ઇન્દુમાં કળા છે, આપણે તેને સિનેમામાં લઈ જઈએ

18 January, 2022 01:02 PM IST  |  Mumbai | Sarita Joshi

મને નાટકોમાં વાંધો નહોતો, પણ આઈએ પેલી ભાંગવાળી ઘટના પછી નાટકો તો બંધ કરાવી દીધાં એટલે બહેનની વાત સાંભળીને મને ફિલ્મોનાં સપનાં આવવા માંડ્યાં

હમણાં ખાંખાખોળા કરતાં મને મારો અને આઈ-બાબાનો આ એક ફોટો મળ્યો, જેણે મને મારા એ દિવસોને યાદ કરાવી દીધા, જેની મીઠાશ આજે પણ મનમાંથી ઓસરી નથી. આ ફોટો વખતે હું એકાદ વર્ષની હોઈશ.

જે બહેનને અમારાં નાટકોમાં કામ કરવાથી પ્રૉબ્લેમ હતો એ જ બહેને આવીને આઈને આવું કહેવાનું શરૂ કર્યું એટલે મારા મનમાં સિનેમાના વિચાર શરૂ થયા. મને નાટકોમાં વાંધો નહોતો, પણ આઈએ પેલી ભાંગવાળી ઘટના પછી નાટકો તો બંધ કરાવી દીધાં એટલે બહેનની વાત સાંભળીને મને ફિલ્મોનાં સપનાં આવવા માંડ્યાં

આપણે વાત કરતાં હતાં મુંબઈમાં થયેલા પેલા કડવા અનુભવની.
મને ગાંજો કે ભાંગ કે એવું કશુંક પાઈ દેવામાં આવ્યું અને મહામુશ્કેલીએ, હિંમત એકઠી કરીને હું ત્યાંથી ભાગી. ઘરે આવી અને પદ્‍માને બધી ખબર પડી. પદ્‍મા ગભરાઈ ગઈ અને તેણે મને લીંબુપાણી પિવડાવીને સુવડાવી દીધી. આ બધી વાતો તમારી સાથે ગયા મંગળવારે કરી લીધી. અહીંથી હવે વાતને આગળ વધારીએ.
lll
વાત પહોંચી ગઈ મારી મા સુધી. હું તેને આઈ કહેતી. આઈને કેમ ખબર પડી એ કહું તમને. પદ્‍માએ આઈને કાગળમાં લખ્યું હતું કે હમણાં આવું બધું થઈ ગયું. પદ્‍માએ લખ્યું હતું કે હવે ચિંતા કરવાની જરૂર નથી, પણ આ તો માનો સ્વભાવ, માનો જીવ. ચિંતા ન કરે એવું બને ક્યાંથી.
માએ મનોમન નક્કી કરી લીધું કે હવે બહુ થયું. આપણે આમાં ક્યાંક દીકરીને ગુમાવવી પડશે. એના કરતાં તો બહેતર છે કે દીકરીને આપણે પાછી બોલાવી લઈએ. આઈએ નિર્ણય કરી લીધો અને નક્કી કરી નાખ્યું કે હવે નાટક-ચેટક કરવાનાં નથી, આવી જાઓ પાછાં. આપણે સાથે રહીશું અને સૂકી રોટલીથી સંતોષ માનીશું. મને આની ખબર પડી ત્યારે મેં બહુ દલીલ કરી હતી કે મારે હજી ઘણું બધું કામ કરવાનું છે, ફિલ્મો કરવી છે. તો માનો જવાબ હતો કે ફિલ્મ કરજે, વાંધો નહીં, પણ આ નાટક-ચેટકમાંથી હવે બહાર નીકળી જવાનું છે. 
આઈની ઇચ્છા તો બેઉ બહેનો માટે આ જ હતી. તેના મનમાં એમ જ હતું કે બન્ને દીકરીઓ હવે પાછી આવી જાય. પદ્‍મા મારાથી મોટી અને આઈને તો એવું લાગવા માંડ્યું હતું કે હું પણ હવે મોટી થઈ ગઈ છું તો નૅચરલી, તેને એમ જ થાય કે મોટી દીકરી પાસે હોય એ જ સારું છે, પણ સાહેબ, કહાની મેં ટ્વિટસ્ટ હૈ. 
પદ્‍માએ પાછી આવવાની ના પાડી દીધી. માએ બહુ સમજાવી-પટાવી અને મનાવી પણ ના, પદ્‍માને આવવું જ નહોતું. માએ તેને પણ ફિલ્મોમાં કામ કરવાની છૂટ આપી ત્યારે પદ્‍માએ ચોખ્ખું કહી દીધું કે હું ઈરાની શેઠની નાટક-કંપની છોડીશ નહીં. આવું પદ્‍માએ શું કામ કહ્યું તો એનું એક કારણ હતું, પદ્‍માને ઈરાની શેઠના ભાણેજ સાથે પ્રેમ થઈ ગયો હતો. 
એવું નહોતું કે એ વાત ખાનગી હતી. ના, અમને ખબર હતી કે તેઓ બન્ને મળે છે, વાતો કરે છે અને બન્ને વચ્ચે સારા સંબંધ છે, પણ મને તો આવું કોઈ બંધન હતું નહીં એટલે આઈ આવીને મને પાછી વડોદરા લઈ ગઈ.
હું હતી ત્યાં સુધી પદ્‍મા મારી સાથે રહેતી, અમે બેઉ એકમેકનો સહારો બની જતાં, પણ હું પાછી ગઈ એટલે પદ્‍મા હવે એકલી પડી ગઈ હતી. એકલી છોકરીને કેમ આવડા મોટા શહેરમાં એકલી રહેવા દેવાય અને એમાં પણ ખાસ ત્યારે જ્યારે હજી થોડા દિવસ પહેલાં જ મારી સાથે આવી ઘટના બની હોય.
આઈનું આ ટેન્શન ઈરાની શેઠે દૂર કરી દીધું અને તેમણે પદ્‍માને પોતાની સાથે રહેવા બોલાવી લીધી. એ પછી એકાદ-બે વર્ષમાં પદ્‍માએ ઈરાની શેઠના ભાણેજ સાથે મૅરેજ કરી લીધાં, પણ આ તો વાત થઈ પદ્‍માની. આપણે વાત કરીએ મારી.
lll
સાહેબ, ઘરે ગઈ તો આઈએ ચાલુ કર્યું કે ‘હવે તારે ભણવું જોઈએ, તું બિલકુલ ભણતી નથી, હવે તું ભણવામાં ધ્યાન આપ.’ એ દિવસોમાં મારો ભાઈ પણ કામે લાગી ગયો હતો એટલે આર્થિક બાબતમાં જરાતરા રાહત હતી અને બાકી, આઈ હવે પેલા એક ડાયલૉગ પર બરાબર ફોકસ કરતી હતી કે સૂકો રોટલો ખાઈશું, પણ આપણે બધી રીતે વ્યવસ્થિત થઈશું.
બહુ ભણવા વિશે મને કહ્યું એટલે મેં હા પાડી, મારે માટે થોડાં ટ્યુશન રાખવામાં આવ્યાં અને હું એના પર ફોકસ કરવા માંડી. મરાઠીમાં મારી મહારત, સ્વાભાવિક છે કે એ મારી માતૃભાષા એટલે આમ પણ લખવા-વાંચવામાં સરળતા રહે, પણ ભણવાની આ જે આખી સાઇકલ ચાલુ થઈ એમાં ગુજરાતી પણ હું શીખી ગઈ. ગુજરાતી આવડતી હતી, પણ વધારે ધારદાર કહેવાય એવી રીતે શીખી તો ગણિત અને ભૂગોળ તથા સમાજવિદ્યા જેવા વિષયો પણ ભણવાનું શરૂ કર્યું. મારે એક વાત કહેવી છે કે આપણા દેશમાં ઇતિહાસને બહુ મહત્ત્વ આપવામાં આવે છે અને એ બાબત મને સહેજ કનડે છે. ભૂતકાળના અનુભવ સાથે રાખીને આંખો ભવિષ્ય પર રાખવાની હોય. ઇતિહાસની ચોપડી જાડી હોય એના કરતાં તો બહેતર છે કે વિજ્ઞાનની ચોપડી વધારે મોટી અને જાડી હોય, કારણ કે એ આપણા ભવિષ્યનું સર્જન કરવાની છે.
ભણતરમાં થોડો સમય ગયો અને મારી મોટી બહેને મારા માટે મુંબઈના દરવાજા ફરી ખોલી આપ્યા.
lll
હું ઘરે હતી એ દરમ્યાન મારી મોટી બહેન શાલિની, મારી મુંબઈવાળી બહેન, વડોદરા આવી. આમ તો થોડો સમય તે પિયર રોકાવા આવી હતી, પણ મને ઘરે જોઈને થોડા દિવસ પછી તેણે સામે ચાલીને આઈને કહ્યું કે ઇન્દુમાં આટલી કળા છે તો આપણે તેને ફિલ્મોમાં લઈ જઈએ. દર બીજા દિવસે ફિલ્મોની વાત શરૂ થાય અને આમ મારા મનમાં ફિલ્મો નાખી દીધી. શાલિની કહેતી એટલે હું પણ આઈને કહેતી કે બહેનની વાત સાચી છે, મારે હવે ફિલ્મો કરવી છે. 
ફાઇનલી, એક દિવસ મારી મા માની ગઈ અને તેને મનાવી કોણે, તો કહે, મારી બહેને, એ બહેને જેને મારા નાટકમાં કામ કરવાની વાત પર શરમ આવતી હતી અને અમને તેના સાસરે કહેવાની ના પાડી હતી, પણ આ વાત તો ફિલ્મની હતીને, નાટકની તેની નફરત તો અકબંધ જ હતી. શું કામ નાટક માટે તેને મનમાં ચીડ હતી એ મને ક્યારેય સમજાયું નહીં.
મારી બહેને તેના હસબન્ડ સાથે વાત કરી તો તેમને પણ ખબર પડી કે હું બહુ સરસ અભિનય કરું છું. તેમને પણ મેં કહ્યું કે હું ઍક્ટ્રેસ બનવા માગું છું. તેમણે પણ રાજી થઈને હા ભણી દીધી અને તેમણે તો સિનેમાલાઇનમાં કૉન્ટૅક્ટ પણ કાઢવાનું શરૂ કરી દીધું. તેમના કૉન્ટૅક્ટ નીકળ્યા એટલે મેં ફરી બાંધ્યાં બિસ્તરા-પોટલાં અને હું તો આવી ગઈ ફરી મુંબઈ. જોકે આ વખતે મુંબઈમાં આવવા પાછળનાં સપનાં જુદાં હતાં. હવે નાટકો બંધ હતાં અને ફિલ્મોની દુનિયા ઊઘડવાની હતી. 
lll

હું મુંબઈ આવી. મુંબઈમાં બહેનનું ઘર દાદરમાં હતું અને એ ઘર સારું હતું. બે કે ત્રણ બેડરૂમનો મોટો ફ્લૅટ અને એ સમયની રૂમ એટલે એયને તોતિંગ કહો એવા હોં સાહેબ, આજે તો બે હાથ પહોળા કરો ત્યાં તો રૂમ પૂરી થઈ જાય, પણ પહેલાં એવું નહોતું. મસ્ત ૧૫૦-૨૦૦ ફુટની રૂમ હતી અને એનાથી પણ વધારે મોટો કહેવાય એવો હૉલ હોય. સરસમજાનું ૧૨૫-૧૫૦ ફુટનું કિચન હોય. આજે એ ઘર જોવા મળે એ પણ લહાવો કહેવાય, પણ અમે એવા ઘરમાં રહ્યાં છીએ. ઍનીવેઝ, ઘર પરથી યાદ આવ્યું કે ભાઈ, આ મારો બેટો કોરોના પાછો વીફર્યો છે હોં, તો જરા ધ્યાન રાખજો અને નાહકનું બહાર નીકળવાનું કે પછી અજાણ્યાના સંપર્કમાં આવવાનું ટાળજો. કોરોનાનું આ નવું રૂપ વધારે ઘાતક નથી એવું બધા કહે છે, પણ સાહેબ, જરા મને કહેજો, ઝેરનાં પારખાં હોય?

આપણા દેશમાં ઇતિહાસને બહુ મહત્ત્વ આપવામાં આવે છે અને એ બાબત મને સહેજ કનડે છે. ભૂતકાળના અનુભવો સાથે રાખીને આંખો ભવિષ્ય પર રાખવાની હોય. ઇતિહાસની ચોપડી જાડી હોય એના કરતાં તો બહેતર છે કે વિજ્ઞાનની ચોપડી વધારે મોટી અને જાડી હોય, કારણ કે એ આપણા ભવિષ્યનું સર્જન કરવાની છે.

columnists sarita joshi