ગર્ભપાત ગુનો છે?

15 May, 2022 12:46 PM IST  |  Mumbai | Dr. Dinkar Joshi

ગર્ભધારણ એ માનવજાત પર પરમાત્માને યોજેલી સાતત્યની પ્રક્રિયા છે. માતૃત્વ ધારણ કરીને પ્રત્યેક સજીવ પ્રાણી પોતાના અસ્તિત્વનું સાતત્ય જાળવી રાખે છે. એ સાતત્યને તોડી પાડવાનો અધિકાર કોઈને હોય ખરો?

પ્રતીકાત્મક તસવીર

ગાંધીજીએ એક વાર એવું પણ કહ્યું છે કે સંતાનપ્રાપ્તિની ઇચ્છા વિના પતિ-પત્ની વચ્ચે થયેલો સમાગમ એ પાપ છે. ભારે આંચકો આપે એવું આ નિવેદન છે. બીજા બધા તો ઠીક, ખુદ જવાહરલાલે ગાંધીજીના આ નિવેદનનો વિરોધ કરતાં કહ્યું છે કે ગાંધીજીની વાત માનીએ તો હું પણ એક મોટો પાપી છું અને પાપાચાર આચરું છું

ગર્ભપાતના મુદ્દે અમેરિકી સમાજમાં આજકાલ ભારે ઊહાપોહ થઈ રહ્યો છે. સાંપ્રત સમયમાં ગર્ભપાત એ અપરાધ નથી. જે સ્ત્રીને માતા બનવું નથી એ સ્ત્રીને પરાણે માતા બનવાની ફરજ પાડવી એ મુદ્દો વિચારણીય તો છે જ, પણ જો માતા બનવું નહોતું તો પછી માતૃત્વ ધારણ કરવાની પ્રક્રિયામાંથી તેણે પસાર થવું જોઈતું નહોતું. એ પ્રક્રિયામાંથી તે પસાર થઈ ચૂકી છે અને હવે એ પ્રક્રિયાના ફળસ્વરૂપે તે પોતાના દેહમાં બીજા કોઈકનો જીવ ધારણ કરી રહી છે. એનો અર્થ જ એ થયો કે આ તેની જવાબદારી છે અને તેણે એ સમજપૂર્વક સ્વીકારી છે.

હંમેશાં સમજપૂર્વક નથી હોતી
જોકે માતૃત્વની આ ધારણા સમજપૂર્વકની જ હોય છે એવું કહેવું સમજણ વિનાનું છે. આનું સૌથી ઉત્તમ ઉદાહરણ ૧૯૭૧માં બંગલાદેશના નિર્માણ વખતે નજર સામે આવ્યું હતું. પાકિસ્તાનની લશ્કરના જનરલ ટીકા ખાને પોતાના સૈનિકોને હડકાયાં કૂતરાંની જેમ બંગલાદેશ પર છોડી મૂક્યા હતા. આ હડકાયાં કૂતરાંની લૂંટફાટ અને કત્લેઆમ તો હોય જ છે, પણ આ ઉપરાંત સ્ત્રીઓ તેમનું પહેલું નિશાન હોય છે. આજેય કાશ્મીરમાં આતંકવાદીઓએ પંડિતો પર જે હુમલો કર્યો છે એમાં સૌપ્રથમ તરાપ સ્ત્રીના દેહ પર જ મારવામાં આવી છે. બંગલાદેશના યુદ્ધની સમાપ્તિ પછી શેખ મુજીબુર રહેમાન નવા રચાયેલા દેશના પ્રથમ પ્રમુખ બન્યા પછી બીજા અને ત્રીજા મહિને હજારો સ્ત્રીઓએ પ્રમુખને આવેદન આપ્યું કે તેઓ દુશ્મનોના અમાનુષી જુલમોનો ભોગ બનીને શરીરમાં તેમના અસ્તિત્વનો સ્વીકાર કરી રહી છે. આ સ્વીકાર બળજબરી છે અને જો આ બાળક પૂરા નવ મહિના પછી જન્મ લેશે તો અમે એની માતા ગણાઈશું. અમે આવા અમાનુષી કૃત્યમાં સાથે રહીને માતા બનવા તૈયાર નથી. માતા બહુ જ પવિત્ર શબ્દ છે અને જો અમે આ જોર-જબરદસ્તીથી ધારણ કરેલા બાળકને જન્મ આપીશું તો આજીવન અમે એને સહન નહીં કરી શકીએ.

આ બાળક સમાજમાં મોટું થઈને એક વર્ગ તરીકે આપણા નજર સામે રહેશે એનાથી આખા દેશે ભારે સહન કરવું પડશે.

મૂળ વાત ગર્ભપાતની છે. આ સ્ત્રીઓ ગર્ભપાત કરાવીને માતૃત્વમાંથી મુક્ત થવા માગતી હતી. આ મુક્તિનું કારણ માતૃત્વની અવહેલના નહોતું. એક રીતે આ ગર્ભપાત માતૃત્વ અને પવિત્ર રાખવા માટે જ હતું. મુસ્લિમ ધર્મ ગર્ભપાતને પાપ ગણે છે. આને કારણે સત્તાવાર રીતે આવા હજારો ગર્ભપાત ગેરકાનૂની ઠરતા હતા. કોઈ ડૉક્ટર કે હૉસ્પિટલ આ માટે તૈયાર ન થાય. આમ હોવાથી આ સ્ત્રીઓએ શેખ મુજીબુર રહેમાનને વિનંતી કરી કે એક આ પ્રસંગ પૂરતું ઇસ્લામી કાયદો મોકૂફ રાખીને તેમને ગર્ભપાત માટે કાયદેસર મંજૂરી આપવામાં આવે. કહે છે કે આ પછી બંગલાદેશની સરકારે આવી સત્તાવાર ઘોષણા ન કરી, પણ ગર્ભપાતની પ્રક્રિયાને આંખ આડા કાન કરીને હળવી કરી દીધી.

ગર્ભપાત : પાપ કે પુણ્ય
ગર્ભધારણ એ માનવજાત પર પરમાત્માએ યોજેલી સાતત્યની પ્રક્રિયા છે. માતૃત્વ ધારણ કરીને પ્રત્યેક સજીવ પ્રાણી પોતાના અસ્તિત્વનું સાતત્ય જાળવી રાખે છે. સ્ત્રી અને પુરુષ બે બીજા રચનાઓ પાછળનું રહસ્ય જીવનનું સાતત્ય છે. એ સાતત્યને તોડી પાડવાનો અધિકાર કોઈને હોય ખરો? માની લો કે આવો અધિકાર કોઈ વાપરે તો એ ઈશ્વરના આદેશની વિરુદ્ધ ન કહેવાય? અહીં બીજો પ્રશ્ન એ પેદા થાય છે કે શું પ્રાણી માત્ર નવસર્જનની પ્રક્રિયા દ્વારા વૃદ્ધિ કરતું જ રહેવાનું? વૃદ્ધિને પણ એક મર્યાદા હોવી જોઈએ. વૃદ્ધિથી પાર વગરની સામાજિક સમસ્યાઓ પેદા થાય છે. આ સમસ્યાઓ સમગ્ર સમાજને ડહોળી નાખે છે. ગાંધીજીએ એક વાર એવું પણ કહ્યું છે કે સંતાનપ્રાપ્તિની ઇચ્છા વિના પતિ-પત્ની વચ્ચે થયેલો સમાગમ એ પાપ છે. ભારે આંચકો આપે એવું આ નિવેદન છે. બીજા બધા તો ઠીક, ખુદ જવાહરલાલે ગાંધીજીના આ નિવેદનનો વિરોધ કરતાં કહ્યું છે કે ગાંધીજીની વાત માનીએ તો હું પણ એક મોટો પાપી છું અને પાપાચાર આચરું છું.

જૈન ધર્મ શું કહે છે? 
ગર્ભધારણ અને ગર્ભપાત વિશે જગતમાં લગભગ તમામ ધર્મોએ કંઈ ને કંઈ કહ્યું છે. આ બધા જ ધર્મ ગર્ભપાતનો સ્વીકાર કરતા નથી અને આમ છતાં ક્યાંક ને ક્યાંક એક આપત્તિ નિવારણ તરીકે એનો આડકતરો સ્વીકાર પણ કરે છે. પ્રત્યેક સ્ત્રી-પુરુષનો સંબંધ બાળકને ધારણ કરવાના પરિણામ તરફ જ જાય છે એવું હોતું નથી અને આમ છતાં પ્રત્યેક તંદુરસ્ત સંબંધ જીવને ધારણ કરવાનું સામર્થ્ય ધરાવે છે. શરીરશાસ્ત્ર તબીબી વિજ્ઞાન એમ કહે છે કે પ્રત્યેક સંબંધમાં જે પ્રવાહી મુક્ત થાય છે એ પ્રવાહીના એકેએક બિંદુમાં જીવ ધારણ કરવાની શક્તિ છે. આ શક્તિને લક્ષમાં રાખીને જૈન ધર્મે પણ આવા સંબંધને પરિણામે હજારો હત્યાઓ થાય છે એવી ગણતરી પણ માંડી છે. આમ હોવાથી જૈન ધર્મ આને શુદ્ધ પાપાચાર કહે છે.

આમ વ્યાવહારિક માર્ગ શું છે? 
શરીરશાસ્ત્રનું આ વિજ્ઞાન સાચું હોય અને જો એને ધર્મ સાથે સાંકળીને તપાસવામાં આવે તો પ્રાણીશાસ્ત્રની પ્રકૃતિ - પરમાત્માએ જે પ્રદાન કરેલી છે એ અને સમાજકારણની સ્થિરતા જે મનુષ્યે પેદા કરેલી છે. આ બધું ધ્યાનમાં લેતાં પાપાચારને સમજવો પડશે. આ સમજણ માણસજાતના શાણપણ સાથે સંબંધ ધરાવે છે. પાપ અને પુણ્ય બંને સમજવાં સહેલાં નથી. આમાં વિવેકબુદ્ધિ એ જ સૌથી પ્રબળ અવયવ છે. વિવેકબુદ્ધિ સહેલી નથી એ સમજવા છતાં આશરો એનો જ લેવો પડશે.

 

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં છે, ન્યુઝપેપરનાં નહીં)

columnists dinkar joshi