રસીનું અપમાન, જિંદગીનું અવમાન

24 January, 2021 04:28 PM IST  |  Mumbai | Hiten Aanandpara

રસીનું અપમાન, જિંદગીનું અવમાન

પ્રતિકાત્મક તસવીર

અપમાન, અનાદર, તિરસ્કાર વગેરે સામા માણસને નીચો પાડવા માટેનાં હોઠવગાં હથિયાર છે જે હૈયાવગા ડામ દેવા સક્ષમ હોય છે. અપમાન કરી નાખવામાં કેટલાક લોકો સિદ્ધહસ્ત છે. તેમના શબ્દકોશમાં અફસોસ શબ્દ ગાયબ જ હોય. ત્વચા એવી બખ્તર જેવી થઈ ગઈ હોય કે પરસેવો જરૂર થાય, પણ પશ્ચાત્તાપ તો ક્યારેય નહીં. કેટલાક કહેવાતા રાજનેતાઓએ કોરોનાની રસીનાં વધામણાં કરવાના બદલે ધુત્કારવાની ચેષ્ટા કરી, જે પરમ નિંદનીય છે. કીર્તિકાન્ત પુરોહિત  આ વજૂદને તપાસે છે...

પાછું વળી આખી સભાએ જોવું પડે

તારું વજૂદ સૌની નજરમાં એવું મળે

એ માન કે અપમાન નક્કી કીર્તિ કર

જો બાજુ પર લોકો હટે ને મારગ કરે

આપણે વિવિધ પ્રકારના અપમાનનો ભોગ કે ભાગ બનતા જ હોઈએ છીએ. બાળકની કાલીઘેલી વાત સાંભળવાનો ઇનકાર તેની નિર્દોષતાનું હળહળતું અપમાન છે. પરદેશમાં ચંપલમાં દેવી-દેવતાઓનાં ચિત્રો મૂકીને આપણી આસ્થાનું અપમાન થતું આપણે જોયું છે. કોઈ બ્રિજ, હાઇવે કે સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં વ્યસ્ત શાસકને કારણે વિલંબ થયા કરે એ નાગરિકોનું અપમાન છે. ‘થપ્પડ’ ફિલ્મમાં પત્નીને ટેકન ફૉર ગ્રાન્ટેડ કરીને તેનું અપમાન કરતા પતિને છેલ્લે છૂટાછેડાની સજા ભોગવવાનો વારો આવે છે. ઘાયલ કહે છે એ હદે અલિપ્ત કે તટસ્થ થવું આપણા માટે ઘણું મુશ્કેલ છે...

માન શું? અપમાન, લાભાલાભ શું

ક્યાં રહ્યો છે એ વિષય મારો હવે

કાળથી પણ કાંકરી ખરશે નહીં

થઈ ગયો છે ગઢ અજય મારો હવે

સૈન્યની પ્રતિબદ્ધતાને કારણે ચીનની રાક્ષસી શક્તિ અને પાકિસ્તાનની ગેરિલા યુક્તિ સામે ભારતનો ગઢ અજય રહ્યો છે. આતંકી ફૅક્ટરી ધરાવતા પાકિસ્તાનના બાલાકોટ પર હુમલા વખતે કે ઉરી પર કરેલી સર્જિકલ સ્ટ્રાઇક વખતે વિરોક્ષ પક્ષોએ વારસાગત શંકા દર્શાવીને ભારતીય સેનાનું હડહડતું અપમાન કર્યું હતું. રાષ્ટ્રધ્વજનું અપમાન કોઈ કાળે સાંખી ન લેવાય. એ જ રીતે રાષ્ટ્રના હિતચિંતકોનું અપમાન પણ ગુનો લેખાવું જોઈએ. રસીનું અપમાન એ આપણા વૈજ્ઞાનિકો - સંશોધકોનું અપમાન છે જેમની ઉપર આખું રાષ્ટ્ર નજર ટેકવીને બેઠું છે. બાબુલાલ ચાવડા ‘આતુર’ કહે છે એવી પ્રાર્થના આપણે મનોમન રસીદેવીને કરી જ હશે...

હવે આવ, છોડાવ જંજાળમાંથી

મને ક્યાંક લઈ જા આ ઘટમાળમાંથી

ઘણી વાર હું આભ તાક્યા કરું ને

સરોવર પ્રગટ થાય છે પાળમાંથી

જીભ છૂટી હોય એ સારું છે, પણ જીભ છાકટી થાય એ ચિંતાજનક છે. જેનામાં લેશમાત્ર અખિલાઈ નથી એવા સમાજવાદી પક્ષના અખિલેશ યાદવે લાલ ટોપી પહેરીને કમાલ ઉવાચ કર્યો કે હું બીજેપીની વૅક્સિન નહીં લઉં.  

રસીને કોઈ ધર્મ કે પક્ષ હોય ખરો? આમ તો આનો જવાબ નામાં આવવો જોઈએ પણ ભારતમાં એનો જવાબ હામાં આવી શકે. હજી તો રસીની શીશી ખૂલી ન ખૂલી ત્યાં તો કેટલાય રાજકારણીઓના શીશમહેલમાં તિરાડો પડી ગઈ. લક્ષ્મી ડોબરિયા કહે છે એ વાત તકલાદી  ને તકવાદી નેતાઓ ક્યારેય નહીં સ્વીકારે... 

તારી કને પથ્થર સરીખા પ્રશ્ન ને

મારી કનેથી ફૂલ સમ ઉત્તર મળે

અસ્તિત્વ મારું દંભ છે, સાબિત થયું

દર્પણ મહીં ચ્હેરો જુદો નહિતર મળે?

ક્યા બાત હૈ

ધોમધખતા દિલ મહીં લીલાશ છે

દોસ્ત! કંઈ તો ઊગશે વિશ્વાસ છે

તોડ દીવાલો ને બારી-બારણાં

ખાતરી તો થાય કે આકાશ છે

આ ઇમારત જીર્ણ છે, તૂટી જશે

કેટલા બાકી હજી નિઃશ્વાસ છે

સાચવું ક્યાંથી હૃદયની તાજગી?

બહુ જ આ મ્હેરામણે ખારાશ છે

એટલે તો દોડતાં રહે છે ચરણ

લાગણી નામે ય બસ આભાસ છે

કેમ કોરી કે પછી બાળી શકો?

લાકડામાં તો નરી ભીનાશ છે

શ્વાસ સાથે ક્યાં કદી નિસબત હતી?

તોય શ્વાસોશ્વાસ અહીં ચોપાસ છે

- છાયા ત્રિવેદી

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના છે, ન્યુઝપેપરના નહીં)

columnists