મહિલા બોલતી હોય ત્યારે પુરુષ તેને ટોકે છે એ વાતમાં કેટલો દમ?

20 October, 2020 08:19 PM IST  |  Mumbai | Varsha Chitalia

મહિલા બોલતી હોય ત્યારે પુરુષ તેને ટોકે છે એ વાતમાં કેટલો દમ?

પ્રતીકાત્મક તસવીર

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી ડિબેટ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ દ્વારા ડેમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર કમલા હૅરિસને વારંવાર ટોકવામાં આવતાં સોશ્યલ મીડિયા પર આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટના બાદ પુરુષોના હસ્તક્ષેપનો સામનો કરી ચૂકેલી અનેક મહિલાઓએ પોતાના અનુભવ શૅર કર્યા હતા. તેમના બિહેવિયરના કારણે માઇકને ટ્વિટર પર જબરદસ્ત ટ્રોલ પણ કરવામાં આવ્યા. પુરુષો દ્વારા મહિલાઓને બોલતી અટકાવવી આ વિષય પર કેટલાંક રિસર્ચ થયાં છે. જ્યૉર્જ વૉશિંગ્ટન યુનિવર્સિટીના અભ્યાસ અનુસાર કોઈ વ્યક્તિ પોતાનાં મંતવ્યો રજૂ કરતી હોય ત્યારે તેને ટોકવી એ માનસિક બીમારીનાં લક્ષણો છે. મહિલાઓની તુલનામાં પુરુષો દ્વારા હસ્તક્ષેપ કરવાની સંભાવના ૩૩ ટકા જેટલી વધુ હોય છે. પારિવારિક, સામાજિક કે સ્પર્ધાત્મક વાતાવરણમાં પુરુષ પોતાને શક્તિશાળી બતાવવા આવી હરકત કરતો હોવાનું તારણ નીકળ્યું છે ત્યારે વાચકોનું આ સંદર્ભે શું કહેવું છે એ જાણીએ

બીજાની વાત કાપવી એ માનવ સ્વભાવ છે - મોનીષ શાહ, આર્કિયોલૉજિસ્ટ ઍન્ડ બિઝનેસમૅન

માઇક પેન્સ દ્વારા કમલા હૅરિસને બોલતાં અટકાવવામાં આવી ત્યાર બાદ જાગેલા વિવાદમાં સ્ત્રી-પુરુષ જાતિભેદ અથવા બીજાં કારણો હોઈ શકે છે. આ પહેલાં ટ્રમ્પે જો બાઇડનને ટોક્યા હતા. ગઈ ચૂંટણી વખતે ડિબેટ દરમિયાન હિલેરી ક્લિન્ટન બોલતાં હતાં ત્યારે પણ ટ્રમ્પે અંદાજે પચાસ વાર તેમને અટકાવ્યાં હતાં. વાસ્તવમાં ટ્રોલિંગને જેન્ડર સાથે નહીં, પબ્લિસિટી અને અસલામતીની ભાવના સાથે જોડવું જોઈએ. ડે ડુ ડે લાઇફમાં કોઈ વ્યક્તિ પોતાનાં મંતવ્યો રજૂ કરતી હોય ત્યારે તેની વાતને વચ્ચેથી કાપી નાખવી એ માનવ સ્વભાવ છે. સામેની વ્યક્તિના પૉઇન્ટને સાંભળીએ અને પછી કરેક્ટ કરીએ તો ઘણીબધી સમસ્યાઓ ઉકેલાઈ જાય, પરંતુ આપણો એવો દુરાગ્રહ હોય છે કે પહેલાં મને સાંભળો. આ માનસિકતાના કારણે ઘણી વાર આપણે કોઈનું સાંભળતા નથી. પરુષપ્રધાન સમાજમાં ૭૦ ટકા મહિલાઓને પોતાના અભિપ્રાયો રજૂ કરવાની સ્વતંત્રતા નથી એ વાત સાચી છે. ફૅમિલી મૅટરમાં પુરુષનો નિર્ણય સર્વોપરી ગણાય છે. સ્ત્રીનું પોતાનું અલગ અસ્તિત્વ છે અને બધી રીતે સક્ષમ છે એ સ્વીકારવું પુરુષો માટે અઘરું તો છે જ. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈએ તો દરેક વ્યક્તિમાં સ્ત્રી અને પુરુષ બન્ને પ્રકારનાં હૉર્મોન હોય છે. આપણાં શાસ્ત્રોમાં દ્રવ્ય પુરુષ અને ભાવ પુરુષ તેમ જ દ્રવ્ય સ્ત્રી અને ભાવ સ્ત્રી એવો ઉલ્લેખ છે. એનો અર્થ પુરુષમાં થોડાં સ્ત્રીનાં અને સ્ત્રીમાં થોડાં પુરુષનાં લક્ષણો છે. જે સ્ત્રીમાં પુરુષભાવ વધુ હોય તે સત્તા ભોગવી શકે છે. આવી સ્ત્રીઓ પુરુષને બોલતાં અટકાવી શકે છે અને પોતાની વાત મનાવી પણ શકે છે.’

સોશ્યલ મીડિયા પર વિવાદ ઊભો કરવાનો ટ્રેન્ડ - પારુલ સિરોદરિયા, ઍન્કર

ટ્વિટર, રી-ટ્વીટ, મેસેજિસ કે વિડિયો સર્ક્યુલેટ કરવા અથવા ન્યુઝ ચૅનલમાં અમુક વાતોને ચગાવીને પ્રેક્ષકોનું ધ્યાન ખેંચવું એ ટ્રેન્ડ બની ગયો છે. સોશ્યલ મીડિયા યુઝર્સ માટે એક વર્ડ છે, નવરી બજાર. માંડ દસ ટકા યુઝર્સ પોતાના કે બીજાના ગ્રોથ માટે આ પ્લૅટફૉર્મનો ઉપયોગ કરતાં હશે. મોટા ભાગના યુઝર્સ ગતાગમ પડે કે ન પડે ઝંપલાવી દે છે. એમાંય કમલા હૅરિસ મહિલા છે અને તેને ટોકવામાં આવી એટલે સોશ્યલ મીડિયા પર પુરુષોનો ઊધડો લઈ જ લેવાનો. મારા મતે આ કેસમાં વાતનું વતેસર કરવામાં આવ્યું છે. માત્ર સ્ત્રીઓને જાહેરમાં બોલતાં અટકાવી દેવામાં આવે છે એ‍વું નથી. ન્યુઝ ચૅનલ પર આપણે જોઈએ છીએ કે અમુક પત્રકારો સામે મહિલા હોય કે પુરુષ કોઈને બોલવા જ નથી દેતા. એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડ સાથે જોડાયેલી હોવાથી પબ્લિક પ્લૅટફૉર્મ પર લોકો મને ધ્યાનથી સાંભળે છે. અંગત જીવનમાં પણ હસબન્ડ કરતાં હું વધારે બોલું છું. તેમની વાત પૂરી થાય એ પહેલાં બોલવાનું શરૂ કરી દીધું હોય એવું ઘણી વાર બન્યું છે. એનો અર્થ એ નથી કે મેં તેમને ટોક્યા છે. બોલકણો સ્વભાવ હોવાથી અનાયાસે વચ્ચે બોલાઈ જાય છે. ટોકવું એ મિસબિહેવિયર છે એને સ્ત્રી કે પુરુષના દૃષ્ટિકોણથી તોલવાની જરૂર નથી. જોકે ફૅમિલી મીટિંગ, સોસાયટીની મીટિંગ, સામાજિક મંચ કે રાજકારણમાં કોઈ ટોકશે તો એવા ભયથી સામાન્ય રીતે સ્ત્રીઓ બોલવાનું ટાળે છે. મને અટકાવવામાં આવશે એવું ધારી લેવાની જરૂર નથી. આવા અનુભવો પુરુષોને પણ થતા હોય છે.’

મહિલાના હાથમાં પાવર પુરુષોને સ્વીકાર્ય નથી - દક્ષા પરીખ, ટ્યુટર

વિશ્વના કોઈ પણ ખૂણામાં જાઓ, પુરુષોની માનસિકતા સરખી જ જોવા મળશે. સ્ત્રી સશક્તિકરણ, આર્થિક સ્વતંત્રતા કે સ્ત્રીના હાથમાં સત્તા સોંપવાની વાતો રીલ લાઇફ સ્ટોરી છે, રિયલ લાઇફમાં પુરુષો એને પચાવી શકતા નથી. કંગના રનોટથી લઈને કમલા હૅરિસ સુધીનાં દૃષ્ટાંતો જોઈ લો, વુમન પાવરફુલ હોય એ સમાજને અને પુરુષોને સ્વીકાર્ય નથી. કદાચિત કોઈ મહિલા હિંમત કરીને ઝાંસી કી રાની બનવા જાય તો તેને પછાડવા બધા તત્પર હોય છે. તેઓ ગંભીર વિષય પર ચર્ચા કરતી હોય કે પોતાનાં મંતવ્ય રજૂ કરતી હોય ત્યારે વચ્ચે અટકાવી દેવામાં આવે છે. તેમના પૉઇન્ટ ખરેખર સારા અને વિચારવા લાયક હોય છે તેમ છતાં પોતાના પૉઇન્ટને પ્રૂવ કરવા ઘણી મથામણ કરવી પડે છે. કેટલીક વાર પીછેહઠ પણ કરવી પડે છે. તેઓ સત્તા ભોગવે એમાં પુરુષોને પોતાની અસલામતી દેખાય છે. પબ્લિક પ્લૅટફૉર્મ હોય કે ઘરની અંદર કોઈના સપોર્ટ વગર મહિલાઓની વાતની નોંધ લેવાતી નથી. વડીલોની હાજરી અને પારિવારિક દબાણના કારણે મોટા ભાગના કેસમાં તેમને પોતાનો મત જતો કરવો પડે છે. તેમને આંખના ઇશારાથી સમજાવી દેવાય છે કે મોઢું બંધ રાખવાનું છે. સામાજિક જીવનમાં આ વાત અનુભવી છે. જોકે પોતાનું વર્ચસ્વ ધરાવતી જૂજ મહિલાઓ છે ખરી. હસબન્ડ પર કે ફૅમિલીના અન્ય પુરુષો પર તેમનો પૂરેપૂરો ક‍ન્ટ્રોલ હોય છે પણ આવી વાત બહાર આવતી નથી.’

મહિલાના અભિપ્રાયથી પુરુષનો અહં ઘવાય છે - હિતેશ મહેતા, બિઝનેસમૅન

મહિલાને બોલતી અટકાવવા પાછળ કારણો અને તર્ક હોઈ શકે છે. છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં રંગભેદનો મુદ્દો ગરમાયો છે. કમલા હૅરિસ બ્લૅક છે અને મહિલા પણ, તેથી વાઇટ પુરુષોનો અહમ ઘવાયો હોય એવું ચિત્ર સામે આવ્યું છે. બીજું એ કે ચૂંટણી ટાણે સ્પર્ધાત્મક માહોલમાં આ પ્રકારની ઘટના ઘટે એ સામાન્ય છે. હા, મહિલાઓ પોતાની શકિતનો પરિચય આપે એ મોટા ભાગના પુરુષોને ગમતું નથી એવું રિસર્ચ સો ટકા સાચું છે. મહિલા શક્તિશાળી હોય તો પુરુષનો ઈગો હર્ટ થાય છે. જોકે કેટલીક જગ્યાએ પદ, પરિસ્થિતિ અને આર્થિક સ્વતંત્રતાના લીધે તેમની વાતનું વજન પડે છે. મહિલા બૉસને તમે બોલતાં અટકાવી ન શકો. આપણા દેશમાં નોકરિયાત મહિલાઓની સંખ્યા ઓછી હોવાથી તેઓ પુરુષ સામે બોલી શકતી નથી. તેમને નાનપણથી જ પુરુષના અભિપ્રાયો અને નિર્ણયોને સ્વીકારતાં શીખવાડવામાં આવ્યું હોવાથી પોતાનો પક્ષ રાખવાની હિંમત કરતી નથી. ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયન વુમન ઑફિસમાં કદાચ બોલી શકતી હશે પણ ઘરમાં તો ચૂપ રહેવાનું જ પસંદ કરે છે, કારણ કે આખરે તો તેને પુરુષ સાથે જીવવાનું છે. આપણો સમાજ સ્ત્રીને બોલવાની પરવાનગી આપતો નથી. જો બોલવા જાય તો પુરુષના હસ્તક્ષેપનો સામનો કરવો પડી શકે છે. મારું માનવું છે કે દરેક મહિલામાં નિર્ણયો લેવાની ગજબની શક્તિ છે. અનેક બાબતોમાં તેઓ સાચી હોય છે. કેટલીક વાર તેમની વાતને ગંભીરતાથી ન લીધા બાદ પુરુષો પસ્તાય છે તેમ છતાં સ્વીકારી શકતા નથી.’


દરેકના ઓપિનિયન સાંભળો તો જ ગ્રોથ થાય - દેવેન્દ્ર મહેતા, બિઝનેસમૅન

સફળ થવું હોય તો સાંભળો વધુ અને બોલો ઓછું. આ વાતને પ્રોફેશનલ અને પર્સનલ લાઇફમાં અક્ષરશઃ ઉતારી છે. ભગવાને એટલા માટે જ આપણને કાન બે અને મોઢું એક આપ્યું છે. બિઝનેસ ગ્રોથ માટે મહિલા હોય કે પુરુષ, બન્નેના ઓપિનિયન મહત્ત્વના છે. મેલ ડૉમિનેટિંગ બનો તો નુકસાન આપણું જ થાય. અમે ફાર્મા ફીલ્ડ સાથે સંકળાયેલા છીએ અને અડધોઅડધ સ્ટાફ મહિલા છે. ગ્રાઉન્ડ લેવલ પર શું ચાલે છે, તેમની સમસ્યાઓ શું છે તેમ જ આગળની સ્ટ્રૅટેજી માટે દરેક સ્ટાફ મેમ્બરના સજેશન અને પ્રૉબ્લેમ્સને સાંભળવા જ જોઈએ. મારું માનવું છે કે દરેક વ્યક્તિ પાસે પોતાના આઇડિયાઝ હોય છે. જો તમે તેને બોલવા જ ન દો તો ઇમ્પ્લીમેન્ટ કઈ રીતે થાય? જોકે હજીયે મોટા ભાગના ભારતીય ઘરમાં પુરુષોનું વર્ચસ્વ છે. ઘણીખરી બાબતમાં મહિલાઓના અભિપ્રાયોને નજરઅંદાજ કરવામાં આવે છે અથવા તેને બોલતાં અટકાવી દેવામાં આવે છે એ સ્વીકારું છું, પરંતુ દરેક જગ્યાએ તમે પુરુષ હોવાનો લાભ લઈ ન શકો. કમલા હૅરિસ અને માઇક પેન્સની વાત કરીએ તો એમાં પણ મને નથી લાગતું કે મહિલા હોવાના કારણે તેને ટોકવામાં આવી હતી. સાંભળવાની ધીરજ ન હોય એવી કોઈ પણ વ્યક્તિ બીજાની વાતમાં હસ્તક્ષેપ કરી શકે છે. અમેરિકામાં ચૂંટણી છે તેથી સોશ્યલ મીડિયા પર
માસ પબ્લિકને ટાર્ગેટ કરવા એને ચગાવવામાં આવી હોય એવું બની શકે. મારા મતે આ બાબતને જાતિ સાથે જોડવાની જરૂર નથી.’

Varsha Chitaliya columnists