પ્રેમ: જાનલેવા કે જાનદેવા?

05 July, 2020 08:52 PM IST  |  Mumbai | Dr Dinkar Joshi

પ્રેમ: જાનલેવા કે જાનદેવા?

તમે સમજણા થયા ત્યારથી અમુકતમુક શહેરના અમુકતમુક વિસ્તારમાં, અમુકતમુક સોસાયટીના ચોથા માળે ચાર-બેડરૂમના ટેરેસ-ફ્લૅટમાં રહ્યા છો. સરસ ફર્નિશ્ડ ફ્લૅટ છે. સવારે ઊગતા સૂર્યનાં કિરણો અને સાંજે આથમતા સૂર્યનો તડકો બન્ને મન ભરી દે એવાં છે. આ ફ્લૅટમાં તમારાં અમુકતમુક માતા-પિતા, અમુકતમુક ભાઈ-બહેન કે ભાઈભાભી પણ રહે છે. લિફ્ટ છે, પણ લિફ્ટને બદલે દાદરા કૂદીને ફટાફટ આવવું-જવું પણ તમને ગમે છે. બીજે અને ત્રીજે માળે અબડક, મિત્રો પણ વસે છે. નીચે કમ્પાઉન્ડમાં ખાસ્સાં વૃક્ષો છે અને પેલું લીમડાનું ઝાડ તો તમને બહુ જ ગમે છે. નવરાશનો બધો વખત તમે આ ઝાડ હેઠળ જ સખીઓ સાથે ગાળો છો.

અહીં તમે ઘણું રહ્યા. ૨૦ વર્ષ, ૨૨ વર્ષ, ૨૫ વર્ષ, કદાચ ૨૬ પણ થયાં હોય અને પછી અચાનક તમારી બદલી કરવામાં આવે. હવે કાલથી તમારે પેલા ડુંગરાળ પ્રદેશમાં તળેટીની પથરાળ ભૂમિકા પર પેલી સુંદર નદીના કાંઠે વસેલા ફલાણા ગામમાં વસવાનું છે. ત્યાં સરસ ઘર છે. ઘરમાં વસતા સરસ માણસો પણ છે. ઘરમાં સોઈસગવડ ભરેલી ઘરવખરી પણ છે. અભાવ કંઈ નથી, પણ કમ્પાઉન્ડમાં પેલું ઝાડ નથી. પેલો રૂપાળો સૂર્ય અને સૂર્યાસ્ત નથી. ફળિયામાં બે ગાયો બાંધેલી છે. આ ગાયોને ઘાસ નીરવાનું છે. દૂધ દોહવાનું છે.

અને આ બધા ઉપરાંત આ નવા વાતાવરણને, નવા માણસોને આ બધાને તમારે હવેથી ભરપૂર ચાહવાનાં છે. હવે પેલા ફલાણા ગામની બધી જ વાતો પાછળ હડસેલી દેવાની છે અને આ નવા ગામનું બધું જ માત્ર છાતી સાથે જ નહીં, અંદરના ઊંડાણમાં પણ ચીટકાવી દેવાનું છે. હવે આ તમારું છે, પેલું નહીં.

તમે જો સ્ત્રી હશો તો કદાચ આ કામ ઓછી મુશ્કેલીથી કરી શકશો. ઘડીક તો એમ થાય કે આ કામ કેવી રીતે થઈ શકે? જેની સાથે આજ સુધી ‌જિંદગી ઓતપ્રોત કરી નાખી છે એને વિસારી દઈને, હડસેલી દઈને. જેની સાથે એક પળનોય વ્યવહાર રાખ્યો નથી તેની સાથે વિવેક ખાતર વાતચીત થાય, પણ તેને કંઈ છાતીએ વળગાડી શકાય? છાતી કંઈ એવું ખોખું તો નથી કે જ્યારે ફાવે ત્યારે એકને ઉખેડીને બીજાને ચીટકાવી શકો.

વાત ગળે ઊતરે છે? લ્યો, ધીમે-ધીમે ઉતારો. એક કન્યા, માતા-પિતાની લાડકી, પૂરાં ૨૫ વર્ષ મનગમતા ઘરમાં પ્રિય લીમડાના ઝાડથી માંડીને મનગમતા વાતાવરણમાં રહી છે. શાળા-કૉલેજ, સખીઓ બધું જ મનગમતું. ત્યાં અચાનક પાસું બદલાય છે. કન્યાએ જ પસંદ કરેલા વર સાથે માતા-પિતા રાજીખુશી ધામધૂમથી પુત્રીનાં લગ્ન કરી આપે છે. પુત્રી પિતૃગૃહ ત્યજીને પતિગૃહે પેલા પથરાળ ગામના ટેકરી પર મોટા ઘરમાં જઈને વસે છે. સરસ નદી છે. અસંખ્ય વૃક્ષો છે, પણ કોણ જાણે કેમ બધું જ છે છતાં ખાલીપો લાગે છે.

અને આ ખાલીપો સમય જતાં અણગમામાં પણ ફેરવાઈ જાય એવું ન બને? ૨૫ વર્ષ સુધી જે ભારે મનગમતું હતું, જે પગથિયાં પણ કૂદવાનું ગમતું હતું એ બધું હડસેલીને નવેસરથી જિંદગી જીવવા માટે પતિથી માંડીને બધા જ માણસો ચાહવા માટે પણ નવા મળે. જે ફલાણા ગામમાં ગાયો કદી પંપાળવા મળી નહોતી ત્યાંથી આ બીજા શહેરમાં ગાયોને માતા તરીકે પૂજવી સાવ નવો અનુભવ હતો. આ શી રીતે બને? પ્રયત્ન કરો તો પણ આ પ્રયત્ન બૂમરૅન્ગ થયા વિના ઓછો રહેવાનો?

ગમા-અણગમાનો આ સંઘર્ષ પ્રેમના નામે, સંસારના નામે, પરિવારના નામે આગળ હંકારાઈ તો જાય, પણ એમાં વખત જતાં કોઈક ખાલીપો વધતો જાય એવું ન બને?

પ્રેમના નામે ગાંડાતૂર થઈ જતાં તરુણો જે રીતે પરણે છે અને પરણ્યા પછી, જેને પોતે ગઈ કાલે ઓળખતાં પણ નહોતાં તેના નામે જે પ્રેમનું વાદળ વરસવા માંડે છે એની આચાર્ય રજનીશે એક જગ્યાએ સમીક્ષા કરી છે. રજનીશજી કહે છે કે ‘જે રીતે કન્યાને નવા વાતાવરણમાં પહેલાં ખાલીપો અને પછી અણગમો થાય છે એ જ રીતે વરનો પણ કન્યા સાથેનો સંબંધ બહુ મામૂલી હોય છે. તેણે પણ કન્યા વિશે કવિતા વાંચી હોય છે. પ્રેમના નામે કન્યાની પોતાના જીવનમાં ખૂબ જરૂરિયાત છે એવું એ સમજી ચૂક્યો છે અને છતાં આ જરૂરિયાતને વહેવારમાં ઉતારવા માટે જે સંઘર્ષ થવા માંડે છે એનાથી એક ખાલીપો નિર્માણ થાય છે. અત્યાર સુધી તેનો પ્રેમ અને તેનું ચાહવું આ બધું વ્યાપક હતું. નિયમનાં તમામ બંધનો કલ્પિત હતાં. હવે એ બંધન બને છે. પરિણામે આ કહેવાતા સંબંધોમાં કશું સમજાય પણ નહીં એ રીતે અંતર થવા માંડે છે.

આ રીતે વધતા જતા અંતરમાં પેલો કહેવાતો પ્રેમ, ક્યારે અને ક્યાં જતો રહે છે અને છતાં વહેવારની એક સૂઝ-સમજ પૂરતો આ પ્રેમ ટકાવીને બન્ને પક્ષે બધું નભતું જાય છે, પણ નભવાનો આ વહેવાર પણ બેય પક્ષે કેટલી સહનશીલતા છે એના પર આધારિત છે. અંતે તો સહનશીલતાનો જથ્થો બેમાંથી એક પક્ષે વહેલાસર ખૂટવાનો જ છે. આ ખૂટેલો જથ્થો એક વાર અદાલતના આંગણે પહોંચી જાય છે. બન્ને પક્ષો પાસે પોતાનાં વાજબી કારણો હોય છે. વાજબી કોને કહેવા એનાં ટકોરાબંધ કારણો બન્ને પક્ષ પાસે હોય છે.

ખરી વાત એ છે કે જે બે પક્ષો પાસે પરસ્પર પૂરાં ૨૫ વર્ષ સુધી નાહવાનિચોવવાનો સંબંધ સુધ્ધાં નથી હોતો તેમને પ્રેમના નામે નિચોવી નાખવાં એ કોઈ રીતે વાજબી નથી. સંભવિત પણ નથી અને છતાં આને જ આપણે પવિત્ર અને શુદ્ધ વ્યવહાર કહીએ છીએ. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે આ મુદ્દાને લક્ષમાં રાખીને એક કવિતા લખી છે -  સિત્તેર-પંચોતર વર્ષની ઉંમરે કવિની આંખ ઝંખવાઈ ગઈ છે. હાથમાં પકડેલી કલમ ધ્રૂજી રહી છે. હાથમાં પડેલો કાગળ આંખની નજીક લઈ જાય છે ત્યારે કવિને કોઈ પૂછે છે, ‘હે કવિરાજ, હવે તમારી જીવનસંધ્યા આવી પહોંચી છે. તમારી આંખ હવે ઝંખવાઈ ગઈ, તમારા વાળ હવે સફેદ થઈ ગયા અને છતાં આ બધું લખવાનું કેમ છોડતા નથી?’ કવિએ હળવેકથી જવાબ આપ્યો, ‘રોજ સાંજ પડ્યે ૧૭ વર્ષની એક પનિહારી કન્યા ગામને પાદર કૂવાને કાંઠે પાણીનું બેડું ભરી રહી છે. ગોધૂલીની વેળા છે અને એ જ વખતે એક ગોવાળ ગામને પાદરેથી ગાયોનું ધણ લઈને આવી રહ્યો છે. આ ગોવાળ રોજ પેલી પનિહારીને જુએ છે તેના મનમાં રોજ આ કન્યાને કશુંક કહેવાનો ઉમંગ જાગે છે, પણ તે કહી શકતો નથી. તેના હોઠ ખૂલતા નથી. કૂવાકાંઠે પાણી ભરતી પેલી કન્યા પણ રોજ આ ગોવાળને જુએ છે પણ કંઈ બોલી શકતી નથી. રોજ બોલાયવા માગે છે પણ શું અને કેમ બોલવું એ જ સમજાતું નથી. બન્નેના મૌનની વાણી કોણ સમજશે? અને કોણ બોલશે? આ કામ કવિએ અને માત્ર કવિએ જ કરવું પડશે. કવિની ઉંમર આમાં ક્યાંય વિઘ્નહર્તા થશે નહીં.’

પ્રેમ ખાસ કરીને સ્ત્રી-પુરુષ વચ્ચેનો પહેલી નજરનો પ્રેમ અને ક્યાંથી આવે છે એ કોઈ જાણતું નથી. પ્રેમ વિશે ઘણું લખાયું છે. પ્રેમ જાનલેવા પણ છે અને જાનદેવા પણ છે. પ્રેમ વિશેની સચ્ચાઈ હજી અંતરિયાળ છે અને છતાં પ્રેમ વિશે વાતો કરીને શહીદ થનારાઓનો આંકડો નાનોસૂનો નથી.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

columnists dinkar joshi