‍સારા માર્ક્‍સ આવ્યા, સગપણ નક્કી થયું, માનતા પૂરી થઈ…ચાલો પેંડા વહેંચો

16 November, 2020 11:17 PM IST  |  Mumbai | Pooja Sangani

‍સારા માર્ક્‍સ આવ્યા, સગપણ નક્કી થયું, માનતા પૂરી થઈ…ચાલો પેંડા વહેંચો

‍સારા માર્ક્‍સ આવ્યા, સગપણ નક્કી થયું, માનતા પૂરી થઈ…ચાલો પેંડા વહેંચો

ભારતીય સંસ્કૃતિમાં કોઈ પણ તહેવાર હોય કે કોઈ સારો અવસર, મીઠાઈથી મોઢું મીઠું કરવાની પરંપરા રહી છે. એમાં પેંડા એક એવી મીઠાઈ છે જે બધા જ વર્ગના લોકોને પોસાય અને બાળકોથી લઈ વયસ્કોને પસંદ આવે. ગુજરાતમાં તો ભગવાનને પ્રસાદ ધરાવવામાં પણ પેંડાનો નંબર પહેલો આવે છે. ગુજરાતમાં સૌથી વધુ વેચાતી મીઠાઈમાં પેંડાનું નામ મોખરે છે અને વેચાણ પણ સૌથી વધુ. ચાલો આજે એકમેકને સાલ મુબારક પાઠવીને પેંડાથી મોં મીઠું કરીએ...


ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં મીઠાઈઓમાં પેંડાનું વેચાણ ઘણા મોટા પાયે થાય છે. મોટા ભાગના ગુજરાતનાં શહેરોએ અલગ-અલગ પ્રકારના પેંડા માટે વિશ્વવિખ્યાતિ મેળવી છે. ગામ-ગામના જેમ પહેરવેશ બદલાય એમ બધા ગામના પેંડા બનાવવાની રીત પણ બદલાતી હોય છે અને સ્વાદ પણ અદ્ભુત હોય છે. પેંડાથી ભરેલાં બૉક્સ ફક્ત મીઠાઈ જ નથી, પરંતુ એ ભાવનાઓ, ખુશીઓ અને સફળતાનાં બૉક્સ ગણાય છે. લોકો સાથે જ્યારે ખુશી કે સારા સમાચાર શૅર કરવા હોય કે પછી કોઈના ઘરે બાળક જન્મે, લગ્ન લખાય કે પછી ભગવાનને ભોગ ધરાવાય; કોઈ પણ ઉત્સવ હોય ત્યારે એક જ મીઠાઈ યાદ આવે એ છે પેંડા. તો ચાલો, ગુજરાતમાં સર્વાધિક જાણીતા પ્રિય પેંડાના પ્રકારના વિશ્વમાં એક લટાર મારી આવીએ...
રાજકોટના પેંડા
પેંડાનું નામ પડે એટલે સૌરાષ્ટ્રના રાજકોટના પેંડા યાદ આવી જાય. રાજકોટના ભગત જય સિયારામના પેંડા. ૧૯૩૩માં હરજીવનભાઈ સેજપાલે દૂધના પેંડા બનાવવાની શરૂઆત કરી હતી, જે અત્યારે રાજકોટના પેંડાના રાજા ગણાય છે. રાજકોટના પેંડાએ તો સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ બનાવી છે, જે આજે ગ્લોબલ બ્રૅન્ડ તરીખે ઓળખાય છે. આ પેંડાની ખાસિયત એ છે કે એ તાજા હોય છે અને મોઢામાં મૂકતાં જ ઓગળી જાય છે. મલાઈ જેવા સૉફ્ટ હોય છે. આમાં માત્ર ત્રણ સામગ્રી દૂધ, ખાંડ અને એલચી વાપરી બનાવવામાં આવે છે. પરંપરાગત જય સિયારામના પેંડા સાદા વધારે ખવાય છે. એની અનેક નકલી દુકાનો ખૂલી ગઈ છે એટલે સાચું કોણ એની ખબર જ ન પડે.
કુવાડવાના રજવાડી પેંડા
રાજકોટની પાદરે આવેલું કુવાડવા ગામ પણ પેંડા માટે પ્રખ્યાત છે. પેંડાની હારબંધ દુકાનો આવે એટલે સમજી જવાનું કે કુવાડવા આવી ગયું. ત્યાંના ગુરુકૃપા રજવાડી નામની ૬૯ વર્ષ જૂની દુકાનના પેંડા વખણાય છે. આ ગામ રજવાડી કણીદાર પેંડા માટે વખણાય છે. અહીંના પેંડાની વિશેષતા વિશે દુકાનના સંચાલક કમલેશભાઈ સોમમાણેક કહે છે, ‘કણીદાર એટલે કે દાણાવાળા પેંડા, જેને રજવાડી અને શિહોરી પેંડા પણ કહેવાય છે. અમારી વર્ષોજૂની દુકાન આ ગામમાં છે, જેની શરૂઆત અમારા દાદાએ કરી હતી અને આટલાં વર્ષોના અનુભવથી જોવામાં આવે છે કે ભલે પેંડા બધે મળતા હશે, પણ અમારા ગામ જેવો સ્વાદ અને મીઠાશ નિરાળી જ તરી આવે છે. આ અમારી ચોથી પેઢી અત્યારે આ દુકાન ચલાવી રહી છે. હાલમાં અમારી બે દુકાન કુવાડવા ગામમાં છે અને એક રાજકોટમાં છે. રજવાડી સાથે કેસર પેંડા પણ ખૂબ પ્રખ્યાત છે. એનું મુખ્ય કારણ એ છે કે અમારે ત્યાંના પેંડામાં કુદરતી મીઠાશ હોય છે. એનું મુખ્ય કારણ ખુલ્લા વાતાવરણમાં એ બનાવાય છે અને દેશી ભઠ્ઠીના ઉપયોગને લીધે એનો સ્વાદ આવતો હોય છે. જૂની પદ્ધતિથી દૂધ ઉકાળીને પ્લેન, રજવાડી, થાબડી, ચૉકલેટ અને કેસર પેંડા બનાવવામાં આવે છે. પહેલાં જ્યારે અહીં જૂનું ગામ હતું એ વખતે પ્લેન માવાના પેંડા ખૂબ વખાણાતા. ધીમે-ધીમે કેસર રજવાડી થાબડી અને ચૉકલેટ વગેરે ફ્લેવર્સનો ઉમેરો થયો.’
વડોદરાના દુલીરામના પેંડા
વડોદરા શહેર પ્રાચીન અસ્મિતા તથા અદ્યતન પ્રગતિશીલતાનો સમન્વય છે. ગાયકવાડના સમયથી ૧૫૦ વર્ષ જૂની પ્રાચીન કાળથી ચાલતી આ પેંડાની દુકાન એટલે દુલીરામ પેંડાવાળા. આ દુકાન વડોદરાના રાવપુરા ટાવર પાસે આવેલી છે. આ દુકાનના પેંડાનો સ્વાદ આખી દુનિયામાં પ્રચલિત છે. અહીં મથુરાના માવા સૂકા અને ઉપર દળેલી ખાંડમાં રગદોળેલા પેંડા મળે છે. હજી પણ આ દુકાન વર્ષોપુરાણી જ રાખી છે. આ દુકાનની દેખરેખ રાખતા મહેન્દ્રભાઈ કહે છે કે ‘હાલ પાંચમી પેઢી આ દુકાન ચલાવી રહી છે. વર્ષોથી અમે એક જ સ્વાદના પેંડા બનાવીને લોકોને ખવડાવી રહ્યા છે. આ પેંડામાં વપરાતી સામગ્રી જેમ કે માવો, ખાંડ, દૂધ, એલચી અને ખાંડનો પાઉડર તમામ સામગ્રી એકદમ શુદ્ધ અને સારી ક્વૉલિટીની વાપરવામાં આવે છે.’ 
અમરેલીના પૂના ભગતના પેંડા
૧૯૫૫થી ચાલતી આ અમરેલી ગામની જૂની પેઢી માવાના રજવાડી, ઇલાયચી અને કેસર પેંડા માટે પ્રખ્યાત છે. વર્ષોજૂની પૂના ભગત રજવાડી પેંડાવાળાની આ દુકાન એક જ સ્વાદ આપતી અમરેલીના કંસારા બઝારની આ જૂની પેઢી ચાલે છે. અમરેલીનું નામ પડે એટલે લોકોના મોઢા પર આ જ નામ આવે. એકદમ પોચા અને મોઢામાં મૂકતાંની સાથે ઓગળી જાય એવા મધમીઠા પેંડા અહીં મળે છે. અમરેલી ગામમાં વધારે વેચાણ એલચીવાળા સફેદ પેંડાનું જ છે અને અહીં પણ એ જ મળે છે અને ખૂબ ટેસ્ટી હોય છે.
કચ્છી પેડા 
કચ્છના માંડવીમાં સ્વામીજીની શેરી ખાતે ગાભાભાઈ પેંડાવાળાની પાંચ પેઢી જૂની દુકાન આવેલી છે. વર્ષોથી શેકેલા માવા અને કેસરના પેંડા અહીંના પ્રખ્યાત છે. તેમના પેંડાની ખાસિયત એ છે કે કાયમી ધોરણે એક જ સ્વાદ અને બનાવવાની પદ્ધતિમાં શુદ્ધતાની ગુણવત્તાને લીધે વખણાય છે. આ દુકાનના સંચાલક હાર્દિકભાઈ ઠક્કર જણાવે છે કે ‘પેંડા એ ભારતીય વાનગી છે, ફક્ત બનાવવાની પદ્ધતિ બધે અલગ હોય છે. લોકોને એમ લાગે કે કચ્છી પેડા એટલે બ્રાઉન રંગના બદામી પેંડા. પણ કચ્છી પેડાની તો વાત જ નિરાળી છે. અમારે ત્યાં શેકેલા માવાના એલચી પેંડા અને કેસર પેંડા લોકોમાં લોકપ્રિયતા જાળવે છે. એનું કારણ એ છે કે પેંડાની શેલ્ફ લાઇફ એક મહિના સુધીની છે જે ખરાબ થતા નથી અને તાજા રહે છે. આ ઉપરાંત કચ્છ આમ જોઈએ તો માવા માટે ફેમસ ગણાય છે. કચ્છી પેડા એ એક પ્રકારનો અર્ધ કઠણ, ભૂરા અને શેકેલા પેડા છે. એ કચ્છનાં સ્થાનિક ગામોમાં ખૂબ પ્રખ્યાત છે. 
ખાંભડાના પેંડા
આ બહુ ઓછી જાણીતી જગ્યા છે, પરંતુ ગુજરાતમાં બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે કષ્ટભંજન શ્રી હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે. ત્યાં નજીકમાં જ ખાંભડા ગામ આવેલું છે. ત્યાંના પેંડા બહુ વખણાય છે. ખાસ કરીને ઝાલાવાડી પેંડાની ખાસિયત કહું તો એ સામાન્ય કરતા મીઠા, સૂકા, કડક અને ઉપર જે-તે દુકાનનો સિક્કા મારેલો હોય છે. એટલે કે જો એ બૉક્સમાં ભર્યા હોય તો ખખડે છે. ઉપર દુકાનનો સિક્કો મારેલો હોય છે એટલે કે દુકાનનું નામ લખેલું હોય છે. ખાસ કરીને કેસર અને ઇલાયચી બે પ્રકારના પેંડા મળે છે. ખાંભડા ગામની બહાર બધા મંડપ નાખીને બેઠા હોય છે અને તમે ખરીદી શકો છો. અમદાવાદમાં થાબડી પેંડાનો બહુ ટ્રેન્ડ ચાલ્યો છે. જે મોતીચૂરના બુંદીના લાડુની બુંદી જેટલી સાઇઝના દાણાદાર માવામાંથી બનાવવામાં આવે છે. 

columnists Gujarati food mumbai food indian food