24 October, 2026 08:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાહુલ ગાંધી
‘તમારા માટે આ મહિનો બહુ સારો છે, પણ એક શરત છે : તમારે પૉઝિટિવ રહેવાનું છે. તમે રડતા રહેશો તો તમારા ગ્રહો પણ રડશે અને તમને આ મહિનાના તમારા ગ્રહોની શુભ સ્થિતિનો લાભ નહીં મળે.’
યુટ્યુબ ખોલો એટલે તરત જ એક પછી એક પ્રગટ થઈ જતા ભવિષ્યવેત્તાઓને સાંભળ્યા હશે તો આ શબ્દો પરિચિત લાગશે. ભલેને તમે જ્યોતિષમાં કે તેની આગાહીઓમાં ન માનતા હો, એક વાર આવા વિડિયો જોવાનું શરૂ કરો (પછી ભલે એ માત્ર કુતૂહલ ખાતર પણ થઈ ગયું હોય) તમે એ પૂરું કર્યા વિના મૂકી ન શકો. જોકે ઉપર જે વાક્ય ટાંક્યું છે એમાં એક વાત પૉઝિટિવિટીવાળી વાત - સાથે આપણે બધા જ લગભગ સહમત થઈશું.
તાજેતરમાં flydubaiની ફ્લાઇટના કૅપ્ટન સ્મિત મચ્છરના કેટલાક ઇન્ટરવ્યુ સાંભળ્યા ત્યારે આ પૉઝિટિવ ઍટિટ્યુડની પ્રચંડ તાકાતની ફરી એક વાર પ્રતીતિ મળી. ૩૦ સપ્ટેમ્બરે દુબઈથી ઇઝરાયલના તેલ અવીવ ઍરપોર્ટ જતી flydubaiની ફ્લાઇટ FZ1073માં પાઇલટ સ્મિત પર ઓમાની કો-પાઇલટ હમામ અલ-હમ્મામીએ અચાનક હુમલો કર્યો. ત્યાર બાદની ઘટનાઓ પૉઝિટિવિટીના પાવરનું એક જીવંત ઉદાહરણ છે. કોઈ વ્યક્તિ ‘હું મારી પ્રાર્થના કરી લઉં’ કહીને બીજી સેકન્ડે તમારા માથા પર કુહાડીથી પ્રહાર કરે, એ પણ વિમાનના કૉકપિટમાં જ્યાં વિમાનના ઉડ્ડયનની કમાન તમારા હાથમાં હોય અને વિમાન આસમાનમાં ૩૫,૦૦૦ ફીટની ઊંચાઈએ ઊડી રહ્યું હોય અને વિમાનમાં ૧૭૪ પૅસેન્જર સવાર હોય! તો શું થાય? કલ્પના કરતાં પણ ધ્રૂજી જવાય છે. સંવેદનશીલ અને કલ્પનાશીલ વ્યક્તિઓ તો એ સ્થિતિની કલ્પના કરતાં પણ હાથ-પગ પાણી-પાણી થઈ રહ્યા હોય એવો અનુભવ કરશે.
જોકે સ્મિત મચ્છર નામના એક ગુજરાતી ભારતીય પાઇલટે પોતાના જીવ પર થયેલા ભયંકર હુમલામાં ગંભીર રીતે જખમી થયા પછી તીવ્ર પીડા અને અર્ધબેભાનાવસ્થામાં પણ વિમાનના ઉતારુઓની સલામતી વિશે કાળજી કરી અને જાનના જોખમે સમયસૂચકતા વાપરીને કૉકપિટનો દરવાજો ખોલી નાખ્યો. તેનું આ જેસ્ચર એ વિમાન અને ઉતારુઓને બચાવવામાં સર્વોચ્ચ મહત્ત્વનું પગલું સાબિત થયું. કૅપ્ટન સ્મિત મચ્છર આટલી ભયાવહ કટોકટીની ક્ષણે આ કરી શક્યો એની પાછળ તેની પૉઝિટિવ માનસિકતાએ મોટી ભૂમિકા ભજવી. પ્રાર્થનાનું બહાનું કરીને સાથી પાઇલટે તેના પર આતંકી હુમલો કર્યો ત્યારે પોતાની સૌથી ભરોસામંદ વ્યક્તિની દગાબાજીને કે પોતાના પર તેણે કરેલા પ્રહારોની અસહ્ય પીડા
સહેતાં-સહેતાં તેણે કોઈ પણ નકારાત્મક લાગણી કે વિચારને પોષ્યા વિના સીધું લેવું જોઈએ એ જ પગલું – કૉકપિટનો દરવાજો ખોલી નાખવાનું – લીધું. એ એકમાત્ર સાચી દિશાના પગલાએ ત્યાર પછીનાં તમામ યોગ્ય પગલાં માટેની શક્યતા પણ ખોલી આપી. વિમાનના ક્રૂ-મેમ્બર્સ, પૅસેન્જર્સ, ડૉક્ટર અને પૅસેન્જર્સમાં હાજર બે પાઇલટ્સ! આ બધો જોગાનુજોગ એ વિમાન અને એના ઉતારુઓ જ નહીં, અન્ય કેટલીયે જિંદગી માટે પણ જીવનદાયી નીવડ્યો, મોતના મહાતાંડવને નાકામિયાબ બનાવવામાં સફળ રહ્યો. આપણે સૌએ આ ઘટના વિશે અનેક વાર સાંભળ્યું છે અને એનું નાટ્યાત્મક ચિત્રણ સ્ક્રીન પર નિહાળ્યું પણ છે. દરેક વખતે જોનારના મનમાં તે જાંબાઝ કૅપ્ટન સ્મિત માટે અહોભાવ, અભિનંદન અને આભારની લાગણી જન્મે છે અને એ ઈજાગ્રસ્ત યુવાન સત્વર સાજો-સારો થઈને હરતો-ફરતો થઈ જાય એ માટે લગભગ દેશ અને વિદેશના તમામ એ ભારતીયોએ પ્રાર્થના કરી હશે.
માત્ર ભારત જ નહીં; ઇઝરાયલ, અમેરિકા, યુરોપ, દૂરપૂર્વના અને દુનિયાભરના લોકો અને નેતાઓએ આ બહાદુર કપ્તાનની સૂઝબૂઝ, સહનશક્તિ, દૃઢ નિર્ધાર તથા માનવીય કન્સર્નની પ્રાથમિકતાને દિલ ખોલીને બિરદાવી છે. હૉસ્પિટલના બિછાના પરથી ઘાયલ સ્મિતને વડા પ્રધાન સાથે વાત કરતાં સાંભળનાર અને જોનાર સૌની આંખો ભીની થઈ હશે! દેશમાં ઠેર-ઠેર તેના સ્વાસ્થ્ય માટે થતી પૂજા-પ્રાર્થનાઓનાં દૃશ્યો પણ સ્પર્શી જનારાં હતાં. આમ કૅપ્ટન સ્મિત મચ્છર એક જ દિવસમાં કરોડો ભારતીય પરિવારનો જાણે આત્મીય સભ્ય બની ગયો હતો.
પણ હા, આ દેશમાં કેટલીક એવી વ્યક્તિઓ પણ નીકળી જેમને આ સમગ્ર ઘટના વિશે કંઈ જ કહેવાનું કે લખવાનું સૂઝ્યું નથી. અને હા, એ કોઈ તદ્દન અબુધ કે સામાન્ય માણસો નથી. કહેવાતા સુશિક્ષિત, પોતાની જાતને દેશની સમસ્યાઓ વિશે જાગૃત અને સચિંત નાગરિક ગણાવતા લોકો છે. સૌથી વધુ તો દેશની સંસદમાં વિપક્ષના નેતા તરીકે જાત-જાતના, માખી-મચ્છરના મુદ્દાઓ વિશે અવાજ ઉઠાવતા, પોતાને સમજાયા હોય એવા ઊપજાવી કાઢેલા મુદ્દાઓ વિશે જનજાગૃતિ ઊભી કરવા દેશભરમાં યાત્રાઓ કાઢતા અને કોઈ પણ પીડિત કે ઘાયલની ખબર કાઢવા તેના ઘરે દોડી જતા, તેની પીઠ પસવારીને તેના સ્વાસ્થ્યની પૃચ્છા કરતા રાહુલ ગાંધીએ આ ભારતીય કૅપ્ટનની અનન્ય બહાદુરી વિશે એક હરફ પણ ઉચ્ચાર્યો નથી. કેટલી નવાઈની વાત છે! રાહુલ ગાંધીએ ન તો તેની પ્રશંસા કરી છે, ન તેની સ્વાસ્થ્યપ્રાપ્તિ માટે કોઈ કાળજીભરી કમેન્ટ, પોસ્ટ કે ટ્વીટ પણ કરી છે. દેશ અને દુનિયામાં પણ ભારતીય પાઇલટની બે-મોઢે વાહ-વાહ થઈ રહી છે ત્યારે વિપક્ષી નેતાનું આ મૌન સૌને મૂંઝવી ગયું છે. સામાન્ય રીતે બોલકા નેતાની આ મુદ્દે વ્યાપેલી ચુપકીદીએ સોશ્યલ મીડિયા પર તરખાટ મચાવ્યો છે. કેટલાક લોકો લખે છે કે સ્મિત મચ્છરને વડા પ્રધાને પૂછ્યું કે આ હુમલો થયો ત્યારે તમારા મનમાં શું ચાલતું હતું? એના જવાબમાં તેણે કહેલું કે તે મનોમન હનુમાન ચાલીસા બોલી રહ્યો હતો અને પછી વડા પ્રધાને પુત્રમાં આવા સંસ્કારસિંચન બદલ તેનાં મમ્મી-પપ્પાની પ્રશંસા કરી હતી. બસ, એ વાત રાહુલ ગાંધીને કદાચ નહીં ગમી હોય. તો કેટલાકને લાગ્યું કે સ્મિત પણ વડા પ્રધાનની જેમ ગુજરાતી છે એ વાત રાહુલજીને ખટકી હશે. કેટલાક જાણકારોને લાગ્યું કે સ્મિતે એક ઓમાનીનું લક્ષ્ય પાર પડવા ન દીધું એથી સેક્યુલર રાહુલજીને ગુસ્સો આવ્યો હશે તો કેટલાક વાસ્તવદર્શીઓએ કહ્યું કે રાહુલજી તાજેતરમાં મોરચા-ધરણાંમાં કેટલા વ્યસ્ત હતા! એમાં સ્મિતની બહાદુરીની એ ઘટના તેમના દિમાગથી આઉટ થઈ ગઈ હશે. એવી તો નાની-નાની કેટલી બધી બાબતો હોય. બધી ક્યાંથી યાદ રહે? (ખરેખર, કહેવાતા સેક્યુલર વિશ્ળેષકોએ કેટલું ઊંડાણથી બધું જોવાનું હોય નહીં?!)
બાકી તમને નથી લાગતું કે રાહુલભાઈનું મૌન પૉઝિટિવિટીનો અભાવ અને નેગેટિવિટીના મહાપ્રભાવનું પરિણામ છે?
- તરુ મેઘાણી કજારિયા