાહ જોવાઈ રહી છે અનલૉક-2.0. હવે બીજા સ્ટેજમાં અનલૉક પહોંચશે અને આવાં ચાર અનલૉક હશે. લૉકડાઉન જે રીતે ચાર હતાં એવી જ રીતે અનલૉક પણ ચાર રહેશે, પણ ચોથું અનલૉક કોરોનાની વૅક્સિન કે પછી મેડિસિન બહાર આવ્યા પછી જ એ આવે એવી સંભાવના છે અને એની વાતો તો અત્યારે બહુ દૂરનું સપનું છે. અત્યારે સમય છે વાત કરવાની આવતા અનલૉકની.
અનલૉક 2.0માં વધારે છૂટ હશે એ નક્કી છે અને એ પણ નક્કી છે કે ટાઇમિંગની બાબતમાં પણ ઘણી છૂટછાટ આવશે. આવે અને એ આવવી જ જોઈએ. છૂટ આપવી એ હવે સરકારની અને દેશની આવશ્યકતા છે, પણ એને અવગણવી એ તમારી સમજદારી છે. સમજણ અકબંધ રાખજો અને ભૂલતા નહીં કે વિશ્વના માંધાતા સહિત સૌકોઈએ અગમચેતી આપી છે કે જૂન અને જુલાઈમાં ભારતમાં કોરોનાના કેસ વધે એવી પૂરી શક્યતા છે. આ શક્યતા અને સંભાવના વચ્ચે આપણે હેમખેમ જૂન મહિનો પસાર કરી ગયા છીએ અને હવે આપણે જુલાઈ તરફ પ્રયાણ કરવાના છીએ. અનલૉક 2.0 જુલાઈના આરંભ સાથે જ આવશે અને આપણે એને ક્ષેમકુશળ રીતે પાર પાડવાનો છે. વર્ક ફ્રૉમ હોમ ચાલી જ રહ્યું છે અને જ્યાં સુધી એ ચાલે કે ચાલવાનું હોય ત્યાં સુધી ચલાવવાનો પ્રયાસ કરજો. બહાર નીકળીને જોખમ લેવામાં સાર નથી. અનિવાર્ય હોય તો લૉકડાઉન વચ્ચે પણ બહાર આવવું પડે અને બિનજરૂરી હોય તો અનલૉક 3.0 આવી જાય એવા સમયે પણ ઘરમાં રહેવાની માનસિકતા કેળવવી પડે.
કોરોના સામે લડત આપવાનું કામ સુખરૂપ થઈ રહ્યું છે ત્યારે આપણે એ ન ભૂલવું જોઈએ કે કાયમ અંતિમ પડાવમાં ભારત હારતું રહ્યું છે. એ ચાહે યુદ્ધ હોય કે પછી ક્રિકેટ મૅચ હોય, પણ આ વખતે, આ કોરોના સામેના જંગમાં એવું નથી થવા દેવાનું. ખાસ તો એટલા માટે કે કોરોનાના સંક્રમણમાં તમે તમારી જાતને જ નહીં, તમારી સાથે તમારા આપ્તજનોને પણ જોખમમાં મૂકતા હો છો. જો એવું ન થવા દેવું હોય તો અનલૉક 2.0 પછી પણ ઇચ્છાઓને કાબૂમાં રાખજો અને સેલ્ફ ક્વૉરન્ટીનની નીતિ અપનાવીને સલામતી સાચવી રાખજો. તમારે માટે આ આવશ્યક છે. ખર્ચના ખાડામાં ન ઊતરવું હોય તો, જાત પર જોખમ ન આવવા દેવું હોય તો પણ અને પરિવારના સભ્યોને હેરાન ન કરવા હોય તો પણ.
કરવું ન જોઈએ, પણ આજકાલ જેના પણ પરિવારમાં કોરોના આવે છે એ સૌની સામે જે રીતે જોવામાં આવે છે એ બહુ વિચિત્ર છે. એવું જ લાગે જાણે તેના પરિવારના એ સભ્યએ આતંકવાદી જૂથ જૉઇન કરી લીધું હોય અને તેને રંગેહાથ પકડી પાડવામાં આવ્યો હોય. કોરોનાકાળ માટે હવે બેથી ચાર મહિના રહ્યા હોય એવું અનુમાન મૂકવામાં આવે છે. જો આ માન્યતા સાચી હોય તો દેશી બોલીમાં કહી શકીએ ઃ કાઢ્યા એટલા દિવસો હવે કાઢવાના રહેતા નથી એટલે જરા ધીરજ રાખજો. ધીરજ સિવાય બીજો કોઈ ઉપાય છે પણ નહીં.

manoj joshi columnists