ઇન્ફર્ટિલિટી પુરુષોને કૅન્સર સુધી લઈ જઈ શકે છે

06 May, 2019 10:37 AM IST  | 

ઇન્ફર્ટિલિટી પુરુષોને કૅન્સર સુધી લઈ જઈ શકે છે

પ્રતીકાત્મક તસવીર

થોડા સમય પહેલાં એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે છેલ્લા એક દાયકામાં પુરુષોમાં ઇન્ફર્ટિલિટીના પ્રમાણમાં દસ ગણો વધારો થયો છે. પુરુષોની ફર્ટિલિટી સ્પર્મ કાઉન્ટ અને સ્પર્મ ક્વૉલિટી પર આધાર રાખે છે. અભ્યાસ કહે છે કે અર્બન લાઇફસ્ટાઇલના કારણે શુક્રાણુની સંખ્યા, પરિભ્રમણ અને ગુણવત્તા પર વિપરીત અસર થઈ છે.

પુરુષોમાં વધી રહેલી વંધ્યત્વતા ચિંતાનો વિષય છે. પુરુષની પ્રજનનશક્તિ સામે પ્રશ્નો ઊભા થાય એવી પરિસ્થિતિ એને માનસિક રીતે તોડી નાખે છે. IVF, IUI, ICSI જેવી ટેક્નૉલૉજીથી હવે સંતાનપ્રાપ્તિના દરવાજા ખૂલી ગયા છે, પરંતુ સંશોધકોનું કહેવું છે કે વંધ્યત્વ એ પુરુષોમાં સ્વાસ્થ્ય સંબંધિત અન્ય ગંભીર બીમારીઓનું પ્રાથમિક લક્ષણ છે. ઇન્ફર્ટિલિટીની સમસ્યાથી પીડાતા પુરુષોને ટેસ્ટિક્યુલર કૅન્સર થવાની શક્યતા અનેકગણી વધી જાય છે. શુક્રાણુની ગુણવત્તા નબળી હોય એવા પુરુષોએ વહેલી તકે અલ્ટ્રાસાઉન્ડ સ્કૅન પરીક્ષણ કરાવી લેવું જોઈએ.

ટેસ્ટિક્યુલર કૅન્સર ઉપરાંત કાર્ડિયોવૅસ્ક્યુલર, મેટાબોલિક સિન્ડ્રૉમ (હાઈ બ્લડપ્રેશર, હાઈ બ્લડ શુગર અને ઓબેસિટી), ટાઇપ ટૂ ડાયાબિટીઝ, લૉસ ઑફ બોન માસ જેવી સામાન્ય જણાતી બીમારીઓમાં પણ વંધ્યત્વ પ્રાથમિક લક્ષણ છે. વંધ્યત્વ નિદાન થયાના પ્રારંભિક તબક્કામાં સારવાર કરાવવામાં ન આવે તો અન્ય રોગ વિકરાળ રૂપ ધારણ કરી લે છે અને દરદીનું અકાળે મૃત્યુ થવાની શક્યતા બમણી થઈ જાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે વંધ્યત્વની સારવાર દરમ્યાન અન્ય રોગનું પરીક્ષણ પણ થવું જોઈએ. શુક્રાણુની ગતિ, ગુણવત્તા અને સંખ્યા વધારવા તેમ જ ભવિષ્યમાં આવનારા ગંભીર રોગથી બચવા પુરુષોએ વહેલી તકે પોતાની લાઇફસ્ટાઇલમાં પરિવર્તન લાવવાની દિશામાં ગંભીરતાથી વિચારવાની જરૂર છે. જીવનશૈલીમાં બદલાવ લાવવા માત્રથી રોગ પચાસ ટકા દૂર થઈ જાય છે.

(IVF - ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, IUI - ઇન્ટ્રાયુટેરાઇન ઇન્સેમિનેશન, ICSI - ઇન્ટ્રા સાયટોપ્લાસ્મિક સ્પર્મ ઇન્જેક્શ)

આ પણ વાંચો : કૉલમ : પુરુષોએ કેમ પહેરવાં જોઈએ બનિયાન?

પુરુષોને ડૉક્ટર પાસે જવાનો કંટાળો આવે છે

આજકાલની સ્ટ્રેસ અને દોડધામભરી લાઇફમાં પુરુષો તેમના સ્વાસ્થ્યની કાળજી લેવાની બાબતમાં ખૂબ જ બેદરકાર છે એવું જાણવા મળ્યું છે. અમેરિકન એકૅડેમી ઑફ ફિઝિશ્યનના સર્વે અનુસાર વિશ્વના ૩૮ ટકા પુરુષો છાતીમાં દુ:ખાવો, પેશાબમાં લોહી પડવું, ગભરામણ થવી, વાળ ખરવા, ખૂબ તરસ લાગવી અને પરસેવો વળવો તેમ જ ઇરેક્ટાઈલ ડિસફંક્શન જેવાં સ્વાસ્થ્ય સંબંધિત સામાન્ય લક્ષણોને નજરઅંદાજ કરે છે. ભારતના આરોગ્ય સેવા સંબંધિત ડેટાના આંકડા પણ એ તરફ જ નિર્દેશ કરે છે. નૅશનલ ફાર્મસી અસોસિએશનના ડેટા અનુસાર મહિલાઓ વર્ષમાં સરેરાશ છ વખત અને પુરુષો સરેરાશ ચાર વખત ફૅમિલી ડૉક્ટરની મુલાકાત લે છે. આ આંકડા દ્વારા પ્રતીત થાય છે કે ડૉક્ટર પાસે જવામાં પુરુષો આળસ કરે છે. સારવારમાં વિલંબ અને બેદરકારી તેમને ગંભીર રોગ તરફ દોરી જાય છે એવું નોંધવામાં આવ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે રોગ ભરડો લે એ પહેલાં પુરુષોએ કેટલીક સામાન્ય હેલ્થ ટેસ્ટ કરાવી લેવી જોઈએ.

columnists