જાતીય રોગ હોય, પણ ઍઇડ્સ ન હોય એવું શક્ય છે?

30 December, 2020 07:51 AM IST  |  Mumbai | Dr. Ravi Kothari

જાતીય રોગ હોય, પણ ઍઇડ્સ ન હોય એવું શક્ય છે?

પ્રતીકાત્મક તસવીર

સવાલ: હું ૨૪ વર્ષનો છું. મારાથી ઉંમરમાં દસેક વરસ મોટા એવા ફ્રેન્ડ સાથે છેલ્લા બે વરસથી સજાતીય સંબંધો ધરાવું છું. જોકે હું કમ્પ્લીટ ગે નથી. મને ફીમેલ્સનું પણ અટ્રેક્શન છે. તેમની સાથે એન્જાય પણ કરું છું છતાં મને કંઈક નવીનતા માટે પુરુષ સાથે સંબંધ રાખવામાં મજા આવે છે. અત્યારે સમસ્યા એ છે કે હું જે પાર્ટનર સાથે સેક્સ માણતો હતો, તેને હમણાં સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝને કારણે પેનિસ પર ચાંદા પડ્યા છે. જોકે તેનું કહેવું છે કે તેની એચઆઇવી ટેસ્ટ નેગેટિવ છે. મને સમજાતું નથી કે જાતીય રોગ હોય, પણ ઍઇડ્સ ન હોય એવું શક્ય છે? મને હજુ સુધી તેના જેવા કોઈ લક્ષણો નથી દેખાયા.  શું મને પણ એ ચેપ લાગ્યો હોઈ શકે? અમે પરસ્પર હસ્તમૈથુન, ઓરલ સેક્સ અને એનલ સેક્સ પણ કર્યું  છે. તે કમ્પ્લીટ ગે છે અને તેને બીજા સંબંધો પણ છે. આવા સંજોગોમાં મને પણ ચેપ લાગવાની શક્યતાઓ કેટલી?

જવાબ: તમે ખૂબ જોખમી રસ્તે ઘણું આગળ નીકળી ગયા છો. મલ્ટીપલ પાર્ટનર ધરાવતા ગે સંબંધોમાં ઘણું રિસ્ક છે. જોકે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ એટલે માત્ર એચઆઇવી જ નથી હોતો. એમાં સિફિલિસ, ગોનોરિયા જેવા અનેક બીજા પ્રકારના ચેપ પણ હોય છે. તમારા ફ્રેન્ડને શું થયું છે એ તમે કહ્યું નથી. એસટીડી હોય અને એચઆઇવી પૉઝિટિવ ન હોય એવું બની શકે છે. જોકે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ ધરાવનારાઓને એચઆઇવીનું ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ ખૂબ જ વધુ છે. સાથે જ એચઆઇવી નહીં તો તેને જે રોગ થયો છે એ તમને પણ થાય એવી શક્યતા નકારી ન શકાય.

તમે હાથે કરીને ગળે તલવાર મૂકી છે. હવે તમારે થોડોક સમય ધીરજપૂર્વક કામ લેવાનું છે. સૌથી પહેલાં તો સારા સેક્સોલૉજિસ્ટને મળીને જાતીય રોગો સંબંધી જરૂરી ટેસ્ટ કરાવવી જોઈએ. માત્ર એચઆઇવી જ નહીં, અન્ય ડિસીઝ માટે પણ. એચઆઇવી સિવાયના ઘણા યૌનસંક્રમિત રોગો છે જે સમયસર નિદાન   અને સારવાર કરાવી લેવાથી મટી જાય છે ને જો સારવાર ન કરવામાં આવે તો ભારે તકલીફ કરી શકે છે. એટલે શરમાયા વિના ટેસ્ટ કરાવીને નિર્ણય લઈ લો.

columnists dr ravi kothari sex and relationships