વરસનો વચલો દિવસ : ધોકો, શૂન્ય દિવસ

15 November, 2020 01:47 PM IST  |  Mumbai | Kana Bantwa

વરસનો વચલો દિવસ : ધોકો, શૂન્ય દિવસ

તેજ, ઓજસનું પર્વઃ દીપોત્સવ માત્ર અંધકાર પર ઉજાસના વિજયનું પર્વ નથી, એ ઊર્જાનું પર્વ છે. નવા વર્ષમાં પ્રવેશતાં પહેલાં જૂનું બધું જ અગ્નિને અર્પણ કરીને નવા તરફ, નવી જ શક્તિ સાથે, નવા ઉલ્લાસ સાથે પ્રમાણ કરવાનું પર્વ છે.

વરસનો વચલો દિવસ એ આજનો દિવસ. ન જૂના વર્ષનો ગણાય, ન નવા વર્ષનો. સત્તાવાર રીતે દિવાળીએ વર્ષ પૂરું થયું, નવું વર્ષ હજી આવતી કાલે શરૂ થશે. આજનો દિવસ તિથિ વગરનો દિવસ. નામ વગરનો દિવસ એટલે નામ પડી ગયું ધોકો. ધોખો ઉપરથી પડ્યું હશે આ નામ? આમ તો આને શૂન્ય દિવસ કહેવો જોઈએ; જેનો પોતાનો કોઈ ભાર ન હોય, કોઈ પ્રમાણ ન હોય, કોઈ માત્રા ન હોય, કોઈ બિરુદ ન હોય, કોઈ નિશ્ચિત કામ ન હોય, કોઈ ઉપયોગ ન હોય એવો દિવસ મહાશૂન્ય જેવો દિવસ. દરેક દિવસને એક માહાત્મ્ય, એક માત્રા, એક વૅલ્યુ, એક સંજ્ઞા છે. ધોકો આ તમામથી રહિત છે. બધાથી સંપૂર્ણ મુક્ત. એને કોઈ અંજન નથી. એને કોઈ રંગ ચડ્યો જ નથી. એને કોઈ રાગ અડ્યો જ નથી. નથી એને પોતાની કોઈ ઓળખ કે નથી એને કોઈ ભાર. ધોકા જેવી કેટલીક ક્ષણો હોવી જોઈએ. ધોકા જેવો થોડો સમય હોવો જોઈએ. ધોકા જેવી સ્વની સ્થિતિ ક્યારેક તો હોવી જોઈએ; જ્યારે બધી પળોજણથી મુક્તિ હોય, બધાથી અલિપ્તતા હોય, જ્યારે દુનિયાએ આપેલી ઓળખ ઓગળી જતી હોય, જ્યારે કોઈ પદ, કોઈ નામ-ઉપનામ, બહારથી મળેલું કશું જ ઓઢ્યું ન હોય એવો પણ થોડો સમય હોવો જોઈએ. પંચાંગમાં ધોકો આવી શકતો હોય, વેકેશન આવી શકતું હોય, અવકાશ આવી શકતો હોય તો જીવનમાં શા માટે ન આવે?
ભૂતકાળમાં બનેલી ઘટનાઓ, વર્તમાનમાં બની રહેલી ઘટનાઓ અને ભવિષ્યમાં બનનાર ઘટનાઓ જીવન છે? ના, જીવન તો એ ઘટનાઓની ઘટમાળની વચ્ચે જીવાઈ જતી થોડી ક્ષણો જ છે, બાકીનું બધું મજૂરી છે. સમયના ધસમસતા ધારાપ્રવાહમાં તણાતાં, ડૂબકા લેતાં, ઘડીકમાં અહીં અફળાતાં, ઘડીકમાં તહીં ફંગોળાતાં, જીવતા રહેવા માટે ઝાંવા નાખતાં જે સમય વીતે છે એ જીવન નથી. એ સમય જીવાતો નથી, ઝઝૂમાતો હોય છે અને એ ઝંઝાવાતમાં વચ્ચે થોડું શુકૂન મળે છે, થોડી શાંતિ મળે છે, થોડી લાગણી મળે છે, થોડો પ્રેમ મળે છે, થોડો સંતોષ મળે છે, થોડી નિરાંત મળે છે, થોડી અનુભૂતિ મળે છે એ જીવન છે. પીડા, સંતાપ, ભય, ઉદ્વેગ, આશંકા, નિરાશા વગેરે જીવનના ભાગ છે, પણ જીવન નથી. એ બધું સમયના ઘોડાપૂરમાં આવતી મુશ્કેલીઓ છે. એ જીવનને ધબકતું રાખનાર ઊર્જા નથી. એ જીવનઊર્જાને ખતમ કરનાર પરિબળો છે. આપણે પ્રકાશપર્વના સપ્તાહમાંથી પસાર થઈ રહ્યા છીએ. ભલે થોડી ઝાંખી, પણ દિવાળી ઊજવી તો ખરી. નવું વર્ષ પણ ઊજવીશું, ભલે સાલ મુબારક કરવા માટે રૂબરૂ જઈ શકવાના ન હોઈએ. પ્રકાશપર્વનું સપ્તાહ ઊર્જાનું સપ્તાહ છે. જીવનમાં ઊર્જા ભરી લેવાનું, બૅટરી ચાર્જ કરી લેવાનું સપ્તાહ. દીપોત્સવ માત્ર અંધકાર પર ઉજાસના વિજયનું પર્વ નથી, એ ઊર્જાનું પર્વ છે. નવા વર્ષમાં પ્રવેશતાં પહેલાં જૂનું બધું જ અગ્નિને અર્પણ કરીને નવા તરફ, નવી જ શક્તિ સાથે, નવા ઉલ્લાસ સાથે પ્રમાણ કરવાનું પર્વ છે. આ તેજનું, ઓજસનું પર્વ છે. તેજ એ પ્રકાશથી કંઈક વિશેષ છે. તેજ અંદરથી આવતો પ્રકાશ છે, જેનાથી માણસ કે વસ્તુ પ્રકાશિત થાય છે. અંદરનો દીવો પ્રગટે એટલે તેજ દેખાય. બધા માણસો તેજસ્વી કે ઓજસ્વી નથી દેખાતા, નથી હોતા. જેનામાં આંતરિક ઊર્જા પ્રચંડ હોય તેનું તેજ બહાર પ્રસરે છે. ભાગવત ગીતામાં શ્રીકૃષ્ણએ અર્જુનને વિશ્વદર્શન કરાવ્યું ત્યારે જગતનિયંતાના સ્વપ્નને વર્ણવતાં અર્જુને ‘તેજોરાશી સર્વતો દીપ્તિમંતમ્’ એવા શબ્દો વાપર્યા છે. તેજના ઢગલા જેવા તમામ બાજુએથી પ્રકાશમાન. મનુષ્ય જો તેજસ્વી હોય તો ઈશ્વર પોતે તો કેટલો તેજસ્વી હોય. જાણે તેજ જ પુરુષરૂપ લઈને આવ્યું હોય એવા. આયુર્વેદમાં ઓજસનું અનન્ય મહત્ત્વ છે. જે ચીજ તત્ત્વરૂપે ઉત્પન્ન થઈને શરીરમાં ક્રાન્તિ અને પ્રભાવરૂપે વિરાજે છે એ ઓજસ છે. આપણે એને અત્યારની ઇમ્યુનિટી સાથે સરખાવી શકીએ. જોકે ઓજસ રોગપ્રતિકારક શક્તિ નથી, પણ ઓજસ શરીરને ક્રાન્તિવાન અને નીરોગી રાખે છે. ઓજસ ઓછું થતું જાય એમ માણસની બીમાર પડવાની સંભાવના વધી જાય. તેજ ચૈતન્યાત્મક જ્યોતિ છે. પંચતત્ત્વ માંહેનું અગ્નિતત્ત્વ તેજ પણ કહેવાય છે. સાંખ્યમાં તેજના ત્રણ ગુણ માનેલા છે; રૂપ, શબ્દ અને સ્પર્શ. તેજના બે પ્રકાર પાડવામાં આવ્યા છે; નિત્ય અને અનિત્ય. તેજ કરતાં પ્રકાશ ક્યારેય નાશ ન પામતી વસ્તુ છે. પ્રકાશ હજારો વર્ષ ગતિ કરતો રહે છે, પણ નાશ પામતો નથી. તેજનો અર્થ પરાક્રમ પણ થાય, સાહસ પણ થાય, જોશીલું પણ થાય, તીખું પણ થાય, ઉગ્ર પણ થાય, જલદ પણ થાય.
દિવાળીનું પર્વ તેજનું પર્વ છે, ઊર્જાનું પર્વ છે, ઓજસનું પર્વ છે. એને માત્ર અજવાળા સાથે જોડવાથી આ પર્વની મહત્તાને ઓછી કર્યા જેવું થશે. દીપમાળા જલાવવી એ એક પ્રતીક માત્ર છે. ફટાકડા ફોડવા એ પણ પ્રતીક છે અને એ પ્રતીક તેજ માટે, ઊર્જા માટે વપરાયાં છે. રામકૃષ્ણ પરમહંસે મહાપ્રયાણ કર્યું એના થોડા સમય પહેલાં તેમણે શિષ્યોને કહ્યું હતું કે ‘તમામ પ્રાણીઓ જાણે ખોખાંઓ હોય અને એ દરેકની અંદર એક દીવડો પ્રગટતો હોય એવું મને લાગે છે.’ મનુષ્યની અંદરના આ દીવડાને આપણે કેટલાંય નામ આપીએ છીએ. ક્યારેક અંતરાત્મા કહીએ છીએ, ક્યારેક આત્મા કહીએ છીએ, ક્યારેક અંત:કરણ કહીએ છીએ, ક્યારેક પરમાત્મા કહીએ છીએ. દરેકની અંદર એક દીવો જલતો રહે છે એ એનું તેજ છે. આ દીવાનું તેલ એ મનુષ્યના સદ્ગુણ, સારપ, લાગણી, સંવેદના, સહૃયતા, કાળજી, ખેવના, સત્ય, ટેક, પ્રામાણિકતા વગેરે છે. દીવાને જલતો રાખનાર, પ્રકાશમાન રાખનાર બાબતો આ છે. દિવાળીના પર્વે પ્રકાશને પ્રણામ કરીએ અને અંદરના દીવાને દેદીપ્યમાન રાખવાનું પ્રણ લઈએ. જ્યાં સુધી અંદર જ્યોત જલતી રહેશે, તમે જીવંત રહેશો, તેજસ્વી રહેશો. એ જ્યોત બુઝાઈ જશે ત્યારે જીવન નહીં હોય. શ્વાસ ચાલતો હશે, શરીર ચાલતું હશે તો પણ જીવંતતા નહીં હોય. ત્યારે તમે મશીન હોઈ શકો, માણસ નહીં.
વર્ષનો છેલ્લો દિવસ દિવાળી અને બેસતા વર્ષ વચ્ચે એક સરસમજાનો અવકાશ મળ્યો છે ધોકારૂપે અને સંયોગ છે રવિવારનો એટલે નિરાંત પણ હશે. આવતા વર્ષ માટે ઊર્જા ભરી લેવા માટે ધોકા જેવો શૂન્ય સમય તમારા માટે કાઢો. થોડી વાર પોતાની જાત સાથે રહો. ખંખેરી નાખો જગત દ્વારા આ શરીરને આપવામાં આવેલું બધું જ અને ઓરિજિનલ તમને જુઓ. તે તમે પોતે છો અને પૂછો એ ઓરિજિનલ તમને કે તું ખુશ છે? કશું ખૂટે છે? એને પૂછો કે તને મોજ પડે છે કે નહીં અને પછી આગામી વર્ષનું જે આયોજન વ્યવસાય માટે, નોકરી માટે, સફળતા માટે, કમાવા માટે, સમૃદ્ધિ માટે, યશ માટે, પદ માટે, પ્રતિષ્ઠા માટે કરો ત્યારે થોડી જગ્યા આ તમારા ઓરિજિનલ માંહ્યલાને માટે પણ રાખજો. એને શાતા થાય એ માટેની વ્યવસ્થા પણ કરજો, તો તમને આખું વર્ષ કમાવામાં પણ આનંદ આવશે, સંઘર્ષ પણ મીઠો લાગશે, દોડાદોડી પણ સહ્ય લાગશે. સમયની સુનામીમાં બધાએ ગડથોલિયાં ખાવાનાં જ છે ત્યારે એમાં પણ મજા લઈએ, જીવંત રહીએ, ઊર્જાવાન રહીએ એવી જ અપેક્ષા સાથે નવા વર્ષમાં પ્રવેશીએ. પૂરી પૉઝિટિવિટી સાથે નવા વર્ષમાં પ્રવેશ કરીએ. એક નવું તેજસ્વી ભવિષ્ય તમારી રાહ જોઈ રહ્યું છે, નવ વર્ષની પ્રથમ સવારરૂપે. હૅપી ન્યુ યર, ડિયર રીડર.

kana bantwa columnists