સમાગમ પછી બળતરા અને દુખાવો થાય છે, શું કરું?

03 June, 2020 09:11 PM IST  |  Mumbai | Dr. Ravi Kothari

સમાગમ પછી બળતરા અને દુખાવો થાય છે, શું કરું?

પ્રતીકાત્મક તસવીર

સવાલ: મારાં લગ્નને છ મહિના થયા છે. લગ્ન પહેલાં કદી ઇન્ટિમસી માણી નહોતી. હનીમૂન પર ગયા ત્યારે પહેલી વાર સમાગમ મને પ્રાઇવેટ પાર્ટમાં ખૂબ પીડા થવા લાગી હતી. પહેલાં બે-ત્રણ વાર થયું ત્યારે લાગ્યું કે નવું-નવું હશે એટલે આમ થયું હશે, પરંતુ હજીયે સમાગમ પછીની બળતરા અને દુખાવામાં ફરક નથી. સમાગમ પછી તરત યુરિન પાસ કરવા જવું પડે છે. એ વખતે બળતરા થાય છે અને એ ભાગમાં લાલાશ રહે છે. છેલ્લા કેટલાય વખતથી સમાગમ કરું કે ન કરું વારંવાર યુરિન માટે જવું પડે છે, પણ જાણે કમ્પ્લીટ યુરિન નીકળ્યું હોય એવું લાગતું જ નથી. પેડુમાં પણ દુખાવો રહે છે. ક્યારેક યોનિમાર્ગમાંથી ચીકણો અને સફેદ સ્રાવ વહે છે. આ બધાને કારણે મને ઇન્ટિમસીનું મન જ નથી થતું અને એને કારણે ઝઘડા થાય છે. સમાગમના એક-બે દિવસ પછી આ લક્ષણો મટી જાય છે અને ફરી કરીએ ત્યારે પાછાં શરૂ થઈ જાય છે. શું આ જાતીય ચેપ જેવું કંઈ છે? સમાગમ પછીની પીડાને કારણે મને ખૂબ ઍન્ગ્ઝાયટી રહે છે.

જવાબ: સ્ત્રીઓમાં  જોવા મળતી આ સમસ્યા મૂળ તો એક સાધારણ એવો મૂત્રમાર્ગનો ચેપ એટલે કે યુરિનરી ટ્રૅક્ટ ઇન્ફેક્શન છે. સેક્સસંબંધની શરૂઆતમાં ઘણી યુવતીઓને આ પ્રકારની તકલીફ જોવા મળે છે. આ એક પ્રકારનું ઇન્ફેક્શન હોઈ શકે જે હનીમૂન સિસ્ટાઇટિસ તરીકે ઓળખાય છે. યુરિનનું વહન કરતી નલિકામાં ઇન્ફેક્શન થયું હોય ત્યારે આવું થાય. પુરુષની મૂત્રવાહિની લાંબી તથા વળાંકવાળી હોવાથી એમાં ચેપ લાગવાની શક્યતા સ્ત્રી કરતાં ઓછી હોય છે.

આ તકલીફ સમાગમ પછી થતી હોય છે, પણ એને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ માનીને ગભરાવાની કોઈ જ જરૂર નથી. તમે સવારે ઊઠી પહેલી વારનું યુરિન એકઠું કરીને એનો રૂટીન અને કલ્ચર રિપોર્ટ કરાવો. સારા ગાયનેકોલૉજિસ્ટને મળીને એની દવા કરાવો. ખાસ ઍન્ટિ-બાયોટિક્સના કોર્સથી આ સમસ્યા આરામથી મટી જઈ શકે એમ છે.

બીજું, સમાગમ વખતે પીડા અને ઘર્ષણ ટાળવા માટે તમારે ફોર-પ્લેમાં પૂરતો સમય ગાળવો. યોનિમાર્ગમાં યોગ્ય લુબ્રિકેશન આવે એ પછી જ યોનિપ્રવેશ કરવો. દરેક વખતે યુરિન પાસ કર્યા પછી એ ભાગને ચોખ્ખા પાણીથી સાફ કરીને કોરો કરવાની આદત રાખવી.

life and style sex and relationships columnists dr ravi kothari