તમારું બાળક ઠીંગણું તો નથીને?

28 January, 2022 07:15 PM IST  |  Mumbai | Jigisha Jain

આ આંકડો ૨૦૧૫માં ૨૧.૩ ટકા જેટલો હતો. શહેરમાં પણ કુપોષણ આટલી વિસ્તૃત રીતે ફેલાયેલું છે ત્યારે સમજીએ કે ક્યા પ્રકારનું પોષણ ઘટવાથી બાળકોની હાઇટ પર અસર થાય છે  અને એને પ્રિવેન્ટ કરવા શું કરી શકાય

તમારું બાળક ઠીંગણું તો નથીને?

જસ્ટ ચેક, કેમ કે નૅશનલ ફૅમિલી હેલ્થ સર્વે મુજબ મુંબઈમાં પાંચ વર્ષથી નાનાં ૩૭.૨ બાળકો ઠીંગણાં છે. આ આંકડો ૨૦૧૫માં ૨૧.૩ ટકા જેટલો હતો. શહેરમાં પણ કુપોષણ આટલી વિસ્તૃત રીતે ફેલાયેલું છે ત્યારે સમજીએ કે ક્યા પ્રકારનું પોષણ ઘટવાથી બાળકોની હાઇટ પર અસર થાય છે  અને એને પ્રિવેન્ટ કરવા શું કરી શકાય

નૅશનલ ફૅમિલી હેલ્થ સર્વે-૫ મુજબ છેલ્લાં પાંચ વર્ષમાં કુપોષણની પરિસ્થિતિ ખૂબ ધીમે પાયે સુધરી રહી છે. સર્વે અનુસાર ભારત દેશમાં પાંચ વર્ષથી નીચેની ઉંમરનાં બાળકોમાં ઉંમર પ્રમાણે વજન ન ધરાવતાં દુર્બળ બાળકોનું પ્રમાણ ૩૨.૧ ટકા છે. કુપોષણને કારણે તેમની ઉંમર પ્રમાણે ઊંચાઈ ન વધવાનું પ્રમાણ એટલે કે ઉંમર પ્રમાણે બાંઠકાં બાળકોનું પ્રમાણ ૩૫.૫ ટકા છે અને કુપોષણને કારણે ઊંચાઈ મુજબ વજન ન વધવાનું, કમજોર રહી જતાં બાળકોનું પ્રમાણ ૧૯.૩ ટકા છે. ભારતમાં મૉડરેટ કૅટેગરીમાં ઓછું વજન ધરાવતાં બાળકોની સંખ્યા ૩૫.૮ ટકાથી ઘટીને ૩૨.૧ ટકા થઈ છે. આ જ કૅટેગરીમાં ઠીંગણાં બાળકોની સંખ્યા ૩૮.૪ ટકાથી ઘટીને ૩૫.૫ ટકા જેટલી થઈ છે. મૉડરેટ કૅટેગરીમાં કમજોર બાળકની સંખ્યા ૨૧ ટકાથી ઘટીને ૧૯.૩ ટકા જેટલી થઈ છે, જ્યારે સિવિયર કૅટેગરીમાં આ સંખ્યા થોડીક વધીને ૭.૫ ટકાથી વધીને ૭.૭ ટકા જેટલી થઈ છે. મુંબઈમાં કમજોર બાળકોનું પ્રમાણ ૨૫ ટકા છે પણ કુપોષણને કારણે ઠીંગણાં રહી જતાં બાળકોની સંખ્યા ૩૭.૨ ટકા છે. 
આ આંકડો ૨૦૧૫માં ૨૧.૩ ટકા જેટલો જ હતો જેમાં ઘણો મોટો વધારો થયો છે. 
સંપન્ન પરિવારોમાં પણ  
ડૉક્ટર્સ અને હેલ્થ વર્કર્સ સાથે વાત કરીએ તો તેમને લાગતું નથી કે મુંબઈ જેવા શહેરમાં આ પ્રકારની તકલીફ હોઈ શકે છે કે કુપોષણની આટલી મોટી સમસ્યા આટલા વિકસિત નગરમાં આટલા મોટા પ્રમાણમાં વ્યાપ્ત છે. પરંતુ આ આંકડાઓ જણાવે છે કે પરિસ્થિતિ અતિ ગંભીર છે. વળી પાંચ વર્ષથી નાનાં બાળકોની આ જે સમસ્યા છે એ ફક્ત ગરીબ બાળકોની જ ન હોઈ શકે, કારણ કે આ આંકડો ૩૭.૨ ટકા જેટલો મોટો છે. જેનો અર્થ એ થયો કે સંપન્ન ઘરોમાં પણ કુપોષણની સમસ્યા છે. આ સમસ્યા વિશે વાત કરતાં મુલુંડ અને વિલે પાર્લેના ન્યુટ્રિશનિસ્ટ ધ્વનિ શાહ કહે છે, ‘એ હકીકત છે કે જે લોકો ગરીબ છે, બે ટંક ખાવા માટે પણ પૈસા નથી તેમનાં બાળકો કુપોષણનો શિકાર બને છે. આપણા દેશમાં આ પ્રશ્ન ઘણો મોટો છે પરંતુ કુપોષણ એ ગરીબોનો રોગ નથી. કુપોષણ કોઈ પણ બાળકને થાય છે. સારાં ઘરોમાં પ્રી-ટર્મ જન્મતાં બાળકો જન્મથી જ કુપોષિત છે તો જે બાળકો ફક્ત જન્ક ખાઈ-ખાઈને ગોળમટોળ થઈ ગયાં છે એ બાળકો પણ કુપોષણનો શિકાર છે. અમુક બાળક જમવાનું જોઈને જ ભાગી જાય છે, ૧ કલાકમાં માંડ ચાર ચમચી ખાય છે એ પણ કુપોષિત છે અને જેમના ઘરમાં શું ખાવું અને શું ન ખાવું એની સમજ નથી અને બાળકો ફક્ત ફૅટ્સ ખાધા કરે છે એ બાળકો પણ કુપોષિત છે.’
લાંબા ગાળાની તકલીફ 
કુપોષણને લીધે જ્યારે બાળકનું વજન વધે નહીં કે હાઇટ વધે નહીં કે પછી હાથ-પગ નબળા રહી જાય અને પેટનો ભાગ વધી જાય જેવી કોઈ પણ તકલીફ ક્યારે આવે એ સમજાવતાં પીડિયાટ્રિશ્યન ડૉ. પંકજ પારેખ કહે છે, ‘આ તકલીફો એકાદ મહિનો બાળકને યોગ્ય જમવાનું ન મળ્યું કે પોષણ પૂરું ન પડ્યું તો આવે એવું નથી. લાંબા સમયથી બાળક કુપોષણનો શિકાર હોય ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. કુપોષણ કોઈ અવસ્થા નથી પરંતુ લગભગ જન્મથી ચાલી આવતી તકલીફ છે, કારણ કે એ જે કારણોને લીધે આવે છે એ કારણ લાંબા ગાળાનાં હોય છે આથી એના ઉપાયો પણ ક્વિક ફિક્સ જેવા નથી હોતા. બીજું એ કે જો તમે સમયાંતરે રસીકરણ માટે કે કોઈ પણ બીજાં કારણોસર તમારા બાળકને ડૉક્ટર પાસે લઈ જાઓ છો તો તમને જાણ થશે જ, કારણ કે અમુક મહિનાઓના, વરસના વિકાસ સ્તંભ હોય જે મુજબ ડૉક્ટર એને તપાસે છે. જો એ વિકાસ યોગ્ય નથી તો એનો ઇલાજ પણ થઈ શકે છે.’ 
કુપોષણને કારણે 
કુપોષણને કારણે બાળક પર ઇન્ફેક્શનનું રિસ્ક વધે છે. મતલબ કે જેને પૂરતું પોષણ મળતું નથી એ બાળકની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે. રોગ સામે લડી ન શકે એવું બાળક સતત માંદું રહે છે અને એને કારણે એના વિકાસ પર સીધી અસર પડે છે. કુપોષણની બાળક પર શું અસર થાય છે એ સમજાવતાં ડૉ. પંકજ પારેખ કહે છે, ‘કુપોષણ કોઈ પણ ઉંમરે હાનિકારક છે પરંતુ નાનપણમાં આવતું કુપોષણ વધુ હાનિકારક છે, કારણ કે પોષણની સૌથી વધુ જરૂર બાળકોને હોય છે. મગજનો ૯૦ ટકા વિકાસ પાંચ વર્ષની અંદર થાય છે. આ સિવાય સ્નાયુઓ, હાડકાંનો વિકાસ પણ બાળકોમાં જ્યારે થતો હોય ત્યારે પોષણ ન મળે તો એ નબળાં રહી જાય છે. પછી પાછળથી પોષણ આપવામાં આવે તો પણ એ સ્ટ્રૉન્ગ બની શકતાં નથી, કારણ કે એમનું બંધારણ જ નબળું રહી જાય છે. ઘણાં બાળકોનાં હાઇટ અને વજન વધતાં નથી. આમ બાળકોમાં કુપોષણ એક મોટી સમસ્યા છે.’
પ્રોટીનનું મહત્ત્વ 
આપણે ત્યાં મોટા ભાગે જે પ્રકારનું કુપોષણ જોવા મળે છે એમાં પ્રોટીનની ઊણપ વધુ છે. એ વિશે વાત કરતાં ધ્વનિ કહે છે, ‘મોટા ભાગે બાળકની ઉંમર કે વજન પ્રમાણે હાઇટ ઓછી હોય તો એ માટે પ્રોટીન, કૅલ્શિયમ અને મૅગ્નેશિયમની ઊણપ જવાબદાર રહે છે. કુપોષણ ન રહે એ માટે સૌથી મહત્ત્વનું તો એ છે કે જન્મ પછી બાળકને સંપૂર્ણ રીતે ૬ મહિના માનું દૂધ પીવડાવવું જ. આ સિવાય ૧-૨ વર્ષ સુધી પણ ખોરાકની સાથે માનું દૂધ જાય તો એના માટે અત્યંત લાભદાયી બનશે. આ સિવાય બાળકોને રાત્રે એક કપ દૂધ આપવું અને ત્રણ સમય બૅલૅન્સ્ડ મીલ જેમાં દરેકમાં થોડા પ્રમાણમાં પ્રોટીનનો સમાવેશ ફરજિયાત કરવો. આજકાલ મોટા ભાગનાં બાળકોને દૂધ સદતું નથી, ઍલર્જી હોય, લૅક્ટોઝ ઇન્ટૉલરન્સ હોય ત્યારે દૂધ બંધ કરવું પડે છે પરંતુ એની 
અવેજી પૂરી પાડતા ખાદ્ય પદાર્થો જેમ કે નટ્સ કે સીડ્સ આપવા જરૂરી છે. આ સિવાય એના ઉપાયરૂપે સૂર્યપ્રકાશ અતિ જરૂરી છે. દરરોજ ઓછામાં ઓછી ૨૦ મિનિટ સૂર્યપ્રકાશમાં વિતાવવી જરૂરી છે.’

 હાઇટ જીન્સ પર આધારિત હોવાથી વારસાગત બાબત છે. પણ જ્યારે એને પોષણ મળતું નથી ત્યારે જીન્સ આધારિત પણ એની હાઇટ જેટલી થવાની છે એનાથી ઓછી રહી જાય છે.

 ૧ કલાકમાં માંડ ચાર ચમચી ખાય છે એ પણ કુપોષિત છે અને જેમના ઘરમાં શું ખાવું અને શું ન ખાવું એની સમજ વિના ફક્ત ફૅટ્સ ખાધા કરે છે એ બાળકો પણ કુપોષિત છે.
ધ્વનિ શાહ, ન્યુટ્રિશનિસ્ટ

વિકાસ સ્તંભ
છોકરા અને છોકરીઓમાં વિકાસ જુદો-જુદો હોય છે. આ વિકાસ સ્તંભમાં એક આદર્શ માપ આપ્યું છે એનાથી થોડું ઉપર-નીચે હોઈ શકે છે પરંતુ ઍવરેજ આ આંકડાઓની આજુબાજુ જ તમારા બાળકનો ગ્રોથ હશે. 

Jigisha Jain columnists