નવ વર્ષની કપરી હેરાનગતિમાંથી બહાર કેવી રીતે આવ્યા એની પ્રેરક દાસ્તાન

16 June, 2020 05:57 PM IST  |  Mumbai | Ruchita Shah

નવ વર્ષની કપરી હેરાનગતિમાંથી બહાર કેવી રીતે આવ્યા એની પ્રેરક દાસ્તાન

ભૂલથી ઍસિડ પીવાઈ ગયું, અન્નનળી સંકોચાઈ ગઈ

મુલુંડ (વેસ્ટ)માં રહેતાં તૃપ્તિ શાહ ૧૯૮૭ની વાત કરે છે. પાડોશીના ઘરે ફ્રિજમાંથી પાણી સમજીને ઍસિડ પીવાઈ ગયું અને કારમી પીડાનો દસકો શરૂ થયો. ભયંકર બળતરા અને અન્નનળીમાં થયેલા ડૅમેજને કારણે ખાવાપીવાનું બંધ થઈ ગયું હતું. તૃપ્તિબહેન કહે છે, ‘પોટૅશ્યમ હાઇડ્રોક્સાઇડ નામનું ઍસિડિક કેમિકલ પીવાઈ ગયું હતું. મારી ઉંમર હશે પચીસ વર્ષ. અન્નનળીમાં ભારે ડૅમેજ થયું હતું. નવ વર્ષ સુધી મેં સૂપ કરતાં પાતળો ખોરાક ખાધો છે. મરચું તો કોને કહેવાય એ ભૂલી જ ગઈ હતી આ સમયગાળા દરમ્યાન. બધો જ ખોરાક ગ્રાઇન્ડ કરીને ગાળીને એક-એક ચમચી દ્વારા પીતી હતી. એમાં પણ જો વચ્ચે અટકે તો મોંમાં આંગળી નાખીને વૉમિટ કરીને બહાર કાઢવો પડતો. દર બીજા દિવસે ડાઇલિટેશન માટે જવું પડતું જેમાં વાળ જેવી પાતળી નળીથી લઈને આંગળી જેવી જાડી નળીને ફૂડ પાઇપમાં પેટ સુધી ઇન્સર્ટ કરવામાં આવતી. ખાઈ ન શકું એટલું જ નહીં, એકસામટું બોલી ન શકું, શ્વાસ લેવામાં તકલીફ પડતી. આ થયું એ પહેલાં મિસકૅરેજ થઈ ગઈ હતી એટલે ડિસ્ટર્બ હતી. લગ્નનાં બેત્રણ વર્ષમાં ઘણી તકલીફ આવી ગઈ    હતી. હું મેન્ટલી, ફિઝિકલી, ઇમોશનલી બધી રીતે ભાંગી પડી હતી.’

એ દરમ્યાન એક ફ્રેન્ડના કહેવાથી તૃપ્તિબહેને યોગ ક્લાસ શરૂ કર્યા. તેઓ કહે છે, ‘ટીચર મળ્યા એ પણ બહુ જ પૉઝિટિવિટીથી ભરપૂર હતાં. તેમણે મારી કન્ડિશનને ચૅલેન્જ તરીકે સ્વીકારી. ધીમે-ધીમે પ્રાણાયામથી મારા શ્વાસ પર મારો કન્ટ્રોલ આવતો ગયો. મને ગાવાનો શોખ હતો અને હું બોલી નહોતી શકતી; પણ યોગનાં કેટલાંક આસનો, નેચરોપથીની કેટલીક ટિપ્સ અને પ્રાણાયામે મને ખાસ્સી હેલ્પ કરી. ઍસિડિટી ગાયબ કરી દીધી. ભસ્ત્રિકા, કપાલભાતિ વગેરે પ્રાણાયામ મને કુંભક સાથે કરાવતા જેથી મારી બ્રીધિંગ કૅપેસિટી વધી ગઈ. હવે સિન્ગિંગ પણ કરું છું. ડૉ. મનુભાઈ કોઠારી જે મારા ડૉક્ટર હતા તેમણે પણ મને ખૂબ મદદ કરી. નવ વર્ષ પછી ધીમે-ધીમે કેળા, બાફેલા બટાટા જેવું ખાવાનું શરૂ કર્યું. અન્નનળી પાછી રિકવર થવા માંડી. હવે કોઈ જ તકલીફ નથી. એ નવ વર્ષ દરમ્યાન હસબન્ડે પણ મને ભરપૂર સપોર્ટ કર્યો છે અને પલકારામાં એ દુઃખભર્યો  સમય નીકળી ગયો. અત્યારે લૉકડાઉનમાં પણ આ યોગને કારણે અમને કંટાળો કે ડિપ્રેશન નથી થયા. સામાજિક સ્તરે પણ હવે સક્રિય છું. જીવનને એન્જૉય કરું છું.’

આ કપલને કોરોનામાં યોગને કારણે ઘણો સપોર્ટ મળ્યો છે

કાંદિવલીમાં દહાણુકરવાડીમાં રહેતાં મનોજ મહેતા અને તેમનાં પત્ની છેલ્લાં વીસેક વર્ષથી માનસિક તાણ કોને કહેવાય એ ભૂલી ગયાં છે. મનોજભાઈ કહે છે, ‘મને કમરમાં બહુ દુખાવો થતો હતો. મારી હાઇટ ખાસ્સી વધારે છે એટલે એલ ફાઇવ અને એલ સિક્સ આ બે મણકા વચ્ચેનો ગૅપ વધારે હતો એટલે દુખાવો થયા કરતો. ડૉક્ટરો ગોળીઓ આપે અને કસરત કરવાનું કહે એટલે મેં યોગ જૉઇન કર્યા. ૧૯૯૯માં કાંદિવલીના આનંદવનમાં શીખ્યો. રોજ એક કલાક સવારે આસન-પ્રાણાયામ જે થોડુંઘણું શીખ્યો છું એ જાતે કરું છું અને જીવનમાં એક બહુ જ સુંદર પૉઝિટિવ બદલાવ આવ્યો છે. કમરના દુખાવામાં ઘણી રાહત થઈ ગઈ છે એટલું જ નહીં; ગૅસ, ઍસિડિટી જેવી સમસ્યા નથી થઈ. અત્યારે લૉકડાઉનમાં સાંજે મારી પત્ની પણ મારી સાથે યોગ કરે છે. દહાણુકરવાડીમાં સ્મશાન નજીક છે એટલે વરસાદના દિવસોમાં ત્યાંથી અગ્નિસંસ્કાર ચાલતો હોય ત્યારે ખૂબ દુર્ગંધ આવે, જે ડિપ્રેસિવ હોય. પરંતુ યોગને કારણે અમે ગમે તે સંજોગોમાં મનને શાંત રાખતાં શીખી ગયા છીએ. આખો દિવસ ફ્રેશનેસ સાથે અને એનર્જી સાથે પસાર થતો હોય છે. જોકે એટલું ખાસ કહીશ કે જે પણ કરો એ નિયમિતતા સાથે કરો તો એનો લાભ વધુ થશે. શરૂઆતમાં કદાચ કંટાળો આવે તો પણ પ્રૅક્ટિસ છોડવાની નહીં.’

પ્રિય વાચકમિત્રો, તમારી પાસે પણ આવી કોઈ યોગ, પ્રાણાયામ અને ધ્યાન દ્વારા જીવનમાં બદલાવ લાવનારી ઇન્સ્પાયરિંગ સ્ટોરી હોય તો અમારી સાથે આજે જ ruchita@mid-day.com પર શૅર કરો.

columnists international yoga day yoga ruchita shah