પુરુષની પ્રભુતા

19 November, 2020 09:31 PM IST  |  Mumbai | Ruchita Shah

પુરુષની પ્રભુતા

પુરુષની પ્રભુતા

જી હા, એક સ્ત્રી જો દેવી સ્વરૂપ હોઈ શકે તો પુરુષ પ્રભુતુલ્ય કેમ ન હોઈ શકે? ગુણો પર કોઈ જેન્ડરના કૉપીરાઇટ્સ થોડા છે? પુરુષ પણ પ્રેમતુલ્ય હોઈ શકે છે, પ્રેરણાનો ધોધ બનીને સ્ત્રીના જીવનને સંવારતો હોય છે. પુરુષના આ જ પાસાને આજે ઇન્ટરનૅશનલ મેન્સ ડેના દિવસે ઉજાગર કરીએ. કોઈ પણ સ્વરૂપે પુરુષ પાત્ર કે પાત્રોની હાજરીએ જેમના જીવનને મીનિંગફુલ બનાવ્યું છે એવી કેટલીક માનવંતી મહિલાઓ સાથે ગુફ્તગૂ કરીએ

તમને થશે મહિલા દિવસ હોય ત્યારે પણ મહિલાઓના ઇન્ટરવ્યુ અને પુરુષ દિવસ હોય ત્યારે પણ મહિલાઓ સાથે વાત. યે ક્યા બાત હુઈ? વેલ, દર આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસે આપણે પુરુષોના ગુણોની, સ્વભાવની અને તેમની સામે ઊભા થયેલા પડકારોની વ્યાખ્યા કરતી પાર વગરની વાતો આ જ માધ્યમ પર કરી ચૂક્યા છીએ. આજે વાતો નહીં, અનુભવો પર નજર કરીએ. એક પુરુષ જો પોતે પોતાના વિશે બોલે તો અપને મુંહ મિયાં મિઠ્ઠુ જેવું લાગશેને? એટલે જ અમે મહિલાઓને પૂછ્યું પુરુષો વિશે. પોતપોતાના ક્ષેત્રમાં ડંકો વગાડનારી અગ્રણી મહિલાઓએ શું કહ્યું એ જાણવા વાંચો આગળ.

મારી ઓળખ ઊભી કરવામાં પિતા, ભાઈ, પુત્ર અને પતિની ભૂમિકાને વર્ણવી શકું એમ નથી ઃ સ્વરૂપ સંપટ, એજ્યુકેશન ઍક્ટિવિસ્ટ

આપણે ત્યાં સ્ત્રી-પુરુષના સમાન અધિકારની વાત થાય છે. મહિલાઓને સમાન અધિકાર મળવા જોઈએ, પણ ત્યારે એ ન ભુલાવું જોઈએ કે પુરુષોને પણ સમાન રાઇટ્સ છે જ. કંઈક આ રીતે વાતની શરૂઆત કરીને શિક્ષણ ક્ષેત્રે ખૂબ બધું કામ કરી રહેલાં એજ્યુકેશન ઍક્ટિવિસ્ટ અને અભિનેત્રી સ્વરૂપ સંપટ કહે છે, ‘અમારા પરિવારમાં ૧૨૦ વર્ષમાં હું પહેલી દીકરી જન્મી હતી. ભાભી, મમ્મી બધાં હતાં પરંતુ એ છતાં મારા ઉછેરમાં અમારા ઘરના પુરુષોનો બહુ મોટો રોલ રહ્યો છે. પિતા, ભાઈઓ, પતિ અને પછી દીકરાઓ એમ સતત પુરુષો વચ્ચે રહી છું. તેમના તરફથી ભરપૂર પ્રેમ, વાત્સલ્ય અને આદર મળતા રહ્યા છે. મારું ‘મિસ ઇન્ડિયા’નું ફૉર્મ મારા પપ્પાએ ભર્યું હતું. મને સારામાં સારું એજ્યુકેશન અપાવવામાં પપ્પાની મુખ્ય ભૂમિકા હતી. મારો કવિતા પ્રત્યેનો ઝુકાવ મારા પિતાને કારણે છે. આજે પણ હું મારું નામ સ્વરૂપ સંપટ લખું છું એ મારો નિર્ણય નથી. લગ્ન પછી મારી સરનેમ નહીં બદલવી એ મારા પતિનો નિર્ણય હતો. મને ફરી ઍક્ટિંગમાં જોડાવા, ફરીથી ભણવાનું શરૂ કરવામાં પરેશનું ભરપૂર એન્કરેજમેન્ટ મળ્યું છે. મને યાદ છે કે મારા બન્ને છોકરાઓ ટેન્થ અને ટ્વેલ્થમાં હતા અને મેં ફરી ૩૮ વર્ષની ઉંમરે પીએચડીનો અભ્યાસ શરૂ કર્યો ત્યારે મારા સન મને ખૂબ સપોર્ટ કરી રહ્યા હતા. આજે પણ હું કામ કરું છું, હું ગામડાંઓમાં જઈને ભણાવું છું, મારી વ્યસ્તતાને સમજીને તેઓ મારો પક્ષ લઈને મારી સાથે ઊભા હોય છે. મારા જીવનનાં પુરુષપાત્રો હંમેશાં સાથે રહ્યાં છે, ક્યારેય સામાં નહીં. પુરુષ પ્રત્યેની સામાજિક માનસિકતાઓ બદલવાની જરૂર છે. પુરુષમાં પણ સંવેદનશીલતા છે. મારા બન્ને દીકરાઓ મારા કરતાં વધુ સંવેદનશીલ છે. પરેશ મારા કરતાં વધુ લાગણીશીલ છે. મારા નાના દીકરા અનિરુદ્ધને મળો તો ખબર પડે કે મારા કરતાં મારી મમ્મીની કૅર અનિરુદ્ધ વધારે રાખે છે. અમારા ઘરમાં તેની રૂમ બેસ્ટ છે, કારણ કે તેણે બહુ બધા ફ્લાવર્સવાળા પ્લાન્ટ્સ પોતાની રૂમમાં ઉગાડ્યા છે. છ ફુટ ચાર ઇંચનો અને દેખાવમાં ટફ છોકરો સંવેદનશીલ હોઈ શકે છે એ વાત નવેસરથી સમાજે સમજવાની અને પોતાના સંતાનોને ઉછેરતી વખતે એ સમજાવવાની જરૂર છે.’

‘સ્વતંત્રતા મારા ખિસ્સામાં હતી કે હું તેને આપું? તે સ્વતંત્ર છે જ’  આ વિચાર મારા જીવનના પુરુષપાત્રએ મને વારસામાં આપ્યો છેઃ  સોનલ શુક્લ, ઍક્ટિવિસ્ટ

સફળ સ્ત્રીની પાછળ પણ એક પુરુષનો હાથ હોઈ શકે છે અને એ બાબતમાં છેલ્લાં ૩૩ વર્ષથી સ્ત્રી સશક્તિકરણની દિશામાં નક્કરતા સાથે કામ કરતી સંસ્થાનાં સ્થાપક સોનલ શુક્લ ખાસ્સાં નસીબદાર છે. પિતા નિનુ મઝુમદાર અને પતિ હિમાંશુ શુક્લ બન્નેએ સોનલબહેનના માર્ગને સુગમ બનાવવામાં અને પોતે ક્યારેય એમાં નડતર નહીં બનવાની ભૂમિકા સુપેરે નિભાવી છે. સોનલ શુક્લ કહે છે, ‘મારા પિતા તો ખેર પહેલેથી જ સ્ત્રી-પુરુષના ભેદથી પર હતા. ૧૯૫૪માં જ્યારે કૌમુદીબહેન સાથે તેમનાં લગ્ન થયાં ત્યારે એ જમાનામાં ‘અટક બદલવાની શું જરૂર છે’ કહીને તેમની ઓરિજિનલ અટકને અકબંધ રહેવા દીધી હતી. ૧૯૮૦માં મેં જ્યારે લખવાનું શરૂ કર્યું ત્યારે પુરુષો દ્વારા થતાં ખોટાં કાર્યોને જલદ ભાષામાં પ્રસ્તુત કરતી ત્યારે કોઈ વિરોધ ઘરમાંથી નથી થયો. અરે મને યાદ છે કે એક વાર કાન્તિ ભટ્ટે પિતાને પૂછ્યું કે તમે દીકરીને પહેલેથી સ્વતંત્રતા આપી છે? ત્યારે પપ્પાનો જવાબ હતો, ‘એ થોડી મારા ખિસ્સામા હતી કે હું તેને આપું? તમે એમ કહો કે તેને મળેલી સ્વતંત્રતા મેં છીનવી નથી. દરેકને સ્વતંત્રતા જન્મ સાથે જ મળે છે.’ પિતા વ્યક્તિગત સ્વંત્રતાને આ સ્તર પર સ્વીકારતા હતા. ૧૯૮૧માં નારી કેન્દ્ર ઘરેથી શરૂ થયું જે ચાર વર્ષ ચાલ્યું. ૩૩ વર્ષ વાચાનું કામ ઘરમાં જ ચાલ્યું. મારા પતિએ ક્યારેય એમાં અડચણ ઊભી નથી કરી. ઊલટાનું, તેમણે મને સગવડ આપી. ચા-પાણી-નાસ્તા, લાઇટ બિલ કે જગ્યા એ બધું જ તેમના ખર્ચ પર ચાલ્યું છે. વાચાની મહિલાઓ માટેની લાઇબ્રેરી અને કિશોરી કેન્દ્ર પણ મારા ઘરમાં જ શરૂ કર્યું હતું. કોઈ વિરોધ નહીં પણ બનતો સપોર્ટ. લોકોને એમ હતું કે હું નારી અત્યાચારનો વિરોધ કરું છું એટલે પુરુષનો વિરોધ કરું છું. એક જણે તો હિમાંશુને પૂછેલું પણ કે તારી વાઇફ ફેમિનિસ્ટ છે તો તમારી વચ્ચે ઝઘડા નથી થતા? હિમાંશુએ સામો સવાલ કર્યો કે કેમ ભઈલા તારે નથી થતા? વરબૈરી હોય તો નાની-મોટી નોંકઝોક તો થાય. ફેમિનિસ્ટ છે એટલે વધારે ઝઘડા નથી થતા. એ રીતે ખરેખર હું નસીબદાર છું. પરંતુ આપણે ત્યાં સ્ત્રી સ્વાતંત્ર્યને તેનો અધિકાર ગણનારા ખૂબ ઓછા છે આજે પણ. જોકે એનાથી નુકસાન પુરુષોનું પણ પુષ્કળ થયું છે. મુઠ્ઠીભર પુરુષોની પુરુષપ્રધાન માનસિકતામાં પુરુષે ભડવીર રહેવાનું, કમાવાનું, મર્દ કા બચ્ચાની ખોટી ભ્રમણાઓ ભરી વાતોમાં પુરુષનું સ્વાતંત્ર્ય ઘવાયું છે, તે પણ અંદરોઅંદર પિસાઈ રહ્યો છે. ’

૧૪ વર્ષના અમારા સંગાથમાં પ્રવીણ જોશીનો મારા જીવનને અર્થપૂર્ણ બનાવવામાં બહુ મોટો રોલ રહ્યો છે ઃ સરિતા જોશી, પીઢ અભિનેત્રી

‘માત્ર પતિ તરીકે તો ખરા જ પરંતુ કલાકાર તરીકે પણ પ્રવીણ જોશીએ મને નાટકના ક્ષેત્રમાં ખૂબ સાથ આપ્યો છે.’ માનવંતાં પીઢ અભિનેત્રી સરિતા જોશીના આ શબ્દો છે. ગુજરાતી રંગભૂમિથી લઈને ફિલ્મો અને સિરિયલોમાં પોતાની ઍક્ટિંગથી ડંકો વગાડનારાં સરિતા જોશી આગળ કહે છે, ‘જીવનમાં સતત આપણને શીખવે, આપણને ઉપયોગી બને એવી વ્યક્તિઓ ઘણી હોય છે. પિતા, ભાઈ, દીકરી, જમાઈ, આપણે જેની સાથે કામ કરીએ એ દિગ્દર્શકો, કલાકારો એ બધા સાથે કોઈકને કોઈક ઋણાનુબંધ બંધાતો હોય છે. ઇન ફૅક્ટ હું તો આગળ વધીને ત્યાં સુધી કહીશ કે વ્યક્તિગત રીતે પરિચય ન હોવા છતાં સરહદ પર દેશની રક્ષા કરતો જવાન અને હૉસ્પિટલમાં જીવના જોખમે સારવાર કરતો ડૉક્ટર આ બધા માટે આદર હોય, તેમનો આભાર માનવાનું મન થાય. આ એવાં ક્ષેત્રોની વાત કરી જ્યાં પુરુષોનું પ્રમાણ વધારે છે. જોકે ખરેખર નામ લઈને કહેવું હોય તો પ્રવીણ જોશીનું નામ સૌથી પહેલું કહીશ. યસ, મારા જીવનને અર્થપૂર્ણ બનાવવામાં તેમનો ખૂબ મોટો રોલ રહ્યો છે. હું તેમની પત્ની હતી એ રીતે તો તેમણે સાથ નિભાવ્યો જ પરંતુ કલાકાર તરીકે તેમની પાસેથી જે માર્ગદર્શન મળ્યું, પ્રત્યેક પાત્રની પસંદગીમાં, એને અદા કરવાની ભૂમિકામાં સતત તેમની પાસેથી હું શીખી છું. તેમની હાજરીમાં જે પણ નાટકો કર્યાં, સારામાં સારાં પાત્રો મળ્યાં અને ભજવી શકાયાં, એમાં સતત તેમનું અપ્રીશિયેશન મળ્યું. થિયેટરમાં મારી જે જગ્યા બની એમાં તેમની બહુ મોટી ભૂમિકા છે. ખાસ એક નાટકની વાત કરવી હોય તો ‘સંતુ રંગીલી’ કહીશ. મધુ રાય અને પ્રવીણ જોશીના આ આ નાટકે મને પ્રેક્ષકોના હૃદયમાં જીવંત સ્થાન અપાવી દીધું. મારા અસ્તિત્વનો એક ભાગ બની ગયો. કોઈ પણ સ્ત્રી એક પુરુષ પાસેથી પ્રેમ, હૂંફ અને આદરની જ અપેક્ષા રાખતી હોય છે. જો પોતાના પ્રિયજન પાસેથી આ ત્રણ બાબતો મળતી હોય તો તે ગર્વથી ફરી શકતી હોય છે.’

સ્વતંત્રતા સંગ્રામ વખતે જોયેલી ઘરના પુરુષ સભ્યોની નિષ્ઠા અને ગાંધીજીનો બહુ ઊંડો પ્રભાવ મારા જીવન પર પડ્યો ઃ ઇલા ભટ્ટ

૮૮ વર્ષની ઉંમરે પણ અવાજમાં નક્કરતા અને મીઠાશનો અદ્ભુત સમન્વય તમને ઇલા ભટ્ટ સાથે વાત કરો તો અનુભવવા મળે. આખું જીવન જેમણે ગામડાની અન્ડર પ્રિવિલેજ્ડ મહિલાઓના ઉત્થાનમાં લગાવી દીધું એ ઇલાબહેનને સમાજે બનાવેલા સ્ત્રી-પુરુષના ભેદ માફક નથી આવતા. સેલ્ફ-એમ્પ્લૉઇડ વિમેન્સ અસોસિએશન (સેવા)નાં સ્થાપક ઇલાબહેન કહે છે, ‘સ્ત્રી-પુરુષના ભેદનો છેદ ઉડાવી એકબીજાનો ડર દૂર કરીને મૈત્રીપૂર્ણ ભાવને મહત્તા આપવાનો આ સમય છે. આવો મૈત્રીભાવ મેં જોયો છે. નાનપણમાં મારા દાદા, પિતાજી, કાકા એમ બધા જ સ્વાતંત્ર્ય સંગ્રામનો હિસ્સો હતા. મારું ઇન્ટરનું ભણવાનું ચાલુ હતું ત્યાં સુધી દેશને આઝાદી નહોતી મળી. એ સમયે ઘરમાં દેશદાઝનો, મૂલ્યનિષ્ઠાનો અને સાથે જ વ્યક્તિગત અધિકારને જાળવવાનો માહોલ મેં જોયો છે. દરેક સંજોગમાં સ્ત્રી ઉત્થાનની અને સમાનતાની ભાવના મારા પરિવારના પુરુષ સભ્યોમાં જોઈ છે. એ સિવાય ગાંધીજીનો મારા પર ખૂબ પ્રભાવ પડ્યો. તેમને હું વ્યક્તિગત ક્યારેય મળી નથી છતાં તેમનામાં ઘણી ફેમિનાઇન ક્વૉલિટી હતી જેનાથી તેમની મૂલ્યનિષ્ઠ વાતો પ્રત્યે આત્મીયતા જાગી. માતૃત્વનો, શ્રેષ્ઠ વ્યવસ્થાપકનો, સ્નેહશીલતાનો ગુણ માત્ર સ્ત્રીઓમાં જ હોય એવું નથી, પુરુષોમાં પણ હોય છે. જોકે તેમના આ ગુણોને ખીલવાનો માહોલ નથી મળતો. હું ઇન્સ્ટિટ્યૂટમાં જોઉં છુંને કે યંગ છોકરાઓ પણ અંદરથી એકલા પડી ગયા છે. તે પોતાની વાત કહી નથી શકતા અને સહી નથી શકતા. આપણી માન્યતામાં કેટલાક પાયાના ફેરફાર કરવાનો આ સમય છે.’

ખરા અર્થમાં મારા હસબન્ડ અને મારો દીકરો મારા માટે પૂરક છે અને પડછાયાની જેમ મને સતત સપોર્ટ કરે છેઃ રૂપલ પટેલ, ઍક્ટ્રેસ

‘રસોડે મેં કૌન થા?’ થોડાક અઠવાડિયા પહેલાં આ એક ડાયલૉગ સાથે ગીતનું રીમિક્સ એટલું ચગ્યું એટલું ચગ્યું કે વાત ન પૂછો. એક ડાયલૉગને રીમિક્સ વર્ઝનમાં કન્વર્ટ કરનારા યશરાજ મુખાટેને જેટલી ક્રેડિટ જાય છે એટલી જ ક્રેડિટ આ ડાયલૉગ બોલનારાં રૂપલ પટેલને પણ જાય‍ છે. ડેઇલી સોપનાં અગ્રણી ઍક્ટ્રેસ રૂપલ પટેલ જોકે જીવનની તમામ પળોમાં પોતે અડગ રહી ચૂક્યા છે કારણ કે હસબન્ડ અને દીકરાનો સાથ સતત રહ્યો છે. તેઓ કહે છે, ‘ઘરના કામમાં સપોર્ટ કરવો કે તમને કંઈક કરવાની પરમિશન આપવી એટલી જ બાબતને હું સપોર્ટ સિસ્ટમ નથી ગણતી. તમે લીધેલા નિર્ણયોને રિસ્પેક્ટ આપવો, સતત તમારી દરેક સ્થિતિમાં અડગ રહીને સાથ આપવો, નબળી ક્ષણોમાં તમને સાચવી લેવા, તમારા મનમાં બોજ જન્મે જ નહીં એ રીતની તમામ વ્યવસ્થાઓ જનરેટ કરવી આ બધી જ બાબત મહત્ત્વની છે. એ બાબતમાં મારા પરિવારના દરેક સભ્ય સાથે રહ્યા છે. ઈવન મારા કઝિન્સ, પપ્પા, સસરા બધા જ. જોકે એક છત નીચે રહીને મારા બાવીસ વર્ષના દીકરા હર્ષિત અને હસબન્ડ રાધાકૃષ્ણન દત્તાનો સપોર્ટ પડછાયાની જેમ મળ્યો છે. ક્યારેક અપેક્ષા પ્રમાણે પરિણામ ન મળ્યું હોય અને હું નિરાશ થઈ હોઉં તો એ લોકો મારા માટે આશાઓની દુનિયા ઉઘાડે. પુરુષ તમારા માટે ખૂબ મહત્ત્વનું પાસું બની જાય જ્યારે એ તમારા પર રોફ જમાવ્યા વિના તમારી સાથે તમારી ખૂટતી બાબતોમાં પૂરક બની ગયા હોય. મારો દીકરો અને હસબન્ડ બન્ને સૉફ્ટ સ્પોકન અને ખૂબ જ ધીરજવાન છે. હું ક્યારેક અકળાઈ જાઉં પણ એ લોકો એ સમયે મારામાં ન હોય એ ક્વૉલિટીની ફરજ પોતાના તરફથી પૂરી કરી દે. અત્યારે એ લોકો વિનાના જીવનની કલ્પના હું કરી શકતી નથી.’

columnists ruchita shah