ક્રીએટિવિટી માટે ડ્રગ્સ લેવું અનિવાર્ય છે?

27 September, 2020 05:27 PM IST  |  Mumbai | Kana Bantwa

ક્રીએટિવિટી માટે ડ્રગ્સ લેવું અનિવાર્ય છે?

પ્રતીકાત્મક તસવીર

આંગળી વચ્ચે સિગારેટ ઝૂલતી હોય, કશ લગાવીને ધુમાડાના ગોટા હવામાં તરતા મુકાયા હોય પછી જ કલમ ચાલે, વ્હિસ્કીનો પેગ લગાવ્યા પછી જ મગજના દરવાજા ખૂલે અને તિલસ્મી દુનિયામાં પ્રવેશ્યા પછી જ કવિતા બહાર આવે, ગાંજો કે અન્ય નશો કર્યા પછી જ સ્ટેજ પર કે કૅમેરા સામે પર્ફોર્મ કરવાનો અસ્સલ મૂડ આવે એવું કહેનારા અઢળક મળી આવશે. પોતાને ક્રીએટિવ કહેવડાવનારા મોટા ભાગના લોકો નશાને જસ્ટિફાય કરવાની કોશિશ કરતા જોવા મળશે. જ્યાં ક્રીએટિવિટી છે, સર્જન કરવાનું છે, મગજ અને મનની મર્યાદાઓને ઉલ્લંઘીને કશુંક નવું નીપજાવવાનું છે, કશુંક સર્જવાનું છે ત્યાં નશાની જરૂર કેમ પડવા માંડે છે? બૉલીવુડમાં ડ્રગ્સના દૂષણનો મુદ્દો હમણાં નૅશનલ ઇશ્યુ બની ગયો છે. દીપિકા પાદુકોણ સહિતની અભિનેત્રીઓ અને કેટલાક અભિનેતા કે ફિલ્મજગત સાથે જોડાયેલી સેલિબ્રિટીઓ ડ્રગ્સ લેતી હોવાનું બહાર આવી રહ્યું છે. બૉલીવુડની કોઠીને જેટલી ધોવામાં આવશે એટલો કાદવ વધુ નીકળશે. માટીની કોઠીની વિટંબણા એ હોય છે કે જ્યાં સુધી કોઠી રહે ત્યાં સુધી કાદવ નીકળતો જ રહે. કોઠી પોતે જ કાદવની, ગારાની, માટીની બનેલી હોય છે. બૉલીવુડ પણ કાદવનું જ બનેલું છે, કાદવમાં ખીલેલું કમળ નથી.

ખરેખર ક્રીએટિવિટી અને નશાને કોઈ સંબંધ છે ખરો? આ પ્રશ્ન આજકાલથી નહીં, સદીઓથી પુછાતો રહ્યો છે. એક એવી માન્યતા દૃઢ થઈ ગઈ છે કે હેરોઇન, એલએસડી, અફીણ, ગાંજો, દારૂ, તમાકુ વગેરે નશાકારક પદાર્થો ક્રીએટિવિટી વધારે છે. એ સર્જનાત્મકતાને કિક મારે છે. માનસશાસ્ત્ર આ મુદ્દે સ્પષ્ટ નથી. તે ખોંખારીને એમ પણ નથી કહી શકતું કે કોઈ જ સંબંધ નથી. હા, કેટલાક માનસશાસ્ત્રીઓએ એવું સ્વીકારવા માંડ્યું છે કે બન્ને વચ્ચે કોઈક સંબંધ છે ખરો, પણ એક્ઝૅક્ટ્લી કેવો સંબંધ છે, નશો કરવાથી ખરેખર ક્રીએટિવિટી વધે છે કે કેમ એ કહી શકાય નહીં. સમસ્યા એ છે કે વિજ્ઞાન હજી મગજને જ પૂરું જાણી શક્યું નથી, મનને જાણવાની તો વાત જ પછી આવે. ક્રીએટિવિટી મનની પેદાશ છે. જે છે એનાથી કશુંક નવું, અલગ, અદ્ભુત આપવું એ ક્રીએટિવિટી. અને નવું આપવા માટે નવું વિચારવું પડે. વિચારની સીમાઓ તોડવી પડે. મર્યાદાઓ લાંઘવી પડે. ક્રીએટિવ મગજ બીજાથી અલગ વિચારે છે. સ્થાપિત ધારણાઓ, પ્રમેયો, નિયમોને બાજુમાં રાખીને વિચારે છે. એટલે જ નવું સર્જી શકે છે, પણ બૉલીવુડમાં નશાની લતને બે ભાગમાં વહેંચીને જોવી પડે. લોકપ્રિયતાને લીધે થતો નશો અને ક્રીએટિવિટી માટે થતો નશો. જે લોકો મોટા જનસમુદાયમાં લોકપ્રિય હોય એવા કલાકારો, ગાયકો, લેખકો વગેરેમાંના ઘણા નશો કરતા થઈ જાય છે. માઇકલ જૅક્સન હોય કે બીટલ્સ હોય કે દીપિકા પાદુકોણ હોય કે કંગના રનોટ હોય, તેમની લોકપ્રિયતા તેમને નશા તરફ ઢસડી જાય છે, કેટલાક લોકો અચાનક જ લાઇમલાઇટમાં આવી જાય છે, તેને ફ્રેમ મળી જાય છે, નામના થઈ જાય છે. આવા લોકો પોતે કંઈક અલગ જ માનવી હોવાનું માનવા માંડે છે. સામાન્ય જનતા કરતાં પોતાને સ્પેશ્યલ ગણવા માંડે છે. તેઓ સ્વકેન્દ્રી બની જાય છે, નાર્સિસિસ્ટ બની જાય છે. જેમને પ્રસિદ્ધિ મળી જાય તેમને લાગે છે કે તેઓ નિયમો અને કાયદાઓથી પર છે. તેમને ગમે તે કરવાની છૂટ છે. તેમને લાગે છે કે તેઓ અસામાન્ય છે. દેવના દીધેલ છે. નવાઝુદીન સિદ્દીકી કહે છેને, ‘કભી કભી તો લગતા હૈ કી અપુન હી ભગવાન હૈ.’ તેમને લાગે છે કે કાયદાઓ તેમને માટે નથી. આ માન્યતા તેમને ગમે તે કરવા પ્રેરે છે. પ્રસિદ્ધિ વગર, સ્ટારડમ વગર પોતે કેવા છે એ તેઓ ભૂલી જાય છે. નશો તેમને પોતાની આ માન્યતા ટકાવી રાખવામાં મદદ પણ કરે છે. તેઓ પોતાની અંદરનો ખાલીપો ભરવા માટે, શૂન્યાવકાશ ભરવા માટે તેઓ નશો, સેક્સ વગેરે બહારના સોર્સનો આશરો લે છે પણ, અંદરની રિક્તતા ક્યારેય બહારની ચીજોથી ભરાતી નથી.

બીજો મુદ્દો ક્રીએટિવિટીનો છે. મોટા ભાગની સેલિબ્રિટીઓ પોતાને ક્રીએટિવ માનવા માંડતી હોય છે. બધી સેલિબ્રિટી ક્રીએટિવ હોતી નથી. ક્રીએટિવ માઇન્ડને કિકની જરૂર હોય જ એવું નથી. કિક ન મળે તો પણ તેઓ કશું ને કશું સર્જતા જ રહે છે, પણ જે વાસ્તવમાં ક્રીએટિવ નથી તેમને માટે કિક અનિવાર્ય છે. અને નશાની કિક વાગ્યા પછી પણ તેઓ ખરેખર કશું સર્જન કરી શકે છે કે નહીં એ બાબતે વિવાદ હોય છે. ક્રીએટિવિટી બહારથી આવી ન શકે, પણ એને વધારી શકાય, ઝટકો આપી શકાય એવું હવે મનાવા માંડ્યું છે. સાઠના દાયકામાં માનસશાસ્ત્રી અને લેખક ટીમોથી લેરીએ એવું પ્રતિપાદિત કર્યું કે નશાકારક ડ્રગ્સનો ઉપયોગ શારીરિક અને માનસિક રોગોમાં લાભદાયક છે. આ પછી આખો સિનારિયો બદલાઈ ગયો. અત્યારે આવા ડ્રગ્સનો ઉપયોગ રોગની સારવારમાં વ્યાપક પ્રમાણમાં થવા માંડ્યો છે. ટીમોથીએ લખ્યું છે કે ‘ડ્રગ્સથી અશરીરી અનુભવ નથી થતા, પણ અશરીરી અનુભવ માટેની ચાવી ડ્રગ્સ છે. એ મનના દરવાજા ખોલી નાખે છે, તે નર્વસ સિસ્ટમને સામાન્ય ઘરેડમાંથી મુક્ત કરી દે છે.’

નશીલા પદાર્થો ક્રીએટિવિટી પેદા નથી કરતા, પણ મનને એ મોકળાશ આપે છે. આવા પદાર્થો લીધા પછી માણસ સામાજિક બંધનોની અને નિયમોની સાંકળ તોડીને વિચારી શકે છે. તેનાથી મનને રોકનાર સામાન્ય સંસ્કારોની અસર ઢીલી થઈ જાય છે. સાઇકેડેલિક ડ્રગ્સ મગજને માન્યતાઓ, વિચારધારા, ગૃહિતો, કાબૂ, નિયમો વગેરેથી છોડાવે છે. મગજ આ બધાથી પર થઈને વિચારી શકે છે. આ અસર હંમેશાં પૉઝિટિવ જ હોય એવું નથી. તેની નેગેટિવ અસરો વધુ છે. નશેડીઓ ગુનાખોરી કરતાં અચકાતા નથી, અસામાજિક કામ કરતાં તેમને સંકોચ થતો નથી. અનૈતિક બાબતો પણ તેમને સામાન્ય લાગવા માંડે છે, કારણ કે ડ્રગ્સે તેના મનનાં બંધનો ખોલી નાખ્યાં હોય છે એટલે ક્રીએટિવિટીમાં ફાયદો થાય કે ન થાય, આ બધાં નુકસાન તો થાય જ છે, પણ જેમનો વ્યવસાય જ કશુંક ક્રીએટિવ કામ કરવાનો, સર્જન કરવાનો છે તેમની સમસ્યા અલગ હોય છે. તેમને વારંવાર એવું લાગે છે કે સર્જન નહીં થાય. નવું કશું નહીં આવે. અલગ નહીં કરી શકાય. ઘરેડમાંથી બહાર નીકળવું જ મુશ્કેલ થઈ ગયું હોય. સર્જનાત્મકતાનો કૂવો ડૂકી ગયો હોય એવું લાગવા માંડે છે. મેસ્કેલાઇન, એલએસડી, એમડીએ વગેરે ડ્રગ્સ એસ્થેટિક સમજ વિસ્તારવા માટે, આર્ટિસ્ટિક ટેક્નિક વધુ પાવરફુલ બનાવવા માટે, કલ્પનાને અલગ જ ઊંચાઈએ પહોંચાડવા માટે કલાકારો, સંગીતકારો વગેરે દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. મારીજુઆનાનો ઉપયોગ દુનિયાને જોવાની દૃષ્ટિ બદલવા માટે કરવામાં આવે છે.

મગજને તર કરી દેતા, સાતમા આસમાને પહોંચાડી દેતા ડ્રગ્સને માનસશાસ્ત્રની ભાષામાં સાઇકો ઍક્ટિવ સબસ્ટન્સ કહેવામાં આવે છે. એનાથી વિચારવાની ધારા બદલાઈ જાય, ઊલટી થઈ જાય છે. એક જ દિશામાં ચાલવા માટે તાલીમ પામેલા વિચારો અલગ દિશામાં ચાલવા માંડે છે. નહેરમાં વહેતું પાણી અચાનક નહેરના પાળા તૂટે અને પોતાને ફાવે એ દિશામાં વહેવા માંડે એમ ડ્રગ્સ વિચારોને કશા જ નિયંત્રણ વગર વહેતા કરી દે છે. નશો કરનાર સમય અને સ્થળનાં બંધનોથી મુક્ત થઈ જાય છે, તેને પોતે સંપૂર્ણ અનિયંત્રિત હોવાનો અનુભવ થાય છે. આને લીધે તે અલગ જ વિચારવા પ્રેરાય છે. તેને ઇલ્યુઝન અને હેલ્યુસિનેશન થવા માંડે છે. જે વસ્તુનું અસ્તિત્વ નથી એ દેખાવા માંડે છે. કોઈ ઐતિહાસિક ઘટનામાં પોતે હાજર હોવાનું પણ તે અનુભવી શકે છે. પશ્ચિમનાં કેટલાંય ઐતિહાસિક મહાકાવ્યો નશાની અસર હેઠળ લખાયાં હોવાનું મનાય છે. આ બધું જ ક્રીએટિવિટી પેદા કરનારા નથી, પણ એને કિક મારનાર જરૂર છે, પણ એ કિક માટે મગજ પોતે ક્રીએટિવ હોવું જરૂરી છે. કૂવામાં હોય તો હવાડામાં આવે. એટલે દરેક નશો કરનાર ક્રીએટિવ નથી બની જતો, ૯૯ ટકા નશેડીઓનું જીવન પાયમાલ થઈ જાય છે. તેને સામાજિક અને શારીરિક નુકસાન તો જાય જ છે, પોતે માનસિક રીતે પણ એટલો તૂટી જાય છે કે કશા જ કામનો રહેતો નથી. નશાની લત તેને બધી જ રીતે ખતમ કરી નાખે છે.

સેલિબ્રિટીઓને મોંઘો નશો પોસાય છે અને એમાંથી છૂટવા માટેના ખર્ચ પણ પરવડે છે. દીપિકા પાદુકોણ અગાઉ ડિપ્રેશનમાં જતી રહી હતી ત્યારે નશો જ જવાબદાર હશે એવું હવે માની શકાય, પણ તેની પાસે નશાથી છૂટવા માટે ખર્ચ કરવાની તાકાત છે. સામાન્ય માનવી નશાની લતમાંથી છૂટવો મુશ્કેલ છે. બૉલીવુડની હસ્તીઓ તો બહુ જ નાનો વર્ગ છે, જે નશો કરે છે. આ દેશમાં પૈસાપાત્ર યુવાનોનો બહુ મોટો વર્ગ એવો છે જે ડ્રગ્સના નશાના રવાડે ચડેલો છે. બૉલીવુડના ડ્રગ્સ-કનેક્શનની આડપેદાશ તરીકે પણ યુવાનોમાં ડ્રગ્સનું ચલણ ઓછું કરવા માટેના પ્રયત્ન થશે તો અત્યારનો ગોકીરો લેખે લાગ્યો ગણાશે.

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના છે, ન્યુઝપેપરના નહીં)

columnists kana bantwa